ફિલ્મનામા: બામ ચીક, ચીક બમ ને ગાપુચી, ગાપુચી ગમ ગમ!

-નરેશ શાહ
રિલીઝ થતી નવ્વાણું ( ‘99’ આ નામની ફિલ્મ મસ્ત હતી!) ટકા ફિલ્મો તો જોવાની જ હોય છે. વાંચવા-લખવા પછીનું કોઈ ઓબ્સેશન હોય તો તે ફિલ્મો રહી છે અને અમે દરેક કાળ, દશકા અને સદીની ફિલ્મો એન્જોય કરી છે.
‘પાર’ (ગૌતમ ઘોષ)માં નસીર- શબાનાને ગોબરાં ડુક્કરોને તેડતાં અને ડુક્કરો સાથે જ પડ્યાં રહેતાં જોયા છે તો ‘ભોપાલ એક્સપ્રેસ’ની ગેસ દુર્ઘટના પછી પત્નીને શોધતાં રિક્ષાચાલક ઈરફાન ખાનને માણ્યો છે. દિશા અને સૂત્રધારમાં નાના પાટેકરને જુદા જ સ્વરૂપે જોયો છે તો ‘અસંભવ’માં સઈદ જાફરને પોતાની બદલે મિત્રને લઈ જવા માટે યમદૂતને રાજી કરી દેતાં (અને પછી હેરાન થતાં) જોયાં છે. રાજેશ ખન્નાની આંખોના ઠુમકા અને મિથુનના ડિસ્કો ડાન્સના ઉલાળાં તો માટલાં કે ફુગ્ગા કે ટાયરોના ઢગલાં વચ્ચે જીતેન્દ્રને સફેદ શૂઝમાં નાચતો પણ એન્જોયકર્યો છે.
એજ રીતે, ગુરુદત્તના કાગઝ કે ફૂલથી માંડીને કમલ હસનના જરા સી ઝીંદગી અને અનિલકપૂરના જિંદગી એક જુઆ સુધીની અનેક હિન્દી ફિલ્મો માણી છે. કલાસિક (ગર્મ હવા), સર્વશ્રેષ્ઠ (હે રામ), શ્રેષ્ઠ (સદમા), ઉત્તમ (ધૂપ)થી લઈને નબળી (યકીન, અર્જુન- પ્રિયંકા), ઠીક-ઠીક (સુપારી) અને કંડમ (ટશન) કક્ષાની ફિલ્મો જોયા પછી નમ્રપણે માનવું છે કે હિન્દી ફિલ્મો અત્યારે ટોપ ગિયરમાં છે. સોમા વરસમાં પહોંચ્યા પછી હિન્દી ફિલ્મો વધુ એકસાઈટેડ બની રહી છે. અત્યારની ફિલ્મો જોતાં ગુરુદત્ત, મહેબુબખાન, મનમોહન દેસાઈ કે દિલીપકુમાર (કે પ્રદીપકુમાર?), દેવ આનંદ કે વહીદા રહેમાન કે ઝીન્નત અમાન કે પ્રાણસાહેબની જાણે કે ઊણપ સાલતી જ નથી…
આ પણ વાંચો: શાહરૂખ ખાન હોય અને ચહેરા પર સ્મિત ન આવે તેવું ન બને, જૂઓ કિંગ ખાને શું કર્યું કે…
પણ ના, વખાણ નવી ફિલ્મોના કરવાના નથી. વાત જૂની ફિલ્મોની કરવાની છે. તમારા પપ્પા-મમ્મી કે કાકા-ફુઆ કે માસી (એટલે કે પપ્પાની સાળી) જે ફિલ્મોની સતત આપણને દુહાઈ દેતાં રહે છે. એ જૂની ફિલ્મો. 1990 સુધી કે પહેલાં બનતી હતી એ ફિલ્મની વાતો.
પહેલાં વેવલી વાર્તાઓ વાળી ફિલ્મો બનતી. ભાઈ-ભાઈ છુટ્ટાં પડી જતાં અને ભેગા થતાં હતાં. મા ગાજર કા હલવા કે ખીર બનાવ્યાં કરતી. બહેન એટલે માનવાનું જ કે એના પર રેપ થશે. પોલીસ છેલ્લે જ આવતી. દીકરો પોતાના બાપ કે મા કે બહેન પર થતાં અત્યાચારનો બદલો લેતો,(જે આપણાં પર અત્યાચાર હતો.!) કોમેડિયનોની રમૂજ મોટા ભાગે વા છૂટ જેવી ગંધારી જ અને અનિવાર્ય રહેતી. કબૂતરો કે ખીલેલાં ફૂલોનો ઉપયોગ માત્ર ચુંબનોના પ્રતીક તરીકે જ થતો.
હર બાર વહી ઘીસીપટી જ વાત.
સાસુ જુલ્મી જ હોય. નણંદ ચિબાવલી જ હોય. વહુ જુલ્મ વેંઢારતી હોય અને કડવા ચોથના વ્રતનો પ્રચાર કરતી હોય. બળાત્કારો બીભત્સ રીતે જ સંપન્ન થતાં (યાદ છે, નળનું ખુલી જવું, પાણીનું ઢોળાઈ જવું, દીવાનું બુઝાઈ જવું કે કાચમાં તિરાડ પડવું) હતા. નાયિકા શોષણ માટે જ હતી.
નાયક એના જ પ્રેમમાં પડતો. મેળામાં ખોવાઈ જવા માટે જ બાળકો હતાં અને બીજો અકસ્માત યાદદાસ્ત પાછી લાવવા માટે જ કરવામાં આવતો. સોરી, પણ જરા જૂની ફિલ્મો અને તેના વિલન (પ્રેમ ચોપરા, રણજીત, પ્રાણ, પ્રેમનાથ) યાદ કરી જુઓ. એ લોકો કારણ વગર બળાત્કાર કર્યા કરતાં. બળાત્કાર જ જાણે વિલનગીરીનું પ્રતીક હતાં. ચપોચપ વસ્ત્રોમાંથી ડોકાતાં જોબનને દેખાડવા માટે જ જાણે હિન્દી ફિલ્મોમાં વરસાદ વરસતો. કારણ વગરનું એક્સપોઝ અને બુદ્ધિ વગરના સેન્ટિમેન્ટથી હિન્દી ફિલ્મો ઊભરાતી. (અમર, અકબર, એન્થનીમાં ત્રણેય દીકરા માતાને લોહી આપે છે એકસાથે !).
આ પણ વાંચો: સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ક્રિકેટર નરેશ પરસાણાનું નિધન
હોળી, એવી રીતે રમાતી કે એ પ્રમાણે, આપણે ક્યારેય હોળી ઉજવી નથી. વિધવા બનનારી ચરિત્ર અભિનેત્રીના હાથમાંથી કંકુની શીશી પડવી ફરજિયાત હતી. જિતેન્દ્ર અને મદ્રાસની ફિલ્મોમાં કાયમ આડા સંબંધોની બોલબાલા રહેતી. જૂની એકશન ફિલ્મોનો તો જાણે એક ટ્રેડમાર્ક હતો. વિલન સમયસર પહોંચી જતો અને હીરો અણીના સમયે જ એન્ટ્રી મારતો. સુખના દરેક પ્રસંગના અંતમાં વિકૃત હસતો કે હિંસક ખામોશી સાથે વિલન આવી જ જાય. મંગળસૂત્ર, પાયલ અને કંગન સિવાય એકેય ઘરેણાંની વાત હિન્દી ફિલ્મોમાં થતી સાંભળી છે?
એમ આઈ રાઈટ?!
હિન્દી ફિલ્મોમાં વેરાઈટીનો સંપૂર્ણ અભાવ જ હતો. બધું જ બીબાંઢાળ. મિથુન હોય તો ડિસ્કો જ કરે. અમિતાભ હોય તો ગુસ્સો જ કરે. ઝિન્નત કે પરવીન બાબી હોય તો કપડાં ઓછાં પહેરે અને સિગારેટ વધારે ફૂંકે. શશીકપૂર હોય તો વેવલાગીરી વધારે કરે. રાજેશ ખન્ના એની મૂંડી જ હલાવ્યાં કરે. ધર્મેન્દ્ર એક સાથે આઠ દશને ફટકારે ….
ડેની ચીસો જ પાડતો હતો. વધારે રેપ રણજીતે કે પ્રેમ ચોપરાએ? એ સવાલ ક્વિઝમાં ચાલે તેવાં છે. મહેમુદે ચેપ્લીન-કટ મૂછો વધારે રાખેલી કે લૂંગી વધારે ફિલ્મોમાં પહેરેલી? કેશ્ટો મુખરજી કઈ ફિલ્મમાં દારૂડિયા નહોતા? ઈફતેખાર અને અનિતા રાજના પિતા એટલે જ જાણે હિન્દી ફિલ્મની પોલીસ. એ. કે. હંગલ એટલે હિન્દી ફિલ્મોનો લાચાર અને સજ્જન સિનિયર સિટીઝન.
ઓહ માય ગોડ. આપણે આ ફિલ્મો જોઈને મોટાં થયા છીએ?
માન્યું કે આપણા જમાનાની એ ફિલ્મોનું સંગીત વધુ સૂરીલું હતું અને ગીતો
વધુ અર્થસભર હોવાથી વધુ યાદગાર રહેતાં પણ સબૂર. એ જમાનાના ઉત્તરાર્ધમાં ‘ગાપુચી ગાપુચી ગમગમ’ (ત્રિશુલ) અને ‘બમચીક ચીકબમ’ (હમ) અને ‘સરકાઈ લો ખટિયાં’ પણ હતું, જે આજની ‘શીલા કી જવાની’ અને ‘મુન્ની બદનામ’ પેઠે એ ય લોકપ્રિય થતું હતું. એ ન ભૂલવું જોઈએ કે યાદગાર ગીતો દરેક દશકામાં બન્યાં છે.
હવે બોલો. તમે આજકાલની ફિલ્મોને ઉતારી પાડશો કે પછી..