શો-શરાબા: બોક્સ ઓફિસની નવી સ્ક્રિપ્ટ: ફિલ્મ વિના ફૂલટાઈમ એન્ટરટેઇનમેન્ટ!

- દિવ્યકાંત પંડ્યા
વર્ષો સુધી થિયેટર એટલે ફિલ્મ, પણ હવે સમય એવો આવ્યો છે કે થિયેટરમાં ફિલ્મ વિના પણ શો ચાલી રહ્યા છે અને લોકો જોઈ પણ રહ્યા છે. દુનિયાભરમાં એક નવો ટ્રેન્ડ ઝડપથી ફેલાઈ રહ્યો છે, નોન ફિલ્મ ક્ધટેન્ટ ઈન થિયેટર્સનો. બીજા શબ્દોમાં કહીએ તો ફિલ્મ સિવાયની વસ્તુઓ જેમ કે મ્યુઝિક કોન્સર્ટ, ક્રિકેટ મેચ, ફૂટબોલ ટૂર્નામેન્ટ્સ, એવોર્ડ શો, લાઈવ ઇવેન્ટ્સ, સ્ટેન્ડ-અપ કોમેડી, બ્રોડવે શો કે જૂની ફિલ્મ્સના રી-રિલીઝ શો જોવા માટે લોકો ફરી થિયેટર તરફ વળે છે. આજના સમયમાં થિયેટરની મોટી ચેલેન્જ છે OTT નો આરામ.
છેલ્લા કેટલાક સમયથી પીવીઆર-આઈનોક્સ ગ્રુપે પહેલ કરી છે કે હવે એ નોન ફિલ્મ ક્ધટેન્ટ પણ બતાવશે. હકીકતમાં છેલ્લા કેટલાક મહિનામાં અમુક સિનેમાઘરોમાં ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાન વર્લ્ડ કપ મેચનું લાઈવ સ્ક્રીનિંગ થયું અને એની ટિકિટ્સ હાઉસફૂલ થઈ ગઈ હતી. એવા સમયે ઘણા મલ્ટિપ્લેક્સ માલિકોએ કહ્યું કે જો યોગ્ય નિયમો અને સર્ટિફિકેશન મળે તો એ પ્રકારનું ક્ધટેન્ટ નિયમિત રીતે બતાવી શકાશે.
હા, આ રસ્તો એકદમ સરળ નથી. કેટલાક રાજ્યના સિનેમા કાયદા મુજબ ફક્ત સર્ટિફાઈડ ફિલ્મ્સ જ થિયેટરમાં દેખાડી શકાય. એટલે નોન ફિલ્મ ક્ધટેન્ટ માટે પરમિશન લેવી પડે છે. જેમ કે તામિલનાડુ સિનેમા રેગ્યુલેશન એક્ટ મુજબ ક્રિકેટ મેચ કે અનસેન્સર્ડ લાઈવ શો દેખાડવાની મનાઈ છે, પરંતુ ઘણાં રાજ્યોમાં હવે નિયમોમાં બદલ માટેની ચર્ચા ચાલી રહી છે, કારણ કે સિનેમા હોલ્સ માટે પેરેલલ નવા રસ્તા શોધવા જ પડશે.
નોન ફિલ્મ ક્ધટેન્ટ સાથે થિયેટર્સને જીવંત રાખવા માટે એક એવો જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ફિલ્મ્સના રી- રિલીઝ શોનો. લોકો હવે ક્લાસિક કે લોકપ્રિય ફિલ્મ્સને મોટી સ્ક્રીન પર ફરી જોવાનું પસંદ કરી રહ્યા છે. ‘યશરાજ ફિલ્મ્સે’ ‘દિલ તો પાગલ હૈ’ને રી-રિલીઝ કરી અને 90ના દાયકાની રોમેન્ટિક મ્યુઝિકલ વાઇબને નવી પેઢી સમક્ષ લાવ્યા. ‘જબ વી મેટ’ પણ માર્ચમાં રી- રિલીઝ થઈ અને તેની નોસ્ટાલ્જિક સફર માટે દર્શકો પહોંચ્યા હતા. ‘યે જવાની હૈ દીવાની’ કે પછી હોલિવૂડની ‘ઇન્ટરસ્ટેલર’ જેવી ફિલ્મ્સે સિનેમાઘરોમાં ફરી કમાણી કરી. રેખા અભિનિત ‘ઉમરાવ જાન’ 4K રી-માસ્ટર્ડ વર્ઝન અને વિદ્યા બાલનની ‘પરિણીતા’ તો 8K રી- માસ્ટર્ડ વર્ઝન સાથે થિયેટર્સમાં ફરી વખત રજૂ થઈ. ‘તુંબાડ’ અને ‘સનમ તેરી કસમ’ જેવી ફિલ્મ્સ તો રી-રિલીઝમાં ટોપ સાબિત થઈ અને પોતાની રિલીઝ કરતા પણ વધુ કમાણી કરીને બીજી વખતમાં સફળ સાબિત થઈ.
વિશ્વભરમાં પણ નોન ફિલ્મ ક્ધટેન્ટે સિનેમા હોલનો અર્થ બદલી નાખ્યો છે. અમેરિકામાં ‘ટેલર સ્વીફ્ટ: ધ એરાઝ ટૂર કોન્સર્ટ’ ફિલ્મે બોક્સ ઑફિસ પર લગભગ 260 મિલિયન ડૉલર કમાયા, જે સામાન્ય ફિલ્મ કરતાં પણ વધુ કમાણી છે.
‘બિયોન્સે: રેનેસન્સ વર્લ્ડ ટૂર’ પણ મોટી સ્ક્રીન પર રિલીઝ થઈ. યુકેના નેશનલ થિયેટર લાઈવ પ્રોગ્રામ દ્વારા છેલ્લા દસ વર્ષથી લંડનના બ્રોડવે શો, શેક્સપિયરનાં નાટકો અને અન્ય થિયેટર પ્રોડક્શનને સિનેમા હોલમાં લાઈવ બતાવવામાં આવે છે. મેટ્રોપોલિટન ઓપેરા ન્યૂયોર્કમાંથી લાઈવ ઈન એચડી પ્રોગ્રામ ચલાવે છે, જેમાં વિશ્વભરના થિયેટર હોલમાં લાઈવ ઓપેરા સ્ક્રીનિંગ થાય છે. આ બધું દર્શાવે છે કે લોકો ફક્ત ફિલ્મ જ નહીં, પણ થિયેટર્સમાં સારો અનુભવ ઈચ્છે છે!
બોલિવૂડમાં છેલ્લા ઘણા સમયથી બોક્સ ઑફિસ પર સાતત્યતાથી હિટ્સ જોવા મળી નથી રહી. થિયેટર માટે એ ખાલીપો ભરવો જરૂરી બન્યો. એથી જ પીવીઆર, આઈનોક્સ, અને મિરાજ સિનેમાઝ જેવી ચેઈન્સે નોન ફિલ્મ શોની શરણ લીધી છે. OTT એ લોકોને શીખવી દીધું છે કે મનોરંજન દેવની કૃપાથી ફિલ્મ્સ કોઈપણ સમયે, ક્યાંય પણ જોઈ શકાય છે.
લોકોને હવે થિયેટર્સમાં ફક્ત ફિલ્મ નહીં, ઇવેન્ટ એક્સપિરિયન્સ જોઈએ છે. એ સ્થિતિમાં થિયેટર માટે પ્રશ્ન છે દર્શકોને કેમ બોલાવવા? તેનો જવાબ છે કલેક્ટિવ એક્સપિરીયન્સ! જેમ કે જયારે તમે મિત્રો સાથે વર્લ્ડ કપ મેચ મોટી સ્ક્રીન પર જુઓ, ત્યારે એનો આનંદ મોબાઈલ કે ટીવી કરતાં ઘણો મોટો હોવાનો. એ જ રીતે કોન્સર્ટ કે નાટક પણ મોટી સ્ક્રીન પર એવો જ અનુભવ કરાવે છે.
હા, હજી પણ કેટલાક ટેક્નિકલ અને કાયદાકીય પ્રશ્નો છે. નોન ફિલ્મ ક્ધટેન્ટ માટે સર્ટિફિકેશન જરૂરી છે કે નહીં, લાઈવ ઇવેન્ટના રાઈટ્સ કોણ ધરાવે અને પ્રાઈસિંગ કેવી રીતે નક્કી થશે? તેમજ લાઈવ ફેન્સ ઇવેન્ટમાં સુરક્ષા, ક્રાઉડ કંટ્રોલ, ફાયર હેઝાર્ડ જેવા મુદ્દાઓ ઊઠે છે. જોકે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ માને છે કે જો યોગ્ય સિસ્ટમ તૈયાર થાય તો આ પ્રકારનું ક્ધટેન્ટ થિયેટર માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
આગામી સમયમાં મોટા સિનેમા ચેઈન્સ પોતાના ઇવેન્ટ સિનેમા ડિવિઝન બનાવી શકે છે. જેમાં ફક્ત ફિલ્મ નહીં, પણ લાઈવ મ્યુઝિકલ, સ્ટેન્ડ-અપ કોમેડી, ડોક્યુમેન્ટરી, સ્પોર્ટ્સ સ્ક્રીનિંગ અને ક્લાસિક રી-રિલીઝને નિયમિત રીતે બતાવવામાં આવે. જેમ એક સમય ફિલ્મ્સને નવી ટેકનોલોજીએ બચાવી હતી, તેમ હવે નોન ફિલ્મ એન્ટરટેઇનમેન્ટ થિયેટરને નવી ઓળખ આપી રહ્યું છે.
લાસ્ટ શોટ
FICCIEY મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ રિપોર્ટ 2025 મુજબ, નોન-ફિલ્મ ક્ધટેન્ટ અને રી-રિલીઝ ફિલ્મ્સે દેશભરના થિયેટર્સમાં કુલ દર્શક સંખ્યામાં આશરે 8 થી 10 ટકા વધારો આપ્યો છે.
આપણ વાંચો: ક્લેપ એન્ડ કટ..! વિભિષણનો વિશેષ ‘વિવેક’
 
 
 
 


