માય ડેન્જરસ વાઇફ … રગ રગમાં રહસ્ય !
ડગલે ને પગલે વિસ્ફારિત કરતી ટર્કિશ સિરીઝ
ફિલ્મનામા -નરેશ શાહ
દામ્પત્યજીવનને દોઝખ બનાવતી બેવફાઈની રહસ્યરંગી એક વેબસિરીઝની આજે આપણે વાત કરવાના છીએ…
ઈસ્તાંબુલમાં કાફે ચલાવતાં એલ્પરે શ્રીમંત યુવતી ડેરિન સાથે લગ્ન ર્ક્યા છે, પણ પર્ફેકશનની આગ્રહી અને પતિની અનેકાનેક નિષ્ફળતા જોઈ ચૂકેલી ડેરિન પ્રમાણમાં ચતુર છે. પત્નીના આધિપત્યથી પરેશાન પતિ એલ્પર એટલે જ નબળી ક્ષણે સેડાના સ્નેહમાં અટવાયો છે. આ સેડા એના કાફેની બિઝનેસ પાર્ટનર છે, પણ કાફે રૂપિયા રળી શકે એવું ચાલતું નથી.
એલ્પર પત્ની ડેરિનના બેન્ક બેલેન્સ (પાંચ મિલિયન) પર લોન લેવાની પ્રક્રિયા કરી રહ્યો હોય છે પણ…ત્યાં જ એને ખબર પડે છે કે બેન્ક ઓફિસરને ફોન કરીને પત્ની ડેરિને લોન-પ્રપોઝલ પાછી ખેંચી લીધી છે. આ જાણીને પતિ એલ્પર અને ગર્લફ્રેન્ડ સેડા ગિન્નાય છે. ફૂડ સાયન્ટિસ્ટ સેડા પોઈઝન આપીને એલ્પરને ઉશ્કેરે છે કે, આ ઝેર કોકટેલમાં ભેળવીને ડેરિનને આપી દે એટલે છુટકારો…પછી આપણે બન્ને સાથે જીવવાનું શરૂ કરીએ…
કમને પતિ એલ્પર કાફેમાં જ ઝેર ભેળવેલું કોકટેલ બનાવે છે પણ એ જ વખતે એનો સસ્પેન્ડ થયેલો પોલીસ અધિકારી બનેવી યમન આવી ચઢે છે. યમનને જેમ તેમ રવાના કરીને પતિ એલ્પર ઝેરીલા કોકટેલની બોટલ સાથે ઘરે પહોંચે છે , પણ ત્યારે ખબર પડે છે કે પત્ની ડેરિનનું તો અપહરણ થઈ ગયું છે….! પાંચ મિલિયનની ડિમાન્ડ સાથેની અપહરણર્ક્તાની નોટસમાં તાકીદ છે કે ‘પોલીસને જાણ કરીશ તો ડેરિનને મારી નાખવામાં આવશે…’
તરત એલ્પર પોલીસને જાણ કરે છે. એ ઈચ્છે છે કે ઝેરીલા કોકટેલને બદલે અપહરણર્ક્તા જ પત્નીને મારી નાખે તો ટાઢા પાણીએ ખસ …! જો કે, તપાસમાં આવેલા પોલીસ ઓફિસર ફિરાટને (સ્વાભાવિકપણે જ) શ્રીમંત પત્નીના
અપહરણ માટે પતિ જ શંકાસ્પદ લાગે છે. એક વખત એના હાથમાં ઝેરીલા
કોકટેલની બોટલ પણ આવી જાય છે , પરંતુ પતિ એલ્પર શિફતથી એને વોશ બેઝિનમાં ઢોળી દે છે અને ખાલી બોટલ બેડરૂમમાં જ રાખેલા ડસ્ટબીનમાં
રાખી દે છે.
પતિ એલ્પર અને વર્કિંગ બિઝનેસ પાર્ટનર કમ ગર્લફ્રેન્ડ સેડા મનોમન હરખાઈ છે, પણ પોલીસની પૂછપરછ અને એકઠા થઈ ગયેલા મીડિયાના લોકોથી પતિ એલ્પર પરેશાન છે. પત્નીના અપહરણ માટે પોલીસ એને જવાબદાર ગણે છે એની અકળામણ એલ્પરને વધુ છે.
હા, એલ્પરને એ પણ યાદ આવે છે કે, એ રાતે ઘેર આવ્યો ત્યારે એક યુવાન એના ઘર પાસેથી નીકળ્યો હતો. એ જ યુવાન એનો પીછો કરતો હોવાનો ખ્યાલ આવે છે તેથી એલ્પર એને ઝડપી લે છે. એ યુવાન પાસેથી પતિ એલ્પરને જાણવા મળે છે કે એ પત્ની ડેરિનનો કોલેજકાળનો મિત્ર છે. એ મિત્ર જ એલ્પર સમક્ષ્ા બોમ્બ ફોડે છે કે એલ્પર અને સેડાના અફેર થી એની પત્ની વાકેફ હતી અને પરેશાન પણ.પત્ની પોતાના અફેરથી વાકેફ હતી છતાં એણે ક્યાંય એ દેખાવા દીધું નથી એ જાણીને એલ્પરનો પ્રેમ પુન: જાગૃત થવા લાગે છે.
આ તરફ, અપહરણ કરનાર એની પત્નીનો ડિઝાઈનર નખ કાપીને મોકલે છે, પણ એ જોયા પછી એલ્પરનો પત્ની ડેરિન માટેનો પ્રેમ ફરી ફૂંફાડા મારવા લાગે છે. ગર્લફ્રેન્ડ સેડાથી તો આમ પણ પોલીસની નજરથી બચવા માટે એ દૂર રહેવા લાગ્યો છે, પણ…
…. પછી એવું બને છે કે ડેરિનને પામવા માટે એલ્પર (એની પત્નીના જ) પાંચ મિલિયન અપહરણર્ક્તાના આદેશ પ્રમાણે પહોંચાડે છે અને એનો પીછો
કરી રહેલી પોલીસને પણ ચકમો આપે છે. દરમિયાન, ફિરૌતી ચૂક્વાયા પછી
ઈજાગ્રસ્ત ડેરિનનો કબજા પોલીસને મળે છે, પરંતુ લુચ્ચો બનેવી યમન પોલીસના કાનમાં ફૂંક મારે છે કે, અપહરણની રાતે એલ્પર કાફેમાં એકલો કોકટેલ બનાવતો હતો…
… પણ એલ્પર (અને ગર્લફ્રેન્ડ સેડાને) ડર છે કે ફોરેન્સિક રિપોર્ટ
આવતાં જ ડેરિનની હત્યાનું ષડયંત્ર કરવાના ગુનામાં સપડાઈને જેલમાં
જવાના છે…..
ટર્કિશ ભાષામાં બનેલી માય ડેન્જરસ વાઈફ ( મૂળ નામ : તેલીકલી કરીમ) ‘એમએક્સ પ્લેયર’ પર હિન્દીમાં ઉપલબ્ધ છે (આ નામથી જ એક કોરિયન સિરીઝ નેટફલિક્સ’ પર પણ છે). એમ છતાં, ‘માય ડેન્જરસ વાઈફ’ નો અલપ-ઝલપ સાર અહીં આપ્યો છે. સોળ એપિસોડ અને આશરે પંદર કલાક લાંબી ટીવી સિરીઝમાં ઘટનાઓ એક પછી એક એવી ધોધમાર બને છે કે દર્શકો દંગ રહી જાય… ઝેરિલાં કોકટેલની બોટલનો ફોરેન્સિક રિપોર્ટ તો નેગેટિવ આવે છે પરંતુ તેનું આશ્ર્ચર્ય અને આનંદ ઝાઝાં ટક્તાં નથી.
પેલી ઝેરીલાં કોકટેલની બોટલ તો પત્ની ડેરિને જ બદલાવી નાખી હતી તેની ખબર પડતાંની સાથે પતિ એલ્પર અને ગર્લફ્રેન્ડ સેડાને એ પણ ખબર છે કે પત્ની તો એ બન્નેના ફોનકોલ્સ સુધ્ધાં દિવસોથી રેકોર્ડ કરતી હતી અને બન્નેની દરેક હિલચાલ પર એની નજર હતી…
ધીમે ધીમે રહસ્યસ્ફોટનો પટારો ખૂલતો જાય છે. એ પછી શું થાય છે ? એ જાણવા માટે તમારે ‘મેક્સ પ્લેયર’ પર હિન્દીમાં રજૂ થયેલી આ ટર્કિશ ટીવી જોવી પડે.
- અને ન જોવાના હો તો એટલું પણ જાણી લો કે અંત આપણી કલ્પનાથી અલગ છે…!