મેટિની

મૂછેં હોં તો નથ્થુલાલ જૈસી?

મહેશ નાણાવટી

ગયા શુક્રવારે આપણે એકટરોની વિગ વિશેની વાતો લઈને બેઠા હતા. આજે મૂછ હાથમાં આવી છે. (ચિંતા ન કરો, કોઈની ચોટલી હાથમાં નથી લેવાની ! …)
આમ તો મૂછો એ પુરુષોની મર્દાનગીની નિશાની માનવામાં આવે છે, પરંતુ તમે માર્ક કરજો, મોટેભાગના સફળ અને હેન્ડસમ હીરોલોગ મૂછમૂંડા જ રહ્યા છે. સલમાન ખાનનું નામ એમાં સૌથી ઉપર મૂકવું પડે, પરંતુ આપણે જરા દૂરના ભૂતકાળથી શરૂ કરીએ?
સૌથી પહેલાં તો એ કબૂલ કરવું પડે કે રાજ કપૂરે પોતાની આખી કારકિર્દીમાં ક્યારેય મૂછમૂંડા બનીને પરદા ઉપર (કે ઈવન પરદા પાછળ) આવવાનું સ્વીકાર્યું નહોતું. એની સામે જેની સૌથી ફળદ્રુપ ‘ખેતી’ માનવામાં આવે છે એવા બિચારા અનિલ કપૂરને એક ફિલ્મમાં પોતાની જ મૂછ મૂંડાવવી પડી હતી! એ ફિલ્મ હતી ‘લમ્હે’. અહીં વિચિત્ર વાત તો એ હતી કે જે પાત્ર ભજવવા માટે મૂછ કઢાવી નાખી હતી એ તો શ્રીદેવીના બાપની ઉંમરનું હતું !

બીજા એક કલાકાર હતા પ્રદીપકુમાર. એમણે પણ કદી મૂછો ઉતરાવી નહીં. એમ તો તાલીમાર ડાયલોગબાજી અને ટણીબાજ અદાકારીના શહેનશાહ એવા રાજકુમારે પણ છેલ્લી ફિલ્મ સુધી મૂછ રાખી હતી, પરંતુ એમાં તકલીફ એક જ હતી કે એમની મૂછ ગુરુત્વાકર્ષણના નિયમની વિરુદ્ધ ધીમે ધીમે, ફિલ્મે ફિલ્મે ઊંચી ને ઊંચી ચડતી જતી હતી! વધુ એક હીરો, જેને કદી ‘સ્ટાર’ની ગણવામાં આવ્યો જ નહીં એ અમોલ પાલેકરે એકમાત્ર ફિલ્મ ‘ગોલમાલ’માં ડબલ રોલ ભજવવા માટે મૂછ મૂંડાવી હતી. જોકેએ સિવાયની જેટલી ભૂમિકા ભજવી એ વળી કંઈ ‘મૂછાળા મરદ’ની તો નહોતી જ!
ડબલ રોલની વાત નીકળી છે તો રાજેશ ખન્ના જે ફિલ્મથી સુપરસ્ટાર બન્યા તે પહેલી જ સુપરહિટ ફિલ્મ ‘આરાધના’માં ઈન્ટરવલ પછી શર્મિલા ટાગોરના દીકરા તરીકે એ સૂતળી જેવી પાતળી મૂછ લગાવીને આવી ગયા હતા.
જોકે,એ સિવાય રાજેશ ખન્નાનું મૂછ લગાવવા પાછળનું લોજિક બહુ ક્લિયર હતું. જ્યારે જ્યારે હીરોના નેગેટિવ રોલ હોય ત્યારે મૂછ લગાડી દેવાની, જેમ કે ‘દુશ્મન’, ‘દાગ’, ‘રાજારાની’, ‘હમશકલ’ વગેરે.!

હા, 60-70ના દશકના સમયમાં જ્યારે હિન્દુ હીરોએ મુસ્લિમ હીરોનું પાત્ર ભજવવાનું આવે ત્યારે પાતળી મૂછો લગાડી દેવાની જાણે એક ફોર્મ્યુલા હતી! રાજેશ ખન્ના ‘મહેબૂબ કી મહેંદી’માં, જિતેન્દ્ર ‘મેરે હુજુર’માં અને ‘દિદાર-એ-યાર’માં, રિશી કપૂર ‘અમર અકબર એન્થની’માં કે ઈવન પંકજ પરાશર ‘નિકાહ’માં!

આ બધા વચ્ચે જિતેન્દ્રનો કેસ બડો મજેદાર છે. એમની ઈમેજ ‘જમ્પિંગ જેક’ની બની ગઈ હતી. એમાંય વચ્ચેના સમયમાં જ્યારે ફિલ્મો ખાસ ચાલી નહોતી રહી ત્યારે જિતેન્દ્રએ ગુલઝાર સાહેબને પકડયા હતા. ગુલઝાર સાહેબે આ ભાઈને ‘સિરિયસ’ દેખાડવા માટે ‘પરિચય’માં જાડી મૂછો ચોંટાડી આપી! (જાડા ચશ્મા પણ પહેરાવી દીધેલા.) એ જ ઈમેજ જિતેન્દ્રએ ‘કિનારા’માં તો રિપીટ કરી જ કરી, પણ પાછળથી જ્યારે સાઉથની ફિલ્મો લેવા માંડી ત્યારે મોટી ઉંમર બતાડવાની હોય એવી સ્ટોરીમાં એ જ મૂછો સફેદ કરાવીને ચોંટાડવા માંડેલી! (પેલા ચશ્મા પણ સાચવીને સાથે જ રાખેલા.)

એ જ રીતે હીરોને જ્યારે ગામડીયાનો રોલ કરવાનો હોય ત્યારે પણ મૂછો ચોંટાડી દેવાતી હતી. જિતેન્દ્રએ ‘ધરતી કહે પુકાર કે’, ‘બનફૂલ’ જેવી ફિલ્મોમાં મૂછો લગાડી હતી. આ મામલામાં દિલીપકુમાર સાહેબનું કહેવું પડે. એમણે છેક 1961માં ‘ગંગા જમના’માં ગામડીયાનો રોલ ભજવવા માટે મૂછો લગાડેલી. એ પછી છેક ‘1974માં ‘સગીના મહાતો’ માટે એવી મૂછો ચીપકાવી હતી! જોકે એ પછી ‘સૌદાગર’, ‘શક્તિ’, ‘વિધાતા’, ‘મજદૂર’, ‘ક્રાંતિ’, ‘મશાલ’, ‘કર્મા’, વગેરેમાં મૂછો લગાડેલી, પરંતુ એ બધા સિનિયર કેટેગરીના રોલ હતા. હા, એકદમ યાદગાર છતાં ખૂબ જ ફની કહી શકાય એવી મૂછો એમણે ધારણ કરેલી ‘મુગલ-એ-આઝમ’માં! દેવ આનંદ મોટાભાગે ‘ક્લિન સેવ્ડ’- મૂછ વગરના રોલ કરતા અપવાદ રુપ એમણે ‘હમ દોનો ’ અને ‘ગેમ્બલર’માં મૂંછ ઘારણ કરવી પડી હતી ખરી અહીં સિનિયર કેટેગરીની વાત નીકળી છે તો જેકી શ્રોફને યાદ કરી લઈએ? જેકીએ યંગ હીરો તરીકે એકપણ રોલ માટે મૂછ મૂંડાવી નહોતી (રેકોર્ડ છે હોં.) પરંતુ પાછળથી પ્રિયદર્શનની ફિલ્મ ‘હલચલ’માં વડીલનો રોલ ભજવવા માટે મૂછો મૂંડાવી નાંખી! જરા ઊલટું ના કહેવાય? કેમ કે રાજેશ ખન્નાએ જ્યારે ‘અવતાર’માં ઘરના મોભીનો રોલ કર્યો ત્યારે સરસ મજાની ‘સોલ્ટ ઍન્ડ પેપર’ ટાઈપની મૂછો લગાડી હતી.

બાકી મહાનાયક અમિતાભ બચ્ચનની વાત કરો તો સાહેબ, પહેલી જ ફિલ્મ જેમાં એમને ‘ગુંગાભાઈ’ બનાવી દીધેલા એ ‘રેશમા ઔર શેરા’માં એમણે ભરાવદાર અને હૃષ્ટપૃષ્ટ મૂછો લગાડેલી! જોકે એ પછી અમિતાભે પણ પેલો નેગેટિવ શેડના રોલવાળો નિયમ ચાલુ રાખેલો. ‘સૌદાગર’ (1973), ‘દો અજનબી’, ‘ગંગા કી સૌગંધ’, ‘કસમેં વાદે’, ‘ઈમાન ધરમ’, ‘સત્તે પે સત્તા’ (ડબલ રોલ), ‘પુકાર’ (ડબલ રોલ) વગેરે.

આપણ વાંચો:  સુપરહિટ વિદેશી ફિલ્મની નવ વર્ષમાં 26 રિમેક, પણ ઈંગ્લિશમાં એક સુધ્ધાં નહીં!

જોકે બચ્ચન સાહેબ સિનિયર કેટેગરીમાં આવી ગયા પછી તો દાઢી-મૂછનો કોઈ હિસાબ જ રહ્યો નથી. બસ, એમનો ‘શરાબી’નો ડાયલોગ તમામ ફિલ્મી મૂછોને અંજલિ આપવા માટે પૂરતો છે કે ‘મૂછે’ હોં તો નથ્થુલાલ જૈસી… વરના ના હોં!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button