મનોરંજનનું મેઘધનુષઃ મોના સિંહ

ઉમેશ ત્રિવેદી
સત્તર વર્ષની ફિલ્મ કારકિર્દી દરમિયાન માત્ર 11 જ ફિલ્મ અને તેમાંથી પણ ત્રણ ફિલ્મ આમિર ખાન સાથે કરનારી મોના સિંહની ફિલ્મી કારકિર્દી દરમિયાન પહેલી જ વાર એવું થવાનું છે કે ઉપરાછાપરી એટલે કે સતત બે અઠવાડિયામાં તેની બે ફિલ્મ રજૂ થવાની છે. આવું તો ખૂબ જ લોકપ્રિય હોય એવી અભિનેત્રીઓ સાથે પણ કોઈક જ વાર થાય છે.
મોના સિંહની હેપ્પી પટેલ-ખતરનાક જાસૂસ’ ફિલ્મ 16 જાન્યુઆરી એટલે કે આજે રિલીઝ થવાની છે અને તેની બીજી ફિલ્મબોર્ડર-ટુ’ આવતા શુક્રવારે 23 જાન્યુઆરીએ પ્રદર્શિત થવાની છે.
મોના સિંહે 2003થી અભિનયની કારકિર્દી શરૂ કરી છે. 2003થી 2006 સુધી તે ટી.વી. પર રીતસરની છવાઈ ગઈ હતી. `જસ્સી જૈસી કોઈ નહીં’ સીરિયલમાં મુખ્ય ભૂમિકા કરીને મોના સિંહે ટી.વી. ઉદ્યોગમાં ખૂબ જ નામના-લોકપ્રિયતા મેળવી છે.
થ્રી ઈડિયટ્સ',લાલસહિ ચઢ્ઢા’ અને હવે હેપ્પી પટેલ-ખતરનાક જાસૂસ'એ મોના સિંહની આમિર ખાન સાથેની ત્રીજી ફિલ્મ છે.હેપ્પી પટેલ…’નો નિર્માતા આમિર ખાન છે અને તેમાં એ મહેમાન કલાકાર તરીકે પણ છે.
પંજાબના ચંડીગઢમાં શીખ કુટુંબને ત્યાં જન્મેલી મોના સિંહ અત્યારે 44 વર્ષની ઉંમરે એક અભિનેત્રી તરીકે સતત આગેકૂચ કરી રહી છે. હમણાં જ કે.બી.સી. (કૌન બનેગા કરોડપતિ)માં વીર દાસની સાથે આવેલી મોનાએ પોતાનો સંઘર્ષ વર્ણવતા કહ્યું હતું કે `જસ્સી જૈસી કોઈ નહીં’ સિરિયલ તેને મળી તે અગાઉ તેણે આ ભૂમિકા માટે 50 જેટલાં ઓડિશન આપ્યા હતા.
તે સમયે તે દિલ્હીમાં રહેતી હતી અને ઓડિશન આપવા માટે તે દિલ્હીથી આવતી હતી. જોકે, આ સિરિયલે તેને ભરપૂર નામના-લોકપ્રિયતા અપાવી હતી. ઉપરાંત આ સિરિયલને કારણે તેને ઘણાં એવોડર્સ પણ મળ્યા હતા. તેમાં અપ્સરા એવોર્ડ, ઈન્ડિયન ટેલી એવોર્ડસ અને ઈન્ડિયન ટેલિવિઝન એકેડેમી એવોર્ડસનો સમાવેશ થાય છે.
2007માં મોના સિંહે રિયાલિટી શો ઝલક દિખલા જા’ની પહેલી સીઝનમાં ભાગ લીધો અને તેમાં તે વિજેતા નીવડી હતી. ત્યાર પછી 2008માંએક ખિલાડી-એક હસીના’ નામના રિયાલિટી શોમાં પણ તે વિજેતા બની હતી. આમ, મોના સિંહ અનેક એવોર્ડ અને અનેક ટ્રોફી મેળવીને સતત આગળ વધી રહી છે.
ટી.વી. સિરિયલ, ફિલ્મો અને પછી વેબ સિરીઝની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને 2018માં મોના સિંહે ઓટીટી પર પદાર્પણ કર્યું. `યે મેરી ફેમિલી-સીઝન વન’ એ તેની પહેલી વેબ સિરીઝ હતી. ત્યાર પછી કહને કો હમસફર હૈ -મિશન ઓવર માર્સ- બ્લેક વિડો-મેઈડ ઈન હેવન-કાલા પાની- મિસ્ટ્રી -ધ બેડ્સ ઑફ બોલિવૂડ અને થોડે દૂર થોડે પાસ… જેવી વેબ સિરીઝમાં તેનું કામ વખણાયું છે.
આ બધા ઉપરાંત મોના સિંહે ટી.વી. કાર્યક્રમના સંચાલક તરીકે પણ અનોખી છાપ છોડી હતી. ઝલક દિખલા જા’ની પહેલી સીઝનમાં ભાગ લીધા પછી 2007માંઝલક દિખલા જા’ની બીજી સીઝનમાં તે સંચાલક તરીકે રજૂ થઈ.
2009થી 2014 સુધી `એન્ટરટેનમેન્ટ કે લિયે કુછ કરેગા’ની સંચાલક, ઝલક દિખલા જા-સીઝન ફોર-શાદી તીન કરોડ કી- સ્ટાર યા રોકસ્ટાર-કોમેડી નાઈટ્સ બચાઓ અને મૌકા એ વારદાત જેવાં શોના સંચાલક તરીકે મોના સિંહ ટી.વી.ના ટચૂકડા પડદે સતત દેખાતી રહી છે.
`બોર્ડર-ટુ’માં સની દેઓલ, વણ ધવન, દિલજીત દોસાંજ, અહાન શેટ્ટી, સોનમ બાજવા, સુનીલ શેટ્ટી, અક્ષય ખન્ના જેવાં કલાકારો છે. અનુરાગ સિંહ દિગ્દર્શિત ફિલ્મમાં મોના સિંહ, સની દેઓલની માતાની ભૂમિકામાં દેખાવાની છે. 68 વર્ષના સની દેઓલની માતા તરીકે 44 વર્ષની મોના સિંહની અભિનય ક્ષમતાની કસોટી થશે.
જોકે, આવું પહેલી વાર નથી થઈ રહ્યું. હીરો કરતાં તેની માતાની ભૂમિકા ભજવનારી અભિનેત્રીની ઉંમર નાની હોય એવું ઘણી વખત જોવા મળ્યું છે અને રૂપેરી પડદા પર એ મેકઅપ’ અનેગેટ અપ’ વત્તા અભિનય ક્ષમતાને કારણે એ શક્ય બને છે અને મોના સિંહ તેમાં પાર ઊતરશે એમાં કોઈ જ શંકા નથી.
OTTનું હોટસ્પોટ
17 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી ન્યૂ ઝીલેન્ડ સાથેની મેચોનું આકર્ષણ…
ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે અત્યારે વન-ડે સિરીઝ રમાઈ રહી છે, તેની ત્રીજી અને છેલ્લી વન-ડે 18 જાન્યુઆરીએ જિયો હોટસ્ટાર પર રજૂ થશે, ત્યાર પછી ટી-20 શ્રેણી શરૂ થશે, તેમાંની પહેલી મેચ 21 જાન્યુઆરીએ અને બીજી મેચ 23 જાન્યુઆરીએ રજૂ થશે.
- જિયો હોટસ્ટાર: વિભુ પૂરી દિગ્દર્શિત ફિલ્મ `ગુસ્તાખ ઈશ્ક’ 23 ફેબ્રુઆરીએ રજૂ થશે. વિજય વર્મા, ફાતિમા સના શેખ, નસીદ્દીન શાહ અને શારીબ હાશ્મીની આ ફિલ્મ દર્શકોને જકડી રાખવા સમર્થ છે.
- નેટફિલક્સ: આ ઓટીટી ચેનલ પર આવતા શુક્રવારે 23 જાન્યુઆરીએ ધનુષ, ક્રીતી સેનન, પ્રકાશ રાજ, જયા ભટ્ટાચાર્ય અને વિનીત કુમાર અભીનિત અને આનંદ એલ. રાય દિગ્દર્શિત સફળ ફિલ્મ `તેરે ઈશ્ક મેં’ રજૂ થશે.
- ઝી ફાઈવ: અહીં આજે એટલે કે 16 જાન્યુઆરીએ વિવેક ઓબેરોય, રિતેશ દેશમુખ, આફતાબ શિવદાસાની, તુષાર કપૂર અભિનીત ફિલ્મ `મસ્તી ફોર’ રિલીઝ થશે, જેના દિગ્દર્શક મિલાપ ઝવેરી છે. આ જ ચેનલ પર આજે 16 જાન્યુઆરીએ ભા-ભા ફિલ્મ રજૂ થશે, જેનાં મુખ્ય કલાકારો દિલીપ અને મોહનલાલ છે.
- સોની લિવ: મામૂટી સ્ટારર ફિલ્મ `કલમ-કાવલ’ આજે 16 જાન્યુઆરીએ રજૂ થશે.
આ પણ વાંચો…મનોરંજનનું મેઘધનુષઃ અગત્સ્ય નંદા-સિમર ભાટિયાની પહેલી ફિલ્મ ને ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ…



