ફિલ્મનામાઃ મિયાં-બીવી ઔર મર્ડર… ભેદભરમના ભોપાળાં | મુંબઈ સમાચાર
મેટિની

ફિલ્મનામાઃ મિયાં-બીવી ઔર મર્ડર… ભેદભરમના ભોપાળાં

નરેશ શાહ

આપણે ભલે માણસોને બ્લેક ઈન વ્હાઈટના ખાનામાં મૂકતાં રહીએ પણ ખરેખર તો માણસ માત્ર ગ્રેડ શેડ ધરાવતું પ્રાણી છે. મતલબ કે દરેકમાં પ્લસ-માઈનસના પાનાં સરખી રીતે જ ચિતરાયેલાં હોય છે, પછી એ ભાગીદારો હોય કે સગા ભાઈઓ કે પતિ-પત્ની.

MX Player પર સ્ટ્રીમ થયેલી ‘મિયાં- બીવી ઔર મર્ડર’ વેબ સિરીઝ આવી જ નબળાઈ ધરાવતાં પતિ-પત્નીની વાત કરે છે, પણ, એ રોહિત શેટ્ટીની ભેજાગેપ કોમડી ફિલ્મના અંદાઝમાં. જી, તમને ભેજાગેપ છતાં મજેદાર કોમેડીનો તડકો મારેલી મર્ડર-મિસ્ટરી જોવામાં રસ હોય તો બચ્ચાંઓ સૂઈ જાય પછી (કારણ કે તેમાં છૂટથી ગાળો બોલવામાં આવે છે અને સેક્સુયલ જેસ્ચર-જાતીય ઈશારા પણ છે!) ‘મિયાં બીવી…’ જોવા જેવી ખરી…

પોતાના પોલીસકામમાં જ વ્યસ્ત રહેતાં ડીસીપી જયેશ રોય (રાજીવ ખંડેલવાલ)ની પત્ની પ્રિયા (મંજરી ફડણવીસ) પતિથી સંતુષ્ઠ નથી એટલે મિશન માટે રાતભર કામે જતાં પતિની ગેરહાજરીમાં પ્રિયા નવા-નવા ફ્રેન્ડ બનેલાં વરુણને પોતાના ઘરે બોલાવે છે. રંગરેલિયા મનાવવા વાસ્તે, પણ…

આ પણ વાંચો…ફિલ્મનામાઃ ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’ની આંટીઘૂંટી…

પ્રિયા અને વરુણ રંગરેલિયા મનાવતાં હોય છે એ દરમિયાન ડ્રગ્ઝની આડઅસર રૂપે વરુણનું કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ થઈ જાય છે. એ જ સમયે પતિ ડીસીપી જયેશ રોય ફલેટની ડોર બેલ મારે છે એટલે ‘લાશ અને લફરૂ’ છુપાવવા માટે પ્રિયા બિઝી થઈ જાય છે. બધું થાળે પાડી પ્રિયા ફ્લેટનો દરવાજો ખોલે છે તો નજર સામેનું દૃશ્ય જોઈને તે હેબતાઈ જાય છે… પતિ જયેશ દાદરા પરથી પડીને મૃત્યુ પામેલી ઘર નોકરાણી માલતી પાસે બેઠો છે!

બે.. બે મર્ડર…એક લાશ પત્નીનાં કારણે ઘરમાં પડી છે તો બીજી લાશ પતિના કારણે સીડી પર છે! નોકરાણી માલતી સાથે પતિ જયેશ રોયને અફેર હતું અને એ પ્રેગનન્ટ બનીને જયેશને બ્લેક મેઈલ કરવા ફલેટ સુધી આવી ગઈ હતી. તેને દૂર હડસેલવા જતાં માલતી ગબડીને મૃત્યુ પામી હતી.

હવે આ બન્ને લાશને ઠેકાણે પાડવાની મથામણમાં પતિ-પત્ની ધંધે લાગે છે પણ એ દરમિયાન એટલું બધું બને છે કે તમે સ્તબ્ધ થઈને આ ભોપાળું જોતાં રહો છો. ઘરમાં બેડરૂમમાં બે લાશ પડી છે અને પ્રિયા-જયેશના ફ્લેટમાં સુરક્ષા માટે બે પોલીસ અધિકારી આવી પહોંચે છે. મરનાર વરુણનો ગે-બોયફ્રેન્ડ પણ ઘરમાં ઘૂસે છે. ડીસીપી જયેશ રોયે એ રાતે જ નોકરીમાંથી કાઢી મૂકેલો અચ્છેલાલ પણ ખરે ટાંકણે ડોર બેલ વગાડે છે. મુંબઈનો ડોન અબ્બાસ મીઠા પણ પોતાના સાગરીતો સાથે ત્યાં પધારે છે તો એક પિત્ઝા બોય ડિલિવરી કરવા આવી પહોંચે છે…

ભેદભરમને છુપાવવા માટે રચાતાં આ ભોપાળાં એટલાં તો ઈન્ટરેસ્ટિંગ છે કે મર્ડર મિસ્ટરી હોવા છતાં તમે મરકતાં રહો છો. ‘ફિલ્મનામા’ કોલમમાં અનેક થ્રિલર વેબ સિરીઝ વિશે લખાયું છે, પરંતુ સુનીલ માનચંદાએ ડિરેક્ટ કરેલી ‘મિયાં- બીવી ઔર મર્ડર’ જેવી હલ્ફીફુલકી થ્રિલર વિષે પ્રથમવાર લખાઈ રહ્યું છે.

આ વેબ સિરીઝનું નિર્માણ પણ સુનીલ માનચંદા અને સંબિત મિશ્રાએ કર્યું છે અને સ્ક્રીન પ્લે તેમજ ડાયલોગ પણ એમના જ છે. એકાદ બે નમૂના: યે તીસરા કૌન યહાં આ કે મર ગયા… સર, ઈસકે પાસ પિસ્તોલ તો હૈ પર ગોલી નહીં હૈ… યે દોસ્ત હૈ તો ફીર (ઈસ) લાશ કી ઝીપ (પેન્ટની ચેઈન) કયોં ખૂલી હૈ?

રાજીવ ખંડેલવાલ, મંજરી ફડણવીસ, અસ્મિતા કૌર બક્ષીસ (માલતી), આશુતોષ પાંડે (અચ્છેલાલ), પ્રસાદ ખાંડેકર (ઈન્સ્પેક્ટર સાંવત,) રૂસદ રાણા (અબ્બાસ મીઠા) જેવા કિરદાર અને અભિનેતા ‘મિયાં…’ના પ્લસ પોઈન્ટ છે.

વેબ સિરીઝનો આ વિચાર જ નવતર છે: પોલીસ ઓફિસર અને તેની પત્ની, બન્ને એક-એક મર્ડરમાં નિમિત્ત બને. બન્નેની લાશ ઘરમાં જ રાખવી પડે અને પોલીસ હોવા છતાં એની પોલીસ કમ્પલેઈન ન થઈ શકે એવી સિચ્યુએશન જ લાફટર માટે પૂરતી છે…

આ પણ વાંચો…ફિલ્મનામા: માનવું તો પડશે, સમીરજી… આપકા જાદુ ચલ ગયા!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button