મેટિની

નાટકનો પડદો પડે-ઊપડે

27 માર્ચે ‘વર્લ્ડ થિયેટર- ડે’ અવસરે ગુજરાતી રંગભૂમિના ભવ્ય વારસાની એક ઝલક

સ્ટાર-યાર-કલાકાર -સંજય છેલ

મુંબઈમાં ભાંગવાડી થિયેટરનું પ્રવેશદ્વાર… એક જમાનામાં આપણી જૂની રંગભૂમિનાં અહીં અનેક યાદગાર નાટકો સર્જાયા – ભજવાયાં અને દર્શકોએ વધાવ્યાં… વરસો પહેલાં જૂની રંગભૂમિનું મક્કા એવા મુંબઈનું ભાંગવાડી થિયેટર 1978માં બંધ થયું ને ત્યાં આજે શોપિંગ સેન્ટર છે. એ સ્થળે નાટકનાં રિહર્સલ્સ કરતી વખતે કોઇ યુવાન દિગ્દર્શકને અડધી નાશ પામેલી કેટલીક સ્ક્રિપ્ટ જોવા મળેલી એવું સાંભળેલું. ક્યારેક થાય છે કે ગુજરાતી પ્રજા, એ બધાં લખાણો કેમ ન સાચવી શકી? જર્મનીમાં વિશ્વયુદ્ધ પછી નાશ પામેલાં શહેરોમાં, સરકાર ને સમાજે સૌપ્રથમ થિયેટરો પુન: બંધાવવાનાં શરૂ કરેલાં!

આ પણ વાંચો:ક્લેપ એન્ડ કટ..! : ‘ઊડતા પંજાબ’ બીજી વખત ઊડશે પણ અલગ રીતે

આપણે ત્યાં આવું થાય? ના. આપણે પરંપરા કરતાં પૈસાને વધુ મહત્ત્વ આપીએ છીએ. આપણે માત્ર ‘આજ’માં જીવીએ છીએ, ઇતિહાસને ના સંભાળવા કે સંભારવાની આપણી આદત નથી. એક જમાનાનાં સુપરસ્ટાર નાટ્યઅભિનેતા નિર્દેશક સ્વ. પ્રવીણ જોશીજીનાં અનેક યાદગાર નાટકોનાં તવારીખવાર ફોટાંઓ, ટીવીફિલ્મ પર એમની લાંબી મુલાકાત કે પ્રવીણભાઇ વિશે કોઇ સારું સચિત્ર પુસ્તક પણ આપણી પાસે નથી.

ગુજરાતી નાટકોમાંથી બોલિવૂડમાં છવાઇ જનારા ગુજરાતીના મહારથી એવા કલાકાર સ્વ. સંજીવકુમારનો પણ એકેય ઇન્ટરવ્યુ ગુજરાતી ભાષામાં આપણી પાસે નથીને આમ તો ગુજરાતી ‘સમૃદ્ધ પ્રજા’ છે! હવે આપણે સૌ પરેશ રાવલ, સિદ્ધાર્થ રાંદેરિયા, મનોજ જોશી, સંજય ગોરડિયા કે શર્મન જોષી કે પછી પ્રતીક ગાંધી જેવાં ગુજરાતી કલાકારોને હિંદીગુજરાતી નાટકો ફિલ્મો વેબસિરીઝોમાં જોઈને ખુશ છીએ, પણ એ કલાકારોની સફળતા પાછળ ગુજરાતી નાટકોનો 172 વરસ જૂનો ભવ્ય ઐતિહાસિક વારસો છે.

‘અહો આર્યો, ભરથરી ખેલ ચાલો આજ રે ભજવીએ… નર-નારદ દુર્ગુણ નખશિખ દર્શાવીએ’ આવું ગાઈને એક જમાનામાં કલાકારો, પ્રેક્ષકો સામે હાથ જોડીને નાટકનો પ્રારંભ કરતા. ગુજરાતમાં ભોજકો કે નાયકો, રાત પડે ગામને ઓટલે ખેલ શરૂ કરતાં. સરસ્વતીજી અને ગણેશ વંદનાથી ભજવણી આરંભ પામતી, નાટકની સજાવટમાં રંગબેરંગી પછેડીઓ વપરાતી. દિવેલની મશાલોનાં પ્રકાશમાં કલાકારો ભજવતા. ભૂંગળ, ઝાંઝ, પખવાજ ને તબલા સાથે કલાકારો માથે બેડું ને પગમાં ઝાંઝર પહેરી સ્ટેજ પર છવાઈ જતા.

એકબાજુ સૌરાષ્ટ્રના બ્રાહ્મણોએ નાટકો ભજવવા શરૂ કર્યાં તો મુંબઈમાં એનાથીયે પહેલાં પારસી નાટકો શરૂ થઇ ચૂકેલા. ર9 ઓકટોબર -1853ના રોજ ‘રુસ્તમ, જાબુલી અને સોહરાબ’ નાટક રાત્રે 8વાગ્યે, ગ્રાન્ટ રોડ થિયેટરમાં પહેલીવાર રજૂ થયું. શરૂઆતમાં ખાનદાન સ્ત્રીઓ નાટકો જોતી નહીં, પછી ખૂબ માગણીને લીધે ખાસ ‘જનાના શો’ યોજાયા. ‘રાસ્ત ગોફ્તાર’ સાપ્તાહિકે રપ ડિસેમ્બર 1855નાં તંત્રીલેખમાં ત્યારની મૂળ પારસીમાં લખેલું:

‘લોકોને નીરપરાધી ગમત આપવા સારું, એ નાટક મંડળીએ નાટકનું માન માથે લીધું ચ, એવાં નાટકથી લોકોને ગમ્મત સાથે ડહાપણ આવે એવી ગોઠવનો કરવાને મંડલી ચુકતી નથી. નાટકનો દરજજો શું છે તે એવન સમજેચ. તેઓ સંભાલ રાખેચ કે નાટકથી લોકોમાં બીગાડો પેદા ના થાએ.’ – તો આ હતો ગુજરાતી નાટકોનો પ્રથમ રિવ્યુ! ત્યારે પણ નાટકો આપણાં ‘સમાજને ડિસ્ટર્બ ન કરે પણ માત્ર મનોરંજન જ આપે’ ને ‘સારી સારી વાતો જ કહે’ એ શરત હતી. આજે પણ ‘મા-બાપને ભૂલશો નહીં ને સંતાનોને નડશો નહીં’ કે માત્ર કોમેડી જેવાં નાટકો જ પ્રજાપ્રિય છે.

ખેર, ધીમે ધીમે મુંબઈના ભણેલા પારસીઓમાં અને ગુજરાતીઓમાં નાટકની રૂચિ વધવા માંડી. શેરબજારનાં દલાલો, ડોકટરો, વકીલો અને વેપારીઓ ફાજલ સમયમાં રિહર્સલ્સ કરવા માંડ્યા. એલ્ફિન્સ્ટોનિયન ક્લબ, ધ ઝોરાસ્ટ્રિયન થિયેટ્રિકલ ક્લબ, અમરચંદ વાડીકર નાટક મંડળી વગેરે સંસ્થાઓ ફંડફાળાં ઉઘરાવીને શરૂ થઈ. એ સમયે, 100 રૂ.ની સિઝન ટિકિટ રાખવામાં આવતી! જમશેદજી જીજીભાઈ જેવા ધનાઢ્યો નાટકને પોષવા મદદ કરતા. શરૂઆતમાં માત્ર ગ્રાન્ટરોડ થિયેટર હતું, જેમાં ‘મોસમી’ ખેલ થતા એટલે કે ચોમાસા પછી ને પહેલાં, મોસમ મુજબ !

ધીમેધીમે વિકટોરિયા, એલ્ફિન્સ્ટન, હિંદી, એસ્પ્લેનેડ વગેરે થિયેટરો બંધાયાં. ત્યારે મુખ્યત્વે શેક્સપિયરનાં નાટકોમાં અનુવાદો ભજવાતાં ને એમાં ‘ગાએણ’ કે ગાયનગીતો લાઈવ ગવાતાં. ‘મોંઘવારીનું ગાએણ’ વગેરે ગીતોમાં સામાજિક જાગરૂકતા પણ જોવા મળતી. પત્રકાર કેખશરૂ કાબરાજીએ શેક્સપિયરના ‘કોમેડી ઓફ એરર્સ’ પરથી ગુજરાતી નાટક ‘ભૂલચૂકની હસાહસ’ સુપરહિટ કરી દેખાડેલું. પછી તો એમણે સમાજનાં વહેમો કે સ્ત્રીઓની કેળવણી વિશે પણ નાટકો રચીને ક્રાંતિકારી વલણ દાખવેલું.

સમય વહેતો ગયો, નવી નાટક મંડળીઓ બનતી ગઈ, જૂની તૂટતી ગઈ. એ જમાનામાં ‘તમાસગીર’ એટલે કલાકારને રૂપિયા 10 રૂ.થી 30 રૂ. જેટલું વેતન મળતું. ભાંગીતૂટી ગુજરાતી ભાષામાં કલાકારો 48 ફૂટ લાંબા ને 30 ફૂટ પહોળા સ્ટેજ પર રાત્રે ‘હાઉસફુલ’ નાટકો ભજવતાં. એ પછી એદલજી ખોરી નામના નિર્માતાને ગુજરાતી લેખકની જરૂર પડી. એમણે ‘રુસ્તમ અને સોહરાબ’ નાટક માટે યુરોપિયન ચિત્રકાર પાસે સેટિંગ્સ તો બનાવડાવ્યાં, પણ નવાં ગુજરાતી ગીતો ક્યાંથી કાઢે? એટલે કવિ દલપતરામની એંટ્રી થઈ!

એ વખતે એદલજી ખોરીએ નાટકની પ્રસ્તાવનામાં લખેલું કે ‘ગુજરાતનાં જાણીતા કવિ દલપતરામ ડાહ્યાભાઈ પાસે હમે આ ખેલમાં અમુક ગીતો જોડાવ્યાં છે કેમ કે હમો ધારિયે છીએ એવા કાબેલ પુરુષનાં ગીતો લોકોને પસંદ પડશે.’ શરૂશરૂમાં આપણાં સુગાળવાં કવિઓ નાટકચેટકથી શરમાતાં પણ પૈસા માટે કમને ગીતો લખતા ખરાં! પછી તો મ્યુઝિકલ નાટકો ચાલવા માંડ્યાં.

આ પણ વાંચો: લેજન્ડ યાદ કરે છે પોતાના ફિલ્ડના લેજન્ડસને

આમ ગુજરાતી નાટકો જોવા લોકો આવવા માંડ્યા, સુપરહિટ નાટકો ભજવાતાં રહ્યા, જે આજે 2025માં 172 વર્ષ પછી પણ લોકો મુંબઇગુજરાતનાં રસિકો માણે છે. આ બધું આજે એટલે કે આવતા ગુરુવારે, 27 માર્ચે ‘વર્લ્ડ થિએટર- ડે’ છે. તો બાકીનો ભવ્ય ભૂતકાળ, આજનો વર્તમાનકાળ ને આવનારા ભવિષ્ય વિશે ફિર કભી ચલો, હમણાં તો પડદો પાડીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button