મેટિની

સ્ટાર-યાર-કલાકાર: યાદોં કી બારાત: આજનાં નાટક… ત્યારનાં નાટક

  • સંજય છેલ

સૌ પ્રથમ `વિશ્વ રંગભૂમિ દિવસ’ અવસરે સહુ પ્રેક્ષકો- કલાકારો-કસબીઓને લાખ લાખ વધામણાં .

ગયા અઠવાડિયે આપણે જોયું કે મહાન ભવાઇ પરંપરા ઉપરાંત, 19મી સદીમાં સૌરાષ્ટ્રના બ્રાહ્મણોએ પૌરાણિક એતિહાસિક નાટકો ભજવવા માંડ્યા, તો મુંબઈમાં એનાથીયે પહેલાં પારસી નાટકો શરૂ થઇ ચૂકેલા. ર9 ઓકટોબર -1853ના રોજ `રૂસ્તમ, જાબુલી અને સોહરાબ’ નાટક રાત્રે 8વાગ્યે, ગ્રાન્ટ રોડ થિયેટરમાં પહેલીવાર ભજવાયું. તો આજે 172 વરસથી કમસેકમ મુંબઇમાં તો સતત ગુજરાતી નાટકો ભજવાય છે.

18મી સદીમાં લોકનાટ્યોમાં વધતી અશ્લીલતા સામે શ્રી રણછોડભાઈ ઉદયરામ નામના વિદ્વાને સંસ્કારી નાટકો શરૂ કર્યા. વિક્ટોરિયા થિયેટરનું હરિશ્ચંદ્ર' નાટક, લેખક કેખુશ કાબરાજીના ફેરફાર સાથે ભજવાયું, ત્યારે હિન્દુઓમાં એટલું બધું લોકપ્રિય નીવડ્યું કે બહાર ખાસ માણસો રાખવા પડતા, જે બાળકોનેહીંચકા ઝોળી’માં સાચવે જેથી માતાઓ નાટક જોઈ શકે! આ જ નાટકે ગાંધીજીનાં મનમાં ઊંડી છાપ છોડેલી અને મહાત્મા થવાનાં બીજ વાવેલાં. પછી નળદમયંતી'ની સફળતા બાદ બે મોટા નિર્માતા નરોત્તમ મહેતા અને શ્રી ફરામજી દલાલ વચ્ચે અણબનાવ થયો.

મહેતાએ સ્વતંત્રપણેનાટક ઉત્તેજક મંડળી’ શરૂ કરી, જેમાં શ્રી રણછોડભાઈ ઉદયરામનું લલિતા દુ:ખદર્શન' રજૂ થયું. પહેલી વાર શુદ્ધ ગુજરાતી એવી હિંદુ નાટકમંડળી અસ્તિત્વમાં આવી. આજની જેમ જ ત્યારે નાટકોનાં રિહર્સલ્સ સ્કૂલોમાં સાંજે થવા માંડ્યાં. પછી શ્રી ગુજરાતી નાટક મંડળી, શ્રી આર્યસુબોધ નાટક મંડળી, નીતિદર્શક મંડળી વગેરે ઊભી થઈ એટલે લેખકોની જરૂરિયાત ઉભી થઈ. કેખુશ કાબરાજી જેવાં કલાપારખુ પારસી નાટ્યકારે કવિ નર્મદને નાટક લખવા આમંત્રણ આપ્યું. નર્મદેરામજાનકી દર્શન’ લખી આપ્યું, પણ આજનાં નાટકોમાં જે રીતે ફિલ્મી આઈટમ સોંગ્સ ઉમેરાય છે એમ ત્યારે પણ કાબરાજીએ ગીતો પણ ઉમેરાવ્યાં, જે કવિ નર્મદને નહોતું ગમ્યું! આ જ નાટક `સીતાહરણ’ નામે 25 મે, 1878ની રાત્રે રજૂ થયું ત્યારે પુષ્ટિમાર્ગી ગોસ્વામીજીથી માંડીને કાશીના પંડિતો, મુંબઈના શેઠિયાઓ હાજર હતાં. રામ- સીતાની એન્ટ્રી થતાં જ પ્રેક્ષકોએ સાષ્ટાંગ નમસ્કાર કર્યા.

આ પણ વાંચો: નાટકનો પડદો પડે-ઊપડે

આ તરફ, કવિ નર્મદ સ્વ-અનુભવ-રસિક' નાટ્યકાર લેખાયો, જેનાં નાટકોમાં સંવાદ ને કાવ્ય વિશેષ હતાં. નર્મદનાંદ્રૌપદીદર્શન’, સારશાકુન્તલ',બાલકૃષ્ણ વિજય’ વગેરે નાટકો પણ ભજવાયાં. આવાં ધાર્મિક નાટકોમાં ભીડ જામતી અને છેક ત્યારે પણ ખાસ પાર્કિંગની વ્યવસ્થા કરવી પડતી. ઉપરાંત ટાંગા ને પાલખીનું પણ પાર્કિંગ તો કરવું જ પડેને?!

એ પછી મુંબઈનાં નાટકોનો પ્રભાવ જોઈ નવી રીતે સૌરાષ્ટ્રના ઝાલાવાડી બ્રાહ્મણોએ, મોરબીની આસપાસ વાઘજી આશારામ ઓઝા અને એમના નાના ભાઈ મૂળજી ઓઝા સાથે શરૂઆત કરી. આમ મોરબી-વાંકાનેરમાં વ્યવસ્થિત રંગભૂમિ શરૂ થઈ. પછી મોરબી આર્ય સોબોધ',દ્વારકા નૌતમ નાટક મંડળી’, હળવદ સત્યસુબોધ',દેશી નાટક સમાજ’ વગેરે અસ્તિત્વમાં આવી. 1833માં શ્રી મોરબી આર્ય સુબોધ નાટકમંડળી' એભર્તૃહરિ’ નાટક છપાવ્યું, જેની પ્રસ્તાવનામાં લખેલું કે `આ નાટક 100 વાર ભજવાઈ ચૂક્યું છે!’

હવે 1870 સુધીમાં સાહિત્યકારોએ પણ નાટકનો આભડછેટ છોડી દીધેલો. નર્મદ- દલપતથી લઈને `લહેરી’ સુધી અનેક લેખકો નાટ્ય ક્ષેત્રમાં પ્રવેશતાં ગયા. એમનાં નાટકોનાં ગીતોને લોકો આઠ-આઠ દસ-દસ વાર વન્સમોર કરાવતાં. અને ક્યારેક તો નાટકની અસરમાં લોકો સંન્યાસ પણ લઈ લેતા. બસ, પછી તો જૂની-નવી ગુજરાતી રંગભૂમિ આગળને આગળ વધતી જ ગઈ, વધતી જ રહી છે. અફસોસ કે આપણી સુખીસમૃદ્ધ ગુજરાતી પ્રજા પાસે સદીઓ જૂનાં નાટકોનું મ્યુઝિયમ કે લાઈબ્રેરી નથી!

છેલ્લાં 75-80 વર્ષમાં આધુનિક રંગભૂમિએ અનેક તડકી છાંયડી જોઇ છે. જૂની રંગભૂમિમાં મા.શશરફ ખાન, છગન રોમિયો કે જયશંકર `સુંદરી’ અને પ્રભુલાલ દ્વિવેદી, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, કવિ પ્રાંતિજ જેવા લેખકો ગીતકારો થઇ ગયા, જેમનાં સંગીત નાટક જોવા ગુજરાતથી ખાસ ટે્રન આવતી. જયશંકર સુંદરી જ્યારે સ્ત્રીવેશે સજીધજીને તખ્તા પર આવતા ત્યારે શેઠિયાઓ પોતાની પત્નીને સુંદરીનો ખાસ શણગાર જોવા લાવતા.

એ પછીના દશકમાં દીના પાઠક (ગાંધી), વિષ્ણુકુમાર વ્યાસ, હની છાયા, જશવંત ઠાકર, માર્કંડ ભટ્ટ, પ્રતાપ ઓઝા, ચાંપશીભાઇ નાગડા જેવા અનેક કલાકારોએ જાતજાતનાં અદ્ભુત નાટકો આપ્યા. કેટલાંક કલાકોએ તો `ઇપ્ટા’ સંસ્થા સાથે મળીને આઝાદીનાં આંદોલન માટે ખાસ નાટકો કર્યા. આઝાદી બાદ આવી મોડર્ન રંગભૂમિ, જેમાં અદી મર્ઝબાન, મધુકર રાંદેરિયા, જયંતિ પટેલ રંગલો, ચંદ્રવદન ભટ્ટ, કૃષ્ણા શાહ, પ્રવીણ જોશી, કાંતિ મડિયા, ઉંપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અરવિંદ પંડ્યા, સરિતાબેન જોશી, પદ્મારાણી, અરવિંદ જોશી, દીપક ઘીવાલા, રાગીણીબેન, મીનળ પટેલ, લાલુ શાહ, જગદીશ શાહ, કલ્પના દીવાન, જયંત વ્યાસ, દીનુ ત્રિવેદી, દિન્યાર કોંટે્રક્ટર, બરજોર બી પટેલ, અમૃત પટેલ, અશોક ઠકકર અરવિંદ ઠકકર, શૈલેષ દવે, વગેરે કલાકાર નિર્દેશકોએ બોક્સ ઓફિસ પર લોકોને ખેંચી લાવવાનું કામ કર્યું.

આ પણ વાંચો: ભૂમિ ને ભાગ્યનો સ્વભાવ એક જ: વાવશો એ મળશે..!

ત્યાર બાદ 1970-80ની પેઢીમાં હોમી વાડિયા, પરેશ રાવળ, લતેશ શાહ, સુજાતા મહેતા, સુરેશ રાજડા, ફિરોઝ ભગત, દિનકર જાની, શફી ઇનામદાર, મહેન્દ્ર જોષી, કમલેશ મોતા, ઉત્કર્ષ મઝુમદાર, સનત વ્યાસ જેવા કલાકાર નિર્માતા નિર્દેશકો આવ્યા.
જોકે, 1950 પછી રંગભૂમિ, બહુપી, આઇ.એન.ટી. કે નાટ્યસંપદા જેવી સંસ્થાઓનાં નાટકોએ અનેક સુંદર નાટકો આપ્યા. લેખકોમાં ચુનીલાલ મડિયા, ચંચી. મહેતા, પ્રબોધ જોશી, તારક મહેતા કે પ્રવીણ સોલંકી, સિતાંષુ મહેતા, લાભશંકર ઠાકર, ચીનુ મોદી, ભદ્રકાંત ઝવેરી, ચદ્રકાંત શાહ, વિહંગ મહેતા, વિલપિન દેસાઇ, જ્યોતિ વૈદ્ય, પ્રકાશ કાપડિયા, મિહિર ભૂતા, સ્નેહા દેસાઈ, નૌશિલ મહેતા, ઇમ્તિયાઝ પટેલ અને જેવા અનેક લેખકોએ સફળ નાટકો લખ્યાં. આ બધા વચ્ચે છેલ- પરેશ, વિજય અને સુવર્ણ કાપડિયા, નારાયણ મિસ્ત્રી, ગૌતમ જોશી, સુભાષ આશર, પ્રા.સુરેશ અને ભૌતેષ વ્યાસ, શરદ વ્યાસ ભૂપેન ચોવટિયા જેવા અનેક ટેક્નિશિયનોએ રંગભૂમિ સજાવી ગજાવી.

આજેય સિદ્ધાર્થ રાંદેરિયા, મનોજ જોશી, સંજય ગોરડિયા, વિપુલ મહેતા, કૌસ્તુભ ત્રિવેદી,જેડી-આતિશ કાપડિયા, ઉમેશ શુક્લા, મનોજ શાહ, નિમેશ દિલીપરાય, અમી ત્રિવેદી, આશિષ ભટ્ટ, કે.બી, ધર્મેન્દ્ર ગોહિલ, કમલેશ ઓઝા, વિપુલ વિઠ્ઠલાણી, ભરત ઠકકર વગેરે કલાકારો નિર્માતા નિર્દેશકો સારાં નાટકો આપવા પોતપોતાની રીતે સતત મથે રાખે છે. લલિત શાહ અને ભારતીય વિદ્યા ભવન્સ જેવી સંસ્થા 15-16 વરસથી નાટ્ય સ્પર્ધા યોજીને નવા કલાકારોને તખ્તા પર પોતાનો કસબ દેખાડવાની તક આપે છે. આમ છતાં, આપણી રંગભૂમિનો આપણી પાસે વિગત વારનો અધિકૃત ઇતિહાસ નથી! કારણ કે આપણી મેન્ટાલીટી છે: આ બધામાં આપણાં કેટલાં ટકા?!

આ લેખ પાક્કા રિસર્ચનો નથી, આ તો આછેરો ફ્લેશબેક છે. વડલાની નીચે દાદાજી પાસે કોઇ બાળક જેમ જૂની દંતકથાઓ સાંભળે તેમ અમે આ વાતો સાંભળી છે, વાંચી છે. જો કોઈ નામ રહી ગયું હોય કે ભૂલચૂક હોય તો હે વાચકો પ્રેક્ષકો કલાકારો અને હે રંગદેવતા નટરાજ, ક્ષમા કરજો. એ જમાનાના નાટકની પ્રાર્થના દોહરાવું છું:

`ઓ સભાજનો, હવે રાખજો તમો,

સદા પ્રસન્ન મનથી; રજા લઈએ અમો, ભૂલચૂક ખામી ખોડ, ખેલે ખેલ આજ સુધારા માટે, માફી માંગે આ સમાજ!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button