હે મા, માતાજી! દયાબેન ખરેખર આવે છે?

ક્લેપ એન્ડ કટ..! -સિદ્ધાર્થ છાયા
દયાબેનના નામે પ્રખ્યાત થઇ ગયેલા દિશા વાકાણી હવે ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’માં પરત નહીં જ આવે એ પાક્કું થઇ ગયું છે. એક જાણીતી ન્યૂઝ ચેનલની વેબસાઈટ પર પ્રકાશિત એક સમાચારમાં આ વાત ડંકે કી ચોટ પર કહી દેવામાં આવી છે. આ સમાચાર અનુસાર અસિતકુમાર મોદીએ પણ એમને છેલ્લે કહ્યું હતું કે દિશા વાકાણી પરત નહીં આવે.
જો દિશા વાકાણી દયાબેન તરીકે નહીં જોવા મળે તો શું એ શો દયાબેન વિહોણો જ રહેશે?
આ પ્રશ્નનો જવાબ છે ના! એ જ સમાચારમાં શો સાથે નજીકથી જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે દયાબેનના રોલ માટે છેવટે એક અભિનેત્રી ફાઈનલ થઇ ગઈ છે, જેનું નામ હજી સુધી જાહેર નથી થયું, પરંતુ અસિત મોદી પણ એ અભિનેત્રીથી ઈમ્પ્રેસ થયા છે અને ‘નવા દયા’ને ફાઈનલ કરી દેવામાં આવ્યાં છે.
અત્યારે એ નવા દયાબેનના મોક ટેસ્ટ પણ ચાલુ થઇ ગયા છે. ટૂંકમાં તારક મહેતા શોના ચાહકો હવે બહુ જલ્દીથી દયાબેનને જોઈ શકશે એ ફાઈનલ છે એમ કહી શકાય. જોકે, શું એવું નથી લાગતું કે આ નિર્ણય મોડો લેવામાં આવ્યો છે? જો દિશા વાકાણીની અમુક જ વર્ષ રાહ જોયા બાદ આ નિર્ણય લઇ લેવામાં આવ્યો હોત તો અત્યારે આ સિરીઝમાં જે ખાલીપણું જોવા મળે છે એ તો ન જોવા મળત.
આ પણ વાંચો : ફ્લૅશ બૅક : બહેનોનું ગીત બહેનો પર પિક્ચરાઈઝ થયું
‘ભાઈ’ની ફિલ્મને બેવડો માર!
સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ ઇદના દિવસે રિલીઝ થઇ ગઈ અને શરૂઆતના એક-બે દિવસ તેને સારું એવું કલેશન મળ્યું. જો કે આ કલેક્શન ધાર્યા અનુસાર તો ન હતું, પરંતુ કોવિડ પછી કલેક્શનના જે નવા ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે એ અનુસાર તો સારું કહી શકાય તેવું હતું. આમ છતાં, ‘સિકંદર’ની ગતિ બોક્સ ઓફિસ ઉપર ધીમી પડવા લાગી છે અને બુધવારના કલેક્શન કરતાં ગુરુવારનું કલેક્શન પચાસ ટકા ઓછું રહ્યું છે.
આમ થવાનું કારણ ફિલ્મની ઢંગધડા વગરના કથાનકને જવાબદાર માનવામાં આવે છે, પરંતુ, ભાઈની આ ફિલ્મને ફક્ત બોક્સ ઓફિસ પર જ નહીં, પરંતુ રિલીઝ થયા અગાઉ પણ જોરદાર ફટકો પડી ગયો હતો. રવિવારે ‘સિકંદર’ રિલીઝ થાય એ પહેલાં શનિવારની સાંજથી જ વિવિધ વેબસાઈટ અને એપ્સ ઉપર હાઈ ક્વોલિટીમાં મૂવી લોકોએ જોવાનું શરૂ કરી દીધું હતું. આ રીતે ફિલ્મ થિયેટર્સમાં આવે એ પહેલાં જ લાખો લોકો સુધી પહોંચી ગઈ હતી ! ફિલ્મના પ્રોડ્યુસર સાજીદ નડીયાદવાલાએ ઘણી દોડધામ કરીને ઘણી બધી સાઈટ્સ પરથી ફિલ્મને ઉતરાવી લીધી હતી, આમ છતાં એ ચાંચિયાગીરીનો ફટકો તો લાગી જ ચૂક્યો હતો.
આ પણ વાંચો : સનીને સાઉથનાં સમણાંઃ ઢાઈ કિલો કે હાથ કી તાકત સાઉથ કે દર્શક ભી દેખેંગે…
ફવાદ ખાન લીલાં તોરણે પરત થશે?
બે દિવસ પહેલાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન અને વાણી કપૂરની ફિલ્મ ‘અબીર ગુલાલનું’ ટ્રેલર રિલીઝ થયું. ટિઝર રિલીઝ થવાની સાથે જ વિવાદ પણ સર્જાયો. કારણ કે વર્ષ 2016થી બોલિવૂડ ફિલ્મોમાં પાકિસ્તાની અદાકારો પર પ્રતિબંધ છે, પરંતુ 2023માં મુંબઈ હાઈકોર્ટે આ પ્રતિબંધ હટાવી દેવાનો ચુકાદો આપ્યો હતો. તેમ છતાં હજી સુધી બોલિવૂડ પ્રોડ્યુસર્સ પાકિસ્તાની એક્ટર્સને કાસ્ટ કરવાથી દૂર રહેતા હતા. આ પાકિસ્તાની એક્ટર આવનારી ફિલ્મમાં હોવાથી ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ ફિલ્મને મહારાષ્ટ્રમાં તો રિલીઝ નહીં જ થવા દે એવી વાત જાહેર થઈ છે.
સોશિયલ મીડિયામાં પણ આ અંગે પ્રશ્નો પુછાવાના શરૂ થઇ ગયા છે. અમુક યુઝર્સને ગુસ્સો છે તો અમુક યુઝર્સ ‘કળા કોઈજ સરહદ નથી જાણતી’ જેવું જૂનું અને જાણીતું ગાણું ગાઈ રહ્યા છે. તો કેટલાક યુઝર્સ તો એવું પણ પૂછી રહ્યા છે કે શું ભારતમાં સારા એક્ટર્સની કમી છે કે આ લોકોને પાકિસ્તાનથી એક્ટર ઈમ્પોર્ટ કરવા પડે છે?
કટ એન્ડ ઓકે..
‘સીબીઆઈના ક્લોઝર રિપોર્ટ આવ્યા બાદ સુશાંત સિંહ રાજપૂતની હત્યા સમયે મારી ‘ઝી ન્યૂઝ’ની જે ભૂમિકા રહી હતી તે અંગે હું રિયા ચક્રવર્તીની માફી માગું છું.’ સુભાષ ચંદ્રા
(‘ઝી‘ ટીવી ના સર્વેસર્વા)