લોકોના ‘ટોન્ટ’માંથી ‘મોટીવેશનલ’ લેવાનું, ‘ડિપ્રેશન’ નહીં

અરવિંદ વેકરિયા
ગયા સપ્તાહે ડોલર પટેલના સહ-નિર્માતા સુભાષ ખન્નાની થોડી ‘અંગત’ વાત કરી. આ વાત ડોલર પટેલને, એનાં મિત્ર અને હવે તો નિર્માણમાં પણ ભાગીદાર હોવા છતાં જાણ નહોતી. મેં આ વાત કરી ત્યારે માત્ર ‘એમ’ કહી વાતનું પડીકું વાળી દીધું. એને માટે મારી આ વાત અર્થ વગરની લાગી. અર્થ ના સમજાય ત્યાં સુધી બધું વ્યર્થ લાગે માની મેં પણ વાત ત્યાં પડતી મૂકી.
મૂળ વાત તો આપણે આ ‘બોલ્ડ’ નાટકની કરવાની છે. મારે ભાગે આવેલા છ દિવસમાંથી આજે પાંચમો દિવસ હતો. પરમ દિવસથી જી.આર. શરૂ કરવાનાં હતા. જી.આર. માટે હિન્દુજા થિયેટર નક્કી કર્યું (જે હવે નથી).
સાંજે ફરી બધા મળ્યાં. મૂળ વાત નાટકનાં ટાઈટલની નીકળી. મનહર ગઢિયા પણ આ ચર્ચામાં સામેલ હતો. જાત-જાતના બધાં પોતપોતાની રીતે બોલતા થયાં. સાવ ‘ઉઘાડું’ પણ ન ખપે અને પ્રેક્ષકો અંધારામાં રહી જાય એવું ‘ઓઢેલું’ પણ ન જોઈએ.
નાટકનાં ટાઈટલ વિશે એટલું ચોક્કસ કે એ વાંચીને નાટક જોવાની જિજ્ઞાસા જાગે એવું તો હોવું જ જોઈએ. એક વાર પ્રેક્ષક થિયેટર સુધી આવે પછી તો સારું-નરસું એ જ નક્કી કરે એવું દરેક નિર્માતા-દિગ્દર્શક માનતા હોય છે.
અમારી મીટિંગમાં પણ આવી જાતજાતની ‘ફેંકા ફેંકી’ ચાલી, પણ મનને સંતોષ થાય એવું કોઈ ટાઈટલ મળે નહીં.
આ પણ વાંચો: ઉકરડો આપમેળે બને, બગીચાને બનાવવો પડે…
એક તો વિષય…એને લગતું શીર્ષક. એ દિવસે તો ન મળ્યું. માત્ર રિહર્સલ પતાવી બીજે દિવસે જી.આર. માટે સવારે ફરી મળવાનું નક્કી કરી છૂટાં પડ્યાં. હા, નાટકનું રેકોર્ડિંગ હોવાથી હું અને રાજેશ મહેતા સ્ટુડિયોમાં જવાના હતા અને ત્યાંથી થિયેટર. પ્રવીણ ભોસલે અને શૈલેશને સમયસર સેટ અને લાઈટ લગાવી દેવા જણાવી દીધું. હું રોલ નહોતો કરતો એટલે ‘પાત્ર’ની અધુરપ નહોતી. એ બધા બરાબર રિહર્સલ કરે એ જોવાની જવાબદારી મેં નરહરી જાનીને સોંપી દીધી.
રાત્રે ફરી મેં સ્ક્રીપ્ટ જોઈ, મ્યુઝિકની જગ્યાઓ માર્ક કરી લીધી. મનમાં ફરી શંકાનો કીડો સળવળવા લાગ્યો કે મેં ફરી બોલ્ડ વિષય લઈ ભૂલ તો નથી કરી ને? મને ચિંતામાં પથારીમાં બેઠેલો જોઈ પત્ની ભારતી પણ બેઠી થઈ ગઈ. તમારું જયારે નવું નાટક આવવાનું હોય છે ત્યારે મને પણ જાગરણ કરાવો છો. સુઈ જાવ, બધું સારું જ થશે. એ બોલી. મેં મારી ‘સિલેકશન વ્યથા’ એને કરી. મને કહે, ‘હવે તો તીર કમાનમાંથી નીકળી ચુક્યું છે. આ બધું પહેલા વિચારવાનું હતું. હવે શું? જુઓ, વિતાવશું તો ઉંમર છે, પણ જીવીશું તો જીંદગી..તકલીફ બંને છેડે સરખી છે. માણસને ઈશ્વર નથી મળતો અને ઈશ્વરને માણસ… સારું થશે એવા હકારાત્મક વિચાર સાથે શાંતિથી સુઈ જાવ, જેથી હું પણ શાંતિથી ઊંઘી શકું.’
વાત એની સાચી હતી. બીજી સવારે રાજેશ મહેતા સાથે અમે ‘રેડિયો વાણી’ સ્ટુડિયો, વરલી પહોંચી ગયાં. એનાઉન્સમેન્ટ સનત વ્યાસ કરવાનાં હતાં. એ પણ આવી ગયો હતો. સ્ટુડિયોનો રેકોર્ડિસ્ટ તુષાર બહુ હોંશિયાર.
આ પણ વાંચો:સાત્વિકમ્ શિવમ્ : સફળ લોકો તક શોધે તો અસફળ લોકો બહાનાં
મ્યુઝિક સ્ટોકમાંથી સિલેક્ટ કરી રાખેલ એટલે કામ તરત શરૂ કરી દીધું. મૂળ વાત ત્યાં અટકી કે ટાઈટલ શું નક્કી કરવું જે અધ્યાય ગઈ કાલે પણ અધૂરો રહી ગયેલો. મારો સબ્જેક્ટ માટેનો ડર મેં મહેતાને કહ્યો. મહેતા મને કહે, ‘લોકોને કદાચ’ તારી ભૂલ દેખાય તો કહી દેવાનું કે ‘માણસ માત્ર ભૂલને પાત્ર’ એ મને શીખ આપીને ચુપ થઈ ગયા પણ એના પરથી મને ટાઈટલ સુજી આવ્યું : ‘માણસ માત્ર લફરાંને પાત્ર ’! . મહેતાને પણ એ કહ્યું. ગમ્યું. મેં હિન્દુજા ફોન કરી ડોલર અને સુભાષને જણાવ્યું. ઈમ્તિયાઝને પણ કહ્યું. બધાને બહુ ગમ્યું. હાજર રહેલા સનતને પણ અપીલ કરી ગયું. મેં સનતને મિત્ર ભાવે પૂછ્યું, ‘વાંધો નહી આવે ને? છીછરું તો…’ મને વચ્ચેથી કાપતા કહ્યું કે,‘લોકોના ‘ટોન્ટ’માંથી ‘મોટીવેશનલ’ લેવાનું, ‘ડિપ્રેશન’ નહીં, અને આમ પણ નાટકનો આખો વિષય આ ટાઈટલ આવરી લે છે.’
મ્યુઝિક સાથે ટાઈટલ પણ રેકોર્ડ થઇ ગયું. રાજેશ મહેતાનું સંગીત હોય એટલે ઓપરેટર એમનો પુત્ર જયેશ કે પુત્રી દીપ્તિ હોય, પણ ડોલરની સિરીયલમાં મદદ કરતા એક યુવકને ડોલરે પ્રોમિસ આપેલું એટલે એ ઓપરેટ
કરવાનો હતો. (એનું નામ યાદ નથી.)
હું અને રાજેશ મહેતા હિન્દુજા પહોંચ્યા. બધાને મ્યુઝિક સાંભળવાની તાલાવેલી હતી. મેં જોયું, સેટ પ્રવીણે સરસ બનાવ્યો હતો. છેલ ભાઈ તો હતા, સેટ પરની બારીકી પરેશ દરૂ કરી રહ્યાં હતાં. છેલભાઈની પ્રેમભરી ગાળો સાથે ઇન્સ્ટ્રક્સન ચાલુ હતી. એ બાબત પરેશભાઈની પ્રકૃતિ શાંત. એમનું માનવું કે સૌને પોતાની જવાબદારીનું ભાન હોય જ છે. આપણી અપેક્ષા ઉતાવળી હોય છે એટલે આપણે ગુસ્સે થઈ જતાં હોઈએ છીએ. કોઈના મહત્ત્વને ઓછું ન આંકવું, આખો સમુદ્ર એક ફુગ્ગાને ડુબાડી નથી શકતો.. !.’ એમની આ માન્યતા 100% સાચી છે એવું એકલા બેસીને વિચારો તો
ખબર પડે.
કહે છે કે પતિ પરિવારનો ‘હેડ’ હોય છે પણ લોકો ભૂલી જાય છે કે પત્ની પરિવારની ‘ગરદન’ હોય છે. ‘ગરદન’ જે તરફ ફરે, ‘હેડ’ને પણ ત્યાં જ ફરવું પડે છે