મનોજકુમાર: દેશભક્તિ તો બાળપણથી જ !

મહેશ નાણાવટી
જેને ‘મિસ્ટર ભારત’નું બિરુદ મળ્યું હતું, જેણે હિન્દી ફિલ્મોમાં દેશભક્તિનો સફળ ટ્રેન્ડ શરૂ કર્યો હતો અને જેને આજના બોલિવૂડની ચોક્કસ ગેંગને આ દેશભક્તિની મજાક બનાવવામાં બહુ રસ હતો એ મનોજકુમારે પોતાનાં બાળપણ- કિશોરવયમાં જે કંઈ જોયું છે, કદાચ એમાં જ એમની દેશદાઝના મૂળ નખાયાં હશે.
મનોજકુમારના નિધન પછી એમના વિશેની લગભગ તમામ જાણીતી વાતો દરેક મીડિયામાં રિપીટ થઈ ચૂકી છે, પરંતુ એમની અમુક વાતો જે ખાસ જાણીતી નથી, તે ખરેખર રસપ્રદ છે.
મનોજકુમાર ઉર્ફે હરિક્રીષ્નગિરી ગોસ્વામીનો જન્મ ભલે પેલા ઓસામા બિન લાદેનથી જાણીતા થયેલા અબોટાબાદમાં થયો, પરંતુ એમનું કુટુંબ લાહોરમાં રહેતું હતું. મનોજકુમારની લાહોરની અમુક યાદો ખરેખર અનોખી છે.
એક વીડિયો ઈન્ટરવ્યૂમાં એ કહે છે કે 1946-47માં જ્યારે તે માત્ર નવ-દસ વરસના હતા ત્યારે આઝાદીની લડાઈનો માહોલ હતો. શહેરમાં રોજ કોઈને કોઈ સરઘસ નીકળતું હતું. મહિલાઓનું- પુરુષોનું, પુરુષ-સ્ત્રીનું ભેગું, બાળકોનું વગેરે.
એમાં એક સરઘસ હતું, જેનો નારો હતો : ‘લાલ કિલ્લે સે આઈ આવાઝ, સેહગલ, ધિલ્લોં, શાહનવાઝ…’
આ પણ વાંચો: હિન્દી ફિલ્મોમાં સિકંદર
એ વખતે બાળક મનોજકુમારને તો ખબર પણ નહોતી કે આ લોકો કોણ છે, પરંતુ એ પોતે સરઘસમાં જોડાઈને નારા લગાવી રહ્યા હતા. એવામાં પોલીસે એમની ધરપકડ કરી લીધી! એમને બીજાઓની સાથે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. પોલીસે આ મનોજને બાળક સમજીને થોડો ધમકાવ્યો- થોડો સમજાવ્યો, પછી ખબર પડી કે આ તો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનો દીકરો છે એટલે મનોજના પિતાજીને ફોન કરવામાં આવ્યો.
ખેર, ઘરે આવ્યા પછી પિતાજીએ મનોજને પૂછયું કે તને ખબર છે આ સેહગલ, ધિલ્લોં, શાહનવાઝ કોણ છે? મનોજે કહ્યું મને શી ખબર? ત્યારે પિતાજીએ કહાણી સંભળાવી કે સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજમાં જે ત્રણ શૂરવીર કેદીઓને અંગ્રેજોએ કેદ કર્યા હતા એમનાં આ નામ હતાં, જેમને લાલ કિલ્લામાં રાખેલા હતાં. એમની વિરુદ્ધ જે કેસ ચાલી રહ્યો હતો તે સરદાર વલ્લભભાઈ પટેલ લડી રહ્યા હતા.!
આ પહેલું ભણતર હતું ભારતની દેશભક્તિ વિશે, પરંતુ એ પછી કોમી રમખાણો શરૂ થઈ ગયા. ચારેબાજુ ‘અલ્લાહ અકબર’ અને ‘હર હર મહાદેવ’ના નારા સંભળાતા હતા. કત્લેઆમ શરૂ થઈ ગઈ હતી. મનોજકુમારના પિતાજી તે સમયે લાહોરની શાંતિ સમિતિના પ્રમુખ હતા. કોઈપણ હિંસક ઘટનાની ખબર આવે તો પિતાજીને દોડવું પડતું હતું.
ખેર, એ પછી એમને લાહોર છોડવું પડ્યું. એમનું કુટુંબ દિલ્હીના રેફયુજી કેમ્પમાં એ જ ઠેકાણે. એટલે કે લાલ કિલ્લા પાસે રહેતું હતું, જેના નારા એકાદ વરસ પહેલા મનોજે માસૂમિયત સાથે લાહોરની સડકો ઉપર લગાવ્યા હતા.
એ સમયે એક વિચિત્ર ઘટના બની. મનોજકુમાર કહે છે કે તે રેફયુજી કેમ્પમાં ગાંધીજી આવ્યા હતા. તે સમયે અમુક લોકોનું માનવું હતું કે આ ભાગલા ગાંધીજીને કારણે થયા છે અને ગાંધીજી પાકિસ્તાનની વધારે પડતી તરફેણ કરી રહ્યા છે તો જ્યારે ગાંધીજી રેફયુજી કેમ્પમાંથી બહાર થઈ રહ્યા હતા ત્યારે અમુક લોકોએ પથ્થરબાજી કરી.
આ પણ વાંચો: સિનેમાના સમયનો આયનો છે પોસ્ટર
એ ઘટના યાદ કરતા મનોજકુમાર કહે છે કે ઉંમરે હું નાદાન હતો અને એ પથ્થરબાજોના જૂથમાં સામેલ પણ હતો! બીજા દિવસે ત્યાં જવાહરલાલ નહેરુ આવવાના હતા. એક ટેન્ટમાં જ્યાં કામચલાઉ હોસ્પિટલ હતી ત્યાં પિતાજીની ઓળખાણથી મનોજ પણ પહોંચી ગયો. જવાહરલાલે પૂછયું : ‘તેં પણ પથ્થર માર્યા હતા?’ મનોજે સાચું જ કહ્યું :
‘ના મેં પથ્થર નહોતા માર્યા. પણ હા, હું એમની સાથે હતો.’ જવાહરલાલે બહુ પ્રેમથી કહ્યું : ‘તો બેટા, હવે એવા લોકોનો સાથ છોડી દેવો જોઈએ.’
આ લાલ કિલ્લાના કેમ્પમાં મનોજે જવાહરલાલને વારંવાર બહુ નજીકથી જોયા હતા. જોકે એક ઘટના તો મનોજકુમાર આજે પણ ભૂલી શકતા નથી. ઘટના એવી હતી કે એમના પિતાજીના નાના ભાઈ, યાને કે મનોજકુમારના કાકાની દિલ્હીમાં જ હત્યા થઈ ગઈ!
એ રાત્રે મનોજે જોયું કે પિતાજીએ રીતસર દીવાલમાં માથું ઠોકીને પોક મુકી હતી. મોડી રાત્રે અંતિમક્રિયા પતાવીને પાછા આવ્યા પછી લગભગ ત્રણ વાગે પિતાજીએ મનોજને જગાડીને કહ્યું કે ‘બેટા, સ્નાન કરી લો.’
અહીં રેફયુજી કેમ્પમાં સ્નાન પણ ક્યાં કરવું? અહીં કેમ્પમાં બાથરૂમો થોડા હોય? મનોજે ક્યાંક ખુલ્લામાં રાત્રે ત્રણ વાગે સ્નાન કર્યું.
જોકે, સૌથી આશ્ર્ચર્યજનક ઘટના બીજા દિવસે બની. મનોજકુમાર કહે છે ‘એ કદાચ 16મી ઑગસ્ટ હતી કે 17મી ઑગસ્ટ… જે મારા કાકાની હત્યા પછીનો બીજો જ દિવસ હતો. તે દિવસે જવાહરલાલ નહેરુ ત્યાં લાલ કિલ્લામાં આવ્યા હતા અને એમણે ત્યાં તિરંગો ફરકાવ્યો. બહુ મોટી મેદની ભેગી થઈ હતી, જેમાં દસેક વરસનો મનોજ પણ હતો.
એ વખતે જવાહરલાલે જે ભાષણ કર્યું તેનો એક શબ્દ પણ નાનકડા મનોજને સમજાયો નહોતો, પરંતુ એણે જોયું કે એના પિતાજી ભાષણના એકેએક વાકય પર તાળીઓ વગાડી રહ્યા હતા! એ ખુશ હતા. ‘જયહિંદ… જયહિંદ…’ના નારા લગાવી રહ્યા હતા!
મનોજને સમજાતું નહોતું કે આ કઈ જાતની લાગણી છે? આગલી રાત્રે જે માણસ પોતાના નાનાભાઈની હત્યા જોઈને દીવાલમાં માથું પછાડી રહ્યો હતો એ જ માણસ આજે આટલો જોશમાં છે?
સભા વિખરાઈ પછી એક નાનકડી ઘટના તો એનાથી પણ અનોખી હતી. ભીડમાંથી છૂટા પડયા પછી નાના મનોજે એક ઠેકાણેથી બે- ત્રણ ગ્લાસ પાણી પીધું, પેલા પાણીવાળા માણસે પૈસા માગ્યા!
મનોજને નવાઈ લાગી. કેમકે લાહોરમાં તો એ લોકો પાણીની પરબ લગાવતા હતા. પાણીના તો કંઈ પૈસા હોતા હશે? એવામાં પિતાજી આવ્યા. મનોજે કહ્યું, ‘આ માણસ પાણીના પૈસા માગે છે!’
જરા વિચારો, પિતાજીએ શું જવાબ આપ્યો હશે? એમણે કહ્યું ‘બેટા, આપી દો. આઝાદી માટે આપણે એનાથી પણ મોટી મોટી કિંમતો ચૂકવી છે.’ કદાચ આ જ સંસ્કારો હતા, જેના કારણે મનોજકુમારમાંથી આપણને ‘મિસ્ટર ભારત’ મળ્યા,જેમની દેશભક્તિની ફિલ્મોમાં ઈમાનદારી અને સચ્ચાઈનો રણકો હતો.