મેટિની

લતાજીને ઘરમાંથી ઠપકો કેમ મળ્યો?

75 વર્ષ પહેલાંની ફિલ્મ ‘સમાધિ’ના સોંગ માટે દીદીને ‘આવું નઠારું ગીત કેમ ગાયું’ એવું સાંભળવું પડ્યું હતું..!

હેન્રી શાસ્ત્રી

‘ગોરે ગોરે ઓ બાંકે છોરે’ અને લતા મંગેશકર સ્વતંત્રતા, આઝાદી, ગુલામીમાંથી મુક્તિ… 1947 પછી ભારતીય નાગરિકો ખુલ્લી હવામાં શ્વાસ લેવાના આનંદ અને ગર્વથી ટેવાઈ રહ્યા હતા. બોલપટના પ્રારંભિક દોરમાં ધાર્મિક અને પૌરાણિક ફિલ્મોને પ્રાધાન્ય આપતી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા વિષય સાથે ફિલ્મો બનવાની શરૂઆત થઈ ગઈ હતી. 1950માં એટલે કે આજથી 75 વર્ષ પહેલાં સોશિયલ તરીકે ઓળખાતી સામાજિક ફિલ્મો સારી સંખ્યામાં (36) બની હતી. એ સિવાય એક્શન અને રોમેન્ટિક ફિલ્મોનું પણ નિર્માણ થયું હતું. જાણવા જેવી વાતએ છે કે ધાર્મિક, ભક્તિ કે પૌરાણિક ફિલ્મોની કુલ સંખ્યા 15 જ હતી. દર્શકોની બદલાતી રુચિનું આ પ્રતિબિંબ હતું.

આ પણ વાંચો: ક્લાઈમેક્સની કમાલઃ વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ને મળેલી અણધારી, પણ ફાંકડી સફળતામાં અનપેક્ષિત ક્લાઇમેક્સનું વિશેષ યોગદાન

1950ની ટોપ ટેન સફળ ફિલ્મોની યાદીમાં પ્રથમ ક્રમાંક પર હતી ‘સમાધિ’. એક કરોડનું કલેક્શન મેળવનારી પ્રથમ હિન્દી ફિલ્મ તરીકે પંકાયેલા આ ચિત્રપટના દિગ્દર્શક હતા રમેશ સેહગલ. ફિલ્મના મુખ્ય કલાકાર હતા અશોક કુમાર, નલિની જયવંત અને હિન્દી ફિલ્મની પ્રથમ નામાંકિત વેમ્પ તરીકે નામના મેળવનારી કુલદીપ કૌર પણ હતી.

દેશભક્તિનું રસાયણ ધરાવતી આ સોશિયલ ફિલ્મમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજનું વાતાવરણ પણ સામેલ કરવામાં આવ્યું છે. ફિલ્મના ગીતકાર હતા રાજીન્દર કૃષ્ણ અને સંગીતકાર હતા સી. રામચંદ્ર. ફિલ્મમાં કુલ છ ગીત હતાં, જેમાંથી એક ગીત આજે પણ સંગીતરસિયાઓની સ્મૃતિમાં સચવાઈ રહ્યું છે. અમીરબાઈ કર્ણાટકી અને લતા મંગેશકરના સ્વરમાં રેકોર્ડ થયેલું યુગલ ગીત છે:

‘ગોરે ગોરે ઓ બાંકે છોરે, કભી મેરી ગલી આયા કરો.’ લતાદીદીએ આ ગીત સાથે એમના અનુભવના એક કિસ્સાનું વર્ણન 1997માં ‘અંધેરી સ્પોર્ટ્સ ક્લબ’માં આયોજિત એક વિશિષ્ટ કૉન્સર્ટમાં કર્યું હતું. આ કિસ્સો સાંભળી હાજર શ્રોતાગણોને મોજ vપડી ગઈ હતી. એ કિસ્સો એમના જ શબ્દોમાં પ્રસ્તુત છે.

(સ્મૃતિના આધારે લખ્યું હોવાના કારણે કદાચ શબ્દોમાં ફેરફાર હોઈ શકે છે, પણ એ કિસ્સાનું હાર્દ જાળવી રાખ્યું છે.)

‘સી. રામચંદ્રએ જ્યારે મને આ ગીત ગાવાની ઑફર કરી ત્યારે હું રોમાંચિત થઈ ગઈ હતી. કારણ એવું હતું કે એ સમયે આ પ્રકારનાં ગીત મારા ફાળે ઓછાં આવતાં હતાં. બીજી મહત્ત્વની વાત એ હતી કે અમીરબાઈ કર્ણાટકી જેવાં સિદ્ધહસ્ત ગાયિકા સાથે ગાવાનો મોકો મળી
રહ્યો હતો.

આ ગીત રેકોર્ડ કર્યું ત્યારે મને મજા પડી હતી. અલબત્ત, ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે ગીત જબરજસ્ત સફળતાને વરશે અને સાથોસાથ એ ગીત ગાવા માટે મારે ઠપકો ખાવો પડશે. ફિલ્મ રિલીઝ થઈ, ખૂબ ચાલી અને યુગલગીતે રીતસરની ધૂમ મચાવી. એક દિવસ આ ગીત મારા ઘરના સભ્યોના સાંભળવામાં આવ્યું અને ગજબ થઈ ગયો. શાબાશી મળવાની કે અમીરબાઈ સાથેનો અનુભવ કેવો રહ્યો વગેરે જાણવાની વાત તો દૂર રહી, પણ ઘરના લોકો મને વઢ્યા, રીતસરના ખિજાયા: ‘આવું નઠારું ગીત કેમ ગાયું ’ એવો સવાલ મને કરવામાં આવ્યો.

સામો જવાબ આપવાની મારામાં કોઈ જ હિંમત નહોતી અને ‘ફરી આવું નહીં થાય’ એની ખાતરી આપી આંખમાં આંસુ સાથે હું ત્યાંથી ચાલી નીકળી. આજે તમને બધાને સવાલ થશે કે આ ગીતમાં નઠારું શું હતું? વાત એમ છે કે 1950માં યુવક-યુવતી એકલતામાં મળે એ અભદ્ર માનવામાં આવતું હતું. એમાં પાછું મેં ગાયેલી પંક્તિના શબ્દો ‘ગોરે ગોરે ઓ બાંકે છોરે, કભી મેરી ગલી આયા કરો’ના જવાબમાં અમીરબાઈની પંક્તિના શબ્દો:

‘ગોરી ગોરી ઓ બાંકી છોરી, ચાહે રોઝ બુલાયા કરો’ ને કારણે વધુ આપત્તિ સર્જાઈ ગઈ હતી.’ આટલું કહીને લતાજી હસી પડ્યાં હતાં અને આ ગીત ગાયું હતું.

લતાદીદીની આ રજૂઆતમાં આજથી 65 વર્ષ પહેલાંના સમાજની વિચારધારા કેવી સંકુચિત હતી એ સ્પષ્ટ થાય છે. યુવક-યુવતી એકલતામાં મળે એ વાત સમાજમાં અશિષ્ટ ગણાતી હતી. આજે તો સમાજનો એ દૃષ્ટિકોણ પૂર્ણપણે બદલાઈ ગયો છે અને આજે તો બે જણ એકાંતમાં મળે એ વધુ સ્વાભાવિક ગણાય છે અને હવે તો ‘ભીગે હોંઠ તેરે, પ્યાસા દિલ મેરા’ અને ‘આકે તેરી બાહોં મેં હર શામ લગે સિંદુરી’ મસ્તીથી ગવાય છે અને એન્જોય કરાય છે.

‘સમાધિ’ના પેલા ગીત માટે વઢામણ ખાધાં પછી લતા મંગેશકર ગીત સ્વીકારવા અંગે એકદમ સાવધ રહેવા લાગ્યાં હતાં. ત્રણ વર્ષ પછી, 1954માં આવેલી ફિલ્મ ‘બૂટ પૉલિશ’ની આ ઘટના પરથી આ વાત વધુ સ્પષ્ટ થાય છે. હસરત જયપુરી લિખિત એક ગીતની પહેલી કડી આ પ્રમાણે હતી: તારોં કો દિલ કી બાત સુનાઈ રાત તમામ તુજસે બિછડ કે નીંદ ન આઈ રાત તમામ મૈં બાઝારોં કી નટખટ રાની સારી દુનિયા હૈ મુજ પે દીવાની હાય મેરી બાઝારોં કી નટખટ રાની.

આ પણ વાંચો: શો-શરાબા : એકેડમી એવોર્ડ્સ કે રિવોલ્યુશનરી રેકોર્ડ્સ? ઓસ્કર એવોર્ડ્સ સાથે આ વર્ષે જોડાયાં છે અવનવા રેકોર્ડ્સ

આ ગીતની ઑફર આવી ત્યારે લતાજીના દિલોદિમાગમાં ‘સમાધિ’નો અનુભવ હજુ તાજો હતો અને એટલે ‘બાઝારોં કી’ શબ્દો સામે તેમણે વાંધો દર્શાવી આ ગીત પોતે નહીં ગાય એમ જણાવી દીધું. ફિલ્મના નિર્માતા રાજ કપૂરનો લતાજી માટે પક્ષપાત જાણીતો હતો અને ફિલ્મના સંગીતકાર શંકર-જયકિશનની અદમ્ય ઇચ્છા હતી કે આ ગીત લતાજી જ ગાય. હસરત જયપુરીને બોલાવી ‘મૈં બાઝારોં કી નટખટ રાની’ બદલાવી ‘મૈં બહારોં કી નટખટ રાની’ કરવામાં આવ્યું, તેમ છતાં લતાજી ન માન્યાં તે ન જ માન્યાં. અંતે નાછૂટકે શંકર-જયકિશને એ ગીત આશા ભોસલેના સ્વરમાં રેકોર્ડ કરાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button