મેટિની

શો-શરાબા : ક્યાંથી કયાં સુધી…?! એક સોશ્યલ મીડિયા પોસ્ટની હોલિવૂડ ફિલ્મ સુધીની સફર

  • દિવ્યકાંત પંડ્યા

આજના ડિજિટલ યુગમાં જ્યાં દરેક જણ પોતાના મોબાઇલ પર સોશિયલ મીડિયા ચલાવે છે, ત્યાં એક `રેડિટ’ જેવા સોશિયલ મીડ્યાિ પરની પોસ્ટ પરથી હોલિવૂડની મોટી ફિલ્મ બની રહી છે એ વાત અચરજ પડાવે એવી છે,. પણ એ કોઈ કાલ્પનિક કથા નથી, પણ સાચી ઘટના છે.

અમેરિકન એક્ટે્રસ સિડની સ્વીની, જેને દર્શકોએ યુફોરિયા' અનેધ વ્હાઇટ લોટસ’ જેવા લોકપ્રિય શોમાં જોઈ હશે. એ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. વધુ રસપ્રદ વાત એ છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યા છે એરિક રોથ, જેમણે ફોરેસ્ટ ગમ્પ' અનેડ્યુન’ જેવી ઓસ્કર વિજેતા ફિલ્મ્સ લખી છે. પણ ફિલ્મની કાસ્ટ અને લેખક એ બધું તો પછી આવે, પણ એ પહેલાં ફિલ્મના બીજ ક્યાં અને કેવી રીતે રોપાયા તેની વાત વધુ રસપ્રદ છે.

આ પણ વાંચો: શું ફિલ્મ સેલિબ્રિટીઝનું સોશિયલ મીડિયા પર હોવું જરૂરી છે?

વાત 2021ની છે, જ્યારે રેડિટ'ના નો સ્લીપ ફોરમ પર The Dalek Emperor નામના યુઝરનેમ સાથે માસુચુસેટ્સના એક હાઈ સ્કૂલ ઈંગ્લિશ ટિચર જો કોટેઆઈ પ્રીટેન્ડેડ ટુ બી એ મિસિંગ ગર્લ ‘ એવા ટાઈટલ સાથે એક શોર્ટ સ્ટોરી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં જોએ કેટલાક વિચિત્ર અને ડરામણા અનુભવો વર્ણવ્યા હતા, પણ આ વર્ણન ખરેખર એક વાર્તા હતી. વાર્તા એટલી વાસ્તવિક લાગતી હતી કે ઘણા વાંચનારાઓને લાગ્યું કે આ ખરેખર બનેલી ઘટના હશે.

વાર્તામાં એવું હતું કે એક છોકરીને એક પરિવારની એક 18 વર્ષની છોકરી દસ વર્ષ પહેલાં ગુમ થયાની ખબર પડે છે એટલે એ એક પ્લાન બનાવે છે. એ મુજબ તેે એ પરિવાર પાસે જાય છે અને કહે છે કે `પોતે જ પેલી ગુમ થયેલી છોકરી છે’. છોકરીનો પ્લાન ત્યાં જઈને પરિવારને લૂંટીને ભાગી જવાનો હોય છે, પણ એને ખબર પડે છે કે 10 વર્ષ પહેલાં ગુમ થયેલી છોકરીની ઘટનામાં ખૂબ બધાં રહસ્યો છે.

જો કોટની પોસ્ટની ભાષા અને શૈલી એટલી સચોટ હતી કે થોડા સમયમાં જ આ પોસ્ટ વાયરલ થઈ અને ટ્વિટર, ટિકટોક જેવાં પ્લેટફોર્મ્સ પર પણ ફેલાઈ ગઈ. હજારો લોકોએ તેને લાઇક કરી અને ઢગલાબંધ કોમેન્ટ્સ આવી. લોકો પોસ્ટ પર ચર્ચા કરવા લાગ્યા અને પોતાના અનુભવો પણ શેર કરવા લાગ્યા.

આ પોસ્ટને અચાનક મળેલી લોકપ્રિયતા અને પ્રસિદ્ધિ જોઈને હોલિવૂડના નિર્માતાઓનું ધ્યાન તેના પર ગયું. `ફિફટી ફિફટી ફિલ્મ્સ’ નામની સિડની સ્વીનીની જ પ્રોડક્શન કંપનીએ આ વાર્તાના ફિલ્મ માટે હક્કો ખરીદી લીધા પછી ફિલ્મમાં કામ કરવા માટે અભિનેત્રી પોતે જ તૈયાર પણ થઈ ગઈ. એ ઉપરાંત ઉપલબ્ધ સમાચારો પ્રમાણે લેખન કાર્ય ઓસ્કર વિજેતા ફિલ્મ્સના લેખક એરિક રોથ સંભાળવાના છે, જેથી ફિલ્મની ગુણવત્તા અને સ્તર ચોક્કસ જ ઊંચા હશે એવી અપેક્ષા રાખી શકાય. આમ એટલે જ આજે આ ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્સુકતા પણ વધી ગઈ છે.


આ ફિલ્મમાં ફક્ત ભૂત-પ્રેત જેવા પરંપરાગત ડરની વાત નથી, પણ વાસ્તવિક જીવનમાં થતી ડરામણી ઘટનાઓનો સમાવેશ થાય છે. આજના સમયમાં લોકોને આવી વાસ્તવિક લાગતી ડરામણી વાર્તાઓ વધુ ગમે છે. લોકો હવે ફક્ત કાલ્પનિક ડર નહીં, પણ રિયલ લાઇફમાં થતી ડરામણી ઘટનાઓ વિશે વધુ જાણવા માંગે છે. એ ઉપરાંત આ ફિલ્મ સોશિયલ મીડિયાની તાકાતનું પણ એક બહુ જ મોટું ઉદાહરણ છે. એક પોસ્ટ પરથી ફિલ્મની આ ઘટના દર્શાવે છે કે જો તમારી પાસે સારી વાર્તા હોય, તો તે ક્યાંયથી પણ શરૂ થઈ મોટી સફળતા પામી શકે છે.

આ પણ વાંચો:અઘોરીઓ સાથે પાંચ દિવસ -પ્રકરણ -13

આ ઘટના નવા લેખકો માટે એક દ્રષ્ટિએ પ્રેરણાદાયક છે. આ ઘટના દર્શાવે છે કે જો તમે સારી રીતે વાર્તા લખી શકો તો તમારે મોટા કનેક્શન્સ કે પૈસાની જરૂર નથી. તમારી વાર્તા જો લોકોને ગમે, તો તે હોલિવૂડ સુધી પણ પહોંચી શકે છે. આ ફિલ્મની સફળતા પછી હોલિવૂડ ઇન્ટરનેટ પરથી વધુ વાર્તાઓ શોધવા લાગે તો તેમાં જરા પણ નવાઈ લાગવા જેવું નહીં હોય. માત્ર હોલિવૂડ જ નહીં, વિશ્વના અનેક દેશોમાં અનેક પ્રોડક્શન હાઉસીઝ આ પ્રકારે લોકોને જ ગમી ગયેલી વાર્તાઓ શોધીને તેના પરથી ફિલ્મ્સ બનાવે તેવા કિસ્સાઓ જોવા મળી શકે છે. ભવિષ્યમાં આપણને પણ ઓનલાઇન વાર્તાઓ પરથી ફિલ્મ્સ જોવા મળે એ આશા પણ અસ્થાને નથી.

આખરે, `રેડિટ’ પરથી હોલિવૂડ સુધીની આ સફર માત્ર એક ફિલ્મની વાર્તા નથી. તે આજના સમયની સર્જનાત્મકતા અને સોશિયલ મીડિયાની તાકાતની પણ વાર્તા છે. આજે આમ પણ જ્યારે દરેક વ્યક્તિ પોતાના મોબાઇલ પર કંઈક નવું સર્જી રહી છે, ત્યારે આવી ઘટના આપણને યાદ અપાવે છે કે સર્જનાત્મકતા ક્યારેય સીમિત નથી હોતી. કોઈ પણ વ્યક્તિ પોતાની કલ્પનાશક્તિને પાંખો આપી શકે છે!

લાસ્ટ શોટ

`આઈ પ્રીટેન્ડેડ ટુ બી એ મિસિંગ ગર્લ’ વાર્તાની ડિજિટલ લોકપ્રિયતાના જોરે હોલિવૂડ સ્ટુડિયો વોર્નર બ્રધર્સને પણ તેના નિર્માણમાં રસ પડ્યો છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button