કૌશલજી વર્સસ કૌશલ અભાવ વર્સસ અપનાપન વ્યક્તિની હાજરી કે ગેરહાજરી જીવનમાં કોઈકને કોઈક રીતે પ્રગટ થતી રહે છે!

ફિલ્મનામા -નરેશ શાહ
આશુતોષ રાણા
સંબંધોના ગણિત ક્યારેક એકસરખા ઉત્તરોને આધીન હોતા નથી. કોઈક રિશ્તામાં ખાલીપો ખૂંચતો લાગે તો કોઈક કિસ્સામાં એકાંતની ઊણપ સતત મનમસ્તિકને કોતરતી રહે. કયાંક આઉટડેટેડ બની ગયાની તૂટ ન અનુભવાય તો ક્યાંય મોર્ડનાઈઝેશનનો એરુ કરડતો રહે. કોઈક પેરેન્ટસ સામે ઘર- પરિવારમાં વધતું સંતાનોનું આધિપત્ય ખટકે તો કોઈક માતા-પિતાને સંતાનોની ગેરહાજરી બદહવાશથી તરફ ધકેલી દે. અમુકને વૃદ્ધ વડીલો ભારરૂપ લાગે તો અમુક માટે બાળકોને સંભાળી લેનાર ‘કેરટેકર’ જેટલી જ માતા-પિતાની વેલ્યૂ હોય…
સંબંધોના આટાપાટામાં અટવાતા, પીલાતાં
અને રિબાતાં પાત્રોની વાત કરતી ‘બિદાઈ’થી ‘બાગબાન’ અને ‘અવતાર’ થી ‘અપને’ સુધીની ફિલ્મો આપણે ત્યાં બની છે. છેલ્લી ફિલ્મની યાદીમાં તમે નાના પાટેકરની ‘વનવાસ’ ને કે પરેશ રાવલની ‘શાસ્ત્રી વિરુદ્ધ શાસ્ત્રી’ને મૂકવાનું વિચારતાં હો ત્યારે જે 2025ની હોળી પર ‘જીયો હોટસ્ટાર’ ઓટીટી પ્લેટફોર્મ પર ‘કૌશલજી વર્સસ કૌશલ’ ઓન એર થઈ છે, જે ખરેખર વિચારશીલ જુવાન અને અનુભવી વડીલોને ફેરવિચારણા કરવા મજબૂર કરી દે તેવી સશક્ત છે.
તકલીફો અને રોગ- બીમારીનું એવું છે કે માણસ માત્ર તેમાંથી છુટકારો મેળવવાને પ્રાધાન્ય આપે એમાં અસહજ તો એ છે કે આ તકલીફો કે રોગ- બીમારી ક્યાંથી જન્મી અથવા તો કેમ વરાળ થઈ ગઈ, તેના પર ફોકસ જ ન જાય. સબંધો કે રિશ્તોમાં આવતી દરાર કે ખટાશ કે અણગમો કે અભાવ બારામાં પણ એટિટયૂડ આવો જ હોય છે.
કોરિયોગ્રાફરમાંથી રાઈટર- ડિરેક્ટર બનેલાં સીમા દેસાઈની ફિલ્મ ‘કૌશલજી વર્સસ કૌશલ’ મન- મસ્તિષ્કના તળિયે દબાઈ ગયેલી આવી લાગણીઓને ખૂબસૂરતીથી સમજાવે છે. વાત ગહન છે પણ સીમા દેસાઈએ તેને ગમતીલી શૈલીમાં પેશ કરે છે.
પુખ્ત બની ગયેલાં પુત્ર-પુત્રી પાંખો ફફડાવીને પોતાનું આકાશ પામવા ઊડી જાય પછી સ્વાભાવિક છે કે માતા-પિતાના ઘરમાં, જીવનમાં એક ખાલીપો ભરાઈ જાય. આ ખાલીપો કદી સંતાનોને સમજાતો નથી અને ક્યારેક તો પેરેન્ટસ પણ આ અભાવને વર્તી શકતાં નથી, પરંતુ વ્યક્તિની હાજરી અને ગેરહાજરી કોઈકને કોઈક રીતે પ્રગટ થયા વગર રહેતી નથી અને એવું જ અત્તરોની નગરી કનોજમાં રહેતાં પાકટ દંપતી સાહિલ કૌશલજી(આશુતોષ રાણા) અને પત્ની મિસિસ કૌશલજી (શીબા ચઢ્ઢા) સાથે બની રહ્યું છે.
આ પણ વાંચો : સ્ટાર-યાર-કલાકાર: યાદોં કી બારાત: આજનાં નાટક… ત્યારનાં નાટક
દીકરો યુગ (પવૈલ ગુલાટી) કામ સબબ દિલ્હી ચાલ્યો ગયો છે અને દીકરી (દીક્ષા જોશી) એનજીઓની એક્ટવિટી માટે ફરતી રહે છે. કનોજમાં એકલા રહી ગયેલાં પતિ પત્ની વચ્ચેની તૂતૂમેંમેં ખટરાગ ધીમે ધીમે કડવાશનું સ્વરૂપ લઈ રહ્યો છે. અભાવ અણગમામાં પલટાઈ રહ્યો છે. આજ સુધી ખામોશ થઈ ગયેલી ગૂંગળામણ હવે બોલકી થઈ ગઈ છે. પત્નીને લાગે છે કે અત્તર બનાવવાના એના શોખનું લગ્નજીવને (ખાસ તો પતિએ) ગળું ઘોંટી દીધું છે, તો અમીર ખુશરોના ચાહક અને કવ્વાલીના આશિક પતિને લાગે છે કે, પત્નીને પોતાની ગાયકી અને હુન્નરની જરા પણ કદર નથી…
તૂતૂમેંમેં અને મ્હેણાંટોણાં વચ્ચે જીવાતી જિંદગીમાં એક મોડ એવો આવે છે કે બન્ને પતિ-પત્ની (આશુતોષ રાણા- શીબા ચઢ્ઢા) જાતી જિંદગીએ છુટ્ટા પડવાનું નક્કી કરે છે. લગ્નનું બંધન તોડીને મુક્તિ કે આઝાદી
મેળવીને પછી જ પોતે પ્રસન્ન રહી શકશે અને સામા પાત્રને ખુશી મળી શકશે એવું માનીને બન્ને કોર્ટમાં અપ્લાય કરે છે પણ..
માતા- પિતાના ખટરાગથી અકળાતો પુત્ર અને
માતા-પિતાને ખુશ જોવા ઈચ્છતી પુત્રીને રહી રહીને( પરિસ્થિતિવશ) એ અહેસાસ થાય છે કે દાખલો જ ખોટો મંડાય ગયો છે.
આ પણ વાંચો :શું ફિલ્મ સેલિબ્રિટીઝનું સોશિયલ મીડિયા પર હોવું જરૂરી છે?
હવે આ પરિસ્થિતિને સુધારવી કેમ? કોર્ટના પગથિયાં ચઢી ગયેલા માતા- પિતાને ત્યાંથી ઉતારવાં કેમ? માણસ માત્ર સામાન્ય રીતે સરળ-સહજ માર્ગે જવાનું વધુ પસંદ કરતો હોય છે. જામતું નથી, એકબીજા સાથે ગોઠતું નથી તો છુટ્ટા પડી જાવ- એ એ આજનો પ્રક્ટિકલ ઉકેલ છે, પરંતુ સામે દેખાતા ઉકેલને લીધે જ એ વાત ભૂલાઈ જતી હોય છે કે, તો પછી એકબીજા માટે જન્મેલો અભાવ, અણગમો આટલા વરસ સુધી કેમ સપાટી તોડીને પ્રગટ થયો નહોતો!
‘કૌશલજી વર્સસ કૌશલ’ ફિલ્મ અંતમાં આપણને સમજાય છે કે માણસનો સ્વભાવ પણ ‘દુ:ખે પેટને કૂટે માથું’ના લય પર ચાલતો હોય છે. આશુતોષ રાણા સહિત તમામ કલાકારોની બહેતરીન અદાકારી ધરાવતી આ ફિલ્મ જોઈ લેશો તો તમારા ય મનનો થોડો રઘવાટ ઓછો થશે પણ પૂરું કરતાં પહેલાં ફિલ્મનો એક સંવાદ વાગોળવા જેવો છે:
‘હમ નારાજ તો બેટે, તબ હોતે હૈ, જબ મનાનેવાલા કોઈ હો! ’
આ ફિલ્મ હેતથી તમારી પીઠ પંપાળીને નારાજી ઓછી કરે તેવી છે.