મેટિની

ફ્લૅશ બૅક : એક ગીતમાં છ ભાષા!

  • હેન્રી શાસ્ત્રી

હિન્દી ફિલ્મ ગીત – સંગીત વિના અધૂરી ગણાય છે અને હા, આ ગીત – સંગીતનો ઈતિહાસ મજેદાર, દિલચસ્પ અને મમળાવવા જેવો છે

એક પ્રયોગશીલ અને એમના સમય કરતાં આગળ ફિલ્મમેકર તરીકે એમની ખ્યાતિ છે. એમના ચિત્રપટમાં વિશિષ્ટ વાર્તા તત્ત્વ સાથે ગીત – સંગીતમાં પણ વેગળો દ્રષ્ટિકોણ હંમેશાં જોવા મળ્યો છે. નવરંગ' હોય કેદો આંખે બારહ હાથ હોય’ કે પછી ઝનક ઝનક પાયલ બાજે' અનેસેહરા’ જેવી ફિલ્મમાં પણ એવાં ગીત છે જે આજે પણ સિને રસિકોને ગણગણવા ગમતા હશે. મન્ના ડેનું તૂ છુપી હૈ કહાં મૈં તડપતા યહાં', લતા મંગેશકરનુંઅય માલિક તેરે બંદે હમ’, લતાદીદીનું જ મેરે અય દિલ બતા' અનેપંખ હોતી તો ઉડ આતી રે’… આ યાદી હજી ઘણી લાંબી છે.

આજે શાંતારામની બહુ ગાજેલી એક ફિલ્મના એવા ગીતથી વાકેફ થઈશું, જે વિશિષ્ટ હોવા છતાં ફિલ્મની વાર્તાના પ્રભાવમાં વિસરાઈ ગયું.

1920ના દાયકામાં જર્મનીમાં ચેમ્બર ડ્રામા' નામની ફિલ્મ મેકિગની શૈલી લોકપ્રિય થવા લાગી હતી. નાના થિયેટરોમાં ભજવાતાં નાટકો ચેમ્બર પ્લેઝ’ કહેવાતા હતા. આ શૈલીને અનુસરી બનતી ફિલ્મોમાં આલીશાન સેટ કે એવા બીજા કોઈ ભપકાને પ્રાધાન્ય આપવાને બદલે સૂક્ષ્મ અભિનય અને પાત્રને ઘડવાને પ્રાધાન્ય આપવામાં આવતું હતું.

હેન્રી ફોન્ડાની 12 એન્ગ્રી મેન' (બાસુ ચેટરજીનીએક રૂકા હુઆ ફૈસલા’ એની રિ-મેક હતી) ફિલ્મ ચેમ્બર ડ્રામાનું જગવિખ્યાત ઉદાહરણ છે. શાંતારામ આ શૈલીથી પ્રભાવિત થયા હતા અને એમની આદમી' (1939) ફિલ્મમાં આ શૈલીની અસર દેખાય છે. હિન્દી પછી મરાઠીમાં પણ બનેલી આ ફિલ્મનું ટાઈટલમાણુસ’ હતું.

આ પણ વાંચો: ફ્લૅશ બૅક : બહેનોનું ગીત બહેનો પર પિક્ચરાઈઝ થયું

`આદમી’ ફિલ્મની વાર્તાના કેંદ્રબિંદુમાં સમાજ અને એ સમયની સમસ્યા છે. ગણિકાના અડ્ડા પર પોલીસ છાપો મારે છે ત્યારે હવાલદાર ગણપત (શાહુ મોડક) ગણિકા મૈના (શાંતા હુબળીકર)ને હોશિયારી વાપરી પોલીસ પકડમાંથી બચાવી લે છે. બંને પ્રેમમાં પડે છે અને મૈના સન્માનપૂર્વકનું જીવન જીવી શકે એ માટે ગણપત એની સાથે લગ્ન કરે છે. જોકે, સમાજને આ લગ્ન બંધન સ્વીકાર્ય નથી અને ગણપત – મૈનાના જીવન સંઘર્ષ સાથે ફિલ્મ એના અંત સુધી પહોંચે છે. સામાજિક સુધારણાનો સંદેશ આપતી આ ફિલ્મને સારી સફળતા મળી હતી અને એવી નોંધ છે કે વિશ્વવિખ્યાત એક્ટર ચાર્લી ચેપ્લિને પણ એની પ્રશંસા કરી હતી.

એ ફિલ્મની કેટલીક ખાસિયતો હતી. ફિલ્મના એક રોમેન્ટિક ગીતને બાદ કરતા સમગ્ર ફિલ્મ સેટ પર શૂટ કરવામાં આવી હતી. સેટમાં પણ કોઈ ઝાકઝમાળ નહીં. ગલીના નાકે, નાનકડા ઘરમાં અથવા કોઈ આંગણામાં જ મોટાભાગના ચિત્રપટનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. ચેમ્બર ડ્રામાની વ્યાખ્યાનો પ્રામાણિકપણે અમલ કરવામાં આવ્યો છે. જોકે, પતિ ગણપતની પાછળ પાછળ મૈના ઘરની બહાર નીકળે છે અને બંને અજાણતા જ કોઈ ફિલ્મનું શૂટિગ ચાલતું હોય છે એના આઉટડોર લોકેશન પર પહોંચી જાય છે. હીરો – હીરોઈનના નબળા પરફોર્મન્સથી કંટાળી ગયેલા ફિલ્મના ડિરેક્ટરને ગણપત – મૈના ગીત ગાતા હોય છે એમાં રસ પડે છે અને એટલા પ્રભાવિત થાય છે કે એમને ફિલ્મોમાં કામ કરવાની ઓફર કરે છે, પણ બંને જણ ના પાડી ત્યાંથી રીતસરના ભાગીને જતા રહે છે. આ એક જ ગીત લોકેશન પર ફિલ્માવાયું છે. લોકેશન પણ અત્યંત સામાન્ય કક્ષાનું લાગે છે. હકીકતમાં ગણપત – મૈનાનું યુગલ ગીત હમ પ્રેમનગર મેં જાયેં' હકીકતમાં બોમ્બે ટોકીઝની ફિલ્મઅછૂત ક્નયા’ (1936)માં અશોક કુમાર – દેવિકા રાણી વૃક્ષ નીચે બેસી જે સ્ટાઈલથી ગીત ગાય છે એની મજાક ઉડાવવાનો પ્રયાસ છે. શાંતારામની ફિલ્મો બોમ્બે ટોકીઝની ફિલ્મો કરતાં સાવ નોખી કેમ તરી આવતી હતી એ આ ઉદાહરણથી સમજાવવાનો પ્રયાસ છે.

`આદમી’માં શાહુ મોડક અને શાંતા હુબળીકર લાઉડ એક્ટિંગ નહીં, પણ સંયમિત અભિનય કરે છે અને આ પ્રકારના અભિનયને વી. શાંતારામની ફિલ્મોમાં કાયમ પ્રાધાન્ય મળ્યું છે. શાંતા હુબળીકરે એક્ટિંગ કરવા ઉપરાંત ગીતો પણ ગાયા છે. એ દોરમાં એક્ટર – સિંગરનું ખાસ્સું ચલણ હતું.

આ ફિલ્મમાં 10 ગીત છે. જોકે, એ સમયમાં ડઝન ગીત હોવા સામાન્ય બાબત ગણાતી હતી. ફિલ્મના ગીતકાર હતા મુનશી અઝીઝ. શાંતારામ સાથે આદમી' ઉપરાંતદુનિયા ના માને’ અને કુંકુ'માં કામ કરનાર ગીતકારે માત્ર છૂટીછવાઇ ફિલ્મો કરી હતી. સંગીતકાર હતા માસ્તર કૃષ્ણરાવ. હિન્દી ફિલ્મના સંગીત રસિયાઓ માટે આ નામ અજાણ્યું હશે, પણ મરાઠી સંગીતમાં એમનું દમદાર યોગદાન રહ્યું છે. બાળ ગંધર્વ એમના સંગીતથી પ્રભાવિત થયા હતા અને એમની સાથે કામ કર્યું હતું. શાંતારામની ફિલ્મોમાં સંગીત આપનારા કૃષ્ણરાવના સ્વરાંકનની ખાસિયત એ હતી કે એમની દરેક ફિલ્મમાં એકાદ અલાયદી ધૂન સાંભળવા જરૂર મળતી હતી.આદમી’નું તરાર નાવ નાવ' એનું ક્લાસિક ઉદાહરણ છે. 85 વર્ષ પહેલા કરવામાં આવેલો પ્રયોગ અચંબો પમાડે છે. ફિલ્મનુંકિસ લિયે કલ કી બાત, કટી હંસીખુશી મેં રાત’ તો કમાલનું ગીત છે. મુખ્યત્વે હિન્દીમાં લખાયેલા આ ગીતમાં એક એક કડી અનુક્રમે ઉર્દૂ, ગુજરાતી, પંજાબી, બંગાળી અને તમિળ ભાષામાં આવે છે. ગીતની સિચ્યુએશનમાં દરેક ભાષાનો ચાહક ગ્રાહક આનંદ લેવા આવ્યો હોવાથી દરેકનું મનોરંજન કરવાના આશય સાથે હિન્દી ઉપરાંત પાંચ એમ કુલ છ ભાષામાં ગીત રજૂ થયું છે. આની કોઈ નોંધ ઉપલબ્ધ નથી, પણ આ અનોખા ગીતે એ સમયે ધૂમ મચાવી હશે એવું અનુમાન જરૂર કરી શકાય. ગુજરાતી પંક્તિઓ વખતે ડિરેક્ટરે હીરોઈનને સાફો પણ પહેરાવ્યો છે. `આદમી’ ફિલ્મ યુ યુટ્યૂબ પર ઉપલબ્ધ છે. આખી ફિલ્મ આજના સમયમાં જોવી સહ્ય ન લાગે, પણ છ ભાષાનો સમાવેશ કરતું અલાયદું ગીત જરૂર સાંભળજો, મજા પડશે.

આ પણ વાંચો: ફ્લૅશ બૅક : પ્રદીપ કુમાર ઓછી પ્રતિભા, મોટી પ્રતિમા

અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે હિન્દી સિવાયના ગીતની પંક્તિઓ જે તે ભાષાના ગીતકાર પાસે લખાવરાવી હતી. ફિલ્મ મેકિગમાં ચોકસાઈ અને ચીવટનું પાલન શાંતારામજીના ગુણ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button