મેટિની

મિત્ર એટલે ખિસ્સામાં બચેલો સિક્કો!

અરવિંદ વેકરિયા

બે દિવસ પછી હું, આનંદ મસ્વેકર અને દિનેશ કોઠારી મળ્યા. દિનેશ એક સીન લખીને લઈ આવેલો. આનંદનું મૂળ મરાઠી નાટક (નામ યાદ નથી આવતું) જેનું ગુજરાતીકરણ દિનેશે સુંદર કરેલું. જે કોઈ દિનેશના પરિચયમાં હશે એમને ખબર હશે કે કેવી રમૂજ અને વન-લાઈનરનો એ ‘માસ્ટર’ હતો! એ પછી એવો વન-લાઈનર ઈમ્તિયાઝ પટેલ (હયાત નથી). એનાં નિધન પછી પણ એનાં લખેલાં નાટકો સતત રજૂ થતાં રહે છે.

દિનેશ કોઠારીનો એક રમૂજી કિસ્સો યાદ આવે છે. મારો દીકરો તન્મય ત્યારે અમૃત પટેલ દિગ્દર્શિત નાટક ‘જય- પરાજય’ માં અને એ નાટકનો શો હતો ભાઈદાસ-પાર્લામાં. હું અને દિનેશ પણ ત્યાં હતાં, પટેલ મને અને દિનેશને ભાઈદાસ થિયેટરની લાઈટ-કેબિનમાં લઈ ગયા. ત્યાં મધુ નામે લાઈટ-કેબિનનો ઇન્ચાર્જ. નાટકનો પહેલો અંક પૂરો થતા પટેલે પેલા મધુને બૂમ પાડીને કહ્યું. હાઉસ લાઈટ આપ.. ત્યારે દિનેશ તરત બોલ્યો કે ‘પટેલ, ધીમે બોલો ઓડિયેન્સમાં સંભળાશે તો પ્રેક્ષકો પોતાના ઘરે ‘હાઉસ-લાઈટ’ કરવા દોડી જશે’.

આવો જ બીજો એક કિસ્સો પ્રવીણ સોલંકી લિખિત નાટક ‘સંબંધો સૂર્યાસ્ત પછીના’ નાટક વખતે..નાટકનો વિષય થોડો હટ..કે.. હતો. કી-ક્લબનો સેટ ખૂબ સરસ બનાવેલો. એમાં એક્રેલીકનાં નાના-નાનાં મુડા અને અંદર લાઈટ ગોઠવેલી. સીનમાં લાઈટ થઈ કે તરત દિનેશ બોલ્યો, ‘જે કલાકાર મુડા પર બેઠા છે એમાં કોને મસા થયાં છે એની જાણ થઈ જશે! ’

અમૃત પટેલ અને દિનેશ કોઠારી બન્ને ખાસ મિત્રો. દિનેશ મારો પણ સારો મિત્ર.
દવા થઈ જાય ‘મિત્રો’, દુઆ થઈ જાય ‘મિત્રો’ ઘણીવાર માણસ મટી, ભગવાન થઇ જાય ‘મિત્રો’.

ખરેખર! મિત્ર એટલે ખિસ્સામાં બચેલો સિક્કો. બાળપણનાં સંભારણા ઘણાને યાદ હશે. આજની પેઢી એ વિચારતી હશે કે નહિ એ સવાલ થાય. બાકી ક્યારેક હૃદયની ઝેરોક્ષ કરાવશો તો બાળપણ સિવાય એક પણ ફોટો રંગીન નહી આવે.

સીન વખતે તુષાર શાહને બોલાવ્યાં નહોતાં. ખાસ તો લેણાં નીકળતાં 60000/- ની અંગત વાત આ ‘સીન- રીડિંગ’ વખતે કરવી યોગ્ય પણ નહોતી. મારે એ લેણાં નીકળતાં પૈસા આવી જાય તો 30000/- દીપક સોમૈયાને ચૂકવી દઉં એવી પ્રબળ ઈચ્છા હતી.

સીન સરસ લખાયો હતો. દિનેશના કહેવા પ્રમાણે આઠેક પાત્રો થશે એવું લાગતું હતું. નાટક શરૂ કરતાં પહેલા લેણાં પૈસા માટે તુષારભાઈ શું જવાબ આપે છે એ જોવાનું હતું. નાટક તો મારે કરવું હતું સાથે સંબંધ પણ તુષારભાઈ સાથે જાળવી રાખવો હતો…. છોડ હોય કે સંબંધ, વાવતા પહેલાં માટી પારખી લેવી. બધી માટી ઉપજાવ નથી હોતી. બીજો સીન ત્રણ-ચાર દિવસમાં મળી જશે એવું દિનેશે કહ્યું અને અમે છૂટા પડ્યા.

બીજે દિવસે હું અને તુષારભાઈ મળ્યા. નવા નાટકનાં સીન વિશે વાત થઈ. નાટક એમને તરત શરૂ કરવું હતું. મેં હળવેથી લેણા નીકળતાં પૈસાની વાત કરી તો મને કહે, ‘હું લઈને જ આવ્યો છું.’ એ ત્રીસ હજાર લઈને આવેલાં. ‘મને ખબર છે મારે 60000 આપવાનાં છે પણ દીપકે મને બહુ સંભળાવ્યું છે, મારાં સંજોગો ધ્યાનમાં નહિ લેતા ઘણું બોલ્યો એટલે મેં નક્કી કર્યું છે કે ભાગીદાર તરીકે તમને અડધા આપી દઉં બાકી એને હું નહિ આપું.’

બે ઘડી મને લાલચ તો થઈ પણ મન ના પાડતું હતું. ખરેખર કોઈની ઈમાનદારીની એટલી પરીક્ષા ન લો ભગવાન કે એને ઈમાનદાર હોવાનો અફસોસ થાય.

મેં કહ્યું ‘ઠીક છે..હું અને દીપક હવે સાથે નથી. એક કામ કરો આ રોકડા તમે રાખો અને મને એક ચેક 30000નો ‘થીયેટ્રિકસ નામનો લખી આપો’. (જે નામે દીપકે પોતાનો બિઝનેસ આગળ વધારેલો.) એમણે રોકડા ખિસ્સામાં મુક્યા અને બીજા ખિસ્સામાંથી ચેક બુક કાઢી મને ત્રીસનો ચેક લખી આપ્યો. મેં ચોખવટ પણ કરી લીધી કે નાટકની જા.ખ. દીપક જ કરશે.’ એમણે હા તો પાડી પણ પરાણે. હવે પછી સીન આવશે કે તરત મળીશું એવું નક્કી કરી છૂટા પડ્યાં.

મેં દીપકને ફોન કરી વાત કરી. દીપક, તારી કંપનીનાં નામે મને તુષારભાઈએ 30000 નો ચેક આપ્યો છે બાકીના ત્રીસની હું કોશિશ કરીશ જ. આ ત્રીસનો ચેક તું લઈ તારા બેન્કમાં ભરાવી દે અને બે-ત્રણ દિવસમાં ચેક ક્લિયર થઈ જાય પછી મારા ભાગના 15000 મને આપી દેજે. આમ પણ આપણે તો આ લેણાં નીકળતાં પૈસા ‘ગયા’ ખાતે માંડી જ દીધેલા ને? હું જો નાટક ડિરેક્ટ કરવાની ના પાડીશ તો એને બીજા ઘણા મળી રહેશે અને જો એની સાથે રહીશ તો બાકીના ત્રીસ કદાચ આવી પણ જાય.

એવું ન થાય કે આવેલા ત્રીસથી પણ હાથ ધોવા પડે. બધા રસ્તામાં તકલીફ તો હોય પણ બધી તકલીફનાં રસ્તા પણ હોય ને!હું ટ્રાય કરતો રહીશ. બસ, ચેક ક્લિયર થાય એટલે પંદર પહોંચાડી દેજે. બાકીના ત્રીસ કઢાવવા હું સભાનપણે પ્રયત્નો કરતો રહીશ. અને હા, નવા નાટકની જા.ખ. તારે જ કરવાની છે એના પૈસા રોકડા જ માગી લેશું…’

દીપકે મારી પાસેથી ચેક લઈ એના કંપની-ખાતામાં ડિપોઝિટ કરી દીધો. પાંચેક દિવસ થઈ ગયા. મેં દીપકને ફોન કર્યો,’ દોસ્ત, ચેક તો ક્લિયર થઈ ગયો હશે…મારા ભાગનાં પંદર ક્યારે આપે છે?’ દીપકે મને કહ્યું,’ તમે નાટક ડિરેક્ટ કરશો એનાં ‘કવર’ તમને મળશે જ. તમે કહ્યું એમ તમે ત્રીસ માટે સભાનપણે પ્રયત્ન કરવાના છો તો એ ત્રીસ કઢાવી એ તમે રાખી લેજો. 60 માંથી મારા ભાગનાં 30 આવી ગયા એમ સમજી લો.’

હું નિશબ્દ રિસીવર જાલીને ઊભો રહી ગયો. કઈક આવો જ ઝટકો આગળ પણ બીજાએ આપેલો. થયું કે કે જે ભૂલમાંથી આપણે કઈ નથી શીખતાં એ જ આપણા જીવનની સૌથી મોટી ભૂલ છે…
છાના માના બેસો… આ વાક્ય બાલમંદિર પછી સીધું લગ્ન પછી સાંભળવા મળે…

આ પણ વાંચો…ખુશીમાં ગજબ ગણિત છે… ડિવાઈડ કરો તો મલ્ટિપ્લાય થાય!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button