મેટિની

શો-શરાબા : હોલિવૂડમેં યે ક્યા હંગામા હો રહા હૈ, બ્રો?!

-દિવ્યકાંત પંડ્યા

હમણાં હોલિવૂડમાં અમુક એવી ઘટના બની છે કે જે સિનેમા ક્ષેત્રે સંકળાયેલા લોકો અને દર્શકો સૌને અચંબો પમાડે તેવી છે. તાજેતરમાં જ આવેલા સમાચારો પર ઝીણવટથી ધ્યાન ન દઈએ તો પણ એવું લાગે કે અચાનક હોલિવૂડમાં આટલું બધું કેમ બની રહ્યું છે?

પહેલી વાત છે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના વિદેશી ફિલ્મ્સ પર ટેરિફ લગાવવાના નિર્ણયની. એમના નિર્ણય કે હવે અમેરિકામાં વિદેશી ફિલ્મ્સ પર 100 ટકા ટૅરિફ લગાવવો જોઈએ એણે ખાસ્સો વિવાદ જગાડ્યો છે. આ અગાઉના
એમનાં અન્ય ધંધાકીય ક્ષેત્રના ટૅરિફ અંગેના નિર્ણયોથી વૈશ્વિક બજાર અને રાજકારણ બંનેમાં ગરમી આવી ગઈ છે. હવે એમાંનો આ ફિલ્મો અંગેનો તાજો નિર્ણય માત્ર રાજકારણ કે બજાર જ નહીં, સિનેમાની અર્થવ્યવસ્થાને પણ હચમચાવી શકે છે.

જોકે, ટ્રમ્પના મંતવ્ય મુજબ, આ ટૅરિફ અમેરિકન સ્ટુડિયો અને પ્રોડ્યુસરને દેશમાં જ ફિલ્મ બનાવવાનું પ્રોત્સાહન આપશે. એ સાચું છે કે આજના સમયમાં બહુ જ બધી હોલિવૂડ ફિલ્મ્સ કેનડા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ કે ભારત જેવા દેશોમાં શૂટ થાય છે અને એ બદલ એમને ટેક્સમાં રાહત પણ મળે છે તો હવે જો આ ટૅરિફ લાગુ પડે તો એ તમામ આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્થળોને નુકસાન થશે અને સ્ટુડિયો માટે પણ ખર્ચ વધી જશે.

અહીં એ પણ સમજી લેવું જરૂરી છે કે હોલિવૂડ એટલે અમેરિકન પ્રોડક્શન હાઉસની ફિલ્મ્સ. દરેક ઈંગ્લિશ કે ભારત સિવાયની ભાષાની ફિલ્મ એટલે હોલીવૂડ ફિલ્મ નહીં. જોકે અહીં મુદ્દો એ પણ છે કે તો પછી વિદેશી ફિલ્મ કોને કહેવાય? શૂટિંગ ક્યાં થયું એ આધારે કે ટીમ ક્યાંની છે એ આધારે? જોકે નિર્માણ કંપની આધારે જ એ નક્કી થાય, પણ જો અમેરિકા ટૅરિફ મુદ્દે આવું પગલું ભરે તો ઘણાં દેશો પણ અમેરિકન ફિલ્મ્સ સામે પ્રતિબંધો લગાવી શકે. આનાથી આંતરરાષ્ટ્રીય ફિલ્મ્સની ઈકોસિસ્ટમ તૂટી શકે. વિવિધ ફેસ્ટિવલ, સહિયારા પ્રોજેક્ટ્સ અને ક્રોસ-બોર્ડર કોલાબરેશનના દરવાજા બંધ થવાની શક્યતા ઊભી થઈ શકે…

જોકે, આનાથી સામાન્ય દર્શકને શું ફરક પડે? વેલ, કોઈ પણ ફિલ્મમાં આજે જેમ અમેરિકા કે કોઈપણ દેશ બતાવવામાં આવે છે તેની હાજરી ઘટી જાય અને એનાથી મનોરંજનની માત્રા પણ ઘટી શકે. એ પછી જેમ્સ બોન્ડની ફિલ્મ હોય કે યશરાજ સ્ટુડિયોની સ્પાય ફિલ્મ, વિવિધ લોકેશન્સનો નજારો ફિલ્મમાંથી બાકાત થઈ શકે છે.

આ પણ વાંચો….શો-શરાબા : જૂના ફિલ્મ ટાઇટલ્સ અને નવી ફિલ્મ્સના અતરંગી કિસ્સા જાણવા જેવા છે.

આ સાથે જ હોલિવૂડમાં બીજા એક મહત્ત્વના સમાચાર એ ગૂંજ્યા છે કે વોર્નર બ્રધર્સે દિગ્દર્શક રાયન કુગલરની
ફિલ્મ ‘સિનર્સ’ માટે જે ડીલ સાઇન કરી છે એ એક નવી જ મિસાલ છે. ‘સિનર્સ’ એક વેમ્પાયર થીમ પર આધારિત પિરિયડ થ્રિલર છે. આ ફિલ્મ માટે વોર્નર બ્રધર્સે જે ઓફર આપી એ એકદમ ચોંકાવનારી હતી.

આ ડીલમાં દિગ્દર્શક રાયન કુગલરની ભાગે આવે છે ક્રિએટિવ કંટ્રોલ, ડિસ્ટ્રીબ્યુશનના હકો, નફામાં સીધો હિસ્સો અને 25 વર્ષ પછી સ્ટુડિયો નહીં, પણ દિગ્દર્શકની ફિલ્મ- માલિકી. આજના સમયમાં કદાચ કોઈ પણ સ્ટુડિયો વિના સંકોચે આવી ડીલ કરે નહીં,પણ આ ડીલ સાબિત કરે છે કે હવે સ્ટુડિયોનો પરંપરાગત પાવર ડિરેક્ટર અને ક્રિએટિવ લોકો તરફ જઈ રહ્યા છે. ‘સિનર્સ’ની સફળતા પછી હોલિવૂડમાં ઘણાં ડિરેક્ટરો આવી શરતો રાખે એવી શક્યતા વધુ છે. આ ડીલ હોલિવૂડના ‘પાવર-સેન્ટ્રિક’ કલ્ચરને બદલી શકે છે. લાંબા સમયથી સ્ટુડિયોઝ ફોર્મ્યુલા અને ફ્રેંચાઇઝી મોડલ પર ચાલતા આવ્યા છે, જ્યાં ડિરેક્ટરના વિચારોને ઘણી વખત બાજુ પર રાખવામાં આવતા, પરંતુ હવે ‘સિનર્સ’ ડીલ જેવી છૂટ ડિરેક્ટરને મળી રહી છે-મળશે, જે દર્શાવે છે કે ક્રિએટિવિટી ફરીથી સેન્ટર સ્ટેજ પર આવી રહી છે.

આ બધા વચ્ચે માર્વેલ સ્ટુડિયોઝે તો જાણે ફિલ્મ ટાઇટલનું આખું ફોર્મેટ જ બદલી નાખ્યું. માર્વેલની લેટેસ્ટ ફિલ્મ ‘થન્ડરબોલ્ટ્સ’ રિલીઝ કર્યા પછી તેના એન્ડ ક્રેડિટ્સમાં જણાવાયું કે ફિલ્મનું અસલ ટાઈટલ ‘ધ ન્યૂ અવેન્જર’ છે. ફિલ્મનું નામ એની રિલીઝ પછી બદલાય એ કદાચ પહેલાં ક્યારેય થયું નથી. ‘થન્ડરબોલ્ટ્સ’ નામ સાથે જ * એટલે કે એસ્ટ્રિક માર્ક રાખવામાં આવ્યો હતો, જે દ્વારા લોકોને શીર્ષકમાં ફેરફાર વિશે હિન્ટ આપવામાં આવી.

‘થન્ડરબોલ્ટ્સ’ તરીકે જે ફિલ્મ રજૂ થઈ, એ ઘણી હદે સાઇડ સ્ટોરી જેવી છે, પણ એના અંત સાથે માર્વેલે સીધું ‘એવેન્જર્સ’ જોડીને જોખમી માર્કેટિંગ સ્ટ્રટેજીને સફળ બનાવી દીધી. પરિણામે, રિલીઝ પછી બીજા જ સપ્તાહથી ટિકિટ સેલ્સમાં ઉછાળો જોવા મળ્યો અને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ કે ‘નવા અવેન્જર્સ આવી ગયા છે’ ‘થન્ડરબોલ્ટ્સ’ ફિલ્મે અત્યાર સુધીમાં 271 મિલિયન ડૉલરની કમાણી કરી લીધી છે.

અહીં આપણે જે ત્રણ ઘટનાની વાત કરી એને સાંકળીએ તો એ સ્પષ્ટ થાય છે કે સિનેમા ક્ષેત્રે માત્ર ક્ધટેન્ટ નહીં, પણ બિઝનેસ મોડલ, પાવર ડાયનામિક્સ અને ફેન્સ સાથેના સંબંધમાં કોઈ પણ પ્રકારના અણધાર્યા બદલાવ શક્ય છે. અહીં હવે પ્રશ્ન એ છે કે શું હોલિવૂડ આવા નવા બદલાવ વચ્ચે ટકી શકશે ખરું?

લાસ્ટ શોટ
‘સિનર્સ’ ફિલ્મ માટે સોની અને યુનિવર્સલ જેવા દિગ્ગજ સ્ટુડિયોએ પણ બોલી લગાવી હતી.

આ પણ વાંચો….શો-શરાબા : ફિલ્મ્સ નહીં… ફેમિનિઝમની બોલબાલા!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button