શો-શરાબા: આઇડેન્ટિટી ક્રાઈસીસ! | મુંબઈ સમાચાર
મેટિની

શો-શરાબા: આઇડેન્ટિટી ક્રાઈસીસ!

‘નામ ગુમ જાયેગા’નો ભય કે હકીકત? AIના યુગમાં સ્ટાર્સની પોતાના પર્સનાલિટી રાઈટ્સ માટેની લડત

  • દિવ્યકાંત પંડ્યા

અનિલ કપૂર, દીપિકા પાદુકોણ, હૃતિક રોશન-ઐશ્વર્યા રાય બચ્ચન

આજના સમયમાં ટેક્નોલોજી એટલી ઝડપથી આગળ વધી રહી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કોઈ પણ વ્યક્તિનો ચહેરો, અવાજ કે હાવભાવ સહેલાઈથી નકલ કરી શકે છે. અને બસ, એ જ વાતે હવે ભારતીય સિનેમાના મોટા સ્ટાર્સને સ્ટ્રેસ આવી રહ્યો છે. સ્ટ્રેસ છે પોતાની જ ઓળખ ગુમાવવાનો. હૃતિક રોશન તાજેતરમાં દિલ્હીની હાઈકોર્ટમાં ગયો છે પોતાના પર્સનાલિટી રાઈટ્સ બચાવવા એટલે કે એનું નામ, અવાજ, ચહેરો કે હાવભાવ કોઈ બીજી વ્યક્તિ કે કંપની એની પરવાનગી વગર વાપરી ન શકે. આ કેસ માત્ર હૃતિક માટે નથી,

આખા ભારતીય સિનેમા માટે એક ટર્નિંગ પોઇન્ટ છે.

હૃતિકે જે અરજી કરી છે, તે માત્ર ફેક એડ કે મીમ સામે નથી. હવે સ્ટાર્સ પોતાની ઓળખને આખી ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રાખવા માગે છે. સોશ્યલ મીડિયા પર હૃતિક કે દીપિકા પાદુકોણના ફેક એડ્સ ફરતા રહે છે, જેમાં એ એવા પ્રોડક્ટ્સને પ્રમોટ કરતા દેખાય છે, જેનું એમણે ક્યારેય નામ પણ નહીં સાંભળ્યું હોય!

વૈશ્વિક લેવલ પર તો આ સમસ્યા અને તેની સામેની લડત પહેલેથી જ શરૂ થઈ ચૂકી છે. હોલિવૂડ એક્ટર ટોમ હેન્ક્સે થોડા મહિના પહેલાં ચેતવણી આપી હતી કે કોઈએ AI -જનરેટેડ એડમાં એનો ચહેરો વાપર્યો છે, જેના માટે એણે ક્યારેય મંજૂરી આપી જ નથી. કિયાનુ રીવ્ઝે પોતાના ફિલ્મ કોન્ટ્રેક્ટમાં ખાસ સેક્શન ઉમેર્યો છે કે એનું પરફોર્મન્સ ડિજિટલ રીતે બદલી શકાશે નહીં. આ ઉદાહરણો બતાવે છે કે ટેક્નોલોજીના યુગમાં કલાકારની ઓળખ કેટલી મોટી પ્રોપર્ટી બની ગઈ છે.

ભારતમાં સિનેમા સ્ટાર્સ વર્ષોથી પોતાની ઇમેજ પરથી કમાણી કરતા આવ્યા છે. શાહરુખ ખાનથી લઈને આલિયા ભટ્ટ સુધી દરેકના એન્ડોર્સમેન્ટ કરોડોમાં છે, પણ હવે એ જોખમમાં છે, કારણ કે થોડા પ્રોમ્પ્ટ્સ કે કોડ લખીને કોઈ પણ ફેક શાહરુખ બનાવી શકે છે. આ ફક્ત ઈન્કમનો મુદ્દો નથી, પણ વિશ્વાસ અને નૈતિકતાનો મુદ્દો છે. જો કાલે કોઈ AI વીડિયોમાં દીપિકા પાદુકોણ કોઈ રાજકીય મેસેજ આપે જે એની વિચારસરણી સાથે મેળ જ ન ખાતો હોય તો એ માટે જવાબદાર કોણ?

હવે અહીં પર્સનાલિટી રાઈટ્સ મહત્ત્વના બને છે. એ હક કે જેમાં કોઈ વ્યક્તિ પોતાની ઇમેજ, નામ કે અવાજનો પ્રોફેશનલ યુઝ કંટ્રોલ કરી શકે. ભારતમાં હજી તેની સ્પષ્ટ કાયદાકીય કલમ નથી, પણ કોર્ટે આ હકને પ્રાયવસી અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી હેઠળ સ્વીકાર્યો છે. 2022માં અમિતાભ બચ્ચને એમના અવાજ અને ચહેરાની નકલથી ચાલતા લોટરી એડ્સ પર રોક લગાવતો એક મોટો કેસ જીતીને આ હક માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યારબાદ 2023માં અનિલ કપૂરે પણ પોતાનો ફેમસ ‘ઝકાસ’ શબ્દ, ચહેરો અને અવાજ કોર્ટ દ્વારા સુરક્ષિત કરાવ્યો હતો. આજ રીતે, ઐશવર્યા-અભિષેક, જેકી શ્રોફ-આશા ભોસલે-કુમાર સાનુએ પણ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે…

આ પણ વાંચો…શો-શરાબાઃ લાઇટ્સ-કેમેરા…ઔર આરામ?!

2024માં એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં રશ્મિકા મંદાનાનો ચહેરો કોઈ બીજાના શરીર પર લગાડીને અશ્ર્લીલ ડાન્સ બતાવવામાં આવ્યો હતો. પછી રશ્મિકાએ ખુદ સમજાવવું પડ્યું કે એ ‘ડીપફેક હતું. એ પછી કેટરિના કૈફ, કાજોલ અને અન્ય અભિનેત્રીઓએ પણ જાહેરમાં ચિંતા વ્યક્ત કરી હતી. હવે પ્રશ્ન એ છે કે જ્યારે માણસ અને મશીન વચ્ચેની લાઇન એટલી ધૂંધળી થઈ ગઈ છે ત્યારે શું વિશ્વાસ કરી શકાય કે આપણે જે જોઈ રહ્યા છીએ તે સાચું છે?

હોલિવૂડમાં પણ આ જ તોફાન ચાલી રહ્યું છે. 2023માં થયેલો SAG-AFTRA હડતાળનો મોટો મુદ્દો હતો, AI રાઈટ્સ. ત્યાં પ્રોડ્યુસર્સ કોન્ટ્રાક્ટ્સમાં એવી એવી કલમ ઉમેરવા માગતા હતા કે આર્ટિસ્ટને એકવાર સ્કેન કર્યા બાદ એમનો ચહેરો આખી જિંદગી માટે ફિલ્મ્સમાં વાપરી શકાય! આ તો એક પ્રકારનું ડિજિટલ ગુલામીનું મોડેલ થયું. ઇન્ડિયામાં હજી એ સ્તર સુધી ચર્ચા થઈ નથી, પણ ખતરો સ્પષ્ટ છે.

આ ચર્ચામાં એક બીજી વાત પણ ઉમેરી શકાય. શું મૃત્યુ પામેલા સ્ટાર્સને AI દ્વારા જીવંત બતાવવા યોગ્ય છે? છેલ્લાં વર્ષોમાં મધુબાલાનો AI રીમિક્સ વીડિયો આવ્યો હતો, જેમાં એ નવા ગીત પર ડાન્સ કરતાં દેખાયાં હતાંં. દર્શકોને આનંદ થયો, પણ સમીક્ષકોને લાગ્યું કે આ બિઝનેસ માટે કરવામાં આવેલી અતિશયોક્તિ છે. એથી એક નૈતિક પ્રશ્ન ઊભો થાય છે કે ટેક્નોલોજી પાસે શક્તિ છે એટલે તેનો ઉપયોગ થવો જ જોઈએ કે પછી થોડી મર્યાદા જાળવવી જોઈએ?

એડ ફિલ્મ્સની દુનિયામાં પણ આ ડર છે. નવા એડ કોન્ટ્રેક્ટમાં હવે AI usage clause ઉમેરવામાં આવે છે. ‘ફેડરેશન ઑફ ઈન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ (FICCI)’ દ્વારા પણ સરકારને અપીલ કરવામાં આવી છે કે AI અને ડીપફેક વિરુદ્ધ સ્પષ્ટ ગાઇડલાઇન બનાવવી જોઈએ. કદાચ ભવિષ્યમાં દરેક કલાકારને પોતાની ઓળખના ડિજિટલ ઉપયોગ માટે લાયસન્સ આપવું ફરજિયાત બની જશે. જે રીતે ફિલ્મમાં કોપિરાઈટ હોય છે એમ જ લાઇસન્સ્ડ આઇડેન્ટિટીનો નવો ક્ધસેપ્ટ આવે તો નવાઈ ન લાગવી જોઈએ. આજથી દાયકાઓ પહેલા સ્ટાર્સને ગોસિપ મેગેઝિનથી ડર લાગતો હતો. આજે તેમને જનરેટિવ મોડલથી ડર લાગે છે.

લાસ્ટ શોટ

અભિનેતા રોબિન વિલિયમ્સ (1951-2014)ના પરિવારે સ્પષ્ટ કહ્યું છે કે એમની ઇમેજ કે અવાજને કોઈ પણ નવી ફિલ્મ કે એડમાં 25 વર્ષ સુધી વાપરવો નહીં.

આ પણ વાંચો…શો-શરાબા: સિનેમામાં નવા વિચારોની ખોટ કે સલામતીનો શોર્ટકટ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button