શો-શરાબા : આર. માધવન: ચોકલેટી હીરો બન્યો ખલનાયક

- દિવ્યકાંત પંડ્યા
આજે કેસરી: ચેપ્ટર 2' રિલીઝ થઈ રહી છે. નાયક એટલે કે હીરો વકીલ શંકરન નાયરના પાત્રમાં અક્ષય કુમાર છે, જયારે સામે આર. માધવન ભજવી રહ્યો છે વકીલ નેવિલ મેકીનલીનું નેગેટિવ પાત્ર. એક સમય હતો જ્યારે આર. માધવન એટલે રોમેન્ટિક પાત્રો, ભોળી સ્માઈલ અને સીધો દિલમાં ઊતરી જતો માધવન ઊર્ફે મેડી! ખાસ કરીને જ્યારે એણે
રહના હૈ તેરે દિલ મેં’ (2001)માં કામ કર્યું પછી અનેક ત્યારે દરેક યુવતી એની પછળ મેડ પાગલ હતી. છોકરીઓના મગજમાં મેડી જેવો પ્રેમી અને હીરો વસવા લાગ્યો હતો. એવી એની છબી ઉપસી હતી કે લોકો માધવનને એવરગ્રીન રોમેન્ટિક હીરો ગણતા, પણ આજનો માધવન એકદમ બદલાઈ ગયો છે. હવે એ સ્ક્રીન પર જોવા મળે છે તો એને જોઈને પ્રેમ નહીં, પણ થોડી બેચેની થાય છે. હવે એ પાત્રો એવાં ભજવી રહ્યો છે કે જ્યાં એની આંખો પ્રેમ નહીં , પણ શંકા જગાવે છે. એની હજી તાજી ફિલ્મ શૈતાન' (2024)માં તો એ નાનકડી સ્માઈલ પાછળ આખી ભયંકર ચાલ છુપાયેલી દેખાતી હતી. આમ છતાં, મજાની વાત એ છે કે દર્શકોએ એને વિલન તરીકે પણ એમ કહીને સ્વીકારી લીધો છે કે
આ આપણો મેડી તો હવે ખલનાયક બની ગયો યાર!!’
જોકે શૈતાન' કંઈ માધવનનો વિલન તરીકેના રોલનો પ્રથમ કિસ્સો નહોતો. માધવનની વિલન તરીકેની સફર એ પહેલાં જ શરૂ થઈ ચૂકી હતી. માધવનનાં ઘણાં પાત્રો જોતા એ નોંધવું પડે કે તે ક્યારેક હીરો લાગે, તો ક્યારેક ગ્રે ઝોનમાં હોય.
એમેઝોન પ્રાઈમ વીડિયો’ પર આવેલી એની વેબ સિરીઝ બ્રીધ' (2018)નું એનું એક પિતા તરીકેનું પાત્ર પણ બ્લેક એન્ડ વ્હાઇટની વચ્ચેના આ ગ્રે ઝોનમાં જ અટવાયેલું નજર આવતું હતું. 2020માં આવેલી
નિશબ્ધમ’ પણ માધવનના ગ્રે કેરેક્ટરનું જ ઉદાહરણ છે. જોકે નિશબ્ધમ'માં એનું પાત્ર વધુ ડાર્ક જતું હોય તેમ લાગે છે. અને એ સાથે જ દર્શકોને પણ એમ લાગ્યું છે કે માધવન હવે પોતાને નવા અવતારમાં ઢાળી રહ્યો છે. અને પછી આવી
વિક્રમ વેદા’ (2017) અને `ધોખા: રાઉન્ડ ડી કોર્નર’ (2022) જેવી ફિલ્મ્સ કે જ્યાં એના પાત્રો હીરો કે વિલન છે એની વચ્ચે સ્પષ્ટ રેખા જ નહોતી.
ખાસ તો `વિક્રમ વેદા’ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. પોલીસ ઓફિસર વિક્રમ તરીકે માધવનનું પાત્ર નિયમોનું પાલન કરનાર આદર્શ નહોતું, પણ અંદરથી કોન્ફ્લીકટ્સ-આંતરિક તકરાર સાથે જીવતું હતું. અને એમાંની નકારાત્મકતા માધવનની એક્ટિંગમાં પણ દેખાઈ છે.
જોકે, સાચો શોક તો ત્યારે લાગ્યો જ્યારે માધવને `શૈતાન’માં એક એવો વિલન ભજવ્યો જે બ્લેક મેજીક દ્વારા એક પરિવારની જિંદગી હચમચાવી નાખે છે. અહીં મામલો માત્ર પાત્રોને ડરાવવાનો ન હતો, પણ દર્શકોમાં સાયકોલોજીકલ ડર ઊભો કરવાનો હતો. અને એ માધવને વિના બૂમાબૂમ કે ઓવર ધ ટોપ એક્ટિંગ વગર કરી બતાવ્યું છે. વિલન તરીકે એની આંખોની શાંતિ પણ ડરાવનારી લાગી છે, છતાં દર્શકોને પણ રોમેન્ટિક હીરો માધવનને વિલન તરીકે જોવાની મજા આવી છે.
હવે માધવન ફિલ્મ કેસરી: ચેપ્ટર 2'માં પણ વિલન તરીકે પાછો આવ્યો છે. આ ફિલ્મમાં એનું નેવિલ મેકીનલીનું પાત્ર એટલે કે એક એવો અંગ્રેજ અધિકારી, જે જલિયાંવાલા બાગના કેસમાં શંકરન નાયરની સામે કોર્ટરૂમમાં ટક્કર આપે છે. ગબ્બર કે મોગેમ્બો જેવા ગઈ સદીના આઇકોનિક વિલન જેવો આ શારીરિક રીતે લડનાર વિલન નથી, પણ આજકાલની ફિલ્મ્સના સમયમાં માનસિક ખેલ રમી જાણનાર પાત્ર હોય તેવું ઇતિહાસ અને ટે્રલર પરથી જણાઈ આવે છે.
શૈતાન’માં પણ માધવનના પાત્રનો ડર એના કદકાઠીને લઈને નહીં, પણ એના કાવાદાવાને લઈને જ હતો.
આ પણ વાંચો: ફિલ્મનામાઃ ડબલ મિનિંગ વત્તા વલ્ગારિટી એટલે ભોજપુરી ફિલ્મો ને ગીત?
અલબત્ત, માધવનને આવાં પાત્રોમાં જોઈને એવું લાગતું નથી કે માધવન હવે વિલનના સ્ટીરીયોટાઇપમાં ફસાઈ ગયો છે. માધવન એવા પાત્રો ભજવી રહ્યો છે કે જેમાં કોઈ મેકઅપ કે કોસ્ચ્યુમ પરથી તે ખલનાયક લાગે એવું નથી, પણ એની આંખોમાં છુપાયેલી કાળી બાજુ સામેના પાત્ર અને દર્શકોને વિચલિત કરે છે. એ પરથી એવું લાગે છે કે માધવન પોતે પણ આ પ્રકારના પાત્રોને અભિનેતા તરીકે માણી રહ્યો છે.
આ બદલાવ માત્ર માધવન માટે નહીં, પણ આખા ભારતીય સિનેમાના નેરેટિવ માટે મહત્ત્વપૂર્ણ છે. આજકાલ વિલન્સ માત્ર હાહાહા હસતાં અને જોરથી બોલતાં લોકો નથી. હવે એ બધા ઓફિસમાં સૂટ પહેરે છે, કોન્ફરન્સ રૂમમાં પ્લાન કરે છે અને એ ધીમા ઝેર જેવા હોય છે. માધવન એ જ ચાલી રહેલા ટેમ્પ્લેટમાં પોતાની અદાકારીનું મેળવણ ઉમેરી રહ્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકી, મનોજ બાજપેયી અને જયદીપ અહલાવત જેવાઓની એ શ્રેણીમાં હવે માધવન પણ પ્રવેશી ચૂક્યો છે. અને કદાચ જે ચીજ બધામાં સૌથી વધારે જિજ્ઞાસા જગાવી રહી છે એ છે કે દાયકાઓ સુધી માધવન એક પ્રેમાળ મેડી હતો અને હવે એ જ વ્યક્તિ એકદમ સામેના છેડાના પાત્રો ભજવી રહ્યો છે ત્યારે એને તેમાં જોવાનો અનુભવ કેવો હોઈ શકે! ભવિષ્યમાં માધવન અભિનયના કેવા અલગ રંગ દેખાડે છે એ તો સમય જ બતાવશે!
લાસ્ટ શોટજ્યારે
શૈતાન’ના પાત્ર માટે મારો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મને પણ નવાઈ લાગી હતી. મને ક્યારેય એવું લાગ્યું નહોતું કે આ પ્રકારના વિલન તરીકે મને કોઈ કાસ્ટ કરશે.’ – આર. માધવન