ફટા પોસ્ટર, નિકલા… : તુંડે તુંડે `વિગ’ ભિન્ના

- મહેશ નાણાવટી
આજે તો સૌ જાણે છે કે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનજી માથે વિગ પહેરે છે. આ ભેદ મીડિયા સમક્ષ ત્યારે ખુલ્યો હતો જ્યારે બચ્ચન સાહેબ ગંભીર રીતે બીમાર થઈને લીલાવતી હોસ્પિટલમાં ભરતી થયા હતા. તે વખતે શિયાળો ન હોવા છતાં આ વીઆઈપી પેશન્ટે માથે ઊનની ટોપી પહેરી હતી!
જોકે ઈન્ડસ્ટ્રીના અંદરના લોકોને તો ખબર જ હતી. એ ઉપરાંત ફિલ્મોને ઝીણવટથી જોનારા પ્રેક્ષકોને પણ લાગ્યા કરતું હતું કે બચ્ચન સાહેબે આખેઆખું માથું ઢકાય તેવી નહીં પરંતુ કપાળ પાસેનો ભાગ ઉજ્જડ ના લાગે તેવી નાની Toopie પહેરવાનું શરૂ કર્યું હતું.
એની સામે દક્ષિણના મહાનાયક રજનીકાંત છે, જેમણે ફિલ્મોમાં બેધડક વિગ પહેરી છે, પરંતુ જ્યારથી એમના માથાની ખેતી ઉજ્જડ થવા લાગેલી ત્યારથી ફિલ્મો સિવાય એ જાહેરમાં જ્યાં દેખાય ત્યારે વિગ વિના જ બિન્ધાસ્ત પ્રગટ થતા હતા એમને જરાય સંકોચ નડતો નથી !
ભરજુવાનીમાં માથે રણપ્રદેશ' ફેલાવા લાગે એ વાત કોઈપણ યુવાનને હચમચાવી શકે. પરંતુ આજે અતિશય પ્રખ્યાત બની ચુકેલા અનુપમ ખેરનું નસીબ કહો કે કમનસીબ, એમના વાળ ભરજુવાનીમાં જ ખરવા લાગ્યા હતા. જરા કલ્પના કરો,
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’માં હજી જે યુવાન અભિનયની તાલીમ લઈને બોલિવૂડમાં બ્રેક લેવાનાં સપનાં સેવી રહ્યો છે, એ ઓલરેડી `ઘરડો’ દેખાવા લાગે તો એની દશા કેવી થાય?
જોકે, અનુપમ ખેરે કારકિર્દીની શરૂઆતમાં ધરાર વિગ ન જ પહેરી. અનોખી વાત તો એ પણ છે કે એમને
ખ્યાતિ અપાવનારો પહેલો રોલ એક વૃદ્ધનો હતો! ફિલ્મ હતી `સારાંશ.’
આ પણ વાંચો: ફટા પોસ્ટર, નિકલા… : મોટા ફિલ્મ-સ્ટારના નાના-મોટા `પ્રેન્ક્સ’…
કહેવાય છે કે ફિલ્મના પ્રોડ્યુસર રાજશ્રી પ્રોડકશને ડિરેક્ટર મહેશ ભટ્ટની ઉપર દબાણ કરેલું કે `સ્ક્રીપ્ટ બહુ સારી છે, પણ મેન રોલમાં સંજીવકુમાર જેવું કોઈ મોટું નામ હોવું જોઈએ.’
બીજી તરફ, મહેશ ભટ્ટ તો ઓલરેડી અનુપમ ખેરને વચન આપી ચૂક્યા હતા! એમણે જ્યારે અનુપમ ખેરને આ વાત કરી ત્યારે કહેવાય છે કે અનુપમ ખેર પોતાનો સામાન ટૅક્સીના કેરિયરમાં ચડાવીને મહેશ ભટ્ટના ફ્લેટ પર પહોંચી ગયા હતા.
એમણે બાલ્કનીમાંથી નીચે ઊભેલી ટૅક્સી બતાડતાં કીધેલું કે જો મને આ રોલ નથી મળતો તો મુંબઈમાં રહેવાનો શો અર્થ છે?' અનુપમ ખેરની મક્કમતા જોઈને મહેશ ભટ્ટે રાજશ્રી પ્રોડકશન્સ સાથે દલીલો કરીને અનુપમ ખેરની સજ્જડ વકીલાત કરી હતી અને પછી તો સૌ કહે છે તેમ
રેસ્ટ ઈઝ હિસ્ટ્રી.’
જોકે 1975માં શોલે' આવ્યા પછી હિન્દી ફિલ્મોમાં વિલનને કંઈક અલગ, કંઈક ખાસ અને ચિત્ર-વિચિત્ર
લુક’માં પેશ કરવાનો ટે્રન્ડ ચાલ્યો હતો. વિચિત્ર વસ્ત્રો ઉપરાંત અજબ ગજબ ટાઈપની હેરસ્ટાઈલ ધરાવતા વાળની વિગ પણ પહેરાવતા હતા, આવા ટાઈમમાં અમરિશ પુરી, પરેશ રાવલ, સદાશિવ અમરાપુરકર, વગેરે જેવા કલાકારોએ તો પરમેનેન્ટ `ટકલુ’ જ કરાવી નાંખેલું! જેથી કોઈપણ ટાઈપની વિગ આસાનીથી પહેરી શકાય! હવે વિચારો, એ સમયે વિલનના રોલ ભજવનારા અનુપમ ખેરને કેટલી બધી શાંતિ હશે?!
આમ જુવો તો ભરજુવાનીથી વિગ પહેરીને હીરો તરીકે પરદા ઉપર આવનારા એક્ટરો પણ છે. એનું સૌથી
મોટું ઉદાહરણ છે અદાકારી, સ્ટાઈલ અને ડાયલોગબાજી માટે મશહુર એવા રાજકુમાર! કહે છે કે એમની વિગ વિંખાઈ ના જાય એટલા ખાતર ફિલ્મોમાં તે ફાઈટિગના દૃશ્યો ટાળતા હતા. રાજકુમાર દિગ્દર્શકને કહેતા હશે ; `જાનીઈઈ… યે ફાઈટિગ મેં ક્યા રખ્ખા હૈ? હમારી જબાન હી કાફી હૈ! ‘
આ પણ વાંચો: ફટા પોસ્ટર, નિકલા… : આર્ટ ફિલ્મોના અઘરા ‘પ્રેક્ષક-પંડિતો’!
આજના હૃતિક રોશનના પિતા રાકેશ રોશન જ્યારથી દિગ્દર્શક બન્યા ત્યારથી એમણે પોતાની વિગ ફગાવી દીધી છે, પરંતુ તમે નહીં માનો, રાકેશ રોશન પોતાની સૌથી પહેલી ફિલ્મમાં જ વિગ પહેરીને કેમેરા સામે આવ્યા હતા. (પ્રોડ્યુસર એમના સસરાજી હતા.)
સાઉથમાં બનનારી તામિલ-તેલુગુ ફિલ્મોમાં તો હીરો માથા ઉપર પુર બહાર ખેતી સાથે ફરતાં હોય છતાં એમને વિગ પહેરાવીને એક્ટિંગ કરાવવાનું બહુ કોમન હતું. શિવાજી ગણેશન, એમજીઆર, રાજકુમાર (તેલુગુ) વગેરે સુપરસ્ટારો રીતસર દૂરથી જ દેખાઈ આવે તેવી, જાણે ગુંદરના પાણી વડે ચોંટાડયા પછી વાળની એકપણ લટ આમથી આમ ન ખસી જાય એ પ્રકારની ચીપીચીપીને બનાવેલી હેરસ્ટાઈલવાળી વિગો પહેરતા હતા. હદ તો ત્યારે થતી હતી જ્યારે સાઉથના નિર્માતાઓ હિન્દી ફિલ્મો બનાવતા ત્યારે પણ આપણા નેચરલ ફરફરતાં જુલ્ફાંવાળા હીરોને વિગ પહેરાવી દેતા હતા. (ફિલ્મ સુરજ'માં રાજેન્દ્ર કુમારને જોઈ લેજો.) અરે, અનિલ કપૂર જેવો કલાકાર જેના માથા પર વાળની તો અતિ ફળદ્રુપ ખેતી હતી, છતાં એમને
બેનામ બાદશાહ’માં વિગ `માથે પડી’ હતી. (ફિલ્મ ફ્લોપ ગયેલી).
એમ તો બિમલ રોય જેવા વાસ્તવવાદી બંગાળી દિગ્દર્શકે જ્યારે `યુહીદી’ જેવી હિસ્ટોરિકલ ફિલ્મ બનાવેલી ત્યારે દિલીપકુમારને માથે વાંકડિયા ગોલ્ડન વાળની વિગ વળગાડીને અભિનય કરાવડાવ્યો હતો. સાચું કહેજો, આ ફિલ્મમાં બિચારા દિલીપકુમારને માથે પ્રદીપકુમારના વાળ ચિપકાવી દીધા હોય તેવું નહોતું લાગતું?
(એવી જ પ્રદીપકુમાર છાપ ગોલ્ડન વાળની વિગ મુગલે આઝમ'માં પણ દિલીપકુમારે માથે લીધી હતી. એમાં તો વળી
સાઈડ લોગ્સ’ પણ હીરોઈનોની જેમ `વાંકડિયા’ હતા.)
આજે પ્રદીપકુમારની જૂની ફિલ્મો ફરીથી જોઈએ છીએ ત્યારે રહી રહીને શક જાય છે કે એ ભાઈસાહેબે પણ આખી કરિયરમાં વિગ તો નહોતી પહેરીને?
જોકે, આજકાલની ફિલ્મોમાં વિગ'નું
વિગ-નાન’ યાને કે વિજ્ઞાન' જરા આગળ વધી ગયું છે તેથી કલાકારે ખરેખર વિગ પહેરી છે કે વાળ
ઉગાડયા’ છે તેનો ખાસ ખ્યાલ આવતો નથી.
હા, લોચો ત્યારે થાય છે, જ્યારે હીરો કે હીરોઈનને કેન્સર' થયું છે એવું બતાડવા માટે જ્યારે કુદરતી વાળને પલાળી-ચોંટાડીને ઉપર
ટાલ’નો લેપ લગાડે છે ત્યારે ખોપડીની સાઈઝ ખાસ્સી મોટી થઈ જાય છે.