પંકજ મલિક – સાયગલના બહુઆયામી ડિરેક્ટર: ફણી મજુમદાર

હેન્રી શાસ્ત્રી
બંગાળી – હિન્દી ફિલ્મોમાં દિગ્દર્શન સાથે લેખનકાર્ય માટે જાણીતા થયેલા ફણી મજુમદારે ડોક્યુમેન્ટરી અને બાળકો માટે પણ ફિલ્મો બનાવી હતી. આજે 30મી પુણ્યતિથિ છે એ નિમિત્તે એમને યાદ કરી લઈએ…
‘ઊંચે લોગ’માં ફિરોઝ ખાન, કે. આર. વિજયા, રાજ કુમાર અને અશોક કુમાર
બંગાળની માતબર ફિલ્મ નિર્માણ સંસ્થા ‘ન્યુ થિયેટર્સ’થી ફિલ્મ કારકિર્દીનો પ્રારંભ કરનારા અનેક ગુણી કલાકારો કાળક્રમે મુંબઈ પહોંચીને પોતાની આવડતનો પરિચય કરાવ્યો અને પોતાનાં નામ પણ રોશન કર્યા. કે. એલ. સાયગલ, બિમલ રોય, હેમંત કુમાર સહિત અનેક કલાકાર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્થાયી થવા મુંબઈ આવ્યા એમાં એક નામ લેખક – દિગ્દર્શક ફણી મજુમદારનું પણ હતું. સંખ્યા નાની, ગુણવત્તા મોટી જેવું લેબલ ધરાવતા બંગાળી સર્જકની આજે 30મી પુણ્યતિથિ છે એ નિમિત્તે એમના યોગદાનથી પરિચિત થવાની આપણી ફરજ નિભાવીએ.
કોલેજ ગ્રેજ્યુએટ ફણી મજુમદારને ટાઈપિસ્ટની નોકરી મળી, પણ કલા રસિક જીવને કમાણીના આનંદ કરતાં અકળામણ વધુ થતી હતી. એક તો બંગાળી અને સાહિત્યમાં રુચિ એટલે સર્જનાત્મક વલણ જીવનમાં હોય એ સ્વાભાવિક કહેવાય. સદનસીબે ન્યુ થિયેટર્સના નામાંકિત એક્ટર – ડિરેક્ટર પી. સી. બરુઆ – પ્રમથેશ બરુઆના સ્ટેનોગ્રાફર તરીકે અને પછી એમના આસિસ્ટન્ટ ડિરેક્ટર અને સિનારિસ્ટ તરીકે કામ કરવાનો મોકો મળ્યો. આ સહવાસમાં બાબુ મોશાયની સર્જકતાને ખાતર – પાણી મળ્યા. બરુઆની બંગાળી ‘મુક્તિ’માં એમના સહાયક દિગ્દર્શકના કામથી કંપની એ હદે પ્રભાવિત થઈ કે બીજે જ વર્ષે ફણી મજુમદારને સ્વતંત્રપણે ફિલ્મ દિગ્દર્શિત કરવાનું આમંત્રણ મળ્યું. ફિલ્મ હતી ‘સ્ટ્રીટ સિંગર’ અને એના હીરો હતા ‘દેવદાસ’, ‘પ્રેસિડેન્ટ’ અને ‘કરોડપતિ’ ફિલ્મથી ટોચના સ્ટાર બની ગયેલા કે. એલ. સાયગલ.
ફિલ્મોના અભ્યાસુઓના અભિપ્રાય અનુસાર ‘સ્ટ્રીટ સિંગર’થી એક્ટર સાયગલને વધુ નિખાર મળ્યો અને હા, સાયગલ સાહેબનું સૌથી વધુ હિટ સોન્ગ ‘બાબુલ મોરા, નૈહર છૂટો હી જાય’ પણ આ જ ફિલ્મમાં હતું. ભૈરવી ઠુમરીમાં આ ગીત અજરામર ગણાય છે. કાનનદેવી ‘મેલડી ક્વીન’ તરીકે ખ્યાતિ પામ્યાં એમાં ‘સ્ટ્રીટ સિંગર’ અને ફણી મજુમદારનો મોટો ફાળો છે. પંકજ મલિકના સ્વરાંકન અને ગાયકીને કારણે પ્રખ્યાત થયેલી 1941ની ‘ડોક્ટર’ ફિલ્મ (આયી બહાર, ચલે પવન કી ચાલ અને મહક રહી ફુલવારી…જેવાં સદાબહાર ગીત)માં લેખનકાર્ય તેમ જ સહાયક દિગ્દર્શક તરીકે એમનું યોગદાન હતું.
આ પણ વાંચો….મસાલેદાર કિસ્સા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના…
સર્જક માત્રને પાંખો ફફડાવી વિશાળ આકાશમાં ઊડવું ગમતું હોય છે. આ જ કારણસર બંગાળી બાબુ કલકત્તાથી મુંબઈ આવી પહોંચ્યા. મુંબઈમાં એ સમયે હિમાંશુ રાય – દેવિકા રાણીની ‘બોમ્બે ટોકીઝ’ અને સામાજિક જાગૃતિના ઉદ્દેશથી બનાવવામાં આવતી ફિલ્મોનો દબદબો હતો. 1940ના દાયકામાં એમણે ‘તમન્ના’ (સુરૈયા), ‘મોહબ્બત’ (શાંતા આપટે) અને ‘આંદોલન’ (કિશોર કુમાર) વગેરે ફિલ્મો કરી, પણ એમનું નામ ગાજવું જોઈએ એટલું ગાજ્યું નહીં. ‘બોમ્બે સ્ટુડિયો’ના નેજા હેઠળ અશોક કુમાર અને સાવક બી. વાચ્છાના નિર્માણ હેઠળ બનેલી ‘તમાશા’ ફિલ્મમાં લેખન અને દિગ્દર્શન ફણી મજુમદારના હતા. ફિલ્મનું કાસ્ટિંગ રસપ્રદ હતું. અશોક કુમાર, કિશોર કુમાર, દેવ આનંદ અને મીના કુમારી…! હોલિવૂડ ફિલ્મ ‘ઈટ સ્ટાર્ટેડ વિથ ઈવ’ પરથી પ્રેરણા લઈ બનાવવામાં આવેલી આ ફિલ્મ દેવ આનંદ અને મીના કુમારી સાથે હોય એવી પહેલી ફિલ્મ હતી. ટ્રેજેડી ક્વીનનો સિક્કો લાગ્યો એ પહેલાની ચુલબુલી મીના કુમારી આ ફિલ્મમાં જોવા મળે છે. બીજી એક નોંધવા જેવી વાત એ છે કે દેવ આનંદ અને કિશોર કુમારએ સાથે અભિનય કર્યો હોય એવી આ બીજી ફિલ્મ હતી. અગાઉ ‘ઝીદ્દી’ (1948)માં બંને સાથે હતા. અલબત્ત, એમાં કિશોર કુમાર સાવ અલપઝલપ જોવા મળ્યા હતા.
1960ના દાયકામાં ફણી મજુમદારનું નામ ત્રણ નામાંકિત ફિલ્મ સાથે જોડાયું હતું. ‘રાજશ્રી પ્રોડક્શન્સ’ની પ્રથમ ફિલ્મ ’આરતી’ અને મદ્રાસની ફિલ્મ કંપની ’ચિત્રકલા’ના નિર્માણ હેઠળ બનેલી ‘ઊંચે લોગ’માં દિગ્દર્શક હતા તો રાજકુમાર, મીના કુમારી અને ધર્મેન્દ્ર અભિનીત ‘કાજલ’ની પટકથા એમણે લખી હતી. ‘આરતી’ એક ગુજરાતી નાટકમાંથી પ્રેરણા લઈને તૈયાર થઈ હતી જ્યારે ‘ઊંચે લોગ’ કે. બાલાચંદર (એક દુજે કે લિયે)ના તમિળ નાટક ‘મેજર ચંદ્રકાંત’ પર આધારિત હતી. ફિરોઝ ખાનની કરિયરની આ પ્રથમ હિટ ફિલ્મ હતી, જેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. રસપ્રદ વાત એ છે કે ઉપેન્દ્ર ત્રિવેદીએ ‘મેજર ચંદ્રકાંત’ નામનું નાટક ગુજરાતીમાં બનાવ્યું હતું અને ફિલ્મમાં જે રોલ અશોક કુમારએ કર્યો હતો એ રોલ નાટકમાં ઉપેન્દ્ર ભાઈએ કર્યો હતો. હિન્દી ફિલ્મ અને ગુજરાતી નાટક એ બન્ને આ લખનારે જોયા હતા અને દૃઢપણે કહી શકાય કે નાટકના રોલમાં ઉપેન્દ્ર ભાઈ વધુ પ્રભાવી લાગ્યા હતા.
ફણી મજુમદારનું ફિલ્મમેકર તરીકે એક એવું પણ યોગદાન છે , જેનો ઉલ્લેખ અવશ્ય કરવો જોઈએ. બંગાળી અને હિન્દી ઉપરાંત એમણે પંજાબી, માગધી અને મૈથિલી ભાષામાં પણ ફિલ્મો બનાવી છે. આ ઉપરાંત, સિંગાપોર જઈ મલય ભાષામાં પણ કેટલીક ફિલ્મો બનાવી હતી, જેમાં પંકજ મલિકની ‘ડોક્ટર’નો પણ સમાવેશ છે. બાળકો માટેના ચિત્રપટ અને ડોક્યુમેન્ટરી પર પણ એમણે હાથ અજમાવ્યો હતો. એમની ‘સાવિત્રી’ નામની ચિલ્ડ્રન ફિલ્મને એવોર્ડ પણ મળ્યો હતો. ‘હાવડા બ્રિજ’, ‘આરાધના’, ‘અમર પ્રેમ’ જેવી યાદગાર ફિલ્મો આપનારા શક્તિ સામંત ફણી મજુમદારના સહાયક તરીકે કામ કરતા હતા. બંગાળી બાબુના લગ્ન મોનિકા દેસાઈ સાથે થયા હતા. કે. એલ. સાયગલની ‘પ્રેસિડેન્ટ’માં મસ્તીખોર તરુણીનો રોલ કરનારા લીલા દેસાઈના બહેન હતાં મોનિકા દેસાઈ. ખુદ મોનિકા દેસાઈએ પણ રાજ કપૂરની ‘ચિતોડ વિજય’ અને કેદાર શર્માની ‘ચિત્રલેખા’માં કામ કર્યું હતું.
સાંસ્કૃતિક પ્રદાનમાં અગ્રસર ગણાતી બંગાળની ભૂમિ પરથી અનેક ગુણવંતા કલાકારોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી દીપાવી છે. ફણી મજુમદાર એ યાદીનું ઝળહળતું નામ છે.
આ પણ વાંચો….એક પાકિસ્તાની સ્ટારની નવ હિન્દી રિ-મેક!?