મનોજ કુમારની સંગીત જુગલબંધી

હેન્રી શાસ્ત્રી
હિન્દી સિનેમાના આ ‘ભારત કુમાર’એ એમની કારકિર્દી દરમિયાન સંગીતકાર લક્ષ્મીકાંત – પ્યારેલાલ અને ગીતકાર વર્મા મલિક સાથે કેટલાંક ખરેખર યાદગાર ગીત આપ્યાં છે. 1957માં રિલીઝ થયેલી ‘ફેશન’માં એક નાનકડી ભૂમિકાથી શરૂઆત કર્યા બાદ 1965માં આવેલી ‘શહીદ’થી મનોજ કુમાર પર દેશભક્તિનો સિક્કો લાગ્યો. તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની વિનંતીને માન આપી ‘ઉપકાર’ બનાવી અને મનોજ કુમાર એક્ટરની સાથે નિર્માતા તેમજ દિગ્દર્શક પણ બની ગયા.
1960નો દાયકો હિન્દી ફિલ્મ સંગીતનો સુવર્ણ દોર ગણાય છે અને મનોજ કુમારની કારકિર્દીને નિખાર મળ્યો 1960ના દાયકામાં એટલે મનોજ કુમારની પ્રારંભિક ફિલ્મોમાં ગીત – સંગીતનું પલડું ભારે જોવા મળે છે. એક ખાસ નોંધવા જેવી વાત એ છે કે મનોજ કુમારની એક પણ ફિલ્મમાં નૌશાદનું સંગીત નહોતું, જ્યારે બર્મનદા માત્ર ‘ડો. વિદ્યા’માં અને ઓ. પી. નય્યર ફક્ત ‘સાવન કી ઘટા’માં હાજર હતા. એમની શરૂઆતની અમુક ફિલ્મોમાં શંકર- જયકિશનની હાજરી હતી, પણ મુખ્યત્વે સંગીત કલ્યાણજી-આનંદજી અને લક્ષ્મીકાંત- પ્યારેલાલનું જોવા મળે છે. મનોજ કુમાર એક્ટર હોય અને સંગીતકાર લક્ષ્મીકાંત – પ્યારેલાલ હોય એવી 10 ફિલ્મની સત્તાવાર નોંધ છે.
1967માં પહેલી વાર મનોજ કુમારની ફિલ્મમાં સંગીત લક્ષ્મીકાંત – પ્યારેલાલનું હતું. એલપી સાથેનું પહેલું ચિત્રપટ હતું રાજા નવાથે દિગ્દર્શિત ‘પત્થર કે સનમ’. મનોજ કુમાર સાથે બે હીરોઈન હતી વહિદા રેહમાન અને મુમતાઝ. ફિલ્મના ગીત – સંગીત સુપરહિટ સાબિત થયા. ફિલ્મમાં કુલ સાત ગીત હતાં, જેમાંથી ચાર ગીતે ધૂમ મચાવી હતી. જૂના ફિલ્મ સંગીતના શોખીનોને ચોક્કસ યાદ હશે. એક હતું મોહમ્મદ રફીના સ્વરમાં ટાઈટલ સોંગ – ‘પત્થર કે સનમ તુજે હમને મોહબ્બત કા ખૂદા જાના, બડી ભૂલ હુઈ અરે હમને યે ક્યા સમજા યે ક્યા જાના.’ બીજું હતું : મુકેશના સ્વરમાં ‘તૌબા યે મતવાલી ચાલ, ઝૂક જાએ ફૂલોં કી ડાલ, ચાંદ ઔર સૂરજ આકર માંગે તુજ સે રંગ – એ – જમાલ, હસીના, તેરી મિસાલ કહાં’.
આ બંને ગીત મનોજ કુમાર પર પિક્ચરાઈઝ થયા હતા. આ સિવાય મુકેશ અને લતા મંગેશકરનું યુગલ ગીત ‘મેહબૂબ મેરે, મેહબૂબ મેરે’ મનોજ કુમાર અને વહિદા રેહમાન પર પિક્ચરાઈઝ થયું હતું.
1967માં જ રાજ ખોસલાની સસ્પેન્સ ફિલ્મની ત્રિલોજીની અંતિમ ફિલ્મ ‘અનિતા’ (બાકીની બે હતી ‘વો કૌન થી’ અને ‘મેરા સાયા’) રિલીઝ થઈ હતી. ફિલ્મની મજેદાર વાત એ હતી કે પહેલી બે ફિલ્મમાં મદન મોહનનું સુપર હિટ સંગીત હોવા છતાં મનોજ કુમારના આગ્રહથી રાજ ખોસલાએ ગીતો સ્વરબદ્ધ કરવાની જવાબદારી લક્ષ્મીકાંત – પ્યારેલાલને સોંપી. મુકેશનાં બે ગીત ખાસ્સા લોકપ્રિય થયાં હતાં – ‘ગોરે ગોરે ચાંદ સે મુખ પર કાલી કાલી આંખેં હૈં’ અને ‘તુમ બિન જીવન કૈસે બીતા, પૂછો મેરે દિલ સે’.
આ પણ વાંચો: 90ના દશકમાં સ્ટાર્સ ઉપર આવાં ‘જુલમ’ થતાં!
અલબત્ત, ‘પત્થર કે સનમ’ની સરખામણીમાં ‘અનિતા’ના ગીત – સંગીતની લોકપ્રિયતા ઓછી હતી. જોકે, મનોજ કુમારને એલપીની શૈલી માટે લગાવ વધી ગયો હતો.
એક્ટર – સંગીતકારની ત્રીજી ફિલ્મ હતી ‘સાજન’ (1969). મોહન સેહગલ દિગ્દર્શિત આ ફિલ્મમાં ‘ઉપકાર’ની હિટ જોડી હતી – મનોજ કુમાર અને આશા પારેખ. રફી – લતાનું મધુર યુગલ ગીત ‘રેશમ કી ડોરી, રેશમ કી ડોરી, કહાં જઈ હો નિંદિયા ચુરા કે ચોરી ચોરી’ તેમજ રફી અને લતાના સ્વરમાં ટાઈટલ સોન્ગ (બંને સોલો સોંગ) ‘સાજન સાજન પુકારું ગલિયોં મેં’ લોકપ્રિય સાબિત થયાં હતાં. આ એ દોરની ફિલ્મો છે જેના ગીત – સંગીતને ફિલ્મની સ્ટોરી અને એના કલાકારો કરતાં વધુ આવકાર મળતો હતો.
1972ની ફિલ્મ ‘શોર’ મનોજ કુમારનું પોતાનું પ્રોડક્શન હતું. પોતાના નિર્માણ હેઠળની પહેલી બે ફિલ્મ ‘ઉપકાર’ અને ‘પૂરબ ઔર પશ્ચિમ’માં કલ્યાણજી-આનંદજીનું સ્વરાંકન હતું અને એના સંગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. જોકે, ‘શોર’ માટે મનોજ કુમારએ લક્ષ્મી – પ્યારેને પસંદ કર્યા અને એમના અફલાતૂન સ્વરાંકને કારણે ચાર ગીત તો આજે પણ લોકો ગણગણે છે. મુકેશનું સોલો અને લતા – મુકેશનું યુગલ ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’ અને એમાં પ્યારેલાલજીનું વાયોલિન વાદન અદભુત છે. આ સિવાય ‘પાની રે પાની તેરા રંગ કૈસા’ અને ‘જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ – ઓ – શામ’ પણ કર્ણપ્રિય બન્યાં હતાં.
‘શોર’ પછી મનોજ કુમારના નિર્માણ હેઠળ બનેલી ત્રણ ફિલ્મમાં પણ લક્ષ્મી – પ્યારે જ સંગીતકાર હતા. ‘શોર’ની સફળતામાં સંગીતનું કેટલું મહત્ત્વનું યોગદાન હતું એ વાત મનોજ કુમારને સુપેરે સમજાઈ ગઈ હતી એટલે જ ‘રોટી કપડા ઔર મકાન’ (1974), ‘દસ નંબરી’ (1976) અને ‘ક્રાંતિ’ (1981)માં લક્ષ્મી – પ્યારેની હાજરી હતી અને એના ગીત – સંગીતને ચાહના મળી. ‘મૈં ના ભુલૂંગા, મૈં ના ભુલૂંગી’ (મુકેશ – લતા), ‘મેહંગાઇ માર ગયી’ (નરેન્દ્ર ચંચલ, જાની બાબુ કવ્વાલ, લતા અને મુકેશ) અને ‘હાય હાય યે મજબૂરી (લતા) ગીત કર્ણપ્રિય હોવાની સાથે સાથે જનતાની લાગણીનો પડઘો એમાં ઝીલાયો હતો. ‘દસ નંબરી’નું ટાઈટલ સોંગ ‘યે દુનિયા એક નંબરી તો મૈં દસ નંબરી’ (મુકેશ) તેમજ ‘પ્રેમ કા રોગ બડા બૂરા’ (લતા) અને ‘કહત કબીર સુનો ભાઈ સાધો’ (આશા ભોસલે, મન્ના ડે અને મુકેશ) અને ‘ક્રાંતિ’ના ‘જિંદગી કી ના ટૂટે લડી’ (લતા – નીતિન મુકેશ), ‘તુમ તુમ તરારા, તુમ તુમ તરમ…ચના જોર ગરમ બાબુ’ (નીતિન મુકેશ, રફી, લતા, કિશોર)ની લોકપ્રિયતાએ ફિલ્મની સફળતામાં સિંહફાળો આપ્યો હતો.
આ પણ વાંચો: સિનેમાના સમયનો આયનો છે પોસ્ટર
જોકે, ત્યાર પછી રિલીઝ થયેલી મનોજ કુમાર – લક્ષ્મી પ્યારેની ફિલ્મોમાં અગાઉ જેવો ગીત – સંગીતનો જાદુ જોવા ન મળ્યો. ‘સંતોષ’ (1989), ‘દેશવાસી’ (1991) અને ‘જય હિન્દ’ (1999) ફિલ્મો કોઈ પણ રીતે પ્રેક્ષકો પર પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહી હતી.
સંગીતકાર માટે ચીવટ રાખતા મનોજ કુમાર ગીતકારની પસંદગીમાં પણ ચોક્કસ હતા. ‘પૂરબ ઔર પશ્ચિમ’થી સંતોષ આનંદ પાસે ગીત લખાવ્યા અને ત્યારબાદ ‘શોર’, ‘રોટી કપડા ઔર મકાન’માં પણ સંતોષજીની કલમનો જાદુ જોવા મળ્યો
હતો.
વર્મા મલિક: મનોજ કુમારે તક આપી. દેશભક્તિના ગીત અને ભજન લખી જાણીતા થયેલા વર્મા મલિક સ્વાતંત્ર્ય લડતમાં સહભાગી થયા હતા. આઝાદી મળ્યા પછી ફિલ્મોમાં ગીત લખવાની શરૂઆત કરનારા વર્મા મલિકની આ રવિવારે જન્મશતાબ્દી છે. જોકે, એમની શરૂઆતની ફિલ્મો કે એનાં ગીતો આવીને તરત વિસરાઈ પણ ગયા. કોઈ કારણસર 1961માં એ ગાયબ થઈ ગયા અને 1967માં ‘દિલ ઔર મહોબ્બત’થી વર્મા મલિકની કલમ ફરી સક્રિય થઈ. જોકે, એમને મહત્ત્વનો બ્રેક મનોજ કુમાર અભિનીત ફિલ્મ ‘યાદગાર’માં મળ્યો. ફિલ્મ મનોજ કુમારનું પોતાનું નિર્માણ નહોતું, પણ એમના આગ્રહથી જ બે ગીત લખવાની તક વર્મા મલિકને મળી હતી. એમાંથી એક ગીત ‘એક તારા બોલે તુન તુન’ ખાસ્સું લોકપ્રિય થયું હતું અને આજે પણ સંગીત પ્રેમીઓને યાદ હશે. એ જ વર્ષે આવેલી મનોજ કુમાર અભિનીત ‘પેહચાન’નું મુકેશ, સુમન કલ્યાણપુર અને શારદાનું ‘વો પરી કહાં સે લાઉં, તેરી દુલહન જિસે બનાઉં કે ગોરી કોઈ પસંદ ન આયે તુજકો’થી મલિક સાહેબની ડિમાન્ડ વધી ગઈ હતી.
‘રોટી કપડાં ઔર મકાન’નું સુપરહિટ સોંગ ‘હાય હાય યે મજબૂરી’ વર્મા મલિકની કલમની જ કમાલ હતી.
વર્મા મલિકના અન્ય યાદગાર ગીતોમાં ‘આજ મેરે યાર કી શાદી હૈ’ (આદમી સડક કા), ‘તેરે સંગ પ્યાર મૈં નહીં છોડના’ (નાગિન), ‘દો બેચારે બીના સહારે’ (વિક્ટોરિયા નંબર 203), ‘હમ બોલેગા તો બોલોગે કી બોલતા હૈ (કસોટી), ‘કાન મેં ઝુમકા, ચાલ મેં ઠુમકા’ (સાવન ભાદો), ‘એક સે બઢકર એક, લાઈ હું તૌફે અનેક’ (એકસે બઢકર એક – રૂના લૈલા), ‘હંગામા હો ગયા’ (અનહોની)નો સમાવેશ છે.
‘અનહોની’ના ગીતના રિમિક્સ વર્ઝનનો ઉપયોગ કંગના રનૌટની ‘ક્વીન’માં પણ થયો હતો. પોતાની સેક્ધડ અને યાદગાર સેક્ધડ ઈનિંગ્સ માટે વર્મા મલિક સદૈવ મનોજ કુમારના આભારી રહ્યા હતા. વર્મા મલિકની ફરતે અન્ય ગીતકારો જેવું ગ્લેમર નહોતું, પણ એમનાં ગીતોમાં વૈવિધ્ય કાબિલ – એ – દાદ છે.