કવર સ્ટોરી : આમિર ખાનનું રિ- ડેવલપમેન્ટ

-હેમા શાસ્ત્રી
આ ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ મહાન ગાથા ‘મહાભારત’ પર એકથી વધુ ફિલ્મ બનાવશે, પણ એ એક્ટિંગ પર ઓછું અને નિર્માણ પર વધુ ધ્યાન આપવા માગે છે.
રિ-ડેવલપમેન્ટ
મુંબઈવાસીઓની રગેરગમાં આ શબ્દ આજકાલ સળવળાટ કરી રહ્યો છે. અંગ્રેજીના ચાર શબ્દ નહીં જાણતા લોકો રિ-ડેવલપમેન્ટ શબ્દના શરીર અને આત્માથી વાકેફ છે. સોબોથીમકાબો(સાઉથ બોમ્બેથી મલાડ – કાંદિવલી – બોરીવલી) સુધી પુનર્વિકાસનું રણશિંગુ ફૂંકાઈ રહ્યું છે. એનો લાભ સામાન્ય જનતા સાથે ફિલ્મ પર્સનાલિટીને પણ મળી રહ્યો છે. શાહરુખ ખાનના ‘મન્નત’ અને સલમાન ખાનના ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ ના રિનોવેશનના ન્યૂઝ પછી હવે લેટેસ્ટ ખબર એ છે કે આમિર ખાનની બાંદ્રાના પાલી હિલ વિસ્તારની ‘વર્ગો કો – ઓપરેટીવહાઉસિંગ સોસાયટી’નું પણ રિડેવલપમેન્ટ થવાનું છે. એ જ્યારે પણ થશે ત્યારે આમિર અને એના પરિવારને વધુ સગવડો ધરાવતું નવું નક્કોર ઘર રહેવા મળશે. જોકે, સ્થૂળ ભાવની સાથે સાથે આમિર ખાનનું સૂક્ષ્મ ભાવે પણ રિ-ડેવલપમેન્ટ થઈ રહ્યું છે.
‘લાલસિંહ ચઢ્ઢા’ (2022)ના ધબડકા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા આ ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ હવે ફિલ્મ કરિયરનું પુનર્નિર્માણ કરતો એવું પ્રતીત થાય છે. એના પગલે સિનેમા પ્રેમીઓને આમિર નવા સ્વરૂપે જોવા મળશે એ આશા અસ્થાને નથી.
ફિલ્મ પર્સનાલિટી આમિરના રિ-ડેવલપમેન્ટની વાત કરતી વખતે મુખ્ય ત્રણ બાબત ઊડીને આંખે વળગે છે. સૌથી પહેલી અને ખાસ ધ્યાન ખેંચે એવી વાત એ છે કે આમિર હવે એક્ટિંગને બદલે ફિલ્મ મેકિંગ – ફિલ્મ નિર્માણને પ્રાધાન્ય આપવા માગે છે.
આ પણ વાંચો…કવર સ્ટોરી : બચતના વ્યાજદર હજુ કેટલા ઘટશે?
ફિલ્મ વિવેચક અને દેશી – વિદેશી ચિત્રપટ સૃષ્ટિના ઊંડા અભ્યાસુ અનુપમા ચોપડાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આમિરને એની મહત્ત્વાકાંક્ષા વિશે પૂછવામાં આવતા એનો પ્રત્યુત્તર હતો કે ‘મારી અદમ્ય ઈચ્છા છે મહાકાવ્ય ‘મહાભારત’ પરથી ફિલ્મ બનાવવાની. આ વર્ષે એ દિશામાં પહેલા ડગ ભરવાછે. પહેલા ફિલ્મ લખવાને પ્રાધાન્ય આપવામાં આવશે. મારો પ્રમુખ સહભાગ પ્રોડ્યુસર તરીકે હશે. એક્ટિંગ કરી શકે નહીં એ અત્યારે નિશ્ર્ચિત પણે એટલા માટે નથી કહેતો, કારણ કે કયા પાત્ર માટે કયો અભિનેતા ફિટ છે એ ડિરેક્ટર સાથે વિગતવાર ચર્ચા કરી નક્કી કરવામાં આવશે.
ડિરેક્શન આમિર કરશે કે બીજું કોઈ એ સવાલના જવાબમાં ભાઈ દલીલ કરે છે વાત એમ છે કે ‘મહાભારત’ની કથા એટલી વિશાળ છે કે એક ફિલ્મમાં એને સમાવવી અસંભવ છે. એટલે એકથી વધુ ફિલ્મ બનશે અને એને માટે એકથી વધુ ડિરેક્ટરની જરૂર પડશે. આ ફિલ્મો એક પછી એક બનાવીએ તો બહુ લાંબો સમય લાગે એટલે એક ચોક્કસ સમયગાળામાં આ ફિલ્મો બની જાય એ જરૂરી છે. મને યાદ છે ત્યાં સુધી ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ નવલકથા પરથી ત્રણ ફિલ્મ બની lsuThe Fellowship of the Ring (2001), The Two Towers (2002), and The Return of the King (2003) અને ત્રણેયનું શૂટિંગ એક સાથે કરવામાં આવ્યું હતું. એ રીતે ‘મહાભારત’ની ફિલ્મોનું પ્લાનિંગ કરવું છે. અત્યારે તો લખવા પર ફોકસ છે, પણ આ ફિલ્મો બનાવવી છે જરૂર.
બીજી બે વાત આમિરની એક્ટિંગ સાથે નિસ્બત ધરાવે છે. પ્રખ્યાત સરકારી વકીલ ઉજજવલ નિકમ (1993 બોમ્બ બ્લાસ્ટ, 26/11 આતંકવાદી હુમલો, ગુલશન કુમાર હત્યા કેસ, પ્રમોદ મહાજન હત્યા કેસ) પર બે વર્ષ પહેલા બાયોપિક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે લીડ રોલ આમિર ખાન કરશે એવી વાત વહેતી થઈ હતી. જોકે, તાજેતરમાં આમિરે આ ફિલ્મ છોડી દીધી હોવાના અહેવાલ આવ્યા છે. એક્ટિંગ પર ઓછું અને નિર્માણ પર વધુ ધ્યાન આપવાની નીતિના ભાગરૂપે આમિરે આ નિર્ણય લીધો છે. અલબત્ત, નિકમની બાયોપિકના સહ નિર્માતા તરીકે એ સક્રિય રહેશે પણ અભિનય નહીં કરે. આમિરના સ્થાને રાજકુમાર રાવને લેવામાં આવશે એવી અટકળો વ્યક્ત થઈ છે.
આ પણ વાંચો…કવર સ્ટોરી : સગાં ભાઈ-બહેને રોમેન્ટિક ફિલ્મ ન કરાય?
ત્રીજી વાત છે એની આ વર્ષે રિલીઝ થનારી ‘સિતારે ઝમીં પર.’ 2007માં આવેલી ‘તારેઝમીં પર’ની સ્પિરિચ્યુઅલ સિક્વલ માનવામાં આવતી આ ફિલ્મ કોમેડી હોવાનું કહેવાય છે. આમિરના જ શબ્દો છે કે ‘તમારી આંખો તારે ઝમીં પર’ જોઈને ભીની થઈ હશે, જ્યારે ‘સિતારે ઝમીં પર’ જોઈ તમે ખડખડાટ હસી પડશો.’
આ બંને ફિલ્મમાં આમિર કોચ છે, પણ 2008ની ફિલ્મનો કોચ નિકુંભ અત્યંત લાગણીશીલ, ઋજુ સ્વભાવની વ્યક્તિ હતો. 2025ની ફિલ્મનો કોચ ગુલશન માથા ફરેલ છે, વાતવાતમાં લોકોનું અપમાન કરી નાખે છે. ઝઘડવું, મારામારી કરવી એનો સ્વભાવ છે. ટૂંકમાં સાવ વિપરીત કોચ. 2018ની સ્પેનિશ ફિલ્મ “Campeones’ (Champions) ની આ હિન્દી રિમેકમાં આમિરનો એક્ટર તરીકે અલગ જ અવતાર જોવા મળશે એવી અપેક્ષા છે.
આમ અત્યારના તબક્કે તો આમિર ખાનનું રિ-ડેવલપમેન્ટ પ્રોસેસમાં છે. એ પૂરું થયા પછી સિને પ્રેમીઓને કેવો અને કેટલો આનંદ થાય છે એ તો આવનારો સમય કહેશે, પણ આ રિ-ડેવલપમેન્ટ અને ખાસ કરીને ‘મહાભારત’ ફિલ્મની વાત ઉત્કંઠા વધારનારી જરૂર છે.