કવર સ્ટોરી : સગાં ભાઈ-બહેને રોમેન્ટિક ફિલ્મ ન કરાય?

- હેમા શાસ્ત્રી
છત્તીસગઢની લવ સ્ટોરી ધરાવતી ફિલ્મમાં માજણ્યા ભાઈ – બહેન હીરો – હીરોઈન તરીકે ચમક્યા હોવાથીહાય હાય એવું તે કરાતું હશે' જેવી પ્રતિક્રિયા ઊમટી છે બબાલ મચાવવા માટે સોશિયલ મીડિયા પરમાણુ બોમ્બ કરતાં પણ વધુ પાવરફુલ સાબિત થઈ શકે છે એ વાત ફોડ પાડી સમજાવવાની જરૂર નથી. 1965માં અવતરીને 2000ની સાલમાં પુનર્જન્મ લેનારી છત્તીસગઢ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક વિશિષ્ટ વિવાદને કારણે આફ્ટરશોક - મિનિ ભૂકંપ જેવી પરિસ્થિતિ પેદા થઈ છે. દેશના ફિલ્મ ઈતિહાસમાં પહેલીવાર સગાં ભાઈ - બહેન (કરણ ચૌહાણ અને કિરણ ચૌહાણ) ફિલ્મમાં હીરો - હીરોઈન તરીકે જોવા મળવાના હોવાથી હાહાકાર જેવી પરિસ્થિતિ પેદા થઈ છે. ફિલ્મનું નામ છે
મયા બિના રહા નઈ જાય’. મયા એટલે પ્રેમ – પ્યાર.
એની રિલીઝ પહેલા સોશિયલ મીડિયામાં વહાલાં – દવલાં એમ બે મોરચા મંડાઈ ગયા હતા : `હાય હાય, ભાઈ બહેને હીરો – હીરોઈનના રોલ તે કરાતાં હશે? અને એ પણ રોમેન્ટિક જોડી? ‘ એ પ્રકારની ઢગલાબંધ કોમેન્ટ આવી અને રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી. ટૂંકમાં વાત અજુગતું લાગવાની હતી.
બીજી તરફ, એવા પણ લોકો હતા જેમની દલીલ હતી કે ફિલ્મ – નાટક સમાજનું દર્પણ માનવામાં આવે છે. કળાના આ માધ્યમમાં જે દર્શાવવામાં આવે છે એ સમાજમાં બનતી ઘટનાનું પ્રતિબિંબ હોય છે. રિયલ લાઈફમાંથી જ રીલ લાઈફ ઊભરે છે. પડદા પર દેખાતા કલાકાર અંગત જીવન કે વિચારસરણી કોરાણે મૂકી સોંપાયેલાં પાત્ર ભજવતા હોય છે. અંગત જીવન અને વ્યવસાયની ભેળસેળ ન કરવી જોઈએ. પડદા પર ખૂનખાર વિલનનો રોલ કરનારા પ્રાણ સાબ અંગત જીવનમાં મિલનસાર અને ઉદાર જીવના હતા. સુનીલ દત્ત ફિલ્મમાં ડાકુ બન્યા હતા, પણ અંગત જીવનમાં સખાવતી હતા એટલે એમણે એ પાત્ર નહોતું ભજવવું જોઈતું? અંગત જીવનમાં અહિંસા પરમો ધર્મ'નો જાપ જપતા અભિનતાએ ખૂનીનો રોલ ઓફર થાય તો
યે મૈં કૈસે કર સકતા હૂં?’ એવી દલીલ કરી ના પાડી દેવાની? દારૂની બોટલને અડવાથી પણ દૂર રહેતા કલાકારે શરાબીનો રોલ નહીં કરવાનો? (ઉદાહરણ : જહોની વોકર- કેસ્ટો મુખર્જી ! ) આવી અનેક દલીલ કરી શકાય. એકવાર એવું સ્વીકારી લઈએ કે જો ફિલ્મમાં હીરો – હીરોઈનના ઈન્ટિમેટ – અંતરંગ સીન હોય તો એ ભજવવામાં રિયલ લાઈફના ભાઈ – બહેનને સંકોચ થાય, અજુગતું લાગે. દર્શકને પણ ઉચિત ન લાગે. મુક્ત વિચારસરણી ધરાવતા લોકો પણ આ વાતથી સહમત થશે, પણ પાત્ર કેવળ રોમેન્ટિક છે એટલે ભાઈ – બહેને એ નહીં ભજવવાના એને લઈને બે છાવણી ઊભી થઈ જે આજના સમાજની સમજનું જ પ્રતિબિંબ છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : 750 ફિલ્મો પછી પહેલો એવોર્ડ! રવિ કિશનની યાત્રા સંઘર્ષપૂર્ણ છે
આનંદ અને આશ્ચર્યની વાત તો એ છે કે સોશિયલ મીડિયા નામના સમાંતર સમાજની સંકુચિત વિચારસરણી સામે કલાકારોનાં માતા-પિતાએ પ્રગતિશીલ અભિગમ દર્શાવ્યો છે. પિતાશ્રી અને માતુશ્રીએ તો સાફ સાફ શબ્દોમાં કહી દીધું છે કે `અચાનક વિરોધ ફૂટી નીકળ્યો એ અમારી સમજની બહાર છે. અનેક બાળકોની જેમ અમારાં બાળકોનું પણ રૂપેરી પડદે ચમકવાનું સપનું હતું. એ સપનું સાકાર કરવા એમણે અનેક વર્ષ મહેનત કરી છે. અત્યાર સુધીમાં એમણે 200 વીડિયો આલ્બમ તૈયાર કર્યા છે અને એમણે બનાવેલા બદ્ધેબધા આલ્બમ રોમેન્ટિક જ છે તો હાલ વિરોધ કરનારા શું અત્યાર સુધી ઊંઘતા હતા? આટલા વર્ષ કોઈ કશું બોલ્યું નહીં, કોઈએ આંગળી પણ ચીંધી નથી અને હવે અચાનક, વિના કારણ વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે.’
કલાકારનાં માતા – પિતા ઉપરાંત છત્તીસગઢ સિને એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર એસોસિએશન તરફથી લીલી ઝંડી મળી ગઈ હતી. ગયા અઠવાડિયે રિલીઝ થયેલી `મયા બિના રહે નઈ જાય’ વિશે આકરી ટીકા કરનારા હતા તો બીજી તરફ આ એક પારિવારિક ફિલ્મ છે જે સાથે બેસીને માણી શકાય એવી પ્રતિક્રિયા પણ આવી છે.
અલબત્ત, છત્તીસગઢ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાવ ઝીણકી છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સમુદ્ર સ્વરૂપ સામે એક ખાબોચિયા જેવડું એનું કદ છે. `છોલીવૂડ’ તરીકે ઓળખાતી આ ઈન્ડસ્ટ્રી વર્ષે દહાડે 50થી ઓછી ફિલ્મ બનાવે છે. આ વર્ષે પહેલા ત્રણ મહિનામાં 10 ફિલ્મ રિલીઝ થઈ છે. જોકે, નાનો પણ રાઈનો દાણો એ અનુસાર મહત્ત્વની વાત એ છે કે 2022માં છત્તીસગઢી ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો, ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પારિતોષિક મેળવવામાં સફળતા મળી છે. ભલે નાની અમથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય, વમળ પેદા થયું છે એ નજર અંદાજ કરવાને બદલે એની છણાવટ થવી જોઈએ.
રીલ ને રિયલ લાઈફ…
અંગત જીવનના સંબંધની સરખામણીએ પડદા પર વિપરીત પાત્ર ભજવવામાં સૌથી પહેલું ઉદાહરણ યાદ આવે `જુદાઈ’ ફિલ્મનું. 1997ની રાજ કંવર દિગ્દર્શિત આ ફિલ્મના નિર્માતા હતા બોની કપૂર. ફિલ્મની મુખ્ય જોડી હતી અનિલ કપૂર અને શ્રીદેવી. 1996માં શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કરી લીધાં હતાં. અનિલ બોની કપૂરનો નાનો ભાઈ છે એ નાતે શ્રીદેવી અનિલના ભાભી થાય. ભાભી સાથે રોમેન્ટિક રોલ કરવા અનિલ કપૂર તૈયાર થયો હતો. જોકે, ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ દલીલ કરી હતી કે ઓડિયન્સ દિયર – ભોજાઈને રોમેન્ટિક રોલમાં નહીં સ્વીકારે. અલબત્ત બધા ખોટા પડ્યા અને ફિલ્મને બોક્સ ઓફિસ પર ઝળહળતી સફળતા મળી હતી.
આ પણ વાંચો: કવર સ્ટોરી : વક્ફ એક્ટ’માં સુધારાથી ખરેખર શું શું બદલાશે?
મેહબૂબ ખાનની મધર ઈન્ડિયા'માં બિરજુનો રોલ પહેલા દિલીપ કુમારને ઓફર કરવામાં આવ્યો હતો. જોકે, ટે્રજેડી કિગે ના પાડી હતી. એમની દલીલ હતી કે
મેલા’ અને બાબુલ' ફિલ્મમાં નરગીસ સાથે રોમેન્સ કર્યો હોવાથી દર્શકો એમને નરગીસના પુત્રના રોલમાં નહીં સ્વીકારે.
કુછ કુછ હોતા હૈ’નો ટીનાનો રોલ ટ્વિંકલ ખન્નાને ઓફર થયો હતો, પણ એ સમયે ટ્વિંકલનો અક્ષય કુમાર સાથે અફેર ચાલી રહ્યો હતો અને ગર્લફ્રેન્ડ આવી રોમેન્ટિક ફિલ્મ કરે એ બોયફ્રેન્ડને પસંદ નહોતું અને બોયફ્રેન્ડ નારાજ ન થાય એટલે ટ્વિંકલે ના પાડી હતી. અંતે એ રોલ રાની મુખરજીએ કર્યો જે એની ગાડી સડસડાટ દોડાવવામાં મદદરૂપ થયો. હોલિવૂડમાં Bride and Prejudice, Mistress of Spices, Provoked જેવી ફિલ્મ કર્યા પછી ઐશ્વર્યા રાયને Mr.and Mrs.Smith નામની ફિલ્મ ઓફર થઈ હતી. જોકે, ફિલ્મના હીરો બ્રેડ પિટ સાથે કિસિંગ સીન કરવા તૈયાર ન હોવાથી કરિયરમાં મહત્ત્વનો સાબિત થવાની સંભાવના ધરાવતો રોલ ઐશ્વર્યાએ નકાર્યો હતો.
જોકે, રણબીર ફિલ્મોમાં હિટ થયા પછે એને અને કરિના કપૂર (એની કઝિન સિસ્ટર ) બન્નેને પૂછવામાં આવતું હતું કે `તમે એકેમેક સાથે રોમાન્ટિક ફિલ્મ કરશો ?’ ત્યારે એ બન્નેએ ગોળ ગોળ જવાબ આપીને વાત ટાળી દીધી હતી !
બીજી તરફ, આ વાત અજુગતું લાગવાની છે. જૂની રંગભૂમિના નાટકનો એક કિસ્સો પણ આ સંદર્ભમાં જાણવા જેવો છે.
ચં. ચી. મહેતાનું સીતા' નાટક ગુજરાતના પ્રભાવશાળી નટ, દિગ્દર્શક અને લેખક જશવંત ઠાકરે ભજવ્યું હતું. નાટકમાં પ્રભાબહેન પાઠક સીતાની ભૂમિકામાં હતા જ્યારે એમના પતિ અરવિંદ ભાઈ પાઠક સીતા મૈયાના દિયર ભરતનો રોલ કરતા હતા.
સીતા’ નાટકના એક દૃશ્યમાં ભરત સીતા મૈયાને પગે લાગે છે. આ દૃશ્યને કારણે એ સમયે અરવિંદ ભાઈની જ્ઞાતિમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો કે `પતિ (અરવિંદ ભાઈ) થઈને પત્ની (પ્રભા બહેન)ને પગે થોડું લગાયા?’ અલબત્ત , અરવિંદભાઈ – પ્રભાબહેન જરાય વિચલિત ન થયા અને રંગભૂમિ પર ઘણા સમય સુધી સક્રિય ફાળો આપતા રહ્યા હતા.