મેટિની

શંખ ને મૂરખ હંમેશાં બીજાની ફૂંકથી જ વાગે!

અરવિંદ વેકરિયા

બીજા અંકનાં રિહર્સલ-જી.આર. શરુ થયા. ફેરફાર સાથે, જે ઉમેશ પારેખે કલાકારોને પહેલા અંક પછી તૈયાર કરાવી લીધા હતા એટલે બધાં બમણી શક્તિથી શરૂ થઈ ગયાં. આમ પણ જાગતી કીડીની શક્તિ સૂતેલા હાથી કરતાં વધુ હોવાની.

નાટકની રજૂઆત અને સારું જાય તો ‘કવર’ મળવાની અપેક્ષા નજર સામે હોય એટલે શક્તિ આપોઆપ આવી જતી હશે એવું એક કલાકાર તરીકે મારું માનવું છે. ઘણાં વખત પહેલાં મેં લખેલું કે ‘હું નાટક પ્રોસેસ પૂરતો શોર્ટ-ટેમ્પર થઈ જતો’. સમય જતાં થોડો પરિપક્વ થતો ગયો.

કોઈએ સાચું જ કીધું છે કે ગુસ્સાની એક પળ ઉપર જો તમે નિયંત્રણ રાખી શકો તો પસ્તાવાના ઘણાં દિવસ બચાવી શકો.

આ બાજુ અમારા કલાકારો બમણાં જોશથી મચી તો પડ્યા, સાથે નાની-મોટી ભૂલો પણ કરતાં રહ્યા. ત્યારે કોઈએ કહેલું એક ‘બ્રહ્મવાક્ય’ યાદ રાખી મેં ગુસ્સો કાબુમાં રાખ્યો. હેમખેમ બીજો અંક પૂરો થયો. ત્રીજા અંક પહેલા બધા થોડો ‘પોરો’ ખાવા બેઠા. હવે ત્રીજા અંક પછી ઓડકાર સંતોષનો આવે છે કે વસવસાનો એ જોવાનું હતું. મારી પરિપકવતાએ મને શીખવી દીધું હતું કે ક્રોધ એ એવો પવન છે, જે તમારા બુદ્ધિના દીવાને ઓલવી નાંખે.

ખેર, ‘પોરો’ ખાઈ, ફરી થોડા ફ્રેશ થઈ ત્રીજા અંક્નો આરંભ કર્યો. ત્રીજો અંક નિર્વિઘ્ને પૂરો થયો. કાલથી બુકિંગ શરૂ થવાનું હતું. ત્રણ દિવસ હાથમાં હતા. બે દિવસ બધા કલાકારો સાથે મળીને માત્ર રિડિંગ કરવાનું નક્કી કર્યું જેથી રજૂઆત ‘જક્કાસ’ થઈ શકે.

એકંદર, નાટક સારું બન્યું હતું એવું તો લાગ્યું . એને વધુ સારું કરવા બે દિવસ મળવાના હતા. ડિરેક્ટર તરીકે મને સંતોષ થતો જ નથી. જાણું છું કે દરેકની પોતાની મર્યાદા હોય છે. દરેક કલાકારની પોતાની લઢણ હોય છે, છતાં મારો જીવ વધુ ને વધુ અપેક્ષા રાખતો. આપણને ઓછું મળે છે એ આપણું દુ:ખ નથી, આપણને ઓછું લાગી રહ્યું છે એ આપણું દુ:ખ હોય છે, મારું પણ એવું જ હતું.

ત્રીજો અંક પૂરો થયો. ક્લાકારો રવાના થયા પછી બાકી રહ્યા, હું, ડોલર પટેલ, સુભાષ ખન્ના અને રાજેશ મહેતા.

એક ચોખવટ કરી દઉં. ઘણાં વાંચકોએ મને સવાલ કર્યો છે કે આ રાજેશ મહેતા એટલે લોકપ્રિય કટાર તારક મહેતાના ઉલટા ચશ્માનાં લેખક તારક મહેતાના સગાં થાય છે એ?

આ પણ વાંચો…સાત્વિકમ્‌‍ શિવમ્‌‍ : હસીને જોવામાં અને જોઇને હસવામાં ફરક છે…

ના. તારક મહેતા વાળા રાજેશ મહેતા, એક અદભુત કલાકાર માત્ર. જયારે મારી સાથેના રાજેશ મહેતા એ કલાકાર અને સંગીતકાર બંને. એમની ઘણી કેસેટો પણ બહાર પડેલી. એ સ્વ. જગદીશ શાહ-નિલા થિયેટર સાથે સંકળાયેલા. એ મેન્ડોલીન સરસ વગાડતાં, જૂના ‘બુલબુલ’ જેવું એટલે રમૂજમાં બધા એમને ‘ટુનટુન’ કહી કલાકાર રાજેશ મહેતાથી અલગ ઓળખ આપતાં. આ સહજ, વાંચકોની જાણ ખાતર.

બધા કલાકારો ગયા પછી, બીજા દિવસથી ખુલતા બુકિંગની ચર્ચા કરી. સામાન્ય નવા નાટકનું બુકિંગ ખુલે ત્યારે પ્લાનની પૂજા થાય, શ્રીફળ વધેરાય અને નાટકના બોર્ડ ઉપર હારતોરા પણ થાય. ડોલર અને સુભાષે આ જવાબદારી લઈ લીધી, નિર્માતા હતા ને!

ઘરે જઈ જી.આર.ની બધી વાત મેં પત્ની ભારતીને કરી. મને થતું હતું કે ‘નાટક સારું જશેને?’ ભારતીએ સરસ સમજાવ્યું કે ‘પરિણામ વિચારો પ્રમાણે નહીં, મહેનત પ્રમાણે મળે છે. તમે મહેનત કરી છે તો ફળ મળશે જ.’

બીજી સવારે જા.ખ. જોઈ. સરસ છપાય હતી. અખબારમાં ‘ખાસ’ પોઝિશન વધુ પૈસા આપી લીધેલી. જા. ખ. નાં એ પાના પર એક જ એડ. દેખાતી હતી માણસ માત્ર લફરાને પાત્ર. ચટપટી એવી ઊપડી કે ક્યારે નવ વાગે અને બુકિંગ જાણું. સાડા નવ થયાં. ડોલર કે સુભાષ, કોઈનો ફોન ન આવ્યો. મારી જાણવાની ઇચ્છા બળવત્તર બનતી હતી. આમ પણ કેટલીક ઇચ્છાઓ વરસાદનાં ટીપાં જેવી હોય છે, જેને પામવા જતા હથેળી તો ભીંજાય પણ હાથ હંમેશાં ખાલી રહે!

આ પણ વાંચો…લોકોના ‘ટોન્ટ’માંથી ‘મોટીવેશનલ’ લેવાનું, ‘ડિપ્રેશન’ નહીં

છેવટે મેં પાટકર થિયેટર પર ફોન કર્યો. બુકિંગ ક્લાર્ક પ્રભાકરે ઉપાડ્યો અને હરખનાં ખબર આપ્યા કે એક કલાકની અંદર જ ઘણું સારું એવું બુકિંગ થઈ ગયું છે.

ડોલર અને સુભાષ તો પૂજા પતાવી ઘર ભેગા થઈ ગયા હતા. આમ પણ સિરિયલ-ફિલ્મો સાથે સંકળાયેલાને નાટક બનાવવાનું ભૂત સવાર થયેલું સાથે નામ બનાવવાનો મોહ પણ. શંખ અને મૂર્ખ હંમેશાં બીજાની ફૂંકથી જ વાગે. આ લોકોને નાટક માટે મારે પંપ મારી હવા ભરતી રહેવી પડશે. લગભગ 12.30 વાગે ડોલરનો ફોન આવ્યો. 9 થી 12 વચ્ચે થયેલ બુકિંગનો આંકડો મને કહ્યો.મેં સવારે જાણેલો એ કરતાં ઘણો વધુ હોય એ સ્વાભાવિક હતું. એક વાત તો નક્કી, મનહર ગઢિયાની જા.ખ. કામ કરી ગઈ હતી. હવે નાટક સારું નીવડે એટલે ભયો-ભયો.

બીજા દિવસ રીડિંગમાં કેટલાક કલાકાર લબડતા હતા. મારી કમાન છટકતી હતી પણ મેં કંટ્રોલ રાખ્યો. એ પરિસ્થિતિ મેં માંડ સાંચવી. જો કે કેટલું સાચવી લો છો એ સમજદારી નથી પણ કેટલું બગડવા નથી દેતા એ સમજદારી છે. મેં સંયમ રાખી સમજદારી બતાવી. હવે આવતી કાલે પાટકર હોલમાં થશે ‘માણસ માત્ર લફરાને પાત્ર’ નાં શ્રી ગણેશ.!

મંદી કોને કહેવાય?
પોતાની ‘પોસ્ટ’ પોતે જ ‘લાઇક’ કરવી એને મંદી કહેવાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button