મેટિની

સુપરહિટ વિદેશી ફિલ્મની નવ વર્ષમાં 26 રિમેક, પણ ઈંગ્લિશમાં એક સુધ્ધાં નહીં!

હેન્રી શાસ્ત્રી

2016ની ઈટાલિયન ફિલ્મ હિન્દી સહિત અન્ય ભાષામાં ફરી બનવાનો ‘ગિનેસ વર્લ્ડ રેકોર્ડસ’ ધરાવે છે, પણ એની અંગ્રેજીમાં ફિલ્મ નકો !
ઈટાલિયન ફિલ્મ Perfetti Sconosciuti અને હિન્દી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’

ફિલ્મ રિમેકનો ઈતિહાસ ઘણો જૂનો છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમ જ હોલિવૂડમાં સુધ્ધાંમાં… ગયા વર્ષે રિલીઝ થયેલી અક્ષય કુમારની ‘ખેલ ખેલ મેં’ પણ ઈટાલિયન ફિલ્મની સત્તાવાર રિમેક છે. કઈ ફિલ્મ અદભુત લાગે છે અને કઈ બકવાસ એ દરેક સિને ભાવકનો અબાધિત અધિકાર છે, પણ સારું – નરસું નક્કી કરતા પહેલા એ ફિલ્મ જોવી જરૂરી છે.

સિનેમાના વિશ્વ ઈતિહાસમાં એવી ફિલ્મો બની છે જે ચિત્રપટ ચાહકે જોવી જ જોઈએ એવું માનવામાં આવે છે. આ વિશિષ્ટ યાદીમાં ઈટાલિયન ઈન્ડસ્ટ્રીનો સમાવેશ માનપૂર્વક થાય છે. ફિલ્મોને કલાત્મક સ્વરૂપ આપવામાં ઈટલીના ફિલ્મમેકરોનું યોગદાન માતબર રહ્યું છે.

1913માં આવેલી Quo Vadis (ફિલ્મ ઈતિહાસની શરૂઆતની બ્લોકબસ્ટર પૈકી એક)થી લઈને A Muzzarell (2024) સુધીની સફરમાં ઈટાલિયન ઈન્ડસ્ટ્રીએ અદ્ભુત ફિલ્મોઅને મૂઠી ઊંચેરા ફિલ્મ મેકરની ભેટ આપી છે. It happened one night, Bicycle Thieves, La Strada, La Dolce Vita, Senso, Umberto D., Suspiria, The Conformist, The Good, The Bad and The Ugly… આવી અવિસ્મરણીય ફિલ્મોની યાદી ઘણી લાંબી છે. ઉપરાંત, ઈટાલિયન ઈન્ડસ્ટ્રીએ એવા નામાંકિત ફિલ્મમેકરઆપ્યા છે, જેમનાચિત્રપટ ઓલટાઈમ ગ્રેટ ફિલ્મ્સની યાદીમાં બિરાજવા ઉપરાંત અન્ય મેકરો માટે પ્રેરણારુપ સાબિત થયા છે. Federico Fellini,Vittorio De Sica, Roberto Rossellini, Bernardo Bertolucci, Sergio Leone… આ યાદી પણ દમદાર છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં ઈટાલિયન ફિલ્મોના દબદબામાં ઓટ આવી એ હકીકત હોવા છતાં એ ફિલ્મોનો પ્રભાવ વૈશ્વિક ઈન્ડસ્ટ્રી પર અનન્ય રહ્યો છે.
આવી આ આગળીવેગળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક એવી ફિલ્મ છે જે એક એવો વિશ્વવિક્રમ ધરાવે છે કે એ જાણ્યા પછી આશ્ર્ચર્યથી આંખો પહોળી થઈ જશે. 11 ફેબ્રુઆરી, 2016ના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ રોમેન્ટિક કોમેડી ડ્રામા Perfetti Sconosciuti (Perfect Strangers) ની અત્યાર સુધીમાં જુદા જુદા દેશમાં હિન્દી સહિત વિશ્વની 24 ભાષામાં આ ફિલ્મની રિમેક બની ચુકી છે, પણ આશ્ર્ચર્ય અને અચરજ થાય છે એવી વાત એ છે કે અત્યાર સુધીમાં ઈંગ્લિશમાં એની રિમેક નથી બની ! આનું એક સજજડ કારણ છે જેની આપણે વિગતે વાત કરીશું.

આ પણ વાંચો…ફિલ્મનામા : સીતા રામમ: લવસ્ટોરીમાં પણ રહસ્યના આટાપાટા!

ઈટાલિયન ફિલ્મ Perfetti Sconosciuti (Perfect Strangers) ની કથા રસપ્રદ છે, સાથે રમુજી સુધ્ધાં છે, પણ એ અલગ કેડી કંડારેએવી નથી. વાર્તાનુસાર સાત નિકટના મિત્રોનું ગ્રૂપ ડિનર પાર્ટી માટે ભેગું થાય છે. ગ્રૂપની ઇવા નામની રિલેશનશિપ થેરપિસ્ટ દાવો કરે છે કે જો મિત્રો એકબીજાના ફોનમાં મેસેજ જોશે તો કેટલાક કપલના છૂટાછેડા થઈ જશે. કોઈ સહમત થાય છે તો અસહમતિ પણ. દલીલના તથ્યની ચકાસણી કરવા એક ગેમ રમવાનું નક્કી થાય છે. બધાએ પોતાનો ફોન ટેબલ પર મૂકી દેવાનો અને પોતાના મેસેજ ગ્રૂપના બાકીના સભ્યો સાથે શેર કરવાના. શરૂઆતમાં બધાને મજા પડે છે, પણ ધીરે ધીરે મેસેજમાં પતિ કે પત્નીથી છુપાવી રાખેલી વાતો છતી થવા લાગે છે. પરિણીત ીની અફેર, કોઈ પુરુષની ગર્લફ્રેન્ડ… જૂઠાણાં અને રહસ્યો ગૂંથાય છે. રાત પડે છે ત્યાં સુધીમાં તો મૈત્રી, લગ્ન અને રોમેન્સના લીરેલીરા ઉડી ગયા હોય છે. જોકે, ફિલ્મનો અંત અનપેક્ષિત અને આશ્ચર્યકારક છે. એકઠા થયા હોય છે એ જગ્યામાંથી મિત્રો બહાર નીકળે છે ત્યારે જાણે કશું જ બન્યું નથી એવી રીતે વર્તે છે. ગેમ શરૂ થવા પહેલા આપસી સંબંધોનું જે સ્વરૂપ હતું એ જ રહે છે અને રમત રમાઈ જ નહોતી એ રીતે બધા ફરી પોતપોતાના જીવનમાં ગોઠવાઈ જાય છે.. !

આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ફાંકડી
સફળતા મળી હતી. 40 લાખ ડૉલરના બજેટમાં બનેલી આ ફિલ્મ વિશ્વભરમાં ત્રણ કરોડ
બત્રીસ લાખ ડોલરનું કલેક્શન કરવામાં સફળ રહી હતી.

વાર્તામાં કોઈ વિશિષ્ટ તત્ત્વ ન હોવા છતાં નવ જ વર્ષમાં આટલી બધી રિમેક બની એ હકીકત આશ્ચર્યમાં ગરકાવ કરી દેનારી છે. સૌથી પહેલી રિમેક ગ્રીસમાં બની. ત્યારબાદ સ્પેનમાં અને 2018ની સાલમાંટર્કી, ફ્રાંસ, હંગેરી, સાઉથ કોરિયા, મેક્સિકો અને ચીનમાં રિમેકનીભરતી આવી હતી. ત્યારબાદ અનુક્રમે રશિયા, આર્મેનિયા, પોલેન્ડ, જર્મની, વિયેતનામ, જાપાન, સ્લોવેકિયા, ચેક રિપબ્લિક, રોમાનિયા, નેધરલેન્ડ્સ, ઈઝરાયલ. ઈજીપ્ત. લેબેનોન, યુએઈ, નોર્વે, ઈન્ડોનેશિયા, અઝરબૈજાન, આઈસલેન્ડ, ડેનમાર્ક અને ભારતમાં પણ આની રીમેક બની છે. અમુક દેશોમાં અલગ અલગ ભાષામાં ફિલ્મ બની હોવાથી ભાષાની સંખ્યા દેશ કરતાં વધારે છે.

આ પણ વાંચો…ફિલ્મનામાઃ ડબલ મિનિંગ વત્તા વલ્ગારિટી એટલે ભોજપુરી ફિલ્મો ને ગીત?

હવે અંગ્રેજીમાં આ ફિલ્મની રિમેક કેમ નથી બની એ જાણવા જેવું છે. વાત એમ છે કે 2017માં આ ફિલ્મ ઈંગ્લિશમાં બનાવવાના રાઈટ્સ ‘વાઇન્સ્ટીન કંપની’ એ ખરીદ્યા હતા. જોકે, ફિલ્મ ફ્લોર પર જાય એ પહેલા જ કંપની આર્થિક રીતે ભાંગી પડતા અને કંપનીના સ્થાપક હાર્વી વાઇન્સ્ટીન સામે ગુનાહિત આરોપો કરવામાં આવતા ફિલ્મ અભેરાઈ પર ચડી ગઈ હતી. હવે કોને ખબર એ બનશે કે નહીં.

હિંન્દી ‘ખેલ ખેલ મેં’એ કેવા ખેલ કર્યા?
ફ્લોપ ઝાઝી અને હિટ જૂજ વચ્ચે ઘેરાયેલો અક્ષય કુમાર આજની તારીખમાં પણ બહુ બિઝી એક્ટર છે. 2024માં એની પાંચ ફિલ્મ રિલીઝ થઈ હતી. જોકે, એનો ફલોપનો સિલસિલો જારી રહ્યો હતો. રિલીઝ થયેલી ફિલ્મમાં એક હતી ‘ખેલ ખેલ મેં’.
અક્ષયની આ ફિલ્મ ઈટાલિયન ફિલ્મ Perfetti Sconosciuti (Perfect Strangers) ની સત્તાવાર રિમેક છે. મતલબ કે રાઈટ્સ ખરીદવામાં આવ્યા હતા. જોકે, ‘ખેલ ખેલ મેં’ બોક્સ ઓફિસ પર કોઈ ખેલ દેખાડી નહોતી શકી અને અક્ષયના લિસ્ટમાં એક વધુ ફલોપનો ઉમેરો થયો હતો.

‘ખેલ ખેલ મેં’ સિવાય સાઉથની બે ફિલ્મ આઈટાલિયન ચિત્રપટ પરથી પ્રેરણા લઈને કે એના પર આધારિત બની હોવાનું કહેવાયું હતું. એક હતી મલયાલમ ફિલ્મ 12th Man અને બીજી હતી તેલુગુ ફિલ્મ Richie Gadi Pelli.. મલયાલમ ફિલ્મ હિટ સાબિત થઈ હતી જ્યારે તેલુગુ ફિલ્મ ફ્લોપ નીવડી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button