ફ્લૅશ બૅકઃ મીના કુમારીનું યોગદાન ગાયકીમાં પણ છે…!

હેન્રી શાસ્ત્રી
નામ પડતા જ પાકીઝા’ અનેચલતે ચલતે યૂં હી કોઈ મિલ ગયા થા’ કે પછી સાહિબ બીબી ઔર ગુલામ’ની છોટી બહુ અનેન જાઓ સૈયાં છૂડા કે બૈયાં’ તેમ જ પ્રેમ પામવામાં નિષ્ફ્ળ રહેલી દિલ અપના ઔર પ્રીત પરાઈ’ની કણા અનેઅજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરૂ કહાં ખતમ’ નજર સામે તરવરવા લાગે અને ફરી એકવાર એ ફિલ્મ કે એનાં દૃશ્યો-ગીત સાંભળવાની ઈચ્છા થઈ આવે.
મીના કુમારીનું આ સામર્થ્ય છે. એના પાત્રની પીડા પ્રત્યે તમને સહાનુભૂતિ થયા વિના રહે નહીં. અલબત્ત, આ જ મીના કુમારીએ `આઝાદ’ સહિત જૂજ ફિલ્મોમાં હલકાફૂલકા પાત્ર પણ પ્રભાવીપણે સાકાર કર્યા છે. જોકે, થયું છે એવું કે ટ્રેજેડી ક્વીન એવી હાવી થઈ ગઈ કે ગમગીન મીનાજી પાછળ ગમતીલા મીનાજી ઢંકાઈ ગયાં. મીના કુમારીએ જ મીના કુમારી સાથે અન્યાય કર્યો એવી દલીલમાં વજૂદ જરૂર છે. અને એટલે જ ગાયિકા મીના કુમારીને આપણે નથી ઓળખતા. ઓળખવાની અને એમની આ આવડતને સમજવાની વાત તો દૂર રહી, સાદી જાણકારી પણ મોટાભાગના લોકો પાસે નથી એ વરવી વાસ્તવિકતા છે.
જી હા, અભિનયમાં અવ્વલ સાબિત થયેલાં મીના કુમારી ગઝલ લખતા હતા એ ગુલઝારની કોશિશને કારણે મીનાજીનાં અવસાન પછી અને લોકો એમની લખેલી રચનાઓથી વાકેફ થયા. તેમનો અલગ પહેલુ નજરમાં આવ્યો. આજે પાર્શ્વગાયનમાં તેમણે કરેલી કોશિશ પર ધ્યાન દોરવું છે.
ડાયલોગ ડિલિવરીમાં-દૃશ્ય ભજવણીમાં સંવાદ બોલતી વખતે એમના અવાજનો જાદુ દર્શકોએ અનુભવ્યો છે. એમના ગળાની તાકાત ગાયનોમાં પણ અજમાવી લેવામાં આવી છે, પણ એ સીમિત રહી ગઈ એ આપણી કમનસીબી, બીજું શું? મીનાજીને સાંભળ્યા પછી તેઓ પણ સુરૈયાની માફક `સિંગિંગ સુપરસ્ટાર’ બની શક્યા હોત એવું માનવાનું મન થાય છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ઈતિહાસ તપાસતા એક વાત ઊડીને આંખે વળગે છે કે 1950 પહેલા સિંગિંગ એક્ટરનું ચલણ વધુ હતું. કુંદનલાલ સાયગલ, પંકજ મલ્લિક, શરૂઆતમાં અશોક કુમાર, કરણ દીવાન, તલત મેહમૂદ, કિશોર કુમાર, નૂરજહાં, સુરૈયા… અન્ય નામ પણ ઉમેરી શકાય. મીના કુમારીની અભિનય યાત્રાનો પ્રારંભ બાળ કલાકાર તરીકે થયો હતો..
વિજય ભટ્ટ નિર્મિત અને દિગ્દર્શિત લેધરફેસ’ (ફરજંદ – એ – વતન) ફિલ્મમાં બેબી મેહજબીન તરીકે તેઓ સૌપ્રથમ રૂપેરી પડદા પર જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ રિલીઝ 1939માં થઈ હતી. મીનાજી એક સંપૂર્ણ હીરોઈન તરીકે દર્શકોની નજરમાં વસ્યા છેક 1952માં અને એ પણ વિજય ભટ્ટની જબૈજુ બાવરા’ ફિલ્મમાં.
1940ના દાયકામાં મુખ્યત્વે બાળ કલાકાર તરીકે તેમજ અન્ય કેટલીક નાનીમોટી ભૂમિકાઓ ભજવી તેમણે-રાખ્યું. આ જ દોરમાં તેમણે પાર્શ્વગાયન પણ કર્યું. એ દોર સિંગિંગ એક્ટરનો હતો અને ઈન્ડસ્ટ્રીમાં ટકી રહી આગળ આવવું હશે તો ગાયકી કામ આવશે એ સમજણ અથવા સૂચનને કારણે બેબી મીનાએ પાર્શ્વગાયન કર્યું અથવા એની પાસે કરાવવામાં આવ્યું હશે એ તર્કસંગત દલીલ છે.
પાર્શ્વગાયક તરીકે તેમનો પ્રથમ પરિચય થયો 1941માં રિલીઝ થયેલી `બહન’ ફિલ્મના ગીતથી. મેહબૂબ ખાનની આ ફિલ્મના મુખ્ય કલાકાર હતા શેખ મુખ્તાર અને નલિની જયવંત. ફિલ્મના સંગીતકાર હતા એ સમયના ખ્યાતનામ અનિલ બિશ્વાસ. ફિલ્મમાં કુલ 12 ગીત છે, જેમાંથી બે યુગલ ગીત શેખ મુખ્તાર-નલિની જયવંતના સ્વરમાં છે. બાકીના નવ ગીતમાંથી એક સોલો સોન્ગ નલિની જયવંતના સ્વરમાં છે, ચાર ગીત હુસ્ન બાનોએ ગાયા છે જેમણે ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે.
એક ગીત મિસ ઈકબાલે ગાયું હોવાનો ઉલ્લેખ છે અને કલાકારોની યાદીમાં ઈકબાલ બેગમનો ઉલ્લેખ છે અને આ બંને વ્યક્તિ એક જ હોવાની સંભાવના ભારોભાર છે. આ જાણકારી પરથી એક્ટર – સિંગરના મહત્ત્વનો ખ્યાલ આવે છે. ત્રણ ગીત ખુદ સંગીતકાર અનિલ બિશ્વાસના સ્વરમાં છે. એક ગીત છે `તોરે કજરા લગાઉં મોરી રાની’. આ યુગલ ગીત છે જેમાં પ્લેબેક સિંગર તરીકે બીના કુમારી અને બેબી મીનાના નામ છે. આ બંને ફિલ્મના કલાકાર હોવા ઉપરાંત આ ગીતનું ફિલ્માંકન પણ તેમની ઉપર જ કરવામાં આવ્યું છે. બેબી મીનાના અવાજમાં રહેલી મીઠાશ માણવા જેવી છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બેબી મેહજબીનની અભિનયની આવડતનો પરિચય તો થઈ જ ગયો હતો. બહન’ ફિલ્મથી આ બાળકીના ગળામાં પણ કૌવત છે એનો ખ્યાલ આવ્યો.ગરીબ’, પ્રતિજ્ઞા’,લાલ હવેલી’ વગેરે ચિત્રપટોમાં તેમના અભિનયને મહોરવાની તક મળી. 1947માં આવેલી દુનિયા એક સરાઈ’ ફિલ્મમાં પડદા પર નામ મીના કુમારી નજરે પડે છે, જેની શરૂઆત 1946માં આવેલીબચ્ચોં કા ખેલ’થી થઈ હતી.
આ ફિલ્મમાં સિંગર મીના કુમારીને મોટો બ્રેક મળ્યો અને એના ત્રણ ગીત સાંભળવા મળ્યા. બે સોલો સોન્ગ હતા અને એક યુગલ ગીત એ સમયના પ્રસિદ્ધ ગાયિકા ઝોહરાબાઈ અંબાલેવાલે સાથે હતું. બે સોલો ગીત હતા માં દેખ રી માં, બદલી હુઈ જવાન’ અનેસાવન બિત ગયો રે માઈ.’ હંસરાજ બહલનું સ્વરાંકન અનેક લોકોને કદાચ નહીં ગમે, પણ મીનાજીની ગાયકી પસંદ પડે એવું કહી શકાય એમ છે. ડ્યુએટ સોન્ગ હતું `છીન લે હમારી હંસી, દે ગયા હમકો રોના’. કમનસીબે આ ગીતનો ઓડિયો કે વીડિયો ઉપલબ્ધ ન હોવાથી મીનાજીનો સ્વર ઝોહરાબાઈ સાથે કેવો લાગે છે એ જાણી નથી શકાતું.
1947માં રિલીઝ થયેલી પિયા ઘર આજા’ ગાયિકા મીના કુમારીનું સર્વોચ્ચ બિંદુ કહી શકાય. સંગીતકાર બુલો સી. રાનીના સ્વરાંકનમાં ફિલ્મમાં કુલ 10 ગીત છે જેમાંથી મીનાકુમારીએ ગાયા હોય એવાં આઠ ગીત છે, છ સોલો અને બે ડ્યુએટ. વિચાર કરી જુઓ કે 14 વર્ષની ઉંમરે મીના કુમારીને અભિનેત્રી ઉપરાત ગાયિકા તરીકે કેવી લોકપ્રિયતા મળી હશે. બુલો સી. રાની પણ મીનાજીના ગળાથી પ્રભાવિત થયા હોવા જોઈએ, કારણ કે 1948માં એમના સંગીત નિર્દેશનમાં આવેલીબિછડે બાલમ’માં મીનાજીના સ્વરમાં છ ગીત રેકોર્ડ કરવામાં આવ્યાં હતાં, ચાર એકલ ગીત અને બે યુગલ ગીત છે.
અહીં સુધી જણાવેલાં ગીતો પૈકી અમુક યુટ્યૂબ પર ઉપલબ્ધ છે. સાંભળશો તો મીના કુમારી અદ્ભુત ગાયિકા હતાં એવો અભિપ્રાય નહીં બંધાય, પણ તેમણે સનિષ્ઠ કોશિશ કરી હોત તો ગાયિકા તરીકે પણ કાઠું કાઢ્યું હોત એમ નિર્વિવાદપણે માનવાનું મન થશે.
1966ની પિંજરે કે પંછી’માં સલિલ ચૌધરીએ સ્વરાંકન કરેલા યુગલ ગીતઐસા ભી કભી હોગા’માં મુખ્ય સ્વર મન્ના ડે નો છે અને મીનાજી તો ફક્ત તેમની પંક્તિઓ સ્વરમાં બોલ્યા છે, પણ અવાજની મીઠાશ માણવા જેવી છે.
સંગીતકાર ખૈયામ સાથે બહાર પાડેલા આલબમમાં મીના કુમારીએ આઠ ગઝલ રજૂ કરી છે. એ સમયે બીમાર હોવા છતાં તેમના અલાયદા અવાજમાં આઠેઆઠ ગઝલ કર્ણપ્રિય છે. એમાંય `ચાંદ તન્હા હૈ, આસમાં તન્હા’ સાંભળશો તો નમન કરવાનું મન થઈ જશે.
1948માં લતા મંગેશકરનો સિતારો ઝળહળવા લાગ્યા પછી તેમજ સિંગર – એક્ટરનું મહત્ત્વ ઘટી જવાથી મીના કુમારીએ પાર્શ્વગાયન સદંતર બંધ કરી દીધું એ હકીકત છે. 1952ની બૈજુ બાવરા'થી માંડી 1072નીપાકીઝા’ સુધી આપણને એમની અદ્ભુત યાત્રા જોવા મળી, પણ ગાયિકા મીના કુમારી ભૂતકાળ બની ગયાં. અલબત્ત, એમના જે પણ સચવાયેલાં ગીતો છે એ સાંભળશો તો આનંદ જરૂર આવશે.
આ પણ વાંચો…ફ્લૅશ બૅકઃ કમલા કુમારી: ફિલ્મોના પ્રથમ ભરતનાટ્યમ કલાકાર…



