ક્લેપ એન્ડ કટ..! : મૈં નહીં માનતા, પ્રૂફ દિખાઓ...
મેટિની

ક્લેપ એન્ડ કટ..! : મૈં નહીં માનતા, પ્રૂફ દિખાઓ…

સિદ્ધાર્થ છાયા

આપણું સેન્સર બોર્ડ કોઇ પણ સબમિટ થયેલી ફિલ્મો પર કાતર ચલાવવા માટે જાણીતા કરતાં કુખ્યાત વધુ છે. જોકે, ક્યારેય એવું બન્યું છે કે કાતર ચલાવતાં પહેલાં એણે વિચાર કર્યો હોય? કદાચ કોઈક જ વાર. આવી કોઈક જ વાર વાળી ઘટના હાલમાં બની છે.

બન્યું એવું કે આ સ્વતંત્રતા દિવસે એક પ્રોડક્શન હાઉસે પોતે `ધ તાજ સ્ટોરી’ નામની એક ફિલ્મ બનાવી હોવાની ઘોષણા કરી. ફિલ્મ આ જ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થવાની છે. ફિલ્મના કલાકારોની યાદીમાં પરેશ રાવળ મુખ્ય છે.

ફિલ્મની વાર્તા દુનિયાની સાત અજાયબીઓમાંથી એક એવા તાજમહાલ ઉપર કોઈ અજાણી હકીકત જાહેર કરે છે એવું કહેવાયું છે. હવે આપણાં સેન્સર બોર્ડે મહિનાઓથી આ ફિલ્મને લટકાવી રાખી છે. બોર્ડને ભય છે કે ક્યાંક આવી ફિલ્મ દેશમાં ખરાબ વાતાવરણ ઊભું ન કરી દે. મહિનાઓ રાહ જોયાં બાદ મેકર્સ થોડાં એકશનમાં આવ્યાં છે.

એમણે સામે ચાલીને સેન્સર બોર્ડને પોતાની વાત સાબિત કરવા માટે પ્રૂફસ બોર્ડમાં જમા કરાવવાનું નક્કી કર્યું છે. મૂળે ફિલ્મમાં વાત એવી છે કે શું તાજમહાલને ખરેખર શાહજહાં એ જ બનાવ્યો હતો? કે પછી તાજ બનાવવા પાછળ કોઈ બીજો જ ઈરાદો હતો? આ પ્રકારની દલીલ આમ પણ દેશમાં ઉગ્ર ચર્ચા ઊભી કરવા માટે પૂરતી છે. એવામાં તેના પર ફિલ્મ બને એટલે સેન્સર બોર્ડને પરસેવો તો થાય જ ને?

પતિ- પત્ની ઔર મારામારી
એટલે, આ કોઈ ફિલ્મી કપલ વચ્ચેની મારામારીની વાત નથી હોં! સંજીવ કુમાર અને વિદ્યા સિન્હાની ક્લાસિક `પતિ પત્ની ઔર વોહ’ કદાચ બરાબર નહીં બની હોય એટલે એની રિ-મેક થોડાં વર્ષો અગાઉ આવી ગઈ.

હવે આ રિ-મેક ખાસ ચાલી ન હતી. તેમ છતાં એકના એક વિષયને દોહરાવવાની બોલિવૂડની (કુ)ટેવ પ્રમાણે તેની સિકવલ પણ આવી રહી છે. પહેલા ભાગમાં જો કાર્તિક આર્યન અને ભૂમિ પેડણેકર હતાં તો આ બીજા ભાગમાં આયુષ્માન ખુરાના અને સારા અલી ખાન છે.

ફિલ્મનું શૂટિગ હાલમાં પ્રયાગરાજમાં ચાલી રહ્યું છે. થોડાં દિવસો પહેલાં પ્રયાગરાજના એક લોકલ વ્યક્તિ દ્વારા એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો, જેમાં પ્રયાગરાજના રસ્તા ઉપર વાહન ઉપર મુખ્ય કલાકારો શૂટ કરી રહ્યાં હોવાનું દેખાય છે…

અચાનક જ એક અન્ય સ્થાનિકે ક્રૂ મેમ્બર પર હાથ ચલાવ્યો અને પેલાને પકડીને નીચે ઉતારી દીધો. પછી પણ થોડો સમય આ મારામારી ચાલતી રહી.

જોકે, એક અન્ય વીડિયોમાં આયુષ્માન અને સારા શાંતિથી કારમાં બેસીને એક બીજું શેડ્યુલ પતાવી રહ્યા હોવાનો વીડિયો પણ બહાર આવ્યો!

જોકે, પેલી મારામારીનું કારણ તો હજી સુધી ખબર નથી પડ્યું, પરંતુ એ શક્ય છે કે આ મારામારી બહુ લાંબી નહીં ચાલી હોય. અંતે આપણી ફિલ્મોમાં થાય છે એમ એક સુખદ અંત સાથે એ મારામારી પતી ગઈ હશે. જોકે પ્રોડ્યુસર્સ એસોસિએશને આ મારામારીની ઘટનાની આકરી ટીકા કરી છે.

તુમ મુજે પૈસા દો વરના…’ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ આ ત્રણ શબ્દો જેટલાં રૂપાળાં લાગે છે એટલા છે નહીં. આ વાત ઘણી વાર સાબિત થઇ ગઈ છે. થોડા દિવસ અગાઉઇન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યુસર્સ કાઉન્સિલ’નો એક પત્ર જાહેર થયો એમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેટલાંક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ દ્વારા ફિલ્મ પ્રોડ્યુસર્સને બ્લેકમેલ કરવામાં આવે છે…

હવે આ બ્લેકમેલિંગ કેવું છે એ જાણીએ. જે ઇન્ફ્લુએન્સર્સના લાખોમાં ફોલોઅર્સ હોય છે એમાંથી અમુક ફિલ્મ અથવા તો ટીવી સિરીઝના પ્રોડ્યુસર્સને ધમકી આપે છે. ધમકીમાં કહે છે કે `અમને અમુક રકમ નહીં આપો તો જોવા જેવી થશે!’

હવે `આ જોવા જેવી’ એટલે શું? એટલે એમ કે પૈસા ન મળે તો લોકો પોતાના લાખો ફોલોઅર્સમાં જે-તે ફિલ્મ કે ટીવી સિરીઝની અત્યંત નેગેટિવ વાતો ફેલાવશે. આમ થવાથી એ ફિલ્મ કે સિરીઝના પ્રચાર-પ્રસાર અને આર્થિક અપેક્ષા ઉપર ઘાત પડે છે. કેટલાંક પ્રોડ્યુસરો આ ધમકીને વશ થઇ જાય છે.

પરંતુ જે નથી થતાં એમની સાથે ખરેખર જોવા જેવી થાય છે. આથી કાઉન્સિલે એક જાહેર પત્ર દ્વારા આ ગંભીર વાતને જનતા સમક્ષ રજૂ કરી છે. કાઉન્સિલે ઉમેર્યું છે કે અમને અભિવ્યક્તિની આઝાદી પ્રત્યે કોઈ જ વાંધો નથી. વાંધો ફક્ત આ પ્રકારના બ્લેકમેલિંગ પ્રત્યે છે.

કટ એન્ડ ઓકે…
`ચાલબાઝની’ રિ-મેકમાં મુખ્ય ભૂમિકા માટે જાન્હવી કપૂર (શ્રીદેવીનો રોલ) સાથે મેકર્સની વાટાઘાટ જો સફળ થઈ તો પહેલી વાર કોઈ એક્ટર પોતાના માતા કે પિતાની ભૂમિકાને ફરીથી ભજવે એવી ઘટના બનશે.

આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..!: ‘પરમ અપમાનનો’ મલયાલી વિરોધ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button