સ્ટાર-યાર-કલાકારઃ ધ વિજય તેંડુલકર: નાટક-સિનેમાનો બિંદાસ-બેબાક તેજાબી અવાજ…

સંજય છેલ
નાટકનું કામ સમાજને સુવડાવવાનું નથી- જગાડવાનું છે…’
`સારૂં-ખરાબ, સાચું-ખોટું, જ્યારે તમે વસ્તુઓને આવા લેબલ આપો છો ત્યારે પૂર્ણ સત્યને જોવાની ક્ષમતા ગુમાવો છો. વસ્તુઓને લેબલ ન આપો. શબ્દોના શબ્દકોશ અર્થમાં ફસાઈ ના જાવ.’
`હું લોકોને ખુશ કરવા નથી લખતો, હું તેમને અસ્વસ્થ કરવા લખું છું.’
આવા તેજબી શબ્દોના લેખક વિજય તેંડુલકર ભારતીય સાહિત્ય, નાટક અને સિનેમાના અદ્વિતિય અને વિશાળ વ્યક્તિત્વ હતા સાથોસાથ સતત વિવાદાસ્પદ પણ ખરા.
1928માં મુંબઈના મિલ મજૂર ગિરગામમાં જન્મેલા તેંડુલકરજી માનતા કે હિંસા સમાજની બહાર નથી, સમાજની અંદર છે. માણસ જાહેરમાં હિંસાની નિંદા કરે છે, પણ અંદરથી એનો આનંદ પણ લે છે ને આવા વિચારો એમનાં લગભગ બધાં જ નાટકોમાં વ્યકત થતાં. શરૂઆતમાં ગૃહસ્થ' જેવા નાટકોની નિષ્ફળતા પછી એમણે લેખન છોડવાની પ્રતિજ્ઞા કરી, પણશ્રીમંત’ (1956) નાટક સાથે એને તોડી. `શ્રીમંત’ નાટકમાં એક કુંવારી યુવતી પિતાનો વિરોધ હોવા છતાં ગર્ભ રાખે છે.
નોબેલ વિજેતા ફ્રીડરિક ડ્યુરેનમેટના નાટક પરથી રચેલું નાટક શાંતતા! કોર્ટ ચાલુ આહે’માં એમણે એક સ્ત્રીને સમાજ કેવી રીતે ન્યાયના નામે દબાવે છે એની વાત માંડેલી જેનાથી ખરી સફળતા મળી.કન્યાદાન’માં જાતિવાદ ને કહેવાતી પ્રગતિશીલ વિચારધારાને ખુલ્લી પાડી. ઘરેલું હિંસાનું ચિત્ર ગિધાડે’ નાટકમાં દેખાડેલું. એક પરિવાર કેવી રીતે લાલચ, ઈર્ષા, વારસાની લડાઈ ને ઇમોશનલ અત્યાચારનું મોકળું મેદાન બની જાય છે.ગિધાડે’માં દેખીતી હિંસા નથી, પણ ગાળો અને ક્રૂરતા ધીમે ધીમે ઘરમાં ફેલાય છે.
તેંડુલકરજી કહેતા: `માણસ માણસને ખાય છે ને એ પણ બધું પરિવારના નામે.’ ફિલ્મસ્ટાર શર્મન જોષીના અભિનેતા નિર્દેશક પિતા અરવિંદ જોશીએ એને ગુજરાતીમાં ભજવેલું અને રૂપાંતર કોણે કરેલું ખબર છે? આપણાં તેજાબી લેખક ચંદ્રકાંત બક્ષીજીએ!
સખારામ બાઈન્ડર'(1970) નાટક પછી તેંડુલકર ખુલ્લેઆમ વિવાદમાં સપડાયા. એ નાટકમાં પુરુષ સત્તા અને સ્ત્રી શોષણનું જે નિર્લજ્જચિત્ર હતું, તેને અશ્લીલ ને અનૈતિક કહીને એને અટકાવામાં આવ્યું હતું ને મામલો છેક અદાલત સુધી પહોંચ્યો. ત્યારે વિજય તેંદૂલકરે કહેલું:જ્યારે સમાજ ડરે છે, ત્યારે પ્રતિબંધ આવે છે ને એ ડર જ લખાણની અસર કે સફળતા છે.’ આ નાટકને ટીવીસ્ટાર કૃત્તિકા દેસાઇના જાજરમાન અભિનેતા નિર્દેશક પિતા ગિરેશ દેસાઇએ ગુજરાતીમાં ભજવેલું.
સૌથી મોટો વિવાદ ઘાશીરામ કોટવાલ’ નાટકને લઈને થયો હતો. મરાઠી પેશ્વાઇ રાજાઓના ઇતિહાસના પાત્ર વિશેના નાટકમાં સત્તા, સેક્સ ને રાજકીય ભ્રષ્ટાચારની કથા હતી. પૂણેમાં નાટક રજૂ થયું ત્યારે ત્યાંના ચિત્તપાવન બ્રાહ્મણ સમાજમાંથી તીવ્ર વિરોધ થયો કે એમના સમાજને લોભી અને સત્તાલોભી તરીકે આ નાટક દર્શાવે છે. વિરોધ મુંબઈ પહોંચતાંશિવસેના’ના બાળ ઠાકરેએ એને મરાઠી અસ્મિતાનું અપમાન સમાન ગણાવ્યું હતું.
શો વખતે થિયેટરોમાં તોડફોડ થઈ ને કલાકારોને ધમકીઓ મળી. છતાં એ ભારતનું સૌથી લાંબા સમય સુધી અનેક ભાષામાં ચાલેલું નાટક બન્યું. એના 6,000થી વધારે શો થયા. `ઘાશીરામ કોટવાલ’ની નાટ્યમંડળી વિદેશ પ્રવાસે જવાની હતી ત્યારે ફરી રાજકીય દબાણ ઊભું થયું. ત્યારે શરદ પવારે મધ્યસ્થતા કરી ને પ્રવાસને અનુમતિ અપાવેલી!.
વિજયભાઉના `કમલા’ નાટક અને ફિલ્મે અલગ જ વિવાદ ઊભો કર્યો. વાસ્તવિક ઘટનાથી પ્રેરિત આ નાટકમાં એક પત્રકાર આદિવાસી સ્ત્રીને પૈસા વડે ખરીદીને સમાજ સામે રજૂ કરે છે. અહીં સ્ત્રી વેચનાર કરતાં વધુ ખતરનાક એ પુરૂષ હતો, જે ખુદને સુધારક ને સંવેદનશીલ માનતો હતો.! મોર્ડન વિચારવાળા લોકોના નૈતિક પાખંડને ઊઘાડો પાડેલો.
કમલા’ને ગુજરાતી દિગ્ગજ અભિનેતા-નિર્દેશક કાંતિ મડીયાએ ભજવેલું. તેંદુલકરનુંમિત્રાચી ગોષ્ટ’માં સમલૈંગિક સંબંધોની વાત હતી ત્યારે સમલૈંગિકતા વર્જિત હતી ને આ નાટકનો પણ વિરોધ થયેલો. તેંદૂલકરના ગુજરાતીમાં ભજવાયેલ ત્રણેય નાટકો ચાલ્યા નહોતા, કારણકે આપણાં પ્રેક્ષકોનો ટેસ્ટ મનોરંજનનો છે, આમ આદમીના આક્રોશનો નહીં.
તેંડુલકરે નાટકો ઉપરાંત કલાત્મક સિનેમાને પણ અવિસ્મરણિય દિશા આપી. શ્યામ બેનેગલ કે ગોવિંદ નિહલાની જેવા નિર્દેશકોની નિશાંત’,આક્રોશ’ ને અર્ધ સત્ય’ જેવી ફિલ્મોમાં પોલીસ, સત્તા અને સિસ્ટમની નિષ્ઠુરતા રજૂ કરી. ઓમ પુરીના અભિનયવાળીઅર્ધસત્ય’માં એક પોલીસ અધિકારીનો અંગત સંઘર્ષ ને નૈતિક સંઘર્ષ વત્તા રાજકારણ, હિંસા… એ બધું એવું જબરદસ્ત હતું કે અર્ધસત્ય’એ અમિતાભ બચ્ચન અને મનમોહન દેસાઇની સુપરહિટકૂલી’ ફિલ્મને બોક્સ-ઓફિસ પર ટક્કર આપેલી.
મરાઠી સિનેમામાં સામના'(1975)એ મહારાષ્ટ્રના સાકર કારખાનઓના રાજકારણને ખુલ્લું કર્યું.સિંહાસન'(1979)એ મહારાષ્ટ્રના રાજકીય અંધારાને ઉજાગર કર્યો. નવાઇની વાત એ છે કે રાજકારણી વિરોધી નાટકોને બનાવવામાં શરદ પવારે એમના મિત્ર નિર્દેશક જબ્બાર પટેલને મદદ પણ કરી! એ જ જબ્બારની સ્મિતા પાટીલ અભિનીત, ઉંબરઠા'(1981)માં મહિલા કાર્યકર્તાઓની કારમી વાસ્તવિકતા ઉજાગર કરી. ગુજરાતી નિર્દેશક કેતન મહેતા ને અદ્ભુત અભિનેતા પરેશ રાવલ દ્વારા અભિનીત યાદગાર ફિલ્મસરદાર’ (1993) લખી.
નાટકો અને પટકથાઓ ઉપરાંત `કાદમ્બરી’ 1 અને 2 જેવી નવલકથા પણ એમણે છેલ્લે 2005માં લખી. કુલ 9 નવલકથા અને 5 નાટકો અનુવાદિત કર્યા, બે જીવનચરિત્રો લખ્યાં (મહાત્મા ગાંધી પર આઠ ખંડ).
સરકાર અને સમાજ વિરોધી આટલા વિવાદો છતાં તેંડુલકરને સંગીત નાટક અકાદમી પુરસ્કાર, પદ્મભૂષણ, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને મહારાષ્ટ્ર રાજ્યના જેવા અનેક સાહિત્ય પુરસ્કારો મળ્યા. ગુજરાતની અમૂલ ડેરી વિશેની મંથન' ફિલ્મ માટેશ્રેષ્ઠ પટકથા’નો રાષ્ટ્રીય ફિલ્મ અને આક્રોશ' નેઅર્ધ સત્ય’ માટે ફિલ્મફેર એવાર્ડઝ મળેલા, પણ તેંડુલકર પુરસ્કારોની ક્ષુલ્લકતા વિશે કહેતા: `પુરસ્કાર લેખકને શાંતિ આપી શકે, પરંતુ લેખનને સત્ય નથી બનાવી શકતા.’
ગુજરાતમાં 2002ના ગોધરા પ્રકરણ પછી જાહેર કાર્યક્રમમાં તેંડુલકરે ગુસ્સામાં કહ્યું કે જો તેના હાથમાં પિસ્તોલ હોત તો તે નરેન્દ્ર મોદીને ગોળી મારી દેત!’ આનાથી દેશભરમાં ભારે વિવાદ જાગ્યો ને લોકોએ આ વાતનેહિંસા ઉશ્કેરનાર’ ગણાવ્યો. એ પછી તેંડુલકરે સ્વીકાર્યું કે એ શબ્દો ક્ષણિક ગુસ્સામાં નીકળ્યા હતા.
19 મે, 2008, પુણેમાં માયસ્થેનિયા ગ્રેવિસથી એમનું અવસાન થયું. જ્યારે પણ સત્તા પ્રશ્નોથી ડરે છે ને કલા પાસેથી મૌનની અપેક્ષા રખાય છે ત્યારે તેંડુલકર યાદ આવે છે. એમણે સાબિત કર્યું કે કલા જો ડરી જાય તો સમાજ આંધળો બની જાય.
એક આડવાત, મને પોતાને વિજયભાઉએ જ હિંદીમાં લેખન કરવા રીતસર આદેશ આપેલો ને કહેલું: `મારા જેવો એક 11મું પાસ વિજય તેંડુલકર મોટો લેખક બની શકે તો તું કેમ નહીં?!’ ને એ હિમ્મત આપતા શબ્દોથી મારા જીવનલેખનની દિશા બદલાઇ ગઇ. હમણાં 6 જાન્યુઆરીએ ધ ગ્રેટ વિજય તેંડુલકરનો જન્મ દિવસ ગયો. સલામ બેજોડ બેબાક બિંદાસ એવા એ લેખકને…



