કાચું મકાન-કાચું ભોજન ચાલે, પણ કાચા કાન ન ચાલે …

અરવિંદ વેકરિયા
મુકેશ રાવલનો જવાબ જલદી આવે એની હું રાહ જોઈ રહ્યો હતો. શેખર શુકલ મને ફોન કરી પૂછ્યાં કરતો શું થશે આપણા નાટકનું?. એનાં પૂછવાનું કારણ હું સમજી શકું એમ હતો. એનાં અને અમિતા રાજડાના કામની પ્રશંસા થતી હતી, ખુશામત તો ખુદાને પણ પ્યારી હોય… હસતાં-હસતાં આંખોનાં ખૂણા ભીનાં કરી દેતો શેખર શુકલ-અમિતા રાજડાનો અભિનય ખરેખર સરસ હતો. જેના ભરોસે હતાં એ તુષારભાઈની જાણ, સારી કે ‘ખરાબ’, અઠવાડિયા પછી જ થવાની હતી. જીવાય ગયેલ ક્ષણ યાદ બનીને અનુભવાય ત્યારે જ વ્યક્તિનું મૂલ્ય સમજાય. ક્યારેક મનમાં થઈ આવતું કે અર્થ વિનાનું કઈ જ ન રાખવું: ન વસ્તુ, ન વ્યક્તિ, ન વિચાર…
હજુ મારો અંતરાત્મા તુષારભાઈ માટે સકારાત્મક વિચાર છૂટતો નહોતો. ક્યારેક કલાકારોને જવાબ આપવો અઘરો થઈ પડતો કારણ અઠવાડિયું કાઢવાનું હતું કલાકારો શંકાશીલ બનવા લાગ્યાં હતાં. જાણે સૂરજે ડૂબીને મને એકલો કરી દીધો, જાણે મારો પડછાયો અલગ થઈ ગયો, મારાં પોતાનાની જેમ. આવા બધાં ઉટપટાંગ વિચારોથી ઘેરાયેલો હતો ત્યાં વિજય રાવલનો ફોન આવ્યો, મેં મૂકેલ શરતો મુકેશ રાવલે સ્વીકારી છે એમ કહ્યું. સાથે કોઈ પણ જાતનાં ‘કાગળિયા’ ન કરવા એમ કહ્યું.
મુકેશ ઈચ્છતો હતો કે તુષારભાઈ ‘બહાર’ આવે ત્યાં સુધી નાટક ચાલુ રહે અને કોઈ ગેપ ન આવે. સોરી ટુ સે, ગુજરાતી પ્રેક્ષક જો રેગ્યુલર એડ. અખબારમાં ન આવે તો માની લે છે કે કદાચ નાટક બરાબર ‘ગયું’ નથી એટલે બંધ કરી દીધું લાગે છે. જો ગેપ આવી ગયો તો પછી નાટક ફરી ‘ઉપાડવું’ મુશ્કેલ બને.
આમ નાનકડો તખ્તો ગોઠવાય ગયો. ધરપત થઈ ગઈ કે હવે ગેપ નહીં પડે. થિયેટરની તારીખની વ્યવસ્થા આગળ માટે કરવાની હતી. વિજય રાવલ સાથે હોય પછી એ ચિંતા અસ્થાને હતી. હા, તુષારભાઈ અઠવાડિયામાં જ ‘બહાર’ આવી ગયાં તો પછી?
જો કે શક્યતા ઓછી દેખાતી હતી. આ બાબત એના સાળા સાથે વાત કરેલી ત્યારે એનાં અવાજમાં એવું જણાયેલું. એક વાક્ય યાદ રાખતો કે જીતવાથી પહેલાં ‘જીત’ અને હારવાથી પહેલાં ‘હાર’ ક્યારેય ન માનવી.
મુકેશનાં ફોન વારંવાર આવતાં થઈ ગયાં. એ તો ‘રાતનો રાજા’ હતો. ક્યારેક વહેલી સવારે 4.30/5 વાગે એનો ફોન આવી જતો.
નાટક બાબત સલાહ-સૂચન કરતો. એ અનુભવી હતો પણ આવા સમયે આવતો ફોન ડર અને શંકા-કુશંકા જગાવતો. મેં મુકેશને કહ્યું, ‘આવા સમયે ફોન કરવાનું ટાળજે. આવી સલાહ બીજે દિવસે પણ આપી શકાય. નાટક કન્ટિન્યુ રાખવા મારે થોડું સોબર થવું પડ્યું. એના થકી જ નાટકનાં ગેપને ટાળી શકાય એમ હતો. મારે માટે સમય વિચિત્ર હતો. કલાકારોને સાચવવા અને નાટકનાં મળેલ ‘ચાલક’ને પણ પકડી રાખવાનો હતો. ભગવાન મોંઘી ઘડી (ઘડિયાળ) બધાને આપે પણ મુશ્કેલ ઘડી કોઈને ન દે.
અમે કોઈ કાગળિયા નહોતા કર્યા પણ ‘મોરલી’ બંધાય ચૂક્યાં હતાં. બાકી રહેલ ત્રણ સોલ્ડ-આઉટ શોનો વ્યવહાર પણ મુકેશને સુપ્રત કરી દીધો. દીપક સોમૈયાની બાકી રહેલ રકમ બાબત પણ વાત થઈ ગઈ.
મુકેશ અને વિજય રાવલે આગળનું માળખું ગોઠવી લીધું. વિજયે પણ ઘણાં નાટકોનાં નિર્માણ કરેલાં એટલે અનુભવહસ્ત ‘જણ’ હતો. અઠવાડિયું તો ‘આમ’ પૂરું થઈ ગયું. તુષારભાઈનાં સાળાનો કોઈ ફોન ન આવ્યો. મેં ફોન કર્યો તો જાણવા મળ્યું કે હજી નક્કી નથી. નાટક ન અટકે એટલે મેં કરેલ વ્યવસ્થાની વાત કરી દીધી અને સાથે ઉમેર્યું કે તમને કે મીના ભાભીને (તુષારભાઈનાં વાઈફ) મળવાની છૂટ હોય તો તુષારભાઈને કાને આ વાત નાખી મને જણાવી દેજો. નાટ્ય ‘દુનિયાના હિતેચ્છુ’ માટે ચેતવી દીધા કે, ‘નાટક માટે, મારાં માટે લોકો બોલે તો આંખ આડાં કાન કરજો. કાચું મકાન ચાલે, કાચું ભોજન ચાલે પણ કાચા કાન ન ચાલે એ યાદ રાખજો. જોઈતો ખુલાસો મને ફોન કરી મેળવી લેજો.’
નાટક આગળ ચલાવવાની ‘હંગામી’ વ્યવસ્થા શરૂ થઈ ગઈ. કલાકારોનું પેમેન્ટ અને બીજા ખર્ચાની વિગત વિજયને આપી દીધી. ખબર નહીં, પણ નાટક માટે થિયેટરની તારીખો લેવામાં થોડી મુશ્કેલી પડવા લાગી, પણ વિજય રાવલ તો પથ્થરમાંથી પણ પાણી કાઢે એવો બળુકો એટલે બહુ વાંધો નહોતો આવતો.
આ તરફ પ્રયોગો થતાં રહ્યાં. તુષારભાઈનું ‘રહસ્ય’ છેવટ સુધી ‘રહસ્ય’ જ રહ્યું. થોડા શો પછી ‘કલેક્શન’ ક્યારેક ઓછું આવતું તો ક્યારેક તો બે ‘ટાંટિયા’ ભેગા કરવામાં મુશ્કેલી આવવા લાગી. જો કે શક્ય છે એ માટે બીજાં કારણો પણ હોઈ શકે એની પૂરી શક્યતા હતી.
એ વખતે માત્ર દૂરદર્શન ચેનલ હતી. ત્યારે દરેક રવિવારે ફિલ્મ બતાવવામાં આવતી. એની અસર બધાં નાટકોના કલેક્શન ઉપર પડતી. મને યાદ છે અમારા નાટકનો શો ભાઈદાસ-પાર્લા માં હતો. એ દિવસે દૂરદર્શન પર અનુપમ ખેરની ‘સારાંશ’ હતી. ત્યારે બુકિંગ ઉપર કાગડાં ઊડતાં હતાં. નાટકની માઉથ પબ્લિસિટીને કારણે 50 ટકા થી 55 ટકા પ્રેક્ષકો આવ્યા એ ગનીમત.
મુકેશ જો બીજા નાટકમાં વ્યસ્ત ન હોય તો ‘મળે સૂર…’નાં શોમાં આવી જતો. મુકેશનો ભાઈ દેવેશ અને એમનાં પત્ની અને વિજય રાવલ આવી જતાં. નાટકનું બધું કામ એવું સુપેરે સાંભળી લેતો કે અમને અણસાર પણ ન આવવા દેતો.
મેં બની શકે એટલી કલાકારો વચ્ચે હાર્મની ટકાવી રાખી. જો કે એક સાંધો એટલે સાંધો જ રહેવાનો. કઇક ખૂટતું હોય એવું લાગ્યા કરતું. પહેલાં તો માહોલ અલગ રહેતો અને પ્રેમભર્યું વાતાવરણ પણ રહેતું. હવે કલાકારો શો કરતાં પણ ખબર નહીં પહેલાં જેવો ‘ભાવ’ નહોતો દેખાતો. કહે છે કે સ્વેટર વેંચાતું મળી શકે પણ હૂંફ નહીં. અહીંયા અસલી હૂંફ ક્યાંક ગુમ થઈ ગઈ હતી.
કંકોતરીમાં જો તમારું ધ્યાન સીધું જમણવારનાં સમય, તારીખ અને વાર ઉપર જાય તો માનજો કે તમારી અને મહાભારતનાં અર્જુનની આંખમાં બહુ જાજો ફરક નથી.



