સમય બદલવાનું શીખવે… અટકવાનું નહીં!

અરવિંદ વેકરિયા
હવે અમારી નૈરોબી નાટ્ય પ્રવાસની કથા આગળ વધારીએ.. અમે બધા ક્લાકારો લોહાણા વાડી’માં પહોંચ્યા કે સિદ્ધાર્થે કહી દીધું, ‘મારા કલાકારો અહીં નહીં રહે’. એ સાચો પણ હતો. ત્યાં લોખંડના પટ્ટીવાળા પલંગો લાઈન સર ગોઠવેલા હતા. કપડા-સામાન રાખવા માટે બે-ચાર કબાટ પણ હતા. અમે ગુજરાત-સૌરાષ્ટ્રની ટુર કરતાં ત્યારે હોટલની રૂમ અને ટુ-પર્સન શેરીંગમાં રહેતી. અહીં તો…? એ જોતાં સિદ્ધાર્થનો વિરોધ યોગ્ય પણ હતો.
આમ તો ‘યુનિટ’નું અ‘ટીમવર્ક’ બનેલું હોય, પણ સૌના જાગવાના કે રાત્રે ઊંઘવાના સમય અલગ જ હોવાના. બે વ્યકિત એક રૂમમાં રહે તો ‘પ્રાઈવસી’ પણ જળવાય રહે. એકાંત અને એકલતા બંને અલગ અનુભવ હોય છે. એકાંત એ પોતાની પસંદગી છે, એકલતા એ સ્વજનોએ આપેલો ઉપહાર. કલાકારોને આવી પળ આવતી હોય કારણ કે એ ‘કલાકાર’ હોય છે.
સિદ્ધાર્થની વાત ઉપર સ્પોન્સર રાજાણી જરા પણ ગુસ્સે ન થયા કે એમણે ફાળવેલી જગ્યા માટે ફરિયાદ મનાવવાનો પ્રયત્ન પણ ન કર્યો. એમણે સીધું પૂછ્યું, ‘તમારાં ધ્યાનમાં હોય તો તમે સજેસ્ટ કરો’. સિદ્ધાર્થ -જતીન પહેલાં નૈરોબી આવી ગયા હશે એટલે સિદ્ધાર્થે તરત કહ્યું કે અહીં ‘અજી-હાઉસ’ છે, છે તો ગેસ્ટ-હાઉસ પણ હોટલથી કમ નથી. ત્યાં બધાને ફાવશે અને પ્રાયવસી પણ જળવાશે’
રાજાણીએ હકારાત્મક અભિગમ બતાવતાં કહ્યું,’ અડધો કલાક આપો, ત્યાં ફિક્ષ કરી આપું છું. ‘યોગ કરો કે ન કરો પણ જરૂર પડે એકબીજાને સહયોગ જરૂર કરજો ’એ વાતનો અમલ રાજાણીએ કોઈ પણ દલીલમાં ઉતર્યા વગર કર્યો. અડધાકલાકમાં તો જેમ લોહાણા વાડીમાં આવેલાં એ જ રીતે કારમાં અજી-હાઉસ પહોંચ્યાં. સુંદર આવાસ, ચોખ્ખાઈ પણ સ-રસ. રૂમમાં બેને બદલે અમે ત્રણ, હું-સનત-સચ્ચું એક રૂમમાં, રસિક-કેતકીની રૂમ, રાજેન્દ્ર સાવલા-જસ્મીન સાવલા અને સિદ્ધાર્થ-જતીન માટે એક-એક રૂમ. રજની શાંતારામ એકલા એમને એક રૂમ. સરસ વહેંચણી થઈ ગઈ.
અજી-હાઉસમાં સવારે વેજ. બ્રેકફાસ્ટ, બપોરે મજાનું લંચ અને સાંજે ચા-નાસ્તો પણ અદભુત. રાત્રે લગભગ શો પછી રાજાણી એન્ડ ગ્રુપ વતી અલગ- અલગ જગ્યાએ ડિનર. ત્યાં ‘થિયેટર ઓફ કેનિયા’ નામક સુંદર ઓડિટોરિયમ, જ્યાં અમારે નાટકો પરફોર્મ કરવાનાં હતાં. સાંભળ્યાં મુજબ હાલ એ થિયેટર અસ્તિત્વમાં નથી, કદાચ હું ખોટો પણ હોઈ શકું.
અજી-હાઉસથી થોડું ચાલીને જાવ એટલે ત્યાની માર્કેટ આવી જાય. જ્યાં બધું મળતું. ખાસ તો ઘરે એસ.ટી.ડી./ફોન કરવા અહીં જ આવવું પડે. અમે અહીં આવવા નીકળવાના હતા ત્યારે કોઈએ કહેલું કે તમે ‘બાબા-તંબાકુ’નાં ડબ્બા અને સોપારી લઈ જજો. ત્યાં ત્રણ ગણા ભાવમાં વેંચી શકશો.
સનત-સચ્ચુએ કાઈ લીધું નહોતું પણ મેં તંબાકુનાં બે ડબ્બા અને બે કિલો સોપારી ભેગાં લીધેલાં. ત્યાં શિલિંગની કરન્સી માટે શોની નાઈટ સામે એડવાન્સ લઈ શકાય, પણ આવ્યાને તરત માગવા? વિચાર્યું કે માર્કેટ નજીક છે તો ત્યાં જઈ લાવેલ વસ્તુ વેંચી શકાય. ત્યાં બધાને બ્લેક-નીગ્રોની બીક બહુ લાગે, હજી પણ લાગે છે.
હું, સનત, સચ્ચું અને રસિક દવે ચાલતાં માર્કેટ પહોંચ્યા. ત્યારે હું 120 તંબાકુનાં માવા ખાતો. અમે પાન-માવા મળતા હતા એ શોપ પર પહોંચ્યા.મેં કેવો માવો જોઈએ છે એ ઈંગ્લિશમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ અમને ઓળખી ગયો કે અમે ગુજરાતી છીએ એટલે પ્યોર કાઠયાવાડી ભાષામાં કહેવા લાગ્યો,’તમારે હોપારી હાર્યે 120 અને લવલીવાળો માવો જોઈએ શ ને?’ સિદ્દીભાઈને સીદકા વ્હાલા..એવું સાંભળેલું. આ ભાઈ જામનગરનાં સિદ્દીભાઈ હતા.
માવો ખૂબ બધો આવ્યો, ભાવ હતો 10 શિલિંગ. એમાંથી રસિકે પણ લીધો. પછી મારી લાવેલ વસ્તુ માટે પૂછ્યું તો એણે તરત’હા’ પાડી અને 160 શિલિંગ હાથમાં આપ્યાં. પછી તો હું રોજ 10 શિલિંગનો માવો ખાતો થઈ ગયો. રસિક અને સિદ્ધર્થ એમાંથી હાથ મારતા!
નવાઈ એ વાતની લાગતી કે મેં તો તંબાકુ-સોપારી વેંચીને શિલિંગ લઈ લીધા પછી એ સિદ્દીભાઈ મારી જ તંબાકુ અને સોપારી મિક્ષ કરી મને આપી 10 શિલિંગ લઈ લેતો. મને થતું કે વેંચવાને બદલે એને મારી પાસે રાખી હું જ બનાવતો રહેત તો કેટલા પૈસા બચી જાત! જોકે, શિલિંગની જરૂર હતી અને એડવાન્સ લેવા નહોતાં.
સમયની નાડ પારખવાની કારણકે સમય બદલવાનું શીખવે, અટકવાનું નહીં એટલે કરન્સી મેળવવાનું પારખી અટક્યાં વગર વસ્તુ વેંચી રોકડા કરી લીધા. બાપુએ નવી કાર લીધી. પાછળ બોર્ડ માર્યું. ‘ડ્રાઈવિંગ શીખે છે, તમારું વાહન 10 ફૂટ દૂર રાખો.’ કાર શીખી લીધાં પછી આગળ બોર્ડ માર્યું, ‘આઘા રહેજો, હવે આવડી ગઈ છે!’
આ પણ વાંચો…સાત્વિકમ શિવમ: શ્રદ્ધા એક્સપાયર થાય તો અંધશ્રદ્ધા વિશ્વાસ અપ-ગ્રેડ થાય તો આત્મવિશ્વાસ બને…