સાત્વિકમ્ શિવમ્- તમારી હાજરીમાં મીઠું’ બોલે ને એ જ ગેરહાજરીમાં મીઠું’ ભભરાવે…!

- અરવિંદ વેકરિયા
નૈરોબીની ચારેબાજુ પથરાયેલ લીલોતરી મનને પ્રસન્નતાથી ભરી દેતી. આવી લીલોતરી મેં કેરાલામાં પણ જોઈ હતી. કુદરતે દોથા ભરી-ભરીને જાણે ભૂમિને લીલીછમ બનાવી દીધી ન હોય.! આવી હરિયાળી વચ્ચે ત્રિપુટીને વિદેશી સફર માણવાનો આનંદ અનેરો હતો. અમારાં ત્રણનાં ગણતરીનાં એવાં સંબંધ હતાં, જેમાં કોઈ ગણતરી નહોતી અને એટલે જ મજા આવતી હતી.
અમારાં બધાં જ શો થિયેટર ઓફ કેનિયા’માં જ હતાં. બાબુલ ભાવસારનાનાથ થિયેટર’નાં નેજા હેઠળ અમે, હું, અલીરઝા નામદાર, હેમંત ઝા, દિલીપ દરબાર,પલ્લવી પ્રધાન અને હાલમાં સિદ્ધાર્થ સાથે જોડી જમાવી છે તે તેજલ વ્યાસ વગેરે… ટૂર કરેલી અને એ વખતે ઓસવાલ થિયેટર, જે સ્કુલનો એક ભાગ હતું ત્યાં મંચન કરેલું.
સનતે હમણાં યાદ દેવરાવ્યું કે તને કપડાં ધોવાં માટે હેરાન તો કરેલો પણ એકવાર કપડાં ધોયાં પછી એ બહાર સૂકવેલાં અને ઓચિંતો વરસાદ આવતાં તારા કપડાં સાથે અમારાં કપડાં જલ્દી-જલ્દી લઇ આવવા તને જ કહેલું. સાચું કહું, મને જરા પણ ખોટું નહોતું લાગ્યું. બધું ભૂલી જવા જેવી વાત ભૂલી જવાની અમારી ત્રણેયની આદત.
કદાચ એટલે જ અમારી વચ્ચે મીઠાશ આજે પણ અકબંધ રહી છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. સિદ્ધાર્થની વેપારી કુનેહને દાદ આપવી પડે. હું ચંદ્રકાંત શાહ, જે નાઝ કંપાઉંડમાંથીચિત્રપટ’ નામનું સામયિક પ્રગટ કરતા. એમણે મારા નાટક જીવન ચોપાટની વી.એચ.એસ.બનાવેલી, જે મેં સાથે લીધેલી. રાજાણી સાથે પરિચય તો થયો જ હતો.
એમણે મારી અન્ય પ્રવૃત્તિ વિષે પૂછ્યું તો મેં કહ્યું, `મેં છેલ્લે જે નાટક કરેલું એની કેસેટ તમને આપીશ.’
આ વાત સિદ્ધાર્થે સાંભળી. મને સાઈડમાં બોલાવી કહ્યું, દાદુ, આવી રીતે ડાયરેક્ટ કોન્ટેક્ટ નહીં કરવાનો’. મને નવાઈ એટલે લાગી કે મારે કોઈ મારાં નાટકવેચવા’ નહોતા. હું ભૂલી ગયો કે સિદ્ધાર્થનાં સ્પોન્સર સાથે મારે ટૂર ચાલુ હોય ત્યારે `ડીલ’ ન જ કરાય, જે મારે કરવી જ નહોતી, પણ સિદ્ધાર્થનાં ચકોર કાને ધંધાદારી સમજ સાથે સાંભળી મને કહ્યું. એટલે જ આજે એ દરેક ક્ષેત્રે ખમતીધર છે. એ વાતનું મને ખોટું પણ નહોતું લાગ્યું.
આવી બધી નાની-મોટી વાતો થતી રહેતી. હા, ઝઘડા નહોતાં. ત્યાં એક લલિત પટેલ કરીને રાજાણીનાં મિત્ર હતા. એ દિવસે શો નહોતો એટલે લલીતભાઈને ત્યાં ચા-પાણીનો પ્રોગ્રામ રાખેલો. અમે ત્યાં પહોંચ્યાં. રાજાના મહેલને શરમાવે એવું ઘર હતું.
લલિતભાઈ પણ ઉત્સાહી. આખું ઘર અમને બતાવ્યું. એમનાં બાથરૂમના બધાં નળ અને શાવર, બધું સોનાનું. ત્યાં ડ્રીન્કસ પણ રાખેલું. સિદ્ધાર્થે કહ્યું, લલિતભાઈ કહે એટલે બધાં તરત શરૂ ન થઈ જતાં. મને ફોલો કરજો. મને લાગશે ત્યારે હું ગ્લાસ ઉપાડીશ પછી તમે શરૂ કરજો.’ આ ડિસિપ્લીનની વાત હતી.
આની સામે અમારીટીચર્સ વ્હિસ્કી’ તો મોટા હાથી સામે નાનકડું જીવડું લાગે. જાત-જાતની વ્હિસ્કી- બિયર ત્યાં ખડકેલાં હતાં. સિદ્ધાર્થની વાત સાચી હતી. કલાકારોની ઈમેજ સચવાવી જોઈએ. એમનું વર્તન છેલ્લી પાટલીએ બેસી જઈએ એવું ન હોવું જોઈએ. આ વાતનું ધ્યાન રહે એ માટે આ ટકોર હતી. સામે પહાડ નહીં, પરંતુ પગરખામાં રહી ગયેલ કાંકરી જ સફરમાં અવરોધ ઉભો કરે છે.
પાર્ટી પૂરી કરી બધાં અજી-હાઉસમાં પાછા ફર્યા. ખબર નહીં પણ એવું લાગતું હતું કે `મસાઈમારા’ જવાનું જાણે મુલત્વી રખાતું ન હોય. જતીન, રસિક અને સિદ્ધાર્થ બધાં આ પહેલાં આવી ગયાં હતાં એટલે કદાચ બધું જોયું પણ હોય. જયારે અમારી ત્રિપુટી તો જેટલું જોવાય એ જોઈ લેવા આવેલાં.
મસાઈમારા તો આવતાં પહેલાં નક્કી થયેલું પણ જાણે બીજા કોઈને યાદ જ નહોતું. અમે કલ્પનાનાં ઘોડા દોડાવતાં કે મસાઈમારાનો જે ખર્ચ આવવાનો હશે એની રોકડી તો નહીં કરતાં હોય? આવી વાતો અંદરોઅંદર થયાં કરતી. તમારી હાજરીમાં મીઠું બોલનારા ઘણાં લોકો તમારી ગેરહાજરીમાં મીઠું ભભરાવતાં હોય છે.
ખેર! મસાઈમારાની વાત આગળ આવશે. હું જે બે નાટકોમાં હતો એનાં શો વધતાં જતાં હતાં. હું રાજી થતો. શોની નાઈટ ગણતો અને પોરસાતો રહેતો.
એક દિવસ સવારનો શો હતો. મેં અને સનત-સચ્ચુએ મુંબઈની કોઈ વાનગી ખાવાનું નક્કી કર્યું. એ બહાને અહીનું હોટલ-દર્શન’ પણ થઈ જાય. વાત કરી તો રાજાણીએ કારની વ્યવસ્થા કરી આપી. અમે ત્યાની કોઈ પંજાબી હોટલમાં લઇ જવા ડ્રાયવરને કહ્યું.
એ હોટલની બહાર અંગ્રેજીમાં વાનગીઓનું બોર્ડ હતું. અમારી નજર છોલે-ભટુરે પર પડી અને એ ખાવાનું નક્કી કર્યું. થોડા શિલિંગવસ્તુ’ વેંચીને મેળવેલા તો અમુક એડવાન્સ પણ લીધેલાં એટલે ખીસ્સા વજનદાર હતા. 1990માં ત્યાં છોલે-ભટુરેનો ભાવ પ્લેટના 45 શિલિંગ હતો… ત્રણ વચ્ચે અમે બે પ્લેટ મગાવી.
એ છોલે-ભટુરે આવ્યાં ત્યારે અમે ખૂબ હસ્યાં. એક બાઉલમાં છોલે હતાં જેમાં વટાણા સાવ તળિયે અને ઉપર નર્યું પાણી. ભટુરે પાણીપુરીની પૂરી કરતાં સ્હેજ મોટા. પુરીમાં કાણું પાડી એમાં બાઉલનું પાણી ભરી રીતસર પાણીપુરીની જેમ ખાધાં અને પછી ચમચીથી વટાણા. ખાતાં રહ્યાં અને હસતાં રહ્યાં.
અહીં કદાચ આવું જ ચાલતું હશે. બધું શીખી લેવું એ જ્ઞાન નથી પણ ઘણું નજરઅંદાજ કરવું એ પણ જ્ઞાન છે. અમે આખી વાત નજરઅંદાજ કરી બીલ ચૂકવી દીધું. જતા જતાં વેઈટરને કહ્યું. ક્વાહેરી.
(એટલે `આવજો’. ત્યાં સ્વાહિલી ભાષા બોલાય. થોડા વધુ શબ્દો આગળ જણાવીશ.)
ડબ્બલ રિચાર્જ
રવિવારના ખોટાં ખર્ચાથી મુક્તિ મેળવવાં દર શનિવારે તમારી પત્ની સાથે ઝઘડો કરો અને સોમવારે સમાધાન…
આ પણ વાંચો…સાત્વિકમ્ શિવમ્ : માફી ભૂલ કરનારને મળે… ચાલાકી કરવાવાળાને નહીં…