લક્ષ વગરની દોડ એ ગતિ ને લક્ષ સાથેની દોડ એ પ્રગતિ!

અરવિંદ વેકરિયા
તારકનાથ ગાંધીએ જ્ઞાનની ગોળી ખવડાવી. ‘તમારી વાત હું યાદ રાખીશ’ કહીને હું ગુજરાતી દૈનિકનાં બીજા તંત્રીને મળવા નીકળી ગયો, જે રાજકીય વગ પણ ધરાવતાં હતાં. થાકી ગયો હતો આ બધી દોડધામથી. લક્ષ હતું પ્રમાણપત્ર. એ મળશે કે નહી એની કોઈ ગેરંટી નહોતી છતાં દોડતો રહેતો હતો. લક્ષ વગરની દોડ એ ગતિ છે અને લક્ષ સાથેની દોડ એ પ્રગતિ….. મારું લક્ષ નક્કી હતું પણ ‘પ્રગતિ’ દેખાતી નહોતી. જેને મળ્યો એ બધાએ મીઠું-મીઠું બોલી બીજા તરફ અંગુલીનિર્દેશ કરી મને ‘ખો’ જ આપી.
મીઠું બોલીને અંધારામાં રાખવા કરતાં સાચું કહી દેવું સારું, પણ એક તો રંગભૂમિમાં ઘણાં ‘હિપોક્રેટ’ છે, એમાં આ બધા પણ મને સ્પષ્ટવક્તા મળ્યાં નહીં. હવે હોટલની બાજુમાં આવેલ દૈનિક અખબારનાં પ્રેસમાં પહોંચતા વાર ન લાગે એ સહજ હતું. હું પહોંચી ગયો. તરત મને એમની કેબિનમાં બોલાવ્યો. એ પણ ‘મા.મા.લ.પા.’ જોઈ આવેલા એટલે અભિનંદન આપ્યાં, એ પણ ઉમળકાથી. એ ઉમળકાએ મારી અપેક્ષા વધારી દીધી. મેં અત:થી ઇતિ સુધીની બધી વાતો કરી. બકુલ ત્રિપાઠી અને રજનીકુમાર પંડ્યા સાથેનાં સંબંધ સાથે જોસેફ મેકવાને કહેલ બધી વાતો માંડીને એમને કરી. એમણે રસપૂર્વક બધી વાત સાંભળી. મારી આશા બળવત્તર બની. હું ભૂલી ગયો કે ગૌતમ બુદ્ધે કહ્યું છે કે ભૂતકાળ પર ધ્યાન કેન્દ્રિત ન કરો, ભવિષ્યના સપના ન જુઓ, માત્ર વર્તમાન પર ધ્યાન રાખો… મારી વર્તમાન પળ આ તંત્રી સુધારે એવી મનમાં પ્રાર્થના કરતો રહ્યો. એમણે વિચારવામાં ઘણો સમય લીધો, કદાચ મને ચટપટી હતી એટલે એવું લાગ્યું હોય !
‘એ તંત્રીએ તમને ચોખ્ખી ના જ પાડી દીધી?’ એમણે પૂછ્યું.
‘જી. એમણે કહ્યું કે અરુચિકર વાત સમાજ સામે રજૂ ન કરી શકાય એ જવાબદારી અમને સોંપાય છે તો અમે એનું ઉલ્લંઘન ન કરી શકીએ’ મેં કહ્યું.
‘એમની આખી ટીમે નાટક જોયું પછી આ નિર્ણય લીધો ને? એમણે પૂછયું.
‘હા, સેન્સર કરવા માટે નાટક જોવું તો પડેને? એમણે કહ્યું પણ ખરું કે અમારી આખી ટીમ ખડખડાટ હસી હતી’ મેં કહ્યું.
‘થોડા કટ્સ કરી એ પરમિશન આપી શકે.’ એમણે કહ્યું.
‘એમનું કહેવું હતું કે કટ્સ કરવા જઈએ તો અડધું નાટક કપાય જાય…!’
એમણે એમનાં ટેબલનાં ખાનામાંથી એક ફોટો કાઢી મારી સામે મુક્યો. ફોટો જોઇને હું સ્તબ્ધ થઈ ગયો. ફોટામાં હું જે પહેલા તંત્રીને મળેલો એ ‘80’નાં વર્ષની એક લોકપ્રિય અભિનેત્રીને ‘કીસ’ કરી રહ્યાં હતાં.
‘આ…આ એ જ.. જે પોતે આવું કરે છે અને તમને પ્રમાણપત્ર આપવામાં સમાજને નામે ઠાગાઠૈયા કરે છે, આવા બેવડા ધોરણ કેમ ચાલે?’ તંત્રીજીએ મને પૂછયું.
‘બરાબર…પણ આ એમની અંગત બાબત છે.’ મેં કહ્યું.
‘એ અંગત વાત જાહેર કરવાની છે…’ એમણે કહ્યું. હું કઈ સમજ્યો નહીં. એમણે વાત આગળ ચલાવી:
‘તમે મને એક કાગળ ઉપર લખી આપો કે ‘તમે કટ્સ ફોલો કરવા છતાં પ્રમાણપત્રમાં શો વધારી નથી આપતાં? નિર્માતાના પૈસા અને કલાકારોની મહેનત લાગી છે. અરુચિકર ભાગ કાઢી નાખવા છતાં દલીલ એવી કરે છે કે અડધું નાટક કપાય છે. આ અન્યાય છે. કલાને માત્ર એક આંખે જોઇને નિર્ણય લેવાય છે’ તમારા આ લખાણ સાથે આ ‘કીસ’ કરતો એમનો ફોટો છાપી લખીશ કે ‘હાથીના દાંત ચાવવાના જુદા, દેખાડવાના જુદા…’ એની હવા બંધ થઈ જશે પોતાનો આ ફોટો જોઇને…!’
હું એકીટસે એમને જોઈ રહ્યો. એમના મોં પર લુચ્ચું હાસ્ય ફરકી રહ્યું હતું. મને તારકનાથ ગાંધીનાં શબ્દો યાદ આવી ગયા, ‘આ (તંત્રી) અતિ પહોંચેલ નમૂનો છે. બધાની રગ એમનાં હાથમાં છે.’
‘આ લ્યો કાગળ અને પેન..બહુ વિચારો નહીં.’ એમણે મને ઉશ્કેર્યો.
બહુ વિચાર કરતા મને લાગ્યું કે આ મારા લખાણ પછી મને વધારે શોનું પ્રમાણપત્ર મળશે કે નહીં એની કોઈ ગેરંટી નહોતી. આ તો બે દૈનિક વચ્ચેની લડાઈ છે. એકબીજાની ટાંગ ખેચવાની તક કોઈ ન છોડે. હું નિમિત્ત બની આ કરું તો એક તંત્રી તો મારો દુશ્મન બને, છતાં અમારું ‘કામ’ થાય એ નક્કી નહીં. મને આ યોગ્ય ન લાગ્યું. ખુદથી મોટી કોઈ કોર્ટ નથી અને અંતરાત્માથી મોટો કોઈ જજ નથી. મારો માયલો આ લખાણ લખી આપવા માનતો નહોતો. મને કાગળ-પેન સાથે વિચારતો જોઈ કહે,
‘અરવિંદભાઈ, વધુ વિચારો નહીં, લખી નાખો. કાલે સવારે પહેલા જ પાના પર ફોટા સાથે છપાય જશે.’
મેં હિંમત કરીને કહી દીધું:
‘નહીં, મારાથી આવું નહી થાય. તમે તમારો સમય આપ્યો માટે આભાર.’
‘આભાર માનવાથી તમારું કામ થોડું થશે…
આભાર માનવાવાળો ક્યારેય ગરીબ નથી હોતો અને ધીરજ રાખવાવાળો ક્યારેય નિષ્ફળ નથી જતો. હું સ્વાર્થી છું પણ એટલી હદે નહીં કે બીજાની અંગત જીવનની વાત ફેલાવવામાં નિમિત્ત બનું.’
આટલું કહીને હું ત્યાંથી ફટાફટ નીકળી ગયો. 10માંથી એક શો તો રદ થઇ ગયેલો. બાકીના બધા શો પૂરા કર્યા. વધારે શો માટેની પરમિશન ન મળી. ગુજરાત ઘમરોળવાનું મૂકી ફરી મહારાષ્ટ્ર ઘમરોળવા મુંબઈ પાછા આવી ગયા.
એક તાજુબની વાત બની. ‘મા.મા..લ.પા’ની બીજી તારીખો લેવા હું ચર્ચગેટથી ચાલતા પાટકર હોલ તરફ જતો હતો ત્યાં મારી અડોઅડ સફેદ મારુતિ કાર આવીને ઊભી રહી. બારી ખોલી એ ભાઈએ હાથના ઇશારાથી મને બોલાવ્યો. મને કહે, તમે મને નહીં ઓળખો. હું બાબુભાઈ….. અરવિંદભાઈ, ‘મા.મા.લ.પા’. જેવા નાટક બનાવતાં રહેજો. તમારા એ નાટકની ટિકિટો બ્લેક કરી મેં આ ગાડી લીધી છે…!’
મેં વિચાર્યું કે હું ચાલતા જાઉં છું અને આ ગાડીમાં?…
ખેર…આ નસીબની બલિહારી…બીજું શું ?
ખીમજીબાપાને કોઈએ પૂછ્યું :
‘સાળી અને ઘરવાળીમાં શું ફરક?’
ખીમજીબાપા:
‘જે જોડા સંભાળે એ સાળી, જે જોડાના છૂટા ઘા કરે એ ઘરવાળી.’
આ પણ વાંચો : સાત્વિકમ શિવમઃ જેની ભાષામાં ‘સભ્યતા’… એનાં જ જીવનમાં ‘ભવ્યતા!’