કવર સ્ટોરી : ફિલ્મ સ્ટાર્સના બાળ ઉછેરમાં બદલાવ…

-હેમા શાસ્ત્રી
કામ -નામ અને દામમાં સધ્ધર થયા પછી હિન્દી ચિત્રપટ તારલાઓમાં સંતાનો સાથે ધાર્મિક સ્થળોની મુલાકાતનું ચલણ વધી રહ્યું છે!
એકવીસમી સદીમાં પેરેન્ટિંગ (બાળકોનું પાલન પોષણ)ની વ્યાખ્યા ધરમૂળથી બદલાઈ ગઈ છે. પત્ની કયા મેટરનિટી હોમમાં દાખલ થઈ છે એની બહુ દરકાર ન રાખતા બાપુજી – પિતા આજે સુપરકૂલ ડેડ બની ગયા છે. બાળકના જન્મથી જ એના ઉછેરમાં ડેડીની પાર્ટનરશીપ ફિફટી પર્સેન્ટ જોવા મળી રહી છે. જન્મેલા બાળકના નામકરણથી લઈ નાનપણમાં એનામાં સંસ્કારનું સિંચન કરવાને પ્રધાન્ય અપાઈ રહ્યું છે.
આમ જનતાનું આ વલણ હવે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકાર પેરન્ટ્સમાં પણ જોવા મળી રહ્યું છે. સંસ્કારનું સિંચન એટલે શું એનો અર્થ વ્યક્તિ – વ્યક્તિએ ભિન્ન હોઈ શકે છે. એકવીસમી સદીના ફિલ્મ સ્ટાર પેરન્ટ્સમાં આધ્યાત્મિકતા (સ્પિરિચ્યુઆલિટી) પ્રત્યે ઝુકાવ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, બાળકના ઉછેરમાં સહભાગી થવું અને એમને જાતે નિર્ણય લેતા શીખવવા એને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
ગયા અઠવાડિયે મીડિયામાં છપાયેલા બે ફોટોગ્રાફ બદલાઈ રહેલા વલણનું સમર્થન કરે છે. બાળકને લઈ કુળદેવીના દર્શને જવું, એની બાબરી ઉતારવાની ધાર્મિક ક્રિયા કરવી જેવી વિધિ અનેક વર્ષોથી થતી આવી છે. વિરાટ કોહલી – અનુષ્કા શર્મા કે સિદ્ધાર્થ મલ્હોત્રા – કિયારા અડવાણી અથવા રાજકુમાર રાવ – પત્રલેખા ધર્મસ્થાનની મુલાકાત પાછળ કેવળ ધાર્મિક હેતુ નથી. પ્રભુના આશીર્વાદ તો ખરા જ…એ સાથે સ્પિરિચ્યુઆલિટી અને હોલિસ્ટિક એપ્રોચ (આધ્યાત્મિકતા અને સર્વાંગી વિકાસ)ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
15 જુલાઈએ સિદ્ધાર્થ – કિયારાના ઘરમાં પારણું ઝુલ્યું અને ગયા અઠવાડિયે સિદ્ધાર્થ પોતાની માતા સાથે સિદ્ધિવિનાયક મંદિરે દીકરીના ક્ષેમકુશળ માટે પ્રાર્થના કરવા આવ્યો હતો. આ ઉપરાંત 2025માં ફિલ્મ કરિયરના સર્વોચ્ચ સમયનો અનુભવ કરી રહેલો એક્ટર રાજકુમાર રાવ ગયા અઠવાડિયે જ અમૃતસરના સુવર્ણ મંદિરમાં આશીર્વાદ લેવા આવ્યો હતો એવી તસવીર પણ છપાઈ છે. 2021માં રાજકુમાર રાવનાં લગ્ન પત્રલેખા નામની અભિનેત્રી સાથે થયા હતા. દંપતીએ એમના જીવનમાં બાળકનું આગમન થવાનું છે એવી જાહેરાત કરી હતી.
રણબીર કપૂર – આલિયા ભટ્ટ એક દીકરીના પેરન્ટ છે. બંનેને પોતાના પેરન્ટ્સનો આધાર હોવા છતાં દીકરી રાહા સાથે રણબીર -આલિયા બેમાંથી એક જણ તો કાયમ હાજર રહે એની ચીવટ રાખવામાં આવે છે. દીકરીની સર્જનાત્મક બાજુ વધુ ખીલે એ માટે રણબીર પ્રયત્નશીલ રહે છે જ્યારે રાહાની સારસંભાળ વધુ સારી રીતે રાખી શકાય એ માટે મમ્મી આલિયા પોતાની શારીરિક તકેદારી સાથે માનસિક સુખાકારી પર પણ વિશેષ ધ્યાન આપી રહી છે.
આ બધા વચ્ચે પ્રિયંકા-નિક અને એમની દીકરી માલતીના ઉછેરને પણ કેમ ભૂલાય? પોતાનાં સંતાનના ટેકનોલોજી સંપર્ક અંગે તેમ જ કોને હળેમળે છે એ લઈને આ ક્ષેત્રનાં માતા- પિતા બંને સજાગ રહે છે.
ગયા વર્ષે રણવીર સિંહ – દીપિકા પાદુકોણના ઘરે પુત્રી જન્મ થયો હતો. ગર્ભધારણ માટે આઈવીએફ ટેકનોલોજીના ઉપયોગનો દંપતીએ જાહેરમાં સ્વીકાર કર્યો હતો. આ સિવાય માતૃત્વ માટે એક્યુપંક્ચર, આયુર્વેદ અને યોગ કેટલા મદદરૂપ થયા હતા એનો પણ મોકળા મને એકરાર કર્યો હતો. સાથે સાથે પોતાના ફેન સાથે એમણે ફર્ટિલિટી ટિપ્સ પણ શેર કરી હતી. પેરન્ટિંગમાં સર્વાંગી વિકાસનું આ પ્રતિબિંબ છે.
વિરાટ કોહલી – અનુષ્કા શર્મા બે બાળકના પેરન્ટ્સ છે. મોટી દીકરી વામિકાનો જન્મ જાન્યુઆરી 2021માં થયો હતો અને ગયા વર્ષે પુત્ર અકાયનો જન્મ થયો હતો. બંને પોતાનાં બાળકોને લઈ વૃંદાવન દર્શન કરવા ગયાં હતાં તેમ જ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભક્તિભાવે ગયા હતા એના ફોટોગ્રાફ તેમજ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. શાહિદ કપૂર અને મીરા રાજપૂતને પણ બે સંતાન છે.
શાહિદ બાળકોને સ્વાતંત્ર્ય આપવામાં માને છે અને તેઓ જાતે પોતાની તાકાત અને નબળાઈ ઓળખી જાય એવો અભિગમ આપનાવે છે. જીવનમાં મૂલ્યોનું મહત્ત્વ સમજાવી પ્રામાણિક રહેવા બાળકોને સમજાવ્યા છે. માર્ગદર્શન આપવાનું પણ નિર્ણય જાતે લેતા શીખવવાનું એ ઊડીને આંખે વળગે એવી વાત છે.
ટૂંકમાં આ છે આજના ફિલ્મસ્ટાર્સનો બાળકો માટે હોલિસ્ટિક એપ્રોચ – સર્વાંગી વિકાસ પ્રત્યેનો અભિગમ. આ બધા કલાકારો અત્યંત સફળ છે. આ સફળતામાં સુગંધ ભળે એ માટે આ બદલાવ એમનામાં જોવા મળી રહ્યો છે.
હરિવંશરાય બચ્ચને અમિતાભના ઉછેરમાં જે કાળજી રાખી હતી, એમનું જે ઈન્વોલ્વમેન્ટ હતું એ પોતે શ્વેતા અને અભિષેકના ઉછેરમાં ન કરી શક્યો એનો અફસોસ અમિતજીએ જાહેરમાં જણાવ્યો હતો.‘ કૌન બનેગા કરોડપતિ’ના એક એપિસોડમાં અમિતાભ બચ્ચને બાળકો મોટા થઈ રહ્યા હતા ત્યારે એમને વધુ સમય ન ફાળવવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. પોતે સવારે જ્યારે શૂટિંગ પર જવા નીકળતા ત્યારે બાળકોની સવાર ન પડી હોય,
એ લોકો ઊંઘતા હોય અને મોડી રાત્રે પાછા ફરે ત્યારે બાળકો નીંદરમાં હોય. પરિણામે એમના ઉછેરમાં ધ્યાન નહોતું આપી શકાયું. એ સમયે હોલિસ્ટીક એપ્રોચ વિશે સભાનતા નહોતી. અલબત્ત, અમિતજીના નસીબ પાધરા હતા કે જયા બચ્ચને ફિલ્મોમાંથી સંન્યાસ લઈ લીધો હતો અને હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચન એમની સાથે જ રહેતા હતા. પરિણામે પિતાની ગેરહાજરી બહુ સાલી નહીં. હવે જમાનો બદલાઈ ગયો છે અને સદભાગ્યે આજનો એક્ટર કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવી રાખવાને પ્રાધાન્ય આપે છે.