વાંચ્યું હોય એ નહી, જેણે વેઠયું હોય એ જ લખી શકે..!

અરવિંદ વેકરિયા
આજે નવા મહિનાની પહેલી તારીખ અને મારો આ 300 મો લેખ હોય ત્યારે મારે વાત માંડવી છે મારી પ્રથમ વિદેશી સફરની.
મારી વર્ષ મુજબ કડીબદ્ધ વાત મેં કરી પણ 1990ના વર્ષની પરદેશની ખેપની વાત છૂટી ગઈ. ઘણાં વાચકોએ કહ્યું કે ‘તમે ફોરેન ટુર કરી છે કે નહી ’ ત્યારે નોંધ લેતા ખબર પડી કે એ વાત રહી જ ગઈ એટલે હવે લખું છું. આમ પણ વાંચ્યું હોય એ નહી, જેણે વેઠયું હોય એ જ લખી શકે.
આપ સર્વ વાચકોને ખ્યાલ છે કે હું,પ્રતાપ સચદેવ, સનત વ્યાસ અને સોહિલ વિરાણી. અમારી આ ‘ચારની’ ‘ચોકડી’ લાલુ શાહે 1974માં નવોદિત કલાકારો સાથે કરેલ નાટક ‘વાયદાના ફાયદા’ થી સાથે શરૂ થઈ.. કાળક્રમે સોહિલ ફિલ્મ- દુનિયામાં ગયો, પછી નાટકો કર્યા પણ સાથે નહી, છતાં મિત્રતા અકબંધ. પણ આમાં બાકી રહી ગઈ ત્રિપુટી- હું, પ્રતાપ (સચ્ચું), અને સનત.
રાજાણી નામે એક નૈરોબીના ગર્ભશ્રીમંત. એમણે નૈરોબી ટુરનું આયોજન સિદ્ધાર્થ રાંદેરિયા સાથે મળીને કર્યું. ત્યારે હું શફી ઈનામદારનાં નાટક ‘બા રિટાયર થાય છે ’ નાં રિહર્સલમાં. ( આ વાતનું સંજય ગોરડીયાને સ્મરણ નથી.) રાજાણી વતી સનત અને પ્રતાપનું સિદ્ધાર્થે નક્કી કરી લીધું. પછી અમે મળીએ ત્યારે સનત-સચ્ચું વિદેશની વાતો કર્યા કરે. મને પણ પરદેશ જવાની ઈચ્છા તો ખરી. આશા એક એવો તારો છે જે દિવસ અને રાત, બંને વખત દેખાય. ત્રિપુટી સાથે જઈ શકે એ શક્યતા દેખાતી નહોતી.
ખેર! શફીભાઈનું નાટક મારે માટે અગત્યનું હતું. શરૂઆતમાં ઘણા દિવસો સુધી માત્ર ‘રીડિંગ’ જ કરાવે. (મેં જગદીશ શાહ સાથે કામ કર્યું ત્યારે એ પણ આમ જ કરતા.) કદાચ એમની આ રીતથી પાત્ર પ્રમાણે ઉચ્ચારણ થતું રહે અને પાત્રને આત્મસાત કરવાનું સરળ બને એ કારણ હોવું જોઈએ. સિદ્ધાર્થ સાથેની ટીમ ‘શોલે’ જેવી હતી. સિદ્ધાર્થ રાંદેરિયા, જતીન કાણકિયા, રસિક દવે, કેતકી દવે, સનત વ્યાસ, પ્રતાપ સચદેવ, અમૃત પટેલ, રાજેન્દ્ર સાવલા અને એની પત્ની જસ્મીન સાવલા અને રજની શાંતારામ…. કુલ ચાર નાટકો સાથે ટુર કરવાની હતી. (1) આંખ મીંચીને બોલો જયહિન્દ (2) રાતા ગુલમહોર (3) ચીલઝડપ (4) હિન્દી નાટક સંકેત. એ લોકો પૂરી તૈયારી કરી રહ્યાં હતાં. હું શફીભાઈ સાથે ‘બા રિટાયર..’ ની ‘ રીડિંગ-પ્રોસેસ’ માં બિઝી થઇ ગયો હતો.
અમે ત્રણે’ય જયારે મળતાં ત્યારે વાત એક જ નીકળતી કે આપણે સાથે હોત તો કેવી મજા આવત. સિદ્ધાર્થ-રસિક-જતીન તો આવી ઘણી ટુર કરી ચુક્યા હતા. કદાચ. સનત-સચ્ચું ની પહેલી ફોરેન ટુર હતી. હું સાથે હોત તો? સાથ જરૂરી છે, સુખ હોય તો વધી જાય અને દુ:ખ હોય તો વહેંચાય જાય. આ સત્ય અમે ત્રણે’ય સમજતાં હતા પણ…! જાણું છું કે આપણી અપેક્ષા પૂરી કરવી એ બીજાનાં હાથમાં છે. અમે અમારી રીતે મન મનાવતા રહેતા. સ્વભાવ સૂર્ય જેવો રાખવો કે ઊગવાનું અભિમાન નહીં અને આથમવાનો અફસોસ નહીં, પ્રવૃત્ત હતા એ મોટી વાત હતી.
સમય ચાલતો રહ્યો. મને થતું મારું નસીબ ખરાબ નહી તો હું પણ સનત-સચ્ચું સાથે જોડાઈ ગયો હોત. મારા અને મારા નસીબ વચ્ચે એક લડાઈ હંમેશાં ચાલતી રહી છે. હું એના ફેસલાઓથી પરેશાન છું અને એ મારા હોંસલાઓથી, કદાચ!
કહે છે ને કે ઈશ્વર પણ ક્યારેક તમારી ઈચ્છિત વાત સાંભળી તમારી ઈચ્છાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી દે છે.
થયું એવું કે અમૃત પટેલ (જે હવે હયાત નથી.) જેમને વાચકોએ ઘણી ફિલ્મોમાં જોયા હશે. એમની એક ફિલ્મના ક્લાયમેક્ષનો સીન બાકી, જે આ તારીખોમાં જ કરવાનો હતો. એમણે નાટક કરવાની પોતાની અસમર્થતા બતાવી. બસ! સનત અને સચ્ચુંએ તરત મારું નામ સિદ્ધાર્થને કહ્યું. સમયને ધ્યાનમાં લઈ એણે પણ ‘હા’ પાડી. મને વાત કરી. મારો ઉત્સાહ વધી ગયો પણ ‘બા રિટાયર..’? મેં સનતને કહ્યું ‘હું શફીભાઈને કઈ રીતે કહું?’ સનત કહે, ‘દાદુ, અવસર બરફ જેવો હોય છે, વિચારતા રહો ત્યાં સુધીમાં ઓગળી જાય. તું શફીભાઈને વાત તો કરી જો.’
બીજે દિવસે શફીભાઈને વાત કરી. સિધાર્થ ચાર નાટક લઈ નૈરોબી જાય છે. કોઈ કારણસર અમૃત પટેલ નથી જઈ શકતા એટલે મને કહ્યું છે.આ મારી પહેલી ફોરેન ટુર થાય જો તમે મને રજા આપો તો.. શફીભાઈએ મારા ખભા પર હાથ મૂકી હસતા-હસતા કહ્યું, ‘બિન્દાસ જા.! અભી તો રીડિંગ પ્રોસેસ હી ચલ રહા હૈ, મૈ કોઈ ઔર આર્ટીસ્ટ કાસ્ટ કર લુંગા. તું જા અપને યારોકે સાથ.’ મને શફીભાઈ રૂડા લાગ્યાં, કારણ કે મારા લાભની વાત કરી. ટાણે આવે તો જ રૂડો લાગે પછી એ વરસાદ હોય કે વ્યક્તિ.
હું ‘બા રિટાયર..’ માંથી માનભેર નીકળ્યો. એ ભૂમિકા પછી અશોક ઠક્કરે ભજવી. એ નાટકે લગભગ 500 પ્રયોગ કર્યા.
હું સિદ્ધાર્થને મળ્યો. મારે ચારમાંથી બે નાટકમાં કામ કરવાનું હતું. ભાવતાલ કરી મારી નાઈટ 300 રૂપિયા નક્કી કરી. મેં ‘સનત- સચ્ચુંને કહ્યુ’..આ તો..’ મારી વાત અડધેથી જ કાપી મને કહે,’ પૈસા નહીં. સાથે પરદેશ જઈએ છીએ એ મહત્ત્વનું છે..છે કે નહીં ?’ હું શું કહું? દોસ્તોને છૂટાછેડા આપી શકાતા નથી, કારણ કે એ હસ્તમેળાપથી નહીં, મનમેળાપથી મળ્યાં હોય છે.
પત્ની: આજે તમે એક ખાશો કે બે?
પતિ: રોટલી-પરોઠું કે ભાખરી? ચોખવટ કર. આમાં ગેરસમજ થાય છે.
આ પણ વાંચો…કિંમત જોયા વગર વસ્તુ ખરીદવી છે? – તો ઘડિયાળ જોયા વગર મહેનત કરો!