કવર સ્ટોરીઃ દાદા-દાદી, હાજિર હો!

હેમા શાસ્ત્રી
‘માઈકલ કેઈન હાજિર હો…!’
ના, આયુષ્યની સેન્ચુરી તરફ આગળ વધી રહેલા બ્રિટિશ એક્ટરને અદાલતમાં હાજર થવા ફરમાન નથી થયું. પણ 92 વર્ષના અભિનેતાને 10 વર્ષ પહેલાં આવેલી પોતાની ફિલ્મની સિક્વલમાં રોલ માટે ઓફર થઈ છે અને માઈકલ કેઈન તૈયાર પણ થઈ ગયા છે.
Age is just a Number (ઉંમર તો કેવળ એક સંખ્યા છે), તારુણ્ય તો દિલ-દિમાગમાં હોય એ ભાવનાને કેટલાક વિદેશી કલાકાર આજની તારીખમાં સાર્થક કરી રહ્યા છે. નમન એમની ફિટનેસને અને સલામ આ વયમાં એમને સાઈન કરવા માગતા ફિલ્મમેકરને. દાદા-દાદીની ઉંમરના એવા પાંચ ચુનંદા કલાકાર વિશે આપણે જાણવું રસપ્રદ રહેશે…
23 વર્ષની ઉંમરે 1956માં પહેલી વાર ફિલ્મમાં ચમકેલા બ્રિટિશ એક્ટર માઈકલ કેઇનનું નામ The Italian Job નામની ફિલ્મથી વિશ્વભરમાં જાણીતું થયું હતું. 1972માં આવેલી SLEUTH (મૂળ એન્થની શેફરનું નાટક જેના પરથી પ્રવીણ જોશીએ બે પાત્રી ખેલંદો નાટક બનાવ્યું હતું. એક પાત્રમાં હતા ખુદ પ્રવીણ જોશી ને બીજામાં હતા એમના ભાઈ અરવિંદ જોશી!)
એ ફિલ્મના રોલથી માઈકલ કેઈનની પ્રસિદ્ધિનો ગુણાકાર થયો. આ ફિલ્મ માટે એમને ઓસ્કરમાં બેસ્ટ એક્ટર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. આમિર ખાનની ‘ગજની’ને કારણે આપણા દેશમાં ગાજેલા ક્રિસ્ટોફર નોલાનની ‘ડાર્ક નાઈટ ટ્રિલોજી’ અને છેક 2020માં Tenet ફિલ્મમાં પણ માઈકલ કેઈનની હાજરી હતી.
2023માં આવેલી The Great Escaper ફિલ્મમાં કામ કર્યા પછી તેમણે નિવૃત્તિ જાહેર કરી હતી. જોકે, તાજેતરમાં ‘આ મારી સાચેસાચ છેલ્લી ફિલ્મ’ એમ કહી ઓફર કરવામાં આવેલી The Last Witch Hunter 2 માં કામ કરવા 92 વર્ષના મિસ્ટર કેઈન તૈયાર થયા છે.
માઈકલ કેઈને પહેલી વાર 2009માં નિવૃત્તિ જાહેર કરી હતી. અલબત્ત, ત્યારબાદ ક્રિસ્ટોફર નોલાનની ઓફર આકર્ષક લાગતા એ સ્વીકારી અને પછી બીજા 15 વર્ષમાં 23 ફિલ્મ કરી. આ વર્ષે એ જે નવી ફિલ્મ કરી રહ્યા છે એ 015માં આવેલી The Last Witch Hunter ફિલ્મની સિક્વલ છે.
પહેલી ફિલ્મમાં વિશ્વને ભરખી જતાં મહારોગ પ્લેગને નાથતા વિચ હન્ટર (મેલી વિદ્યાના ઉપાસક)ને મદદ કરતા પાદરીનો રોલ કર્યો હતો એ જ રોલ સિક્વલમાં પણ કરવાના છે. આ ઉમદા રોલના મમત્વને કારણે માઈકલ કેઈન કામ કરવા તૈયાર થયા હોવાનું કહેવામાં આવ્યું છે.
સવારે 11 વાગ્યે પથારીમાંથી ઊઠવું અને મોડી રાત સુધી જાગવું – ફરવું જીવનશૈલી એમને પસંદ છે અને રોલની લાઈન યાદ રાખવામાં કે કામ કરવામાં કોઈ અડચણ નથી આવતી એવો ખુલાસો એમણે કર્યો છે.
સોફિયા લોરેન
20 સપ્ટેમ્બરે 91 વર્ષ પૂરા કરનારી ઈટાલિયન એક્ટ્રેસ સોફિયા લોરેન દમદાર રોલ મળે તો કામ કરવા તૈયાર છે. 1950માં 16 વર્ષની ઉંમરે ફિલ્મ એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી લીધા પછી સોફિયા લોરેને 2020માં આવેલી The Life Ahead સુધી લગભગ 120 ફિલ્મમાં કામ કર્યું છે. ઈટાલિયન સેક્સ સિમ્બોલ તરીકે ખ્યાતિ મેળવી સોફિયા લોરેને હોલિવૂડના સુવર્ણ યુગના એક્ટર સાથે જોડી જમાવી યાદગાર ફિલ્મો આપી છે.
ચાર્લી ચેપ્લિન સાથે A Countess from Hong Kong કરવા ઉપરાંત સોફિયા લોરેને ગ્રેગરી પેક, ક્લાર્ક ગેબલ, ચાર્લ્ટન હેસ્ટન, માર્લોન બ્રાન્ડો, ફ્રેન્ક સિનાત્રા, પીટર સેલર્સ,એન્થની ક્વીન, પોલ ન્યુમેન, રિચર્ડ બર્ટન અને જોન વેયન સાથે કામ કર્યું છે.
ડિક વેન ડાયક
મુંબઈના યંગસ્ટર્સમાં વેસ્ટર્ન મ્યુઝિક કોન્સર્ટની ઘેલછા છે. આ વર્ષના પ્રારંભમાં મુંબઈ – અમદાવાદમાં આયોજિત ‘કોલ્ડપ્લે’ કોન્સર્ટમાં મોંઘીદાટ ટિકિટ લઈ હાજર રહેલા લોકોમાં શોખ કરતાં વધુ શાનની વાત હતી. ગયા વર્ષે રજૂ થયેલા ‘કોલ્ડપ્લે’ના એક મ્યુઝિક વીડિયોમાં અમેરિકન એક્ટર ડિક વેન ડાયકની હાજરી તરફ અનેક લોકોનું ધ્યાન એટલા માટે વિશેષ ખેંચાયું હતું કે ત્યારે તેમની ઉંમર 99 વર્ષ હતી.
આ વર્ષની પાંચમી ડિસેમ્બરે તેઓ આયુષ્યની સેન્ચુરી પૂરી કરશે અને હાલ નવી ફિલ્મમાં રોલ કરવા માટે વાતચીત ચાલી રહી છે. ‘મારે વ્યસ્ત રહેવું છે’ એવું 99 વર્ષ અને 9 મહિનાની ઉંમરે કહી શકતા કલાકાર 1960ના બ્રોડવે મ્યુઝિકલ શોથી લાઈમલાઈટમાં આવ્યા અને ડિક વેન ડાયક ટેલિવિઝન કોમેડી શોથી એમનું નામ ઘરે ઘરે જાણીતું થઈ ગયું.
1964માં જુલી એન્ડ્રુઝ (ધ સાઉન્ડ ઓફ મ્યુઝિકની મારિયા વોન ટ્રેપ) સાથેની ફિલ્મ ‘”Mary Poppins માં ચમકી મિસ્ટર ડાયક મશહૂર થઈ ગયા હતા. 60 વર્ષ પછી બનેલી એની સિક્વલ ‘”Mary Poppins Returns’માં પણ ડિક વેન ડાયકની હાજરી હતી.
દીર્ઘાયુ માટે શરાબને તિલાંજલિ, મીઠાવાળા પદાર્થ વર્જ્ય, હળદર, લીલા શાકભાજી અને બ્લૂબેરી ફળનું નિયમિત સેવન અને સૌથી મહત્ત્વનું સતત શરીરને વ્યસ્ત રાખવું જરૂરી ગણે છે. અઠવાડિયામાં ત્રણ વાર જિમ જવાનું અને દરરોજ ચાલવું એ રૂટિનને અનુસરે છે.
મેલ બ્રુક્સ
1976માં રિલીઝ થયેલી Silent Movie (ફિલ્મનું ટાઈટલ છે જેમાં મૂક ફિલ્મોના દોરની શારીરિક ચેનચાળા ધરાવતી કોમેડી ફિલ્મો પર વ્યંગ કરવામાં આવ્યો હતો)થી પ્રસિદ્ધિને વરેલા અમેરિકન નાટ્યલેખક, ચિત્રપટ લેખક, ગીતકાર, કોમેડિયન, એક્ટર અને ડિરેક્ટર જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા મેલ બ્રુક્સ 99 વર્ષની ઉંમરે વ્યસ્ત છે.
પટકથા માટે ઓસ્કર એવોર્ડ મેળવનારા બ્રુક્સ હાલ Spaceballs 2 નામની ફિલ્મમાં લેખક અને અભિનેતાની બેવડી જવાબદારી સંભાળી રહ્યા છે. આ ફિલ્મ 1987માં આવેલી સ્પેસ ઓપેરા પેરડી ફિલ્મ Spaceballs ની સિક્વલ છે. મૂળ ફિલ્મમાં લેખન, અભિનય ઉપરાંત દિગ્દર્શનની જવાબદારી પણ મેલ બ્રુક્સે સંભાળી હતી. આ સિવાય Young Frankenstein ટાઈટલ ધરાવતા ટીવી પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરની જવાબદારી પણ તેમણે સ્વીકારી છે.
ડેવિડ એટનબરો
ડેવિડ એટનબરોનું યોગદાન અફાટ અને અનન્ય હોવા છતાં કમનસીબે અનેક લોકો એમને ‘ગાંધી’ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક રિચર્ડ એટનબરોના નાના ભાઈ તરીકે ઓળખે છે. મે મહિનામાં 99 વર્ષ પૂરાં કરી શતાબ્દી પ્રવેશ કરનારા ડેવિડ એટનબરોની ડોક્યુમેન્ટરી ફિલ્મ Ocean with David Attenborough એમના જન્મદિને જ થિયેટરમાં રિલીઝ થઈ હતી.
‘માનવજાતની અમૂલ્ય બક્ષિસ’ની ઉપમા મેળવનારા ડેવિડ દાદા છેલ્લાં 71 વર્ષથી અવિરત પૃથ્વી પ્રેમને વિવિધ સ્વરૂપે રજૂ કરી માણસ જાતના જ્ઞાનનું સંવર્ધન કરવા ઉપરાંત એના ચિત્તને ઢંઢોળી દિમાગને ચેતવણી આપવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.
Zoo Quest, Life On Earth, Blue Planet, Planet Earth, Frozen Planet જેવી બેમિસાલ ડોક્યુમેન્ટરી (સિક્વલ સાથે) એમનું અવિસ્મરણીય યોગદાન છે. એમની ડોક્યુમેન્ટરીમાં પ્રાણી, પૃથ્વી, પર્યાવરણને રજૂ કરી એને વિવિધ દ્રષ્ટિકોણથી સમજવાનો કરવામાં આવેલો પ્રયાસ અગાઉ ક્યારેય કોઈએ નથી કર્યો.
આ પણ વાંચો…કવર સ્ટોરીઃ નેપાળી ફિલ્મમાં ભારતીય કલાકારોનો શંભુમેળો…