મેટિની

મનોરંજનનું મેઘધનુષઃ સામંથા રૂથ પ્રભુ

ઉમેશ ત્રિવેદી

ફરી એક વખત અફવા સાચી પડી છે. સામંથા રૂપ પ્રભુ અને ‘ફેમિલિ મેન’ જેવી લોકપ્રિય સિરીઝને એની બે સિકવન બનાવનારા દિગ્દર્શક રાજ નિદિમોરુ વચ્ચે ‘અફેયર’ હોવાની વાતો ઘણા સમયથી ચગી હતી. અંતે પહેલી ડિસેમ્બર-2025નાં આ બન્નીએ તેમનાં પ્રેમપ્રકરણને લગ્નમાં પલટી નાખ્યું. સામંથાના આ બીજાં લગ્ન છે તો રાજ નિદિમોરુના પણ આ બીજાં લગ્ન છે. બંનેએ માત્ર 30 મહેમાનોની હાજરીમાં મંદિરમાં લગ્ન કરી લીધા હતા.

સામંથા રૂથ પ્રભુ આ અગાઉ નાગાર્જુનના સ્ટાર-પુત્ર ચૈતન્ય સાથે 2017નાં લગ્ન કર્યાં હતા અને 2021માં તેણે છૂટાછેડા લીધા. જ્યારે રાજ નિદિમોરુએ શ્યામલી ડે સાથે લગ્ન કર્યાં હતા અને 2022માં તેનાં છૂટાછેડા થયા હતા.

અત્યારે ઓટીટી પર મનોજ બાજપાઈને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી સિરીઝ ‘ફેમિલિ મેન’ની ત્રીજી સિઝન ચાલી રહી છે, પણ ચોથી જૂન 2021ના આની બીજી સિઝન શરૂ થઈ હતી. રાજ (નિદિમોરુ) અને ડીકે દિગ્દર્શિત આ સિરીઝમાં મનોજ બાજપાઈની સાથે સામંથા રૂથ પ્રભુ એક અગત્યની ભૂમિકામાં હતી. આ સિરીઝના શૂટિંગ દરમિયાન જ રાજ અને સામંથા એકબીજા તરફ આકર્ષાયા હતા.

ત્યાર પછી રાજ દિગ્દર્શિત ‘સિટાડેલ હની બની’માં પણ સામંથા રૂથ પ્રભુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યારે રાજ સાથેના પ્રેમપ્રકરણની વાતો ખૂબ જ ચગી હતી. આ સિરીઝ 2024નાં નવેમ્બર માં રજૂ થઈ હતી. ત્યાર પછી અચાનક જ સામંથા એકદમ અદ્રશ્ય થઈ હતી.

તેણે સોશ્યલ મીડિયાથી અને જાહેર જીવનથી દૂર રહેવાનો નિર્ણય જાહેર પણ કર્યો હતો. તેમાંય 2025ની શરૂઆતથી જ તેની તબિયત બરાબર ન હોવાથી, તે માનસિક બીમારીથી પીડાતી હોવાનું જણાવીને તે બધાંથી જાહેર જીવનથી સાવ અલિપ્ત થઈ ગઈ હતી અને અચાનક જ પહેલી ડિસેમ્બરે રાજ નિદિમોરુ સાથેનાં લગ્નની તસવીરો અને અહેવાલ પ્રગટ થતાં લોકોને આશ્ચર્ય થયું હતું.

38 વર્ષથી સામંથાનો જન્મ 28 એપ્રિલ 1987નાં મદ્રાસમાં થયો છે. મોટેભાગે તેલુગુ અને તમિળ ફિલ્મોમાં વધુ ચમકતી સામંથાએ 2010થી અભિનય કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરી છે અને પહેલી જ ફિલ્મમાં તેને દક્ષિણમાં ‘ફિલ્મફેર એવોર્ડ’ મળ્યો હતો. તેણે એનટીઆર જુનિયર, મહેશ બાબુ, નાની, સુદીપ, વેંકટેશ, સિદ્ધાર્થ, પવન કલ્યાણ, સૂર્યા અને નાગા ચૈતન્ય સાથે ફિલ્મો કરીને અદ્ભુત સફળા મેળવી છે.

કારકિર્દીની શરૂઆતથી જ તેને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મો મળવા લાગી હતી પણ પછી તેણે બીજી અભિનેત્રીઓની જેમ જ ‘બિગ બજેટ’ ફિલ્મોમાં ઝુકાવ્યું હતું. તેમાં પણ તેને લોકપ્રિયતા ખૂબ જ મળવા લાગી અને એક સફળ અને સૌથી વધારે ‘ફી’ મેળવતી અભિનેત્રી તરીકે તેની ગણના થવા લાગી હતી.

2019 પછી સામંથાએ ફરી એકવાર હિરોઈનલક્ષી ફિલ્મો કરવા માંડી હતી. 2010નાં તેની નાગા ચૈતન્ય સાથે ઓળખાણ થઈ હતી અને 2017માં તેણે નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યાં હતા. પણ, ચાર વર્ષ પછી એટલે કે બીજી ઓક્ટોબર-2021નાં તેમણે છૂટાછેડાની જાહેરાત કરી હતી.

એ પછી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ‘પુષ્પા: ધ રાઈઝ’માં માત્ર એક આઈટમ સોંગમાં રજૂ થઈને નોર્થ અને સાઉથ ફિલ્મઉદ્યોગમાં જબરી સનસનાટી બોલાવી દીધી હતી, તેની તમિળ અને તેલુગુમાં બનેલી પણ હિન્દીમાં ‘ડબ’ થયેલી ફિલ્મ ‘ઓહ બેબી’ જાનુ, યશોદા અને ખુશીથી તેને બોલિવૂડમાં લોકો પણ ઓળખતા થઈ ગયા હતા.

ત્યારે જ તેણે ઓટીટી પર હિન્દી સિરીઝ ‘ફેમિલિ મેન: સિઝન ટુ’ અને ‘સિટાડેલ-હની બની’થી સફળતા મેળવી લીધી છે. સામંથા રૂથ પ્રભુ ટૂંક સમયમાં હવે બોલિવૂડમાં હિન્દી ફિલ્મોમાંય ઘડબડાટી બોલાવે તો નવાઈ નહીં …

છ ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી શું નવું જોવા મળશે?

OTTનું – હોટસ્પોટ

સાતમી ડિસેમ્બર એટલે કે રવિવારે સલમાન ખાનના સંચાલન હેઠળના ‘બિગ બોસ’ની ફાઈનલ રજૂ થશે, જે તમને કલર્સ ચેનલ પર અને ઓટીટીમાં ‘જિયો હોટસ્ટાર’ પણ જોવા મળશે. ગૌરવ ખન્ના, ફરહાના ભટ્ટ, અમાલ મલિક, પ્રણિત મોરે અને તાન્યા મિતલમાંથી ‘બિગ બોસ’ની આ સિઝન કોણ જીતે છે અને તેને કેટલું ઈનામ મળે છે એ જોવું-જાણવું રસપ્રદ સાબિત થશે.

‘જિય હોટસ્ટાર’ પર આજે પાંચમી ડિસેમ્બરે દક્ષિણના દિગ્ગજ અભિનેતા મોહનલાલના પુત્ર પ્રણવ મોહનલાલની ફિલ્મ ‘ડાયસ ઈરા’ રજૂ થશે.

ઝી ફાઈવ: આ ઓટીટી ચેનલ પર આજે શુક્રવારે પાંચ ડિસેમ્બરે સુપર નેચરલ કથાનકવાળી કોમેડી ફિલ્મ ‘ઘરવાલી પેડવાલી’ જોવા મળશે.

નેટફિલક્સ: અહીં અત્યારે યશરાજ બેનર્સની ફિલ્મોનો ફેસ્ટિવલ ચાલે છે. તેમાં 12મી ડિસેમ્બરથી 28મી ડિસેમ્બર સુધી ‘ધ આઈકોનિક 2000’ હેઠળ યશરાજ બેનરની 2000ની સાલ પછીની ફિલ્મો માણવા મળશે. 12 ડિસેમ્બરે 2002માં રજૂ થયેલી બે ફિલ્મ માણવા મળશે. પહેલી ફિલ્મ છે રોમાન્ટિક કોમેડી ફિલ્મ ‘મેરે યાર કી શાદી હૈ’. સંજય ગઢવી દિગ્દર્શિત આ ફિલ્મમાં ઉદય ચોપરા, જિમી શેરગીલ, તુલીપ જોશી અને બિપાશા બાસુ છે અને બીજી ફિલ્મ ‘મુજસે દોસ્તી કરોગે’ રજૂ થશે. આ ફિલ્મનાં દિગ્દર્શક કુણાલ કોહલી છે અને ફિલ્મમાં હૃતિક રોશન, રાણી મુખરજી, કરીના કપૂર અને ઉદય ચોપરાની મુખ્ય ભૂમિકા છે.

આ જ ઓટીટી પ્લેટફોર્મ પર 12 ડિસેમ્બરે કુણાલ ખેમુ, પ્રાજકતા કોળી, આયેશા રઝા અને મનોજ પાહવા અભિનીત કોમેડી ફિલ્મ ‘સિંગલ પાપા’ જોવા મળશે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સિરીઝની મેચ પણ ઓટીટી પર જોવા મળશે.

આ પણ વાંચો…મનોરંજનનું મેઘધનુષઃ બોલિવૂડમાં ખાન ત્રિપુટી ને અક્ષય કુમારને ટક્કર આપતો `લવરબોય’ની ઈમેજવાળો કલાકાર કાર્તિક આર્યન

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button