ક્લેપ એન્ડ કટ..!: ‘પરમ અપમાનનો’ મલયાલી વિરોધ…

સિદ્ધાર્થ છાયા
વિવેક અગ્નિહોત્રી
થોડા દિવસ અગાઉ દિનેશ વિજનની ‘મેડોક ફિલ્મ્સ’ પ્રોડક્શન હાઉસની ‘પરમ સુંદરી’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું. ટ્રેલર જોતાં જ અમુકને આ શાહરુખ-દીપિકાની ‘ચેન્નાઈ એક્સપ્રેસની’ નબળી કોપી લાગી. અમુકને તો જે લાગ્યું હોય તે, પણ કેરળના લોકો તો અત્યારે ‘પરમ ગુસ્સામાં’ છે. પ્રખ્યાત મલયાલમ આરજે પવિત્રા મેનને તો ‘મેડોક’ની ધૂળ કાઢી નાખી છે. પવિત્રાએ પોતાની ‘ઇન્સ્ટા’ પોસ્ટમાં સ્પષ્ટ કહ્યું છે તેમ કેરળની છોકરીઓ કાયમ જસ્મીનનું ફૂલ લગાવતી નથી કે આખો દિવસ મોહિનીઅટ્ટમ નથી કરતી.
પવિત્રાને આવું એટલા માટે કહેવું પડ્યું છે કારણકે ટ્રેલરમાં ‘પરમ સુંદરી’ની હીરોઈન જહાનવી કપૂર આ બધું કરતી દેખાડવામાં આવી છે. આ ઉપરાંત જહાનવી ટિપિકલ ‘સાઉથ ઇન્ડિયન ઉચ્ચાર’ કરતી પણ જોવા મળે છે. આ બધાને લઈને પવિત્રા જેવા કેરળના અસંખ્ય ‘સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ’ મેદાનમાં આવી ગયાં છે.
પરંતુ સામે તો: ‘મેડોક’ એ શું કર્યું કે એણે પવિત્રા જેવા ઇન્ફ્લુએન્સર્સની આવી વીડિયો પોસ્ટને કોપીરાઇટનો ભંગ ગણાવીને ફ્લેગ કરી દીધી. અને યે તો કુછ ભી નહીં હૈ… કેરળની ખ્રિસ્તી કમ્યુનિટીની લાગણી પણ ઘવાઈ છે. ટ્રેલરના એક દ્રશ્યમાં સિદ્ધાર્થ અને જહાનવીના ચર્ચમાં રોમાન્સ દર્શાવ્યાં છે. આનો પણ વિરોધ હવે શરૂ થઇ ગયો છે.
જોકે ‘મેડોક’વાળાનું આ વર્તન નવાઈ પમાડે તેવું નથી. અગાઉ એક અત્યંત જાણીતાં ટ્રેડ એનાલિસ્ટે ‘મેડોક’ની એક ફિલ્મમાં કરવામાં આવેલા બ્લોક બુકિંગની પોલ ખોલી હતી. એ પછી ‘મેડોકે’ એની બીજી ફિલ્મના પ્રીમિયરમાં પેલા એનાલિસ્ટને બોલાવ્યા જ નહીં.
આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..!: યે દુનિયા કે બદલતે રિશ્તે…
‘ધ વિવાદિત ફાઈલ્સ’
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ બેંગોલ ફાઈલ્સ’નું હજી ટ્રેલર આવે આવે ત્યાં તો એના વિવાદો શરૂ થઇ ગયાં છે. બંગાળના સ્વતંત્રતા સેનાની 2ગોપાલ મુખર્જીના પૌત્ર શાંતનુ મુખર્જીએ અગ્નિહોત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે. ટ્રેલરમાં ગોપાલ મુખર્જીને બે અલગ અલગ ઉપનામે ઉદ્દેશવામાં આવ્યા છે. શાંતનુ મુખર્જીનું કહેવું છે કે આ બંને ઉપનામો એમના દાદા માટે અપમાનજનક છે.
આ ફિલ્મનાં બે કલાકાર નામે શાશ્વતા ચેટરજી અને સૌરવ દાસે પોતાની જાતને આ ફિલ્મથી અળગી કરી દીધી છે. કેમ? તો આ બંનેનો આરોપ એવો છે કે વિવેકભાઈએ સ્ક્રિપ્ટમાં એમની જે ભૂમિકા કહી હતી તેનાથી તે ટ્રેલરમાં સાવ વિરુદ્ધ દેખાઈ રહી છે. અહીં પ્રશ્ન એ પણ છે કે આ ફિલ્મ લગભગ દોઢ વર્ષથી બની રહી છે. વિવેક અગ્નિહોત્રી તેની કથા બે વર્ષથી સોશ્યલ મીડિયામાં કહી રહ્યા છે તો ચેટરજી દાદા અને દાસ મોશાઈ આમ અંધારામાં કેમના રહી ગયાં હશે?
-ઔર અભી તો રુકો! વિવેક અગ્નિહોત્રી પણ ક્યાંય ગાંજ્યા જાય એવા નથી. એમણે પણ સામે કેસ ફટકારવાની ધમકી આપી છે.
અગ્નિહોત્રીને ભય છે કે એમણે કરેલી વાર્તા એટલી તો વિવાદિત છે કે કદાચ પશ્ર્ચિમ બંગાળમાં તેની રિલીઝ પર પ્રતિબંધ ન લાગી જાય. આથી સંભવિત પ્રતિબંધને લઈને એ કોર્ટનાં દ્વાર ખખડાવશે… ખરેખર આ ‘ધ બેંગોલ ફાઈલ્સ’ નહીં, પરંતુ અત્યારે તો એ વિવાદિત ફાઈલ્સ જરૂર લાગે છે!
ફિલ્મ કરતાં પોપકોર્નનો વટ વધારે…
છેલ્લાં અમુક વર્ષોથી ફિલ્મ મેકર્સમાં એક ગણગણાટ શરૂ થયો છે. વાત એમ છે કે મલ્ટિપ્લેક્સમાં લોકોને મોંઘી ટિકિટ સાથે મોંઘું ફૂડ પણ પીરસવામાં આવે છે. કોઈને પણ ત્યાંનું ફૂડ ખાવા પર કોઈ દબાણ નથી તેમ છતાં એક શંકા તમામને હતી કે આટઆટલી ફિલ્મો ફ્લોપ જતી હોવા છતાં આ મલ્ટિપ્લેક્સ કેવી રીતે ટકી રહ્યાં છે? તમાચો મારીને ગાલ લાલ રાખી શકાય એટલી સંખ્યામાં પણ ફિલ્મો ચાલતી નથી તો પછી કુછ તો ગડબડ હૈ, દયા!
-તો હવે આ ‘ગડબડ’ સામે આવી ગઈ છે. હાલમાં એક આંકડો સામે આવ્યો છે જે ખરેખર આશ્ર્ચર્ય પમાડે તેવો છે પણ ખરો છે અને નથી પણ. પીવીઆર જે દેશની સહુથી મોટી મલ્ટિપ્લેક્સ ચેઈન છે, તેની ટિકિટની કમાણીમાં રૂપિયા 316 કરોડની ઘટ નોંધાઈ છે. ગત નાણાકીય વર્ષ કરતાં આ નાણાકીય વર્ષમાં દર્શકોની સંખ્યા લગભગ 10% ઘટી છે, પરંતુ પીવીઆરમાં વેચાતાં ફૂડ એન્ડ પીણાંની કમાણી વધી છે.
એટલે કે લોકોની પીવીઆરમાં જવાની સંખ્યા તો ઘટી છે, પરંતુ જેટલાં પણ લોકો અહીં જાય છે એમાંથી મોટાભાગના પોપકોર્ન અને કોલા જરૂર લે છે. જોકે ફૂડ એન્ડ બેવરેજીઝનું વેચાણ ફક્ત દોઢ ટકા જ વધ્યું છે, પરંતુ ટિકિટ અને ફૂટફોલ્સની જે ટકાવારી ઘટી છે એની અવગણના થઇ શકે તેમ નથી…!
કટ એન્ડ ઓકે…
‘રજની સર પ્રત્યે આદર અને પ્રેમ જ એટલાં છે કે હું મારી ફી માગી પણ કેમ શકું?’
‘કુલી’માં વિનામૂલ્યે કામ કરવાના પ્રશ્ન પર આમિર ખાનનો જવાબ