મહેશ ભટ્ટ – સંજય દત્ત દિલ હૈ કી માનતા નહીં!

ફિલ્મનામા -નરેશ શાહ
‘સંજય દત્ત શારીરિક ભલે મોટો થઈ ગયો, પરંતુ મારું માનવું છે કે બાર-તેર વરસની ઉંમરે જ એનો માનસિક વિકાસ અટકી ગયો હતો. એ હંમેશાં મારધાડ, ભાઈલોગ અને બંદૂકોની વાત જ કરતો-વિચારતો હતો!’ આ વિધાન છે મુંહફાટ અને બિન્દાસ ગણાતા ફિલ્મ ડિરેકટર મહેશ ભટ્ટનું…નવી જનરેશનના નોલેજ માટે ટાંકવાનું કે મહેશ ભટ્ટ, સફળ અભિનેત્રી આલિયા ભટ્ટના પિતા છે. ફિલ્મ ડિરેકશનના ક્ષેત્રથી હવે એ રિટાયર થઈ ગયા છે, પણ મહેશ ભટ્ટના સ્ટેટમેન્ટ (‘આઈએમ બાસ્ટર્ડ’)ની જેમ એમની ઘણી ખરી ફિલ્મ્સ (અર્થ, કાશ, સર, ગુમરાહ) પણ ચર્ચાસ્પદ અને રસપ્રદ
રહી છે.
એક જમાનામાં જે. કૃષ્ણમૂર્તિના ચેલા તેમ જ હિન્દી ભાષી અગ્રણી અખબારની સિનેમા પૂર્તિના સંપાદક પણ રહી ચૂકેલા મહેશ ભટ્ટ બોલવામાં જેટલા બેધડક છે એવા જ લખવામાં પણ છે તેનો પુરાવો એમનું પુસ્તક ‘જાગી રાતો કે સપને’ છે. આ પુસ્તકમાં એમના વિચારો બેબાક અને બેખૌફ તરીકેથી શબ્દસ્થ થયા છે. ખાસ કરીને સંજય દત્તનો પગ જ્યારે ક્રાઈમના કુંડાળામાં પડી ગયો ત્યારે મહેશ ભટ્ટે લખેલું કે, હું નથી માનતો કે સંજય દત્તના પાલનપોષણમાં એનાં માતાપિતાએ ધ્યાન નહોતું આપ્યું… સવાલ એ છે કે આપણા આજના ગુનાહ માટે આપણે ક્યાં સુધી (આપણાં જ) માતા-પિતાને જવાબદાર ઠેરવતાં રહીશું?’
સંજય દત્તને લોન્ચ કરતી ફિલ્મ ‘રોકી’ (1976) બની રહી હતી ત્યારે સંજય દત્તની હીરોઈન ટીના મુનિમ સાથે
મહેશ ભટ્ટ ‘અબ મેરી બારી હૈ’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. એ ફિલ્મ તો ક્યારેય બની નહીં. સંજય દત્તને
મહેશ ભટ્ટ પહેલી વખત મહેબુબ સ્ટુડિયોમાં મળેલા. મહેશ ભટ્ટની જ ફિલ્મ ‘લહૂ કે દો રંગ’નો પ્રિવ્યુ જોઈને
સંજય દત્તે તેની પ્રશંસા મહેશ ભટ્ટ પાસે કરેલી. એ પછી ‘નામ’ ફિલ્મ (1986)નું પ્લાનિંગ થઈ રહ્યું હતું ત્યારે રોબિન ભટ્ટે કુમાર ગૌરવ અને સંજય દત્તને લેવાનું સજેશન મૂક્યું. જોકે પુત્ર માટે નિર્માતા બનવા તૈયાર થયેલા અભિનેતા રાજેન્દ્રકુમાર નહોતા ઇચ્છતા કે પુત્ર એવી ફિલ્મ કરે, જેમાં બે હીરો હોય! જોકે કુમાર ગૌરવના સમજાવવાથી રાજેન્દ્રકુમાર તૈયાર થયા, પણ…
‘નામ’થી સૌથી વધુ ફાયદો સંજય દત્તને થયો! ‘નામ’ ફિલ્મના શૂટિંગ પહેલાં જ સંજય દત્ત ડ્રગ્સ છોડવા માટે રિહેબ સેન્ટરમાં જઈ આવ્યો હતો અને ‘નામ’ વખતે ખૂબ જ ગંભીરતાથી એ કામ કરતો હતો એવું મહેશ ભટ્ટે નોંધ્યું હતું. ‘નામ’ની સફળતાથી સંજય દત્ત મહેશ સરનાં કામથી ખુશ થઈ ગયો હતો. એ પછી તો ‘કબજા’ અને ‘સડક’ પણ મહેશ ભટ્ટે તેની સાથે બનાવી. એ વખતે મહેશ ભટ્ટ (સડક ઉપરાંત) ‘દિલ હૈ કી માનતા નહીં’ (આમિર ખાન – પૂજા ભટ્ટ) ફિલ્મ બનાવી રહ્યા હતા. આ દરમિયાન સંજય દત્તે એક દિવસ ટોણો મારતાં મહેશ ભટ્ટને કહેલું કે, ‘તમે ભલે દિલ હૈ કી…’માં વધુ ધ્યાન આપો, પણ સુપરહિટ તો ‘સડક’ જ થશે!’
‘થયું પણ એવું જ!’ મહેશ ભટ્ટ લખે છે કે, ‘દિલ હૈ કી… કરતાં મારી ‘સડક’ ફિલ્મે દસ ગણો બિઝનેસ કર્યો હતો. આ જ અરસામાં મહેશ ભટ્ટને બેફામ દારૂની લત લાગી ગયેલી, જે છોડવા માટે સંજય દત્ત સતત એમને કહ્યા કરતો. સંજય દત્તના સતત કહેવાથી અને દીકરી આલિયાના જન્મ પછી મહેશ ભટ્ટે શરાબ છોડી પણ દીધો હતો, પરંતુ… ‘ગુમરાહ’ ફિલ્મના
શૂટિંગ વખતે જ મહેશ ભટ્ટને ખ્યાલ આવી ગયો કે સંજયે ફરી શરાબ પીવાનું શરૂ કરી દીધું છે. એમણે સંજયને ચેતવ્યો અને ધમકી પણ આપી કે હું સુનિલ દત્તસાહેબને કહી દઈશ… સંજય દત્તે વિફરીને કહ્યું કે – ‘તો આપણી વચ્ચે ઝઘડો થઈ જશે!’‘હું સંજય ગુપ્તા નથી કે તારી વાતોમાં હા કર્યા કરું, સંજુ!’ એ વખતે મહેશ ભટ્ટે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપી દીધો: ‘મારી સાથે કામ કરવું હોય તો કર, નહીંતર છોડ!’
ખેર, ‘ગુમરાહ’ પછી ‘કારતૂસ’ ફિલ્મ વખતે બધું પહેલાં જેવું જ થઈ ગયું હતું. સંજય દત્ત વિશે મહેશ ભટ્ટ લખે છે કે, ‘એણે નિર્માતા ફિરોઝ નડિયાદવાલાને ખૂબ હેરાન કરેલા અને ‘કારતૂસ’ ફિલ્મ કેવી રીતે પૂરી કરી, એ મારું મન જ
જાણે છે!’બેશક, ‘કારતૂસ’ વખતે સંજય દત્ત જામીન પર છૂટેલો હતો, કારણ કે એ. કે. 47 રાખવાના ગુના સબબ 1992ના બૉમ્બબ્લાસ્ટ પછી (‘આતિશ’ ફિલ્મના શૂટિંગ પરથી પાછા ફરેલા) સંજય દત્તની ઍરપૉર્ટ પરથી ધરપકડ થઈ હતી.
મહેશ ભટ્ટ સાથે સંજયે પાંચ ફિલ્મ કરી હતી. (સડક-2 ફિલ્મ 2020માં વીસેક વરસ પછી કરેલી) પરંતુ મહેશ ભટ્ટે એના વિશે 2002માં જ લખેલું કે, ‘હું એ વાત સાથે જરા પણ સહમત નથી કે એ (સંજય દત્ત) અપરાધી છે. સંજય વધુમાં વધુ કોઈની બદબોઈ કરી શકે છે. પીઠ પાછળ બૂરું બોલી શકે છે અથવા ગાળો દઈ શકે છે.હું માનું છું કે એની વિચારધારા અપરાધિક છે મગર વહ એક બચ્ચે કી તરહ નિર્દોષ હૈ!’