મેટિની

શો-શરાબા : જિસકી મૂવી લંબી ઉસકા ભી બડા નામ હૈ…!

આજના દર્શક શું લાંબી ફિલ્મ્સને આવકારે છે ખરા?

-દિવ્યકાંત પંડ્યા

આજનો સમય બહુ ઝડપી થઈ ગયો છે. લોકોમાં ધીરજ નથી અને સૌને બધું જ બહુ ઉતાવળમાં જોઈએ છે એવું માત્ર કહેવાતું નથી. એ આજના લોકોની તાસિર બની ગઈ છે…લોકોનો અટેન્શન સ્પાન ઓછો છે એટલે એમના માટે બનાવવામાં આવતું ક્ધટેન્ટ ટૂંકું રખાવું જોઈએ જેથી એ લોકો જુએ એવી ક્રિએટર્સ અને ફિલ્મમેકર્સને સલાહ આપવામાં આવતી હોય છે.

આ વાત સાચી છે, એમાં કશું ખોટું નથી, પણ તેનો મતલબ શું એમ છે કે ફક્ત ટૂંકું જ ચાલે, લાંબા ક્ધટેન્ટ માટે સ્થાન જ નથી? જ્યારે ટૂંકા ક્ધટેન્ટનો જમાનો છે, ત્યારે ત્રણ કલાકથી લાંબી ફિલ્મ્સ બનવી એ જોખમી લાગે, પણ વાસ્તવમાં આજે પણ ઘણી એવી ફિલ્મ્સ છે, જે 3 કલાક કે તેના જેટલી લાંબી હોવા છતાં બોક્સ ઓફિસ પર છવાઈ જાય છે. જો સ્ટોરી સારી રીતે રજૂ કરી હોય કે જેમાં પાત્રોનો સરખો વિકાસ થયો હોય તો લાંબી ફિલ્મ જોવા પણ દર્શકો તૈયાર છે.

આ મુદ્દાની શરૂઆત આપણે ‘ધ આઈરીશમેન’થી કરીએ. 2019માં આવેલી આ ફિલ્મ લગભગ 3 કલાક 29 મિનિટ લાંબી હતી. રોબર્ટ ડિ નિરો, અલ પચિનો અને જો પેસી જેવાં મોટાં નામો સાથે આ ફિલ્મે ગેંગસ્ટર દૃશ્યો અને સંબંધોની મોટી જટિલતાઓ સાથે લાંબી વાર્તા રજૂ કરી છતાં દર્શકોએ તેને સ્વીકારી હતી. તે ઓટીટી પર રિલીઝ થઈ હતી, તો પણ લોકોએ તેને વખાણી હતી.

આપણ વાંચો: ક્લેપ એન્ડ કટ..! : એક ખટ્ટ-મીઠી પ્રેસ કોન્ફરન્સ

એવું નથી કે આવા માત્ર જૂજ કિસ્સાઓ છે કે પછી તેમને નાની સરખી સફળતા મળી એ અપવાદ છે. વિશ્વની હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ્સનું લિસ્ટ જોઈએ ત્યારે આ વાત વધુ પાક્કી થાય છે. સૌથી વધુ કમાણી કરનારી જેમ્સ કેમરોન દિગ્દર્શિત ‘એવેટાર’ 162 મિનિટ લાંબી હતી.

તેના પછીના ક્રમે આવતી માર્વેલ સ્ટુડિયોઝની ‘અવેન્જર્સ: એન્ડગેમ’ની વાત કરીએ તો, એ ફિલ્મ 3 કલાકથી વધુ ચાલતી અનેક સુપરહીરોઝની વાર્તા હતી. 2019માં ફિલ્મની રિલીઝ વખતે તો લોકો ઇન્ટરનેટ પર એમ પણ મજાકમાં કહેતા હતા કે આટલા સમયમાં રેસ્ટરૂમ વિઝિટ કરવાની જરૂર પડે તો પણ આ ફિલ્મ તો કોઈપણ હિસાબે જોવી જ રહી.

જેમ્સ કેમરોનની જ ‘એવેટાર’ની સિક્વલ ‘એવેટાર: ધ વે ઓફ વોટર’ (2022)ની લંબાઈ તો તેનાથી પણ વધુ 3 કલાક ને 12 મિનિટ હતી, છતાં એ ફિલ્મ આજે સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ્સની યાદીમાં ત્રીજા સ્થાને છે. ફિલ્મની લંબાઈ નહીં, પણ દર્શકોને મનોરંજન પણ વધુ મળી રહ્યું છે અને આવી ફિલ્મ્સ લગભગ 3 મિલિયન જેટલી કમાણી કરાવી આપી છે.

ગયા વર્ષે આવેલી ‘ઓપનહાઈમર’ પણ 3 કલાકની ફિલ્મ હતી અને દર્શકોએ એ ગંભીર બાયોપિકને ખૂબ પસંદ કરી છે. 2022માં રિલીઝ થયેલી ‘ધ બેટમેન’ 2 કલાક 56 મિનિટની ફિલ્મ હતી, અને લોકોએ આ નવી એક્શન અને મિસ્ટ્રી થ્રીલરને પસંદ કરી હતી. આ ઉપરાંત ડેનિયલ ક્રેગની જેમ્સ બોન્ડની લેટેસ્ટ ફિલ્મ પણ લગભગ 2 કલાક 43 મિનિટ લાંબી હતી.

હાલમાં બોલિવૂડમાં પણ લાંબી ફિલ્મ્સનો જમણવાર જોવા મળી રહ્યો છે. શાહરુખ ખાનની ‘જવાન’ (2023) 2 કલાક 50 મિનિટની ફિલ્મ હતી અને તે તેના ફેન્સમાં ખૂબ જ લોકપ્રિય રહી. લાંબી ફિલ્મ હોવા છતાં તેની એક્શનથી ભરપૂર વાર્તા અને માવજત દર્શકોની પસંદ બની હતી.

આપણ વાંચો: જ્યારે દિગ્ગજ સ્ટાર્સ સેટ પર ટકરાય…

‘બ્રહ્માસ્ત્ર’ ટ્રિલજીની પહેલી ફિલ્મ 2 કલાક 47 મિનિટ લાંબી હતી, જેમાં ભવ્ય વિઝ્યુઅલ્સ અને ફેન્ટસી દૃશ્યોએ દર્શકોને એટલા સમય માટે બાંધી રાખ્યા હતા. ‘ટાઇગર ઝિંદા હૈ’ (2017) લગભગ 2 કલાક 41 મિનિટ લાંબી હતી. 2023ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર 2’ પણ 2 કલાક અને 53 મિનિટ લાંબી હતી.

આ જ રીતે , દક્ષિણ ભારતીય ફિલ્મ્સ પણ લાંબી હોવા છતાં ધમાલ મચાવે છે. ‘કેજીએફ ચેપ્ટર 2’ 2 કલાક 48 મિનિટ લાંબી હતી અને તેની એક્શન સાથે સ્ટોરીનું મિશ્રણ દર્શકોમાં અત્યંત લોકપ્રિય રહ્યું. ‘પુષ્પા: ધ રાઇઝ’ (2021) 2 કલાક 59 મિનિટ સાથે પણ દર્શકો માટે એક મજબૂત ફિલ્મ બની. ‘આરઆરઆર’ લગભગ 3 કલાક 8 મિનિટ લાંબી હતી છતાં તેના જોરદાર મેકિંગના કારણે તેને વિશ્વભરમાં ચાહના મળી.

આ બધાં જ ઉદાહરણો સ્પષ્ટ રીતે બતાવે છે કે જો વાર્તા સારી હોય અને રજૂઆત મનોરંજક હોય તો દર્શકો ફિલ્મની લંબાઈને અવગણીને પણ એ જોવા તૈયાર છે. આજે જ્યાં સામાન્ય ફિલ્મ્સ બે કલાકથી પણ ઓછા સમયની થવા લાગી છે ત્યાં લાંબી અને સારી ફિલ્મ્સ પણ બ્લોકબસ્ટર સાબિત થાય છે. લોકોને ટૂંકું ક્ધટેન્ટ તો જોઈએ જ છે, પણ એમને લાંબી ફિલ્મોથી તકલીફ છે એવું પણ નથી. લાંબી ફિલ્મોની ટૂંકી વાત એ કે દર્શકો એ પણ જુએ જ છે. શરત માત્ર એટલી કે ફિલ્મ મજેદાર હોવી જોઈએ!

લાસ્ટ શોટ

2021માં આવેલી ઝેક સ્નાઈડરના સ્પેશ્યલ ડિરેક્ટર કટવાળી ‘જસ્ટિસ લીગ’ ફિલ્મ 4 કલાકથી પણ વધુ લાંબી હતી અને તેની રિલીઝની ખાસ માગણી કોણે કરી હતી?
દર્શકોએ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button