શો-શરાબાઃ લાઇટ્સ-કેમેરા…ઔર આરામ?! | મુંબઈ સમાચાર
મેટિની

શો-શરાબાઃ લાઇટ્સ-કેમેરા…ઔર આરામ?!

  • દિવ્યકાંત પંડ્યા

દીપિકા પાદુકોણે તાજેતરમાં પોતાના કરારમાં સ્પષ્ટ રીતે 8 કલાકની શિફ્ટની શરત મૂકી છે, જેના કારણે આખા બોલિવૂડમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. દીપિકા બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. એના માટે મેગા-પ્રોજેક્ટ છોડવો સહેલું નથી, છતાંયે એણે ‘સ્પિરિટ’ અને ‘કલ્કિ 2898 એડી’ની સિક્વલમાંથી પીછેહઠ કરી, કારણ કે એ પોતાના નિયમો પર સમાધાન કરવા તૈયાર નહોતી (આમાં એના સ્ટાફ માટે વધુ સગવડનો મુદ્દો પણ છે, પણ તેની ચર્ચા અહીં અસ્થાને છે).

આ ઘટના એટલા માટે મહત્ત્વની છે કે બોલિવૂડમાં વર્ષોથી ફિલ્મ સેટ્સ પર 12 થી 16 કલાક કામ કરવું સામાન્ય બાબત માનવામાં આવી છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની પરિસ્થિતિ ક્યારેક શોષણ જેવી લાગે છે. શૂટિંગની શરૂઆત સવારે 7 વાગ્યે થાય અને ઘણી વાર મધરાત બાદ સુધી લંબાય છે. કલાકારો, ખાસ કરીને હીરોઇનોને મેકઅપ અને કોસ્ચ્યુમ માટે વધારાનો સમય આપવો પડે છે.

સ્પોટ બોય, લાઇટમેન, ડ્રાઇવર્સ, સ્પોટ બોય, મેકઅપ આર્ટિસ્ટ અને ટેક્નિશિયન તો કલાકારોથી પણ વહેલા આવે છે અને સૌથી મોડા જાય છે. એમને યોગ્ય ઓવરટાઇમ કે આરામની તક બહુ ઓછી મળે છે. દીપિકાનો આ મુદ્દો માત્ર કલાકારો માટે જ નહીં, પરંતુ હજારો ક્રૂ મેમ્બર્સ માટે જીવન બદલાવી શકે એવો છે.

આમ તો આ સમસ્યા નવી નથી. 2012માં ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સીને એમ્પ્લોયીઝએ લાંબી હડતાલ કરી હતી. એમની માગણીઓમાં 12 કલાકથી વધુ શિફ્ટ ન કરવા, ઓવરટાઇમના યોગ્ય પૈસા અને કામ દરમિયાન આરામની સુવિધાઓ સામેલ હતી. થોડા દિવસો સુધી કામ ઠપ્પ પણ રહ્યું હતું, પણ અંતે સમાધાન એવી રીતે થયું કે નિયમો કાગળ પર તો લખાયા, પરંતુ અમલમાં આવ્યા નહીં.

હોલિવૂડ અને યુરોપિયન સિનેમા સાથે તુલના કરીએ તો સ્પષ્ટ ફરક દેખાય છે. હોલિવૂડમાં SAG-AFTRA (Screen Actors Guild) ) અને Directors Guild of જેવાં મજબૂત સંગઠનો છે, જે કલાકારો અને ક્રૂના હક માટે કડક વાટાઘાટ કરે છે. અમેરિકામાં સામાન્ય રીતે એક શૂટિંગ દિવસ 10 કલાકનો હોય છે અને તેનાથી વધારે થયા પછી ઓવરટાઇમનો દર ખૂબ ઊંચો હોય છે. યુરોપમાં તો લેબર લોઝ વધુ સખત છે. ત્યાં દિવસમાં 8 થી 9 કલાકથી વધુ કામ કરાવવું કાનૂની ગુનો ગણાય છે. ભારતે હજુ સુધી આવી મજબૂત સિસ્ટમ વિકસાવી નથી.

વર્ષોથી ઘણા કલાકારો લાંબા કામકાજના કલાકોની ફરિયાદ કરતા આવ્યા છે. અક્ષય કુમાર લાંબા સમયથી કહેતો આવ્યો છે કે તે રાત્રે મોડે સુધી કામ કરતો નથી અને વહેલી સવારે શૂટિંગ પસંદ કરે છે. એના આ નિયમોને કારણે ઘણી વાર એને પ્રોડ્યૂસર સાથે મતભેદ થયા છે, પરંતુ એણે પોતાના ‘અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઇઝ’ શેડ્યૂલમાં સમાધાન કર્યું નથી.

પ્રિયંકા ચોપરાએ જ્યારે હોલિવૂડમાં કામ શરૂ કર્યું ત્યારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ત્યાંની શૂટિંગ સિસ્ટમ જોઈને એને આશ્ર્ચર્ય થયું, કારણ કે સમયની સ્ટ્રીક્ટનેસ હોવા છતાં કામ બહુ સ્મૂધ રીતે ચાલતું હતું. પંકજ ત્રિપાઠીએ પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મના સેટ પર ઘણીવાર એને 16 થી 18 કલાક સુધી કામ કરવું પડ્યું છે. એનું માનવું છે કે ક્રિએટિવિટી માટે જો શરીર અને મન થાકેલું હોય, તો પરફોર્મન્સ પર તેનો સીધો પ્રભાવ પડે છે.

ટીવી ઈન્ડસ્ટ્રીમાં પરિસ્થિતિ તો હજુ કઠિન છે. બરુણ સોબતીએ સ્વીકાર્યું હતું કે એ જ્યારે ટીવી શોમાં કામ કરતો હતો ત્યારે ઘણીવાર 20-22 કલાક સુધી શૂટિંગ ચાલતું હતું. સિરિયલના એપિસોડ ડેઇલી ટેલિકાસ્ટ થવાના હોવાથી, ચેનલ અને પ્રોડ્યુસર્સ પર સમયનો ભાર રહે છે, અને તેની અસર કલાકારોની હેલ્થ પર પડે છે. ફિલ્મ્સની તુલનામાં ટીવી કલાકારો માટે વર્ક-લાઇફ બેલેન્સ રાખવું લગભગ અશક્ય બની જાય છે.

બીજી તરફ, દીપિકાના અભિગમ સાથે સૌ સંમત પણ નથી. નિર્માતા સુનીલ દર્શને તો સીધું કહી દીધું કે આ માગ અવાસ્તવિક છે. એ કહે છે કે જો 8 કલાકની શિફ્ટમાં કોઈ અભિનેતા સાચે 4 કલાક પણ કામ કરી લે તો નિર્માતા એના પગે પડે. એમની દલીલ એ છે કે ફિલ્મ બનાવવું એ નવથી પાંચની નોકરી જેવું નથી. અહીં સેટનો ખર્ચ મિનિટે મિનિટે વધી રહ્યો હોય છે. એ માને છે કે જો કલાકારો મર્યાદિત સમય કામ કરે તો પ્રોડક્શન ધીમું પડી જાય અને બજેટ ઉપર જાય.

જયારે અનુરાગ બાસુ જેવા ડિરેક્ટરે ખૂલીને કહ્યું છે કે એ દીપિકાના વિચાર સાથે સહમત છે. જો આયોજન યોગ્ય હોય તો 8 કલાકની અંદર પણ ફિલ્મિંગ સફળતાપૂર્વક થઈ શકે છે. ફરાહ ખાન જેવી નિર્દેશિકાનો અભિગમ થોડો અલગ રહ્યો છે. એણે કહ્યું કે લાંબી શિફ્ટસ ઘણી વાર અનિવાર્ય બને છે, પરંતુ તેનો અર્થ એ નથી કે થાકીને કલાકારોને કચડી નાખવા જોઈએ. કેટલીકવાર લાંબી શિફ્ટ ચાલે, પરંતુ તેને નિયમિત બનાવવી યોગ્ય નથી.

દીપિકા પાદુકોણે પોતે 2015માં જાહેરમાં સ્વીકાર્યું હતું કે તે ડિપ્રેશન સામે લડી હતી અને ત્યારથી એણે ‘ધ લિવ લવ લાફ ફાઉન્ડેશન’ શરૂ કરી, જે માનસિક સ્વાસ્થ્ય અંગે અવાજ ઉઠાવે છે. એનો 8 કલાકની શિફ્ટ માટે આગ્રહ માત્ર વ્યક્તિગત આરામ માટે નથી, પણ મનોરંજન દેવની કૃપાથી માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલું એક મિશન છે!

લાસ્ટ શોટ

બનિતા સંધુએ ખુલાસો કર્યો હતો કે એક ફિલ્મમાં 18 કલાકથી વધુ શૂટ કરાવાયું હતું અને જ્યારે એણે વિરોધ કર્યો, ત્યારે એને બ્લેકલિસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી…

આપણ વાંચો:  બચ્ચે તો બચ્ચે… ‘બાપ’ રે ‘બાપ’!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button