મેટિની

સ્ટાર-યાર-કલાકારઃ કુંદન શાહ: કોમનમેનનો અનકોમન અણમોલ લેખક-નિર્દેશક

સંજય છેલ

એ માણસે કારકુન જેવું ટેરેલીનનું શર્ટ, લૂઝ પેંટ, ફાટેલા જૂતાં અને લાંબી છત્રી લઇને પોતાની પહેલી ફિલ્મ બનાવેલી.એ માણસના દેખાવ પર, એના દેખાવ, એની વાતો પર મજાક કરતું તો કોઇ એની વિચિત્ર કોઇ સ્ક્રિપ્ટ હસતું. પણ એ માણસે માત્ર 1982માં ત્યારે માત્ર 4 લાખના બજેટમાં 1982કલ્ટ કોમેડી ફિલ્મ `જાને ભી દો યારોં ‘ બનાવી. જ્યારે ફિલ્મો 25 થી 30 લાખના ખર્ચે બનતી.

એ માણસે લગભગ બધાં નવા લોકોને લઇને મુંબઇની સડકો પર વિના પરમિશન વિના પૈસે ભારતની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મ બનાવી શક્યો. એ માણસે યે જો હૈ ઝિંદગી'નુકક્ડ’ – સર્કસ’ અનેવાગલે કી દુનિયા’ જેવી અનેક હિટ ટીવી સિરિયલો બનાવીને 1985 થી 1990 સુધી લાખો રૂપિયા કમાયો.. છતાંયે એ સાદાઇથી મુંબઇની ભીડભરી બસમાં પ્રવાસ કરતો અને જૂની સ્ક્રિપ્ટના કાગળો પાછળ નવી સ્ક્રિપ્ટ લખતો..

એ માણસે દેશભરના લોકોની ચાહના જીતી લે એવી ફિલ્મ જાને ભી દો યારો’ જેવી ક્લાસિક ફિલ્મ બનાવી હતી, છતાંયે 11 વરસ સુધી બીજી ફિલ્મકભી હાં કભી ના’ બનાવવા માટે જાલિમ સંઘર્ષ કર્યો. એ માણસે દિલ્હીથી ખાસ મુંબઇ સુધી શાહરૂખ નામના નવા છોકરાને બોલાવીને નેશનલ લેવલ પર ચમકાવેલો. એ માણસ મર્યો ત્યાં સુધી એની પાસે ના બનેલી 40-થી 50 સ્ક્રિપ્ટો તૈયાર હતી. એ સ્ક્રીપ્ટ નહોતી સપનાઓનો ખડકલો હતો. એ માણસ એટલે ગુજરાતનું સાચું ગૌરવ- ઈન્ટેલિજન્ટ એંગ્રી અને ફની કોમનમેન કુંદન શાહ.

2017માં ઊંઘમાં જ વિદાય લેનાર લેખક નિર્દેશક કુંદન ના હોત તો હું કયારેય કોમેડી કે સેટાયરવાળી ફિલ્મો-સિરિયલો લખી ના શકયો હોત. મારા જેવા સાવ અજાણ્યા ગુજરાતી નવા લેખકને કુંદને નુક્કડ-2'માં સ્ક્રિપ્ટ લખવા આપી. જયારે પહેલીવાર કુંદનને મેં એનેકુંદનજી’ કહ્યું ત્યારે એણે કહયું: જી’ શું છે? તું કોઈ રાજકિય પાર્ટીની ઓફિસમાં આવ્યો છે કે ઈંદિરાજી-બાજપેયીજીની જેમ મને `જી’ કહીને બોલાવે છે? કોલ મી ઓન્લી, કુંદન!’ એ કુંદન ના હોત તો મને છેવાડાના માણસો,સંઘર્ષ કરતા લોકો,કોમનમેન વિશે વિચારવાની દ્રષ્ટિ જ ના મળી હોત.

કુંદન અતિશય ટેમ્પેરામેંટલ પણ અદ્ભુત માણસ હતો. 90ના દાયકાની ફિલ્મી દુનિયામાં ખૂબ વર્ગવાદ હતો. નિર્માતા નિર્દેશક, અભિનેતાઓ, આસિસ્ટન્ટ ડિરેકટરોને પિયૂન જેમ ગણતા ત્યારે કુદંન લાઈટમેન કે સ્પોટબોય સાથે જમવા બેસતાં. કુંદન, સઈદ ને અઝિઝ મિર્ઝાની ઓફિસ એક એવી જગ્યા હતી જે અમારાં જેવા સ્ટ્રગલરો માટે સદાવ્રત કે લંગર સમાન હતી. હું, નીરજ વોરા, આશુતોષ ગોવારીકર ને શાહરૂખ ખાન વગેરે બપોરના સમયે ત્યાં અમસ્તાં જ પહોંચી જતાં. અમને સૌને જમવાનું મળતું. અમારા જેવા કેટલાય સ્ટ્રગલરોનું એ `માવતર’ હતું.

સઈદ-અઝિઝ અને કુંદન એ હદે લિબરલ કે ઉદાર હતા કે પોતાનો પ્રોફિટ સૌમાં વહેંચી દેતાં! મારા જેવા નવા લેખકને સામેથી બોલાવીને 1993-94 માં 8000નો ચેક આપતાં ને મારું ગુજરાન ચાલે એટલે એક મહિનામાં વધુમાં વધુ એપિસોડ લખવા મળે! મારાં જેવા અનેક સ્ટ્રગલરોમાં એક હતો શાહરૂખ, જે દિલ્હીથી આવીને કુંદન અને મિર્ઝા ભાઈઓની ઓફિસમાં જ મહિનાઓ સુધી રહેતો! મુંબઈની કમીની કમર્શિયલ મતલબી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આવું કોણ કરે?

`જાને ભી દો યારો’ આજે પણ કુંદન શાહની એ ફિલ્મ છે જે 25 મહાન ફિલ્મોમાં ગણાય છે જેની અદ્ભુત સ્ક્રિપ્ટ કુંદને લખેલી. કુંદન ને મિર્ઝા ભાઈઓની ઓફિસ એક એવી અનામ યુનિવર્સિટી હતી કે જ્યાંથી ગ્રેજયુએટ થઈને નીકળેલા અમારાં જેવા અનેકોની કેરિયર આજ સુધી ચાલી. કુંદને ગુજરાતી માધ્યમમાં ભણેલ,મારાં જેવા છોકરોને અંગ્રેજીમાં લખતો કર્યો. મારા વિચારોમાં મોર્ડન લિબરલ, નીડર, કોમવાદ વિરુદ્ધનાં વિચારો વાવી દીધાં.

આમ તો પોતે કુંદન એ હદે કંજૂસ કે વડાપાંવ પણ એ રીતે વિચારીને ઓર્ડર કરે જાણે કોહીનૂર હીરો ખરીદતો હોય પણ દિલનો એટલો દિલાવર કે નુક્કડ’ની સ્ક્રિપ્ટમાં 30-30 કલાકારોને સમાવી શકાય એવી સ્ક્રિપ્ટ લખાવડાવે. જો કોઈ કલાકારનો એમાં રોલ ના હોય તો સામેથી કહે,એ સંજય, પેલા એક્ટરનો એકાદ ડાયલોગ નાખી દે. એ બિચારાની એક એંટ્રીથી એનો ચેક બની જશે!!’

આજે ગુજરાતી અસ્મિતાનો આ અનોખો સેટાયરીસ્ટ લેખક-નિર્દેશક ગુજરી ગયો ત્યારે એક વાતની દિલમાં ટીસ ઊઠે છે કે આપણા ગુજરાતીઓએ સમાજે કે સરકારે એનું કયારેય યોગ્ય સન્માન ના કર્યું. એને કયારેય પોતાનો ગરવો ગુજરાતી ના ગણ્યો. બાવા-બાપુ ને નેતાઓની આરતી ગાનાર અને 10-12 લોકોને વારેવારે વધાવનાર ગુજરાતી મીડિયાએ ભાગ્યે જ કુંદનને `ગુજરાતી’ તરીકે નવાજયો.

કુંદન શાહ એ હસ્તી હતી કે જેની સેંસ ઓફ હ્યુમર’ પર મહાન કાર્ટૂનીસ્ટ આર.કે. લક્ષ્મણ પણ ફિદા હતાં.વાગલે કી દુનિયા’ નામની સિરિયલ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં લક્ષ્મણનાં કાર્ટૂનોમાં આવતાકોમનમેન’ પર આધારિત હતી. હકીકતમાં કુંદન પોતે જ ખરો કોમનમેન’ હતો, જે સિસ્ટમ- સરકાર- સમાજ સામે હસતાં હસાવતાં આક્રોશ પ્રગટ કરતો. ખરેખર તો કુંદન જેટલોકોમનમેન’ હતો એટલો જ ફિલ્મ લાઈનમાં `અનકોમન’ હતો.

નિર્માતાઓ સામે લડનાર જિદ્દી અને શાહરૂખ જેવા સ્ટારને પણ 35-40 વાર એકનો એક શોટ આપવા રીટેક કરાવીને થકવી દે એવો નિર્દેશક હતો. આ કુંદને ભારતની પહેલી કોમેડી સિરિયલ યે જો હૈ ઝિંદગી’ બનાવેલી જે સુપરહિટ હતી, જેમાં સંવાદો લખવા માટે એ હિંદી વ્યંગકાર શરદ જોષીને પહેલીવાર લઈ આવેલો પછી કુંદન-સઈદ-અઝિઝ મિર્ઝાએ સડક પરનાં સામાન્ય માણસો વિશેનીનુક્કડ’ જેવી અદ્ભુત સિરિયલ બનાવી, જેમાં મોચી, ઝાડુવાળી, ચા વાળો, સાઈકલ-મેકેનિક, હવાલદાર જેવાં પાત્રો પહેલીવાર મુંબઈના કોઇ નાકે ધમાલ કરતાં દેખાયાં.

હસતાં હસતાં રડાવી દેતી એ સિરિયલ પછી આજ સુધી એવી સિરિયલ બની નથી કે બનશે પણ નહીં, કારણ. કે આજે તો સાસ-બહુની સિરિયલોના જમાનામાં કોણ ઝાડુવાળા કે મોચી કે પાનવાળી જેવાં પાત્રોની વાર્તા વિચારે?

નુક્કડ' સિરિયલમાં એક શરાબીનું પાત્ર હતું:ખોપડી’, જે દારૂના નશામાં સમાજ પર કટાક્ષ કરી દેતો જેના રાજ કપૂર પણ ફેન હતા. મને ગર્વ છે કે હું પણ એમાં શામિલ હતો! હવે નસીદ્દીન શાહ જેવાં કુંદનને યાદ કરીને જૂઠ્ઠી શ્રદ્ધાંજલિ આપતા એને જિનિયસ કહે છે પણ `જાને ભી દો યારોં’ વખતે નસીરને એ ફિલ્મમાં કે કુંદનમાં જરાયે ભરોસો નહોતો! કુંદનને આમેય એકટરો સામે ને ખાસ તો સ્ટાર સામે બહુ વાંધા હતા.

કભી હાં કભી ના’ ફિલ્મ પછી શાહરૂખે કયારેય કુંદન સાથે કામ ના કર્યું, કારણ કે કુંદન એને ઓવર એક્ટિંગ માટે ખરેખં સંભળાવી દેતો. જોકે શાહરૂખે જકભી હાં કભી ના’ પોતાને પૈસે રિલિઝ કરેલી એટલું એને કુંદન પર માન પણ હતું. એ વિશે હું શાહરૂખને ઘણીવાર ફરિયાદમાં કહેતો: એક ફિલ્મ તો કર કુંદન સાથે!’ ત્યારે એ કહેતો,હી ઈઝ ગ્રેટ, બટ મેડ!’ હા, કુંદન મેડ ને જિદ્દી હતો જ. છેલ્લે મલ્લિકા શેરાવત સાથે ફિલ્મ બનાવતી વખતે ફિલ્મ શરૂ થતાં પહેલાં જ ઝગડી પડેલો, કારણકે મલ્લિકા પોતાનો કેમેરામેન લાવવા માગતી હતી! મેં મધ્યસ્થી કરવાની નાકામ કોશિશ કરેલી.પણ કુંદન શાહ ખુદ્દાર નિર્દેશક હતો.

કુંદન રોજે રોજ મહિનાઓ સુધી સ્ક્રિપ્ટ લખ્યાં જ કરતો, ફિલ્મ બને કે ના બને! મૃત્યુના અઠવાડિયા અગાઉ કુંદને ફોન કરીને કહેલું, `સંજય, હું ફસાઈ ગયો છું એક પ્રોડયુસરે મને ફિલ્મ માટે સાઈન કર્યોં છે. હવે તો બનાવવી પડશે યાર!’

મેં કહ્યું, કુંદન, તમે નહીં, પેલો પ્રોડયુસર ફસાયો છે!’ પછી અમે બેઉ બહુ હસેલાં! કુંદન, ભલભલાને ફસાવી કે હસાવી દે એવો જિનિયસ હતો.ચાલ, બે-ચાર દિવસમાં મળીએ ને પાર્ટી કરીશું’ એ છેલ્લી વાત થઈ ને અઠવાડિયામાં જ સૌને ફસાવીને અચાનક જતો રહ્યો પોતાનો આક્રોશ, અધૂરા સપનાં ને વ્યંગ્ય બધું પાછળ મૂકીને!
કુંદનને આવો ઇમોશનલ લેખ ના ગમ્યો હોત ને કહ્યું હોત: `શું યાર,આમાં હ્યુમર ક્યાં છે? કિધર હૈ પંચ?’ જો મૃત્યુ એક જોક હોય તો એની પંચલાઇનને હવે કોણ પૂરી કરશે?

આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકારઃ ધ વિજય તેંડુલકર: નાટક-સિનેમાનો બિંદાસ-બેબાક તેજાબી અવાજ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button