કિસ્સા ‘કોન્ટ્રોવર્સિયલ’ ફિલ્મોના…

મહેશ નાણાવટી
થોડા દિવસો પહેલાં રાજકીય પાર્ટીઓએ 1976માં લાદવામાં આવેલી ઇમરજન્સીની વર્ષગાંઠ યાદ કરાવીને પોલિટિક્લ માઇલેજ લેવાની કોશિશ કરી એના પરથી અમુક ફિલ્મોના કિસ્સા યાદ આવી ગયા. સૌથી પહેલો કિસ્સો તો ‘કિસ્સા કૂર્સી કા’નો જ યાદ કરીએ. આજની યુવાપેઢીને તો ખબર પણ કયાંથી હોય કે એ સમય કેવો હતો? પરંતુ હિંમત કહેવાય અમૃત નાહટા નામના પ્રોડ્યુસરની, જેણે આ ફિલ્મ બનાવી અને રિલીઝ (ખરો ઉચ્ચાર ‘રિલીસ’! ) પણ કરી, એ પણ ઇમરજન્સીના વખતમાં જ! જોકે, તરત જ સરકારના ‘આંખ-કાન’ કહેવાય એવા લોકોનું ધ્યાન પડયું કે આ તો હળાહળ સરકાર વિરોધી ફિલ્મ છે! એટલે ‘ઉપરથી’ આદેશ થતાંની સાથે જ ફિલ્મની તમામ પ્રિન્ટો જપ્ત કરી લેવામાં આવી! એટલું જ નહીં, કહે છે કે ફિલ્મની માસ્ટર નેગેટીવ પણ જપ્ત કર્યા પછી એ તમામ પ્રિન્ટોને (બીજે કયાંય નહીં પણ) કહેવાય છે, કે ‘મારુતી’ કારના પ્લાન્ટમાં જ સળગાવી દેવામાં આવી હતી!
ખેર, ફિલ્મનો તો ‘નાશ’ થઇ ગયો, પરંતુ જયારે ઇમરજન્સી હટી પછી નવી સરકાર સત્તામાં આવી ત્યારે પ્રોડયુસર અમૃત નાહટાએ ફરી રૂપિયા ખર્ચીને એકડે એકથી આખી ફિલ્મ ફરીથી બનાવી. સ્વાભાવિક છે કે આટલી બધી ચર્ચાસ્પદ બનેલી ફિલ્મ રિલીઝ થાય ત્યારે તો સનસનાટી મચી જવી જોઇએ, પરંતુ એવું કંઇ ખાસ થયું નહીં કેમ કે ફિલ્મમાં જે ભારેખમ ‘સિમ્બોલીઝમ’ હતું કે લોકોને ખાસ સમજાયું નહીં. ઇન્ટેલેકચ્યુઅલ ટાઇપના દર્શકોને પણ નહીં !
દાખલા તરીકે ફિલ્મનું મુખ્ય પાત્ર ગંગુ, જે બિચારો મામુલી નૌટંકીનો કલાકાર છે, એને ‘લોકશાહી’ની ગોળી પીવડાવીને ‘સમાજવાદી’નું ઇન્જેકશન લગાવીને તૈયાર કરવામાં આવે છે, જેથી એ ‘જનતા’ નામની એક ‘ગૂંગી’ ીને પટાવી શકે! (એ ગૂંગી ીનો રોલ શબાના આઝમીએ કર્યો હતો.)
આપણ વાંચો: Happy Birthday: જન્મદિવસે અભિનેતાએ ફેન્સને આપી ગિફ્ટ, રિલિઝ કર્યું ટીઝર…
આવી જ વધુ એક ‘કટોકટી’માં ફસાયેલી ફિલ્મ હતી આઇ.એસ. જોહરની ‘નસબંદી’! આ ફિલ્મ તો રિલીઝ થાય એ પહેલાં જ એની ઉપર બૅન લગાવી દેવામાં આવ્યો હતો.
જોકે સત્તાપલટો થયા પછી થિયેટરોમાં આવેલી આ ફાર્સિકલ કોમેડીને ‘ધાર્યો હોય’ એવો જ રિસ્પોન્સ મળ્યો હતો..! અહીં ‘ધાર્યો હોય’નો મતલબ એ છે કે આઇ.એસ. જોહરની આ ફિલ્મે રિલીઝ પહેલાં જ ટિપિકલ જોહર સાહેબના મિજાજ મુજબની રમૂજી હવા ઊભી કરી હતી, કેમકે ફિલ્મમાં જે મુખ્ય કલાકારો હતા એ ચારેય એકટરો જાણીતા સ્ટારના ‘ડુપ્લિકેટ’ હતા! એમનાં નામો પણ ‘અનિતાવ બચન’, ‘કનોજ કુમાર’, ‘શાહી કપૂર’ અને ‘રાકેશ ખન્ના’ હતાં ! ઉપરથી એમાં એક ‘સેવાનંદ’ પણ હતો.
મજાની વાત એ પણ હતી કે ફિલ્મમાં જીવન નામના કલાકાર જે પાત્ર ભજવે છે એ વારંવાર ‘જય મારુતિ’ બોલ્યા કરે છે! ફિલ્મનાં ગાયનો પણ પેરોડોથી ભરપૂર હતાં, જેમ કે ‘કયા મિલ ગયા સરકાર, ઇમરજન્સી લગા કે…’ ‘હમેં તો માર દિયા કહી ટોપીવાલોં ને’ વગેરે, પરંતુ ફિલ્મની જે ‘ચીપ’ હવા ઊભી થઇ એના કારણે એને પ્રેક્ષકો પણ એવા જ મળ્યા! સરવાળે, જેને ‘એન્ટિ એસ્ટાબ્લિશમેન્ટ’ વાળી અથવા ‘વિદ્રોહી’ કહેવાય છે એવી એ ફિલ્મ નીકળી નહીં.
આપણ વાંચો: બોલિવૂડના આ કિસના કિસ્સાઓથી મચી હતી ધમાલ
જોકે આ તો ઇમરજન્સી વખતની ફિલ્મો હતી, પરંતુ સેન્સર બોર્ડ અથવા બીજા કારણસર જેની બહુ મોટી હવા ઊભી થઇ હોય અને પછી એ ફિલ્મ સાવ ‘ફૂસ’ નીકળી હોય એમાં અનુરાગ કશ્યપની ‘પાંચ’ને જરૂર યાદ કરવી જોઇએ.અનુરાગ કશ્યપે બનાવેલી આ પહેલી ફિલ્મ હતી, જે સેન્સર બોર્ડમાં રજૂ થઇ ત્યારે બોર્ડે તેને ‘અતિશય હિંસક’ ગણાવીને એમાં અનેક કાપકૂપ કરવાની વાત કરી હતી. તેની સામે અનુરાગ કશ્યપે, કહેવાય છે કે, એવી ઉગ્ર ભાષામાં દલીલો કરી કે સેન્સર બોર્ડે તેને રજૂઆતની પરવાનગી આપવાનો જ ઇનકાર કરી દીધો!
આમાં સરવાળે અનુરાગ કશ્યપને ફાયદો જ થયો, કેમ કે તેની ઇમેજ એક ‘વિદ્રોહી’ ફિલ્મકારની બની ગઇ. ત્યારબાદ એણે બનાવેલી ‘ગુલાલ’ પણ કોઇ કારણસર રિલીઝ જ ન થઇ શકી. છેવટે ‘દેવ-ડી’ અને ‘બ્લેક-ફ્રાઇડે’ બાદ પેલી કહેવાતી અતિશય હિંસક ફિલ્મ ‘પાંચ’ કોઇપણ જાતની કાપકૂપ વિના સેન્સર બોર્ડમાંથી પસાર થઇ ગઇ!
આજે એ ફિલ્મ યુ-ટયૂબ ઉપર ઉપલબ્ધ છે. એ જોતાં જરૂર એમ થાય કે ‘લો, આમાં તે વળી શું વાંધાજનક હતું? પરંતુ કયારેક એ ‘વાંધો’ જ કોઇને ફાયદો કરાવી જતો હોય છે.
આપણ વાંચો: ‘બિગ બૉસ’ના 16 વર્ષના ઇતિહાસમાં આટલા સેલિબ્રિટિઝ બન્યા છે વિજેતા, કોણ હતા?
આવો જ કિસ્સો હોલિવૂડના મશહૂર કોમેડિયન કમ ડિરેક્ટર વૂડી એલનની ફિલ્મ ‘બ્લુ જાસ્તિન’નો છે. 2013માં આ ફિલ્મને ભારતીય સેન્સર બોર્ડે તો વિના કાપકૂપ મંજૂર કરી દીધી હતી, પરંતુ એ ફિલ્મ ભારતમાં રિલીઝ કરવાની ખુદ વૂડી એલને જ ના પાડી દીધી હતી! શા માટે? તો એની પાછળનું ‘સૈદ્ધાતિક કારણ’ એવું આપવામાં આવ્યું હતું કે થિયેટરોમાં દરેક ફિલ્મ પહેલાં જે કેન્સર વિરોધી શોર્ટ ફિલ્મ બતાડવામાં આવતી હતી તે વૂડી એલનને ‘મંજૂર’ નહોતું!
આના કારણે થયું એવું કે ભારતની જે ‘સ્યુડો વાણીસ્વાતંત્ર્ય’વાળી એક એલિટ પ્રજા છે તેમાં આ બહુ મોટો ‘ઇશ્યુ’ બની ગયો. એના કારણે એ ફિલ્મની ડીવીડીનો ભાવ બીજા સામાન્ય ફિલ્મો કરતાં દસ ગણો વધારે રાખવામાં આવ્યો હતો. તેના ઑર્ડર ખાસ્સી મોટી સંખ્યામાં બુક થઇ ગયા!
ટૂંકમાં, જે ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઇ હોત તો કયારે આવીને જતી રહી તેની નોંધ પણ ન લેવાઇ હોત. તેણે ભારતીય સિદ્ધાંતવાદીઓના ખિસ્સામાંથી પોતાને જોઇતી કમાણી કરી લીધી? ના, આવું કંઇક નહીં, પણ આનાથી ઊલટું, એક ભારતીય ફિલ્મ સાથે બન્યું હતું. જેનું નામ હતું. ‘ઓમ દર-બ-દર’ 1988માં બનેલી આ ફિલ્મને ફિલ્મ ફાઇનાન્સ કોર્પોરેશનની લોન વડે બની હતી, પરંતુ ફિલ્મના મેકર કમલ સ્વરૂપને ‘એનએફડીસી’ના તે સમયના મુખ્ય કર્તા હર્તા સાથે કોઇ વાતે એટલી હદે બોલાચાલી થઇ ગયેલી કે તે અધિકારીએ ‘ઓમ-દર-બ-દર’ની માસ્ટર નેગેટિવ જ નાશ કરી નાખી હતી!
આના કારણે કમલ સ્વરૂપ તે સમયના યુવા ફિલ્મકારોમાં ‘કલ્ટ-ફીગર’ બની ગયા હતા. વર્ષો પછી ફિલ્મની એક જ પ્રિન્ટ કયાંક ખસ્તા હાલતમાં મળી આવી ! તેને છેક 2014માં ‘રિ-સ્ટોર’ કરીને પહેલીવાર મુંબઇમાં એક ખાસ શો રાખીને પ્રદર્શિત કરવામાં આવી હતી. જોકે ત્યારથી અત્યાર સુધી કમલ સ્વરૂપે બીજી કોઇ ફિચર ફિલ્મ બનાવી નથી.