મેટિની

ફિલ્મનામાઃ નિર્દોષ સાબિત થવા માટે હત્યા કરવી ફરજિયાત છે!

નરેશ શાહ

પાંચ-છ વરસની બાળકી ધરાવતાં ચિત્રકાર દંપતીનું જીવન દેખીતી રીતે ખુશહાલ છે ,પરંતુ પતિ-પત્નીમાં બીજા સંતાન બાબતે મતભેદ છે. પત્ની બીજું બાળક ઝંખે છે અને ખૂબ બધી મથામણ પછી પતિદેવ બીજા બાળકના પ્લાનિંગ માટે તૈયાર થયા છે. એ માટેનું સ્થળ બન્ને નક્કી કરે છે: પોતાનો જ સ્ટુડિયો.

પત્ની યુન જીન વરસાદી વાતાવરણમાં ખુશમિજાજ સાથે કાર ડ્રાઈવ કરીને સ્ટુડિયો પહોંચે છે. આજે અહીં જ સમાગમ કરવાનો પતિ-પત્નીનો નિર્ધાર હતો પણ… પત્ની યુન જીન સ્ટુડિયોમાં દાખલ થતાં જુએ છે કે પતિ અત્યંત ક્રૂર રીતે ચાકુના પ્રહારથી ઘાયલ થઈને કણસતો પડ્યો છે. પત્ની તેને ખોળામાં લઈ ઢંઢોળે છે. પોલીસને એમ્બ્યુલન્સ માટે આક્રંદ સાથે ફોન કરે છે પણ… પતિનું મૃત્યુ થાય છે.

પરિસ્થિતિ જોતાં પત્ની યુન જીન પણ શંકાના દાયરામાં આવે છે. તે પોતાના બચાવમાં કહે છે કે, સ્ટુડિયોમાં દાખલ થતાં પહેલાં તેણે મુખવટો પહેરેલી એક આકૃતિ જોઈ હતી. એ આકૃતિ મોટાભાગે પતિની પ્રિય સ્ટુડન્ટની હોય તેવું લાગતું હતું. તપાસમાં ખુલાસો થાય છે કે જે યુવતી પર પત્નીએ શંકાની સોય તાકેલી, એ યુવતી એ વખતે તો બીજા જ સ્થળે હતી અને…

પત્ની યુન જીનને કોર્ટ આજીવન કારાવાસની સજા આપે છે. કોર્ટમાં જતાં પહેલાં યુન જીન ન્યુઝ ટીવીના કેમેરાઓ સામે કરગરે છે કે, હું નિર્દોષ છું. મારા પતિની હત્યા મેં કરી નથી. મને તો મારી છ વર્ષની દીકરીની ચિંતા છે, વગેરે…

ન્યૂઝ બુલેટિનમાં પ્રસારિત થતાં યુન જીનનું ક્લિપગ એ જ શહેરના અન્ય વિસ્તારમાં આવેલા એક બંગલાના ડ્રોઈંગ રૂમમાં ઊભેલી યુવતી મો યુન જોઈ રહી છે. એ જ ડ્રોઈંગ રૂમમાં ડેન્ટલ ડોક્ટર દંપતી ખોરાકમાં આપેલાં ઝેરની અસરમાં તરફડી રહ્યાં છે. ત્યારે જ પોલીસ આવી જાય છે.

બે અલગ છેડે થયેલી હત્યાઓ, બે જુદી જ સ્ત્રીઓ અને ટ્વિસ્ટ અહીં આવે છે. પતિની હત્યામાં ગુનેગાર ઠરેલી પત્ની અને દંપતીને ઝેર આપીને મારી નાખનારી યુવતીને જેલમાં નાખવામાં આવે છે. જેલ એક જ છે. અહીં પેલી હત્યારી યુવતી (પતિની હત્યાની આરોપી) પત્નીને એક ઓફર આપે છે: તું ઈચ્છે તો તારા પતિની હત્યાનો આરોપ હું ઓઢી લઈને એ હત્યા કબૂલવા તૈયાર છું. હું એવું કરું તો તું નિર્દોષ છૂટીને તારી નાનકડી દીકરી પાસે જઈ શકીશ. તેનો ઉછેર કરી શકીશ નિરાંતે. આથી રૂડું બીજું શું હોઈ શકે? પત્ની-માતા યુન જીન આ ઓફરથી ઢીલી પડી જાય છે, પણ…

‘તારા પતિની હત્યાનું આળ હું લઈ લઉં પણ મારી એક શરત છે!’ યુવતી મો યુન પત્ની યુન જીન સમક્ષ શરત મૂકે છે: ‘બદલામાં તારે જેલમાંથી છૂટીને હું કહું એ વ્યક્તિનું ખૂન કરવું પડશે!’
તેને ખબર છે કે હવે તેણે ડેન્ટલ ડોક્ટર દંપતી (જેની હત્યા યુવતીએ ઝેર આપીને કરેલી)ના યુવાન પુત્રની હત્યા કરવાની છે…

ખુરશીની ધાર પર ખેંચી લાવે એવા રોમાંચ માટે તમારે કોરિયન ફિલ્મો અને વેબસિરીઝને પણ વ્હેંત ઊંચું સ્થાન આપવું પડે અને તેની એક મિસાલ ‘ધ પ્રાઈસ ઓફ ક્ન્ફેશન’ (કબૂલાતની કિંમત) વેબસિરીઝ છે.

પત્ની યુન જીને ખરેખર પતિની હત્યા કરેલી? શું નિર્દોષ છૂટવા માટે એ ફરી ખૂન કરશે? ડેન્ટલ ડોક્ટર દંપતીનીની હત્યા મો યુન શા માટે કરેલી? દંપતીના પુત્રની હત્યા કરવાની ‘સોપારી’ એ યુન જીનને શા માટે આપે છે? શું એ યુન જીનના પતિની હત્યા પોતે કર્યાની કબૂલાત કરે છે? સવાલ એ પણ છે કે યુન જીને જ પતિની હત્યા કરી છે કે હત્યારો કોઈ બીજું જ હતું? પત્ની યુન જીને ડોક્ટર દંપતીના પુત્રની હત્યા નથી કરી તો એ હત્યા પણ કોણે કરી? આ અને આવા અનેક સવાલોના સચોટ જવાબ ‘ધ પ્રાઈસ ઓફ ક્ન્ફેશન’ (નેટફ્લિક્સ) પૂરી કરશો ત્યારે મળી જશે અને ડિરેક્ટર લી જંગ યો અને રાઈટર ક્નો જોગ ક્વાનની પીઠ મનોમન થાબડી લેશો. એની ગેરેન્ટી છે.

આપણ વાંચો:  શો-શરાબાઃ હેપ્પી હાઇલાઇટસ ઓફ 2025… હિંદી સિનેમામાં ફરી વાગ્યો પ્રેમનો સૂર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button