મેટિની

ફિલ્મનામા: ‘કર્ઝ’ રિલીઝ વખતે નબળી, પણ આજે બની ગઈ કલ્ટ ફિલ્મ!-નરેશ શાહ

વાંચો, સુભાષ ઘઈની ‘કર્ઝ’ ફિલ્મ સાથે સંકળાયેલી કેટલીક અ-જાણી વાત આજે 45 વરસ પછી!

27 જૂન 1980…..એ દિવસને આજે પિસ્તાલીસ વરસ પૂરાં થઈ રહ્યા છે અને એ જ દિવસે શો મેન સુભાષ ઘઈની ઋષિ કપુર-ટીના મુનીમ-સીમી ગરેવાલ સ્ટારર ‘કર્ઝ’ પણ રિલીઝ થઈ હતી. એના બે વરસ પહેલાં જ સુભાષ ઘઈએ પોતાનું હોમ પ્રોડકશન હાઉસ ‘મુક્તા આર્ટસ’ શરૂ કરી દીધું હતું.

હોમ પ્રોડકશન ‘મુક્તા આર્ટસ’ની પ્રથમ ફિલ્મ ‘કર્ઝમાં પ્રોડયુસર તરીકે સસરા અખતર ફારૂકી અને જગજીત ખુરાનાના નામ હતા. નિર્માતા તરીકે સુભાષ ઘઈએ ફિલ્મ ‘હીરો’ (1983)થી આપવાનું શરૂ કર્યું હતું, પણ સુભાષ ઘઈ માટેની સફળતા હજુ સ્થિર થઈ નહોતી. ‘કાલીચરણ’ અને ‘વિશ્વનાથની’ સકસેસ પછી ‘ગૌતમ ગોવિંદા’ અને ‘ક્રોધી’ ફિલ્મની નાકામિયાબી એમના ભાગે આવેલી. ‘કર્ઝ’ નું સફળ થવું જરૂરી હતું,

પરંતુ આજે કલ્ટ ગણાવા લાગેલી ‘કર્ઝ’ ફિલ્મને રિલીઝ સમયે નબળો રિસ્પોન્સ મળ્યો હતો. સુપરડુપર હિટ ગીતો-સંગીત હોવા છતાં બોકસ ઓફિસ પર ઢીલી પડી ગયેલી ફિલ્મ માટે સુભાષ ઘઈને સધિયારો મળવા લાગ્યો હતો: ‘દોસ્ત, તમે આ ફિલ્મ દશ વરસ વહેલી બનાવી નાખી છે!’

આ પણ વાંચો: ફિલ્મનામા : અર્ધસત્ય’ પછી ઓમ પુરી ને અમિતાભ બચ્ચનનું પૂર્ણ સત્ય!

હકીકતમાં ’કર્ઝ’ ફિલ્મ લખવાની પ્રેરણા સુભાષ થઈને ‘ધ ઈન્કાર્નેશન ઓફ પીટર પ્રાઉડ’ (1975) ફિલ્મ પરથી મળી હતી, પણ અંગ્રેજી ફિલ્મમાં તો પૂર્વજન્મ પામતો હીરો પોતાની જ આગલાં જન્મની પુત્રીના પ્રેમમાં પડે છે તેવી કહાણી હતી. ભારતીય સમાજ માં આવી કથા કોઈ સ્વીકારે નહીં (એ યશ ચોપરાની ‘લમ્હેં ફિલ્મમાં પણ સાબિત થયું અગિયાર વરસ પછી, 1991માં) એટલે સુભાષ ઘઈએ તેને ભારતીય ટચ આપ્યો છતાં લોકોને ત્યારે ‘કર્ઝ ગળે ઊતરી નહોતી.

પોસ્ટમોર્ટમ કરતાં ખબર પડી કે આજ સુધી હિન્દી સિનેમામાં ડબલ રોલમાં કામ કરતાં અભિનેતાવાળી ફિલ્મ સ્વીકાર્ય થઈ હતી, પણ બે જન્મારામાં (પ્રથમ રાજકિરણ અને પછી એ જ પાત્ર ઋષિ કપૂર ભજવે) બે બલગ અલગ અભિનેતાની પરિકલ્પના વાજબી હોવા છતાં લોકોને ગળે ઊતરી નહોતી.

1980માં રિલીઝ થયેલી ‘કર્ઝ’ ફિલ્મના જમા ખાતાંમાં જો કે તેના ગીત-સંગીત હતા. રિલીઝ સમયે પણ એ બેસુમાર હિટ થયેલાં અને સ્ક્રીન પરથી ગાયબ થયા પછી બધા તેને ‘કલ્ટ’ ફિલ્મ ગણાવા લાગ્યા. આ વિશેષણ ખોટું પણ નહોતું, એ વાત પણ ‘કર્ઝ’ ફિલ્મે ડગલે ને પગલે સાબિત કરી છે. ‘કર્ઝ’ના ઓફિશિયલ રાઈટસ લઈને ટી-સિરિઝ અને હિમેશ રેશમિયાએ ‘કર્ઝ’ નામની ફિલ્મ બનાવી, જે ઓરિજિનલ ‘કર્ઝ’ કરતાં પણ વધુ ભંગાર હતી.

આ પણ વાંચો: ફિલ્મનામાઃ તાઝા ખબર…જાદુ ચડે કે ચમત્કાર?

એ અલગ વાત છે કે ‘કર્ઝ’ કરતાં એના કોપી રાઈટસ વેચીને સુભાષ ઘઈ વધુ પૈસા કમાયા, પણ ‘કર્ઝ’ની રિમેક એમણે ક્યારેય જોઈ નહીં. આજ ‘કર્ઝ’ની થીમ પર શાહરુખ ખાને ‘ઓમ શાંતિ ઓમ’ બનાવી અને તેમાં એક-બે દૃશ્યમાં ખુદ સુભાષ ઘઈને પણ લીધા હતા.

શૂટિંગ સમયે તો શાહરુખ ખાને મજાકમાં સુભાષ ઘઈને કહેલું કે અમે તમારી મંજૂરી લીધા વગર ‘કર્ઝ’ની રિમેક બનાવી રહ્યા છીએ અને તમારે (તેમજ ઋષિ કપૂરે) એના એક દૃશ્યમાં સ્કીન પર પણ આવવાનું છે. સુભાષ ઘઈએ એ પછી કહેલું કે, ‘શાહરૂખનો કરિશ્મા એવો છે કે એને બધા ખૂન માફ છે!’

જો કે એક ઓફિશિયલ રિમેક અને બે-ત્રણ ફિલ્મો પ્રેરણા લઈને બને એટલે જ ‘કર્ઝ’ને કલ્ટ ગણી લેવી જરૂરી નથી. કલ્ટ ગણાવા માટે ‘કર્ઝ પાસે પોતાના માઈલસ્ટોન છે. રિલીઝ વખતે નબળી ગણાયેલી ‘કર્ઝ’ પરથી તામિલમાં ‘ઈન્નાકુલ ઓરૂવાન’ (1984), તેલુગુમાં ‘આત્ય ભાલય’ (1985) અને કન્નડમાં ‘યુગપુરુષ’ (1989) નામની ફિલ્મ બની ચૂકી છે.

આ પણ વાંચો: ફિલ્મનામા: ઓન સ્ક્રીન આમ આદમી… ઓફ સ્ક્રીન એગ્રી યંગમેન!

સુપરડુપર સંગીત માટે જાણીતા સુભાષ ઘઈને એવી સલાહ મળેલી કે ફિલ્મ પોપસ્ટાર પર આધારિત છે તો વેસ્ટર્ન મ્યુઝિકના માણીગર આર. ડી. બર્મનને ‘કર્ઝને સંગીત સોંપવું જોઈએ, પણ લક્ષ્મીકાંત-પ્યારેલાલે ચેલેન્જ તરીકે ‘કર્ઝ’ને લીધી. પરિણામ આપણી સામે છે.

‘કર્ઝ’ના તમામ ગીતો અદ્ભુત લોકપ્રિયતાને વર્યા પણ એથી ય મોટી તાજ્જુબી એ કે સુભાષજીના ફેવરિટ ગીતકાર આનંદ બક્ષીએ લખેલાં તમામ ગીતોના શબ્દો પરથી ફિલ્મ બની, જેમકે….દર્દ-એ-દિલ (1983), પૈસા યે પૈસા (1985), મૈં સોલહ બરસ કી (1989), આશિક બનાયા આપને (2005), ઓમ શાંતિ ઓમ (2007), એક દિવાના થા (2012) અને એક હસીના થી (2017) …નામે હિન્દી ફિલ્મો બની ચૂકી છે.!

ચેલેન્જ તરીકે લીધેલી ફિલ્મે જ લક્ષ્મીકાંત પ્યારેલાલ (દર્દે એ દિલ અને ઓમ શાંતિ ઓમ ગીત માટે) અને આનંદ બક્ષીને ‘ફિલ્મફેર’ એવોર્ડ મળેલો. એક ફિલ્મફેર એવોર્ડ ફિલ્મમાં કામિની વર્મા બનતા સીમી ગરેવાલને પણ મળ્યો હતો ત્યારે સીમી ગરેવાલને સુભાષ ઘઈને હેરાન કરવા માટે મનોમન અફસોસ પણ થયેલો, કારણ કે ખલનાયિકાનો આ રોલ કરવા સીમી ગરેવાલ તૈયાર નહોતાં થતાં.

આ પણ વાંચો: ફિલ્મનામા : હમ સે મત પૂછો કૈસે, મંદિર તૂટા સપનોં કા લોગો કી બાત નહીં હૈ, યે કિસ્સા હૈ અપનોં કા…

સુભાષ ઘઈએ ઋષિ કપૂર અને સીમીના બહેનનું પ્રેશર લાગીને એમને કામિની વર્માનું કિરદાર કરવા તૈયાર કર્યા, છતાં પોતાના દરેક સીનમાં સીમી ખલનાયિકાપણાંની ધાર જાણી જોઈને લાવતા નહોતાં. બાર રિલ શૂટ થયા પછી એક વખત તો સભાષજીએ સીમીને ગુસ્સામાં કહી પણ દીધું કે, હું આખી ફિલ્મને ડબ્બામાં પધરાવી દઈશ, જો તમે યોગ્ય રીતે (હું કહું છું તેમ) એકટિંગ નહીં કરો તો…! એ પછી સિનિયર અભિનેત્રી દુર્ગા ખોટે (ફિલ્મમાં હીરોના માતા) એ મામલો ટાઢો પાડ્યો અને ‘કર્ઝ’ નામની કલ્ટ ફિલ્મ આ રીતે પૂરી થઈ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button