મનોરંજનનું મેઘધનુષઃ બોલિવૂડમાં ખાન ત્રિપુટી ને અક્ષય કુમારને ટક્કર આપતો `લવરબોય’ની ઈમેજવાળો કલાકાર કાર્તિક આર્યન

ઉમેશ ત્રિવેદી
માતા-પિતા અને બહેન એમ ત્રણેય ડોકટર છે. પિતા અને બહેન બન્ને બાળ રોગના નિષ્ણાત અને માતા સ્ત્રી રોગ નિષ્ણાત, આવા કુટુંબમાં જન્મેલા કાર્તિક તિવારીનો જન્મ 22 નવેમ્બર, 1990ના મધ્ય પ્રદેશ ગ્વાલિયરમાં થયો છે. હાલમાં જ તેણે પોતાનો 35મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો છે. કાર્તિક તિવારીને આજે લોકો એક સફળ કલાકાર કાર્તિક આર્યન તરીકે ઓળખે છે.
નવી મુંબઈની ડી. વાય. પાટિલ કોલેજ ઑફ એન્જિનિયરિગમાંથી તેણે એન્જિનિયરની ડિગ્રી મેળવી છે,પણ કોલેજમાં હતો ત્યારથી જ કાર્તિક આર્યન ફિલ્મોમાં આવવા માગતો હતો. કોલેજમાં લેકચર – કલાસ છોડીને તે ઓડિશન આપવા માટે ટે્રનમાં બે કલાકની મુસાફરી કરીને નવી મુંબઈથી આવતો હતો. કોલેજમાં હતો ત્યારથી જ તેણે મોડેલિંગની શરૂઆત કરી દીધી હતી. ત્રણ વર્ષ સુધી સતત ઓડિશન આપ્યા છતાં તેને એક પણ ફિલ્મ મળી નહોતી એટલે તેણે અભિનયનો કોર્સ કરવાનું નક્કી કર્યું.
પહેલી ફિલ્મ સાઈન કર્યા પછી જ ઘરમાં માતા-પિતાને પોતે અભિનેતા બનવા માગે છે એની જાણ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલેજના ત્રીજા વર્ષમાં હતો ત્યારે લવરંજનની ફિલ્મ `પ્યાર કા, પંચનામા’ તેણે સાઈન કરી હતી. તે સમયે તે બીજાં 12 કલાકાર સાથે એક એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને આ `રૂમમેટ’ માટે ખાવાનું બનાવી નાણા કમાતો હતો. પહેલી જ ફિલ્મમાં તેને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો હતો.
કાર્તિક આર્યન ભણવાનું છોડીને કલાકાર તરીકે આગળ વધવા માગતો હતો, પણ માતાના કહેવાથી તેણે એન્જિનિયરિગની ડિગ્રી મેળવી અને પાછો અભિનય કરવા લાગ્યો હતો. `પ્યાર કા પંચનામા’ 2011માં આવી હતી. આજે 14 વર્ષની કારકિર્દી પછી કાર્તિક આર્યન અત્યારે બોલિવૂડમાં પોતાનું એક સ્થાન જમાવી ચૂકયો છે.
2013માં તેણે લવરંજન સાથે ફરી એક ફિલ્મ કરી `આકાશવાણી’ તેમાંય તેની હિરોઈન નુસરત ભરૂચા જ હતી. ત્યાર પછી 2014માં સુભાષ ઘાઈની ફિલ્મ `કાંચી: ધ અનબ્રેકેબલ’માં નાનકડી ભૂમિકા સ્વીકારી હતી. આ ફિલ્મ કરવાનું કારણ નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘાઈ હતા. કાર્તિકને મોટું બેનર મળતું હતું, પણ આ ફિલ્મમાં ય તેને નિષ્ફળતા જ મળી. ત્યાર બાદ 2015માં તેણે ફરી લવરંજન અને નુસરત ભરૂચા સાથે `પ્યાર કા પંચનામા-ટુ’ કરી, જે બોક્સ ઓફિસ પર સફળ થઈ.
આ પણ વાંચો…મનોરંજનનું મેઘધનુષઃ વિજય દેવરકોંડા સાઉથની ફિલ્મોનો સુપરસ્ટાર પણ હિન્દી ફિલ્મોમાં સફળતાથી જોજન દૂર
2016 અને 2017માં તેને ફરી નિષ્ફળતા મળી. તનુજા ચંદ્રાની ફિલ્મ `સિલવટ’ અને `ગેસ્ટ ઈન લંડન’ આ બંને ફિલ્મ ફલોપ. જોકે 2018 પછી કાર્તિક આર્યનને પાછળ જોવાની ફુરસદ નથી મળી. `સોનુ કે ટીટુ કી સ્વીટી’, 2019માં `લુકા છુપી’, 2019માં `પતિ, પત્ની ઔર વોહ,’ 2020માં `લવ આજકલ’, 2021માં `ભુલ ભુલૈયા-ટુ’, પછી `ભુલભુલૈયા-થ્રી’, `સત્ય પ્રેમ કી કહાની’ જેવી હીટ ફિલ્મો તેનાં ફાળે આવી.
આ દરમિયાન માત્ર 15 દિવસના શૂટિગમાં તેણે પૂરી કરેલી ફિલ્મ `ધમાકા’ સીધી ઓટીટી પર રિલીઝ થઈ. ઓટીટી પર જ તેની `ફ્રેડી’ પણ રજૂ થઈ. આ બંને ફિલ્મમાં તેનાં અભિનયના ખૂબ જ વખાણ થયા. 2024માં તેની મુરલીકાંત પેટકરના જીવન પર બનેલી ફિલ્મ `ચંદુ ચેમ્પિયન’ રિલીઝ થઈ.
બોકસ ઓફિસ પર તેને જોઈએ એવી સફળતા ન મળી, 2023માં તેની `શહજાદા’ પણ ફલોપ થઈ, એ પછી રણબીર કપૂરની `તૂ જુઠી મૈં મક્કાર’માં ચાન્સ મળ્યો, પણ ઠીક ઠીક સફળ થયેલી એ ફિલ્મમાં કાર્તિક ખુદ ખોવાઈ ગયો… હવે તેની `તૂ મેરી મૈં તેરા – મૈં તેરા તૂ મેરી’, અનુરાગ બાસુની એક ફિલ્મ અને `નાગઝીલ્લા’ નામની ફિલ્મ રિલીઝ થવાની છે.
કાર્તિક આર્યનની ગણના અત્યારે આમ તો બોલિવૂડના સફળ કલાકાર તરીકે થાય છે તેમાં `ભુલભુલૈયા-ટુ’ અને થ્રીનો ખૂબ જ મોટો ફાળો છે. અત્યારે તો એ અક્ષય કુમાર અને ખાન ત્રિપુટીને બરાબરની ટક્કર આપી રહ્યો છે.
OTTનું હોટસ્પોટ
29 નવેમ્બર થી પાંચ ડિસેમ્બર સુધી શું જોશો?
`નેટફિલકસ’ પર અત્યારે યશ ચોપરાની અદ્ભુત ફિલ્મોનો ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આગામી શુક્રવાર પાંચ ડિસેમ્બરે રણવીર સિંહની ફિલ્મો એક સાથે જોવાની તક મળવાની છે. પાંચ ડિસેમ્બરે રણવીર સિંહની `યશરાજ’ બેનરની પહેલી ફિલ્મ `બેન્ડ બાજા બારાત’ જોવા મળશે ત્યાર પછી આખા દિવસમાં બેફિક્રે, ગુંડે, કિલદિલ અને લેડીઝ વર્સિસ રિક્કી બહલ જેવી ફિલ્મો જોઈ શકાશે.
* ઝી ફાઈવ: આ ઓટીટી ચેનલ પર આ એટલે કે 28 નવેમ્બરે અલગ – અલગ વિષય ધરાવતી કેટલીક અદ્ભુત ફિલ્મો જોવા મળશે. તેમાં `રક્તબીજ-ટુ’, ક્રાઈમ થ્રીલર `રેગાઈ’, સાયન્સ ફિકશન હોરર ફિલ્મ `પ્રિમીટીવ વોર’ જોવા મળશે.
* એમેઝોન પ્રાઈમ: એમેઝોન પ્રાઈમ પર અત્યારે સસ્પેન્સ ફિલ્મો ધૂમ મચાવી રહી છે. તેમાં જહોન અબ્રાહમની `નો સ્મોકિગ’, આમિર ખાન, જિયા ખાનની `ગજની’ અને અલગ જ ભાત પાડતી ફિલ્મ `તલવાર’નો સમાવેશ થાય છે. ઈરફાન ખાન – કોંકણા સેન શર્મા અભિનિત આ ફિલ્મ એક ક્રાઈમ – થ્રીલર ફિલ્મ છે, જે 2008માં નોઈડામાં થયેલા `ડબલ મર્ડર’ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. મેઘના ગુલઝાર દિગ્દર્શિત આ ફિલ્મ વિદેશી ફિલ્મ ફેસ્ટિવલમાં ખૂબ જ વખણાઈ હતી.
આ પણ વાંચો…મનોરંજનનું મેઘધનુષઃ સતત સફળતા મેળવતી વિજય દેવરકોંડાની ફૂટડી ‘ગર્લફ્રેન્ડ’ રશ્મિકા મંદાના



