કર્મયુદ્ધ : ઓટીટી પર મહા (ભારત) સાગા | મુંબઈ સમાચાર
મેટિની

કર્મયુદ્ધ : ઓટીટી પર મહા (ભારત) સાગા

  • ફિલ્મનામા – નરેશ શાહ

‘શરાફત કે કપડેં ઉતરતે હૈ તો સબ સે જયાદા મઝા શરીફો કો હી આતા હૈ!’ આવો ‘ડર્ટી પિકચર’ ફિલ્મનો ડાયલોગ માનવ મનના તળિયામાં પડેલા શાશ્ર્વત ગંદવાડ તરફ ઇશારો કરે છે. દંભ, ઇર્ષા, ખૂન્નસ, બદલાની ભાવના, પછાડી દેવાની પ્રકૃતિ માણસ માત્ર માઇન્ડ બિલ્ટ હોય છે. પણ જાહેરમાં એ વિવેક-દંભનો મુખવટો પહેરીને ફરતાં હોય છે, પરંતુ અંગત લોકો સામે એ ઉઘાડો થઇ જતો હોય છે. તેથી જ એ સનાતન સત્ય રહ્યું છે કે અંગતજનો જ આસ્તીનનો સાપ બનતાં હોય છે.

ડિઝની-હોટસ્ટાર પર જોવા મળતી ડિરેક્ટર રવિ (ગૌતમ) અધિકારીની વેબ સિરીઝ ‘કર્મયુદ્ધ’ આ જ સચ્ચાઇ તળે ઘેરી લાલ લાઇન દોરી આપે છે. ‘કર્મયુદ્ધ’ આજનું મહાભારત છે અને એ જોતી વખતે તમને શ્યામ બેનેગલની ‘કલયુગ’ (1981) અને પ્રકાશ ઝાની ‘રાજનીતિ’ (2010)ની સતત યાદ અપાવતી રહે છે, છતાં કહેવું પડશે કે ‘કર્મયુદ્ધ’ આ બન્ને ફિલ્મ કરતાં મોટા ગજાની અને વિવિધ પડળ (લેયર) ધરાવતી મહાગાથા સમી વેબસિરીઝ છે.

કલકત્તા, બંગાળના ઉચ્ચ ઔદ્યોગિક, ‘રોય-ધરાના’માં અંદરોઅંદર ચાલતી ખટપટ, છિનાઝાપટી, પાવર-પ્રેમના કારણે ખેલાતાં પ્રપંચ અને ષડયંત્રોને ડિરેક્ટર રવિ અધિકારી (ઢીચ પતંગે ફેઇમ) એ ખૂબસૂરતીથી ફિલ્માવ્યાં છે. એમ કહી શકાય કે ડિરેક્ટર કેરિયરના આરંભે જ અઘરી પરીક્ષા આપીને ફૂલ્લી પાસ થયા છે. કૌટુંબિક-કકળાટ આમ પણ ભારતીય માનસને ગળથૂથીમાં મળે છે અને એમાંય રિચી-રિચ એમ્પાયરમાં (અંબાણીઓને કોણે યાદ કર્યા?) ખટરાગ થાય ત્યારે એ વધુ રસદાર બની જતો હોય છે… સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ યશ રોય છોડી ગયેલા એમ્પાયરની સંપૂર્ણ બાગડૌર પોતાના હાથમાં રાખવા માટે તેમના બન્ને પુત્ર ભીષમ રોય અને વર્ધાન રોય વચ્ચે વૈમનસ્ય પ્રસરી ગયું છે. જોકે વર્ધાન રોય એક અકસ્માત પછી ‘વેજીટેબલ અવસ્થા’ (કોમા જેવી કન્ડિશન)માં હોવાથી તેની પત્ની ઇન્દ્રાણી રોયે જેઠ સામે છૂપો જંગ શરૂ કરી દીધો છે.

હાથીઓની લડાઇમાં વૃક્ષોનો ખો નીકળે તેમ ભીષમ રોય અને ઇન્દ્રાણી રોય વચ્ચેની લડાઇમાં સતત ઘણાં બધાંનો કચ્ચરઘાણ નીકળતો જાય છે અને પહેલાં જ એપિસોડથી આપણને ખબર પડી જાય છે કે, રોય ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની એક સાઇટ પર કામ કરતાં ચાલીસ વર્કરોને અંધાધૂંધ ગોળીબારથી ખતમ કર્યા પછી આગ લગાવીને ફૂંકી મારવામાં આવ્યા છે. બંગાળ પોલીસ તેને નકસલીઓનું પરાક્રમ ગણાવી દે છે પણ ઇન્દ્રાણી રોય આ ઘટનાનો પોતાની તરફેણમાં લાભ ઉઠાવવાના પેંતરા શરૂ કરે છે. હત્યાકાંડ મોટો હોવાથી દિલ્હીથી ઇન્ટેલિજન્સ બ્યૂરો તેની તપાસ માટે કલકત્તા પહોંચ્યું છે તો … દૂર આસામમાં ચાના બગીચા ધરાવતા ગુરુ શાસ્ત્રીને પણ તેમાં રસ પડયો છે. આ હત્યાકાંડમાં પોતાનું નામ આવતા બંગાલના નકસલીઓ ય ઉશ્કેરાયેલાં છે તો કોલેજના યુવા નેતા પણ પરિજનો ગુમાવનારાઓના ચાલીસ પરિવારના સપોર્ટમાં આવી ગયા છે. આ યુવાનોનો નેતા ગુરુ શાસ્ત્રીનો દીકરો સમર શાસ્ત્રી છે. જેનો મિત્ર ઇન્દ્રાણી રોયનો જ પુત્ર અભિમન્યુ રોય પણ છે…

આ આખા ધમસાણમાં ‘ડેમોક્રેસી’ નામની ચેનલનો હેડ આદેશ બાગચી પણ છે, જે ઈન્દ્રાણી રોયની ફેવરમાં ‘બ્રેકિંગ ન્યૂઝ અને વ્યૂઝ’ આપતો રહે છે તો આસામમાં રહેતા ગુરુ શાસ્ત્રી માટે પ્રસિદ્ધ ન્યૂઝ-બ્લોગર ફિઝા અયુબી પોતાના પોઈન્ટ-ઑફ વ્યૂહ અને સ્કૂપ અપલોડ કરતી રહે છે…

‘કર્મયુદ્ધ’ વેબ-સિરીઝમાં અનેક મોરચા અને દરેક મોરચાના પોતપોતાના યુદ્ધ ચાલે છે અને સ્ક્રીન-પ્લે-ડાયલોગ રાઈટર સરીમ મોમિને તેને એક માળામાં પરોવવાની કોશિશ કરી છે એટલે પ્રથમ એક-બે એપિસોડમાં દર્શકને તેમાં ગૂંથાવવા માટે પરિશ્રમ કરવો પડે છે પણ એ ડિરેક્ટરની કાબેલિયત જ છે કે તેણે વાતને અત્યંત કૂનેહપૂર્વક પેશ કરી છે. રવિ અધિકારીનો પ્લસ પોઈન્ટ એ રહ્યો છે કે તેને સતીશ કૌશિક (ભીષમ રોય), પોલી ડેમ (ઈન્દ્રાણી રોય), ચંદન રોય સન્યાલ (આદેશ બાગચી), તારા આલિશા બેરી (ફિઝા અયુબી) અને આશુતોષ રાણા (ગુરુ શાસ્ત્રી) જેવા તગડા કલાકારો મળ્યા છે. આશુતોષ રાણાને વરસો પછી સ્ક્રીન પર ઓરિજિનલ ગેટઅપ (ક્લીન શેવ્ડ)માં જોવાની મજા આવે છે તો રાજેશ ખટ્ટર (વર્ધાન રોય) એ વેબસિરીઝના નેવું ટકા પાર્ટમાં પથારીમાં પડ્યા રહેવાનો કરેલો સાહસિક અભિનય પણ નોંધનીય છે.

પાંચ કલાક (ત્રણસો એક મિનિટ) અને આઠ એપિસોડની ‘કર્મયુદ્ધ’ અધિકારી બ્રધર્સના હેપી ડિજિટલ હાઉસ તરફથી ડિજિટલ ડેબ્યુ જેવી વેબસિરીઝ છે પણ તેને મહાગાથાની જેમ પેશ કરવામાં આવી છે. કલકત્તાના લોંગ શોટ, હાવરા બ્રિજ પરની કાર ચેઈઝ, રોય ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના કોર્પોેરેટ હાઉઝના પંદર ફૂટ ઊંચા કાચના દરવાજા, ભીષમ રોયના ટેબલ પર રહેતાં પિત્તળના ચિતા સહિતના મોંટાજ ‘કર્મયુદ્ધ’ને અવ્વલ દરજ્જો બક્ષે છે તો ઉમદા કલાકારો પાસેથી ધાર્યું કામ લેવાની ડિરેક્ટરની સૂઝબૂઝ અને રાઈટરે આપેલા ટર્ન એન્ડ ટ્વિસ્ટ ‘કર્મયુદ્ધ’ ને એકદમ રોમાંચક બનાવે છે અને છેલ્લે, ફરી યાદ કરાવવાનું કે મોટાભાગની વેબસિરીઝની જેમ ‘કર્મયુદ્ધ’ની મહિલા પોલીસ ઓફિસર અહીં પણ સમલિંગી જ દેખાડવામાં આવી છે.

આપણ વાંચો:  મનોરંજનનું મેઘધનુષ: આયુષ્યમાન ખુરાના: ‘હટ કે’ ફિલ્મ કરી સફળતા મેળવી પણ હવે છ વર્ષથી ‘હીટ’ની આશા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button