મેટિની

કંગના: સર્જક ને સર્જન

અભિનયમાં ક્વીન પણ બોલવામાં ઘણી વાર કનીઝ જેવી અણસમજનું પ્રદર્શન કરતી અભિનેત્રી માટે ‘પંગા લેના‘ એ જીવનમંત્ર હોય એવું લાગે છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

ફિલ્મ રસિકો માટે કંગના રનૌટ એક ઉત્કૃષ્ટ અભિનેત્રી હોવાની સાથે સાથે ન સમજાય એવો એક કોયડો સુધ્ધાં છે. એની ફિલ્મ સુપરહિટ હોય કે સુપરફ્લોપ, એની એક્ટિંગ પર આફ્રિન પોકાર્યા વિના ન રહી શકાય. જોકે, એક વ્યક્તિ તરીકે કંગના અહંકારી અને બાલિશ હોવાની માન્યતા છે જેને સમર્થન આપતા અનેક ઉદાહરણ છે. ફિલ્મ કરતા કલબલાટ માટે વધુ જાણીતી કંગના ત્રાટકવા માટે શિકારની શોધમાં હોય છે કે શું એવો વિચાર કોઈને આવતો હોય તો નવાઈ ન લાગવી જોઈએ.

કંગનાની બોક્સ ઓફિસ પર સફળ નીવડેલી છેલ્લી ફિલ્મ કઈ એવો સવાલ પુછાય તો ખુદ કંગનાએ માથું ખંજવાળવું પડે એવી પરિસ્થિતિ છે. ૨૦૧૪માં ‘ક્વીન’ને મળેલી રજવાડી સફળતા પછી ૨૦૧૫માં ‘તનુ વેડ્સ મનુ‘ની સફળતાનો વરઘોડો નીકળ્યો હતો. ત્યારબાદ અભિનેત્રીની એક ડઝન ફિલ્મ રિલીઝ થઈ (થિયેટર અને ઓટીટી) અને બારે બારને દર્શકોએ બારોબાર રિજેક્ટ કરી દીધી. એમાંય ત્રણ ફિલ્મ ‘થલાઈવા’, ‘ધાકડ’ અને ‘તેજસ’ ૧૦૦ રૂપિયાના બજેટ સામે ૧૦ રૂપિયાનો વકરો પણ નથી કરી શકી. બીજી કોઈ અભિનેત્રીનું પરફોર્મન્સ બોક્સ ઓફિસ પર આ હદે કંગાળ રહ્યું હોત તો એના બાર વાગી ગયા હોત. એને પોબારા ગણવા પડ્યા હોત. પણ કંગના ? અડીખમ ઊભી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ‘તનુ વેડ્સ મનુ’ (૨૦૧૧) અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ (૨૦૧૫) પછી આ સિરીઝની હેટ-ટ્રીક પૂરી કરવી હોય એમ ‘તનુ વેડ્સ મનુ ૩’ સાઈન કરી છે. સિવાય વિજય સેતુપતિ (‘જવાન’નો વિલન કાલી ગાયકવાડ અને ‘મેરી ક્રિસમસ’નો આલબર્ટ) સાથે એક તમિળ થ્રિલર સાઈન કરી છે જે હિન્દીમાં પણ સાથે શૂટ કરવામાં આવશે એવી ચર્ચા છે. આ ઉપરાંત પ્રદીપ સરકાર ડિરેક્ટ કરવાના હતા એ ‘નટી બિનોદિની’ બાયોપિકમાં પણ કંગના જોવા મળશે. પ્રદીપ સરકારનું અવસાન થયું હોવાથી હવે પ્રસન્નજીત ચેટરજી કરવાના છે. આ ફિલ્મ પણ બંગાળી તેમજ હિન્દીમાં બનાવવાની યોજના છે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મનું લેખન કાર્ય શ્રી પ્રકાશ કાપડિયાએ કર્યું છે. પ્રકાશભાઈ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આદરણીય લેખક તરીકે સ્થાન ધરાવે છે. સંજય લીલા ભણસાલીની કેટલીક ફિલ્મો તેમજ ૨૦૨૦માં કોવિડ – ૧૯ની મહામારીના પગલે આવેલા લોકડાઉન પહેલા રિલીઝ થઈ સફળતા મેળવનારી ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ ફિલ્મના સફળ અને પ્રભાવશાળી લેખક એ એમની એક ઓળખ છે. ‘નટી બિનોદિની’નો રોલ અગાઉ ઐશ્ર્વર્યા રાય કરવાની હતી, પણ મહામારીના પગલે કોઈ સમસ્યા ઊભી થવાથી એને સ્થાને કંગનાનું નામ ફાઈનલ થઈ ગયું. એની ‘ઈમર્જન્સી’ ફિલ્મ તૈયાર છે અને આ વર્ષે રિલીઝ થવાની છે.

બોક્સ ઓફિસ નિષ્ફળતાના વમળમાં ખૂંપી હોવા છતાં કેમ કંગનાની ફિલ્મો ફ્લોર પર છે અને અન્ય પ્રોજેક્ટ વિશે કેમ એનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે એ સમજવું બહુ મુશ્કેલ નથી. સૌથી મહત્ત્વનું કારણ એ છે કે કંગના અફલાતૂન અદાકારા છે. કંગનાના વર્તનને તમે અહંકારી કહી શકો છો. એના બોલવા સાથે બેલગામ, બફાટ જેવા વિશેષણ ઉમેરી શકો છો, પણ એ જ કંગનાને રૂપેરી પડદા પર જોયા પછી સલામ માર્યા વિના નહીં રહી શકો. ફિલ્મ ફ્લોપ થવા પાછળ એને જવાબદાર ઠેરવવી અશક્ય છે. કંગનાની રિલીઝ થયેલી ફિલ્મોમાંથી એકનું નામ છે ‘પંગા’. આ હિન્દી ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે દુશ્મની, શત્રુતા. પંગા લેના એટલે શત્રુતા વહોરી લેવી. રીલ લાઈફ હોય કે રિયલ લાઈફ – પડદા પર હોય કે વાસ્તવિક જીવન, ‘પંગા લેના’ કંગનાનો જીવનમંત્ર છે.
શિવસેના હોય, જાવેદ અખ્તર હોય, રણબીર – આલિયા હોય, કરણ જોહર હોય, એવોર્ડ સમારોહ હોય … આ યાદીમાં હવે ‘બારહવી ફેઈલ’ના ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપડાની પત્ની અનુપમા ચોપડાનું નામ ઉમેરાયું છે. કંગના સંપૂર્ણ શાબ્દિક જંગ સોશિયલ મીડિયાના મેદાનમાં ખેલતી હોય છે. એના કી બોર્ડમાંથી ક્યારેક બાણ, ક્યારેક બુલેટ તો ક્યારેક તોપગોળા પણ છૂટતા હોય છે. શરૂઆતમાં કેટલાકને ‘ઈજાઓ’ થઈ હતી અને વળતા પ્રહારની કોશિશ સુધ્ધાં થઈ હતી. હવે જોકે, અતિરેકને કારણે તેમજ ‘કંગનાને સિરિયસલી ન લેવાય’ એવી સમજણ રૂઢ થઈ ગઈ હોવાથી એ જે કંઈ બોલે એને એક કાને સાંભળી બીજા કાનમાંથી રવાના કરી દેવામાં આવે છે. તાજા જ ઉદાહરણ પરથી વાત સ્પષ્ટ થઈ જશે. બન્યું એવું કે ‘બારહવી ફેઈલ’ની સફળતાની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં વિનોદ ચોપડાએ ભોળાભાવે કહી દીધું કે ‘મારી પત્ની (અનુપમા ચોપડા)એ મને કહ્યું હતું કે તારી ફિલ્મ (બારહવી ફેઈલ) ઓટીટી પર રિલીઝ કરજે, થિયેટરમાં નહીં કારણ કે એ જોવા કોઈ નહીં આવે.’ આ કાર્યક્રમમાં હાજર અનુપમાએ ખેલદિલી સાથે સ્વીકારી કહ્યું કે પોતે સાવ ખોટી પડી. વાત પૂરી. કોઈ ગમો અણગમો નહીં. પણ કંગનાને પેટમાં દુખ્યું અને બહેનબાએ ટ્વિટ કર્યું કે ‘અનુપમા ચોપડા ફિલ્મ પત્રકારના નામ પર કલંક છે. એ ઈર્ષાળુ છે અને યુવા તેમજ બુદ્ધિશાળી ીઓ સામે એ અસલામતી અનુભવે છે. પતિના નામ અને પૈસાના જોરે એ આગળ આવી, નામ કમાણી એ જ પતિની તેને ઈર્ષા થાય છે. પ્રતિભાશાળી અભિનેતાઓ અને સારી ફિલ્મો તેને આંખમાં ખૂંચે છે. ‘બોલો, શું કહેશો આને? અનુપમા ચોપડા સુશીલ – સર્વજ્ઞ છે એવું નથી, પણ કોઈ ફિલ્મના અનુમાનમાં ખોટા પડવાથી કંગના જે બોલી એ સાંખી લેવાની વાત તો દૂર રહી એની સદંતર અવગણના જ કરાય.

જોકે, કંગનાને સામેની વ્યક્તિ એને ગંભીરતાથી લે છે કે નહિ એનાથી કોઈ જ ફરક નથી પડતો. એ તો એના ‘મિશન’માં આગળ ને આગળ ને આગળ વધતી જ રહે છે. ફિલ્મોમાં એક ઉમદા સર્જક (આલાગ્રાન્ડ અભિનય કરવા ઉપરાંત કંગના લેખન, દિગ્દર્શન અને નિર્માણમાં સહભાગી થઈ છે)ની ઓળખ મેળવનારી હિમાચલ પ્રદેશની ક્ધયાએ સોશિયલ મીડિયામાં સર્જન તરીકે ઓળખ મેળવી છે. એક એવી સર્જન જે ભલભલા ખેરખાંના ચીંથરા ઉડાવી દેવામાં, એમની વિચારસરણીની વાઢકાપ કરવામાં કે પછી ટીકાકારોના ભુક્કા બોલાવી દેતા જરાય ખચકાતી નથી અને ‘સર્જરી’માં કાયમ સફળતા મેળવતી આવી છે. કંગના સ્ટુડિયો પછી સંસદમાં પહોંચી જશે એવી અટકળો લોકો કરતા હોય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દૂર દૂર સુધી એના છેડા નહોતા અડતા પણ રાજકારણનો વારસો તે ધરાવે છે. એના પરદાદા વિધાનસભ્ય હતા અને દાદા આઇએએસ ઓફિસર હતા. જોકે, રાજકારણમાં જોડાવા અંગે અભિનેત્રી વિરોધાભાસી નિવેદનો આપતી રહી છે. અલબત્ત એ જોડાશે તોય નવાઈ નહીં લાગે અને દૂર રહેશે તોય આશ્ર્ચર્ય નહીં થાય. કંગનાએ ‘પંગા’ રિલીઝ થવા પહેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘મને લાગે છે કે પંગા લેના (દુશ્મનાવટને આમંત્રણ આપવું) મારી જિંદગીનો ફંડા છે. મારું મન માને એ જ હું કરતી આવી છું. કિશોર અવસ્થામાં જ મેં ઘર છોડી દીધું હતું. મારા પર હુકમ ચલાવવાવાળું કોઈ નહોતું. ૧૭ વર્ષની ઉંમરે મેં કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી ‘મૈં પંગા લે રહી હૂં.’ શક્ય છે કે ‘મારું વર્તન ક્યારેક બાલિશ હશે, પણ હું કાયમ મારું મન કહે એ જ કરતી આવી છું.’ અનુપમા ચોપડા પછી કોનો નંબર લાગશે? વેઈટ એન્ડ વોચ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button