મેટિની

કમલેશ્વર: સિનેમા-સાહિત્યનું કમાલનું કોકટેલ કોમ્બિનેશન

સ્ટાર-યાર-કલાકારઃસંજય છેલ

‘આદમી નામ કી ચીઝ કભી બાસી નહીં હોતી.’
…..
‘કથાઓ, કલ્પનામાંથી નથી જન્મતી. તે મનની અકળામણમાંથી જન્મે છે.’
…..
‘સિનેમા સ્વપ્ન જેવું લાગે છે ભલે, પરંતુ એ પોતાના સમયની ચિંતા સૂક્ષ્મ રૂપે રજૂ કરે છે.’
…..
‘સામાન્ય માણસને લખવો સૌથી મુશ્કેલ છે, કારણ કે એની પાસે ખુદને છુપાવવા કોઈ મુખવટો નથી હોતો.’

આ વિભિન્ન વિચારો જેના છે, એ હતા 6 જાન્યુઆરી 1932માં જન્મેલા સાહિત્યકાર ને ફિલ્મી લેખક-‘ધી કમલેશ્વર’ના …

હું 1993માં કમલેશ્વરને મળવા મલાડના એક ફ્લટમાં ગયેલો, ખાલી કમરામાં પાથરેલા ગાદલા પર પાનાંઓની થપ્પી વચ્ચે ‘ચાર મીનાર’ સિગરેટના પાકિટ, એશ-ટ્રે ને ચા ના ખાલી કપ સાથે કમલેશ્વર સાવ એકલા બેઠેલા, ત્યારે એ ‘ચંદ્રકાંતા’ સિરિયલ લખતા હતા, ફિલ્મોથી ખૂબ કંટળેલા કે મોહભંગની અવસ્થામાં હતા. એક જમાનાના હિંદીના અનોખા એવા આ લેખકનો દૂરદર્શન પર સરકારી કોન્ટેક્સટનો કોઇ ઠસ્સો કે રૂઆબ બચ્યો નહોતો. મારા માટે કોઇ સ્ટાર-રાઇટરને બદલે સાવ સાદા સીધા મિડલક્લાસના માણસ મને મળ્યા.

પોતાની એ જ મિડલક્લાસની સાચુકલી સાહિત્યિક સંવેદના સાથે જ 1970ના દાયકામાં હિન્દી સિનેમામાં આવ્યા. કમલેશ્વર ફિલ્મોને ન તો હલ્કી કે ફાલતુ માનતા કે ના તો સાવ ટાઇમપાસ. કમલેશ્વરે અનેક હિટ ફિલ્મો લખી. ‘આંધી’, ‘મૌસમ’, ‘અમાનુષ’, ‘પતિ પત્ની ઔર વો’, ‘મિસ્ટર નટવરલાલ’, ‘રામ બલરામ’, ‘સાજન કી સહેલી’, ‘સૌતન’ અને ‘ધ બર્નિંગ ટ્રેન’ જેવી 70 ફિલ્મમાં પટકથા કે સંવાદોના ફિલ્મી લેખનથી એ છવાઇ ગયેલા.

બી.આર.ચોપડા, હૃષિકેશ મુખર્જી, ગુલઝાર, બાસુ ચેટર્જી, શક્તિ સામંતા, વિજય આનંદ જેવા ટોચના નિર્માતા નિર્દેશકો માટે કામ કર્યું. હિંદી ઉર્દૂ સાહિત્યમાંથી મંટોથી લઇને મુંશી પ્રેમચંદ સુધી અનેક લેખકોએ ફિલ્મો લખી, પણ ખરી સફળતા માત્ર રાજેંદરસિંહ બેદી, રાહી માસૂમ રઝા અને કમલેશ્વરને જ મળી. એમાંયે 1970-80ના દાયકામાં સલીમજાવેદ, કાદર ખાન પછી કમલેશ્વરનું જ નામ સૌથી મોંઘા ને માનવંતા લેખક તરીકે લેવાતું.

કમલેશ્વરની સૌથી સફળ કે ચર્ચિત ફિલ્મ ‘આંધી’ હતી, જે એમની જ ‘કાલી આંધી’ નોવેલ પરથી ગુલઝારે બનાવેલી. ફિલ્મમાં હીરોઇન સુચિત્રા સેનનું પાત્ર ત્યારનાં વડા પ્રધાન ઇંદિરા ગાંધીની ઇમેજના પડછાયા જેવું જ લાગતું. એટલે જ 1975ની ઇમર્જન્સી દરમિયાન ઇંદિરા સરકારે ‘આંધી’ પર પ્રતિબંધ મૂકેલો. કમલેશ્વર કહેતા, ‘કલા ને સાહિત્ય જો સમાજનું સાચું પ્રતિબિંબ દેખાડે તો એ સત્તાને અસ્વસ્થ કરી મૂકે છે. કલા, સત્તા પર હુમલો કરતી નથી, પરંતુ અરીસો બતાવે છે.’

જોકે કમલેશ્વર માત્ર ગંભીર લેખક નહોતા. અમોલ પાલેકરવાળી ‘છોટી સી બાત’ અને ‘રંગ બિરંગી’ જેવી ફિલ્મોમાં એમણે મધ્યમવર્ગીય જીવનને હળવા હાસ્યમાં ઉતાર્યું. સંજીવ કુમાર અભિનીત ‘પતિ પત્ની ઔર વો’ જેવી કોમેડી માટે કમલેશ્વરને ‘ફિલ્મફેર’ પુરસ્કાર પણ મળ્યો.

એકવાર એક ધંધાડુ નિર્માતાએ કમલેશ્વરને કહ્યું: ‘તમારા સંવાદ બહુ જ વાસ્તવિક છે, ફિલ્મી નથી.’
કમલેશ્વરે શાંતિથી કહ્યું: ‘વાસ્તવિકતા અમૂલ્ય ચીજ છે. તમને જો માત્ર હવાઇ કલ્પનાઓ જ જોઈતી હોય, તો કોઇ ફિલ્મી લેખક બોલાવો.’

1971ની ‘સારા આકાશ’ જેવી આર્ટ ફિલ્મથી લઇને 1984ની ‘રંગબિરંગી’ જેવી રમૂજી ફિલ્મ સુધીની ફિલ્મોમાં ખૂબ નામદામ કમાયા પણ પછી ફિલ્મો ફ્લોપ થવા માંડી ત્યારે કહેલું: ‘યહાં કામયાબી વો ચીઝ હૈ જિસે સિનેમાવાલે જાદૂઇ તાવિઝ કી તરહ ગલેમેં બાંધે રખતે હૈ.’

કમલેશ્વર, ભારતીય ટીવી જગતના પહેલા સ્ટાર એંકર હતા. 70ના દાયકાની શરૂઆતમાં દિલ્લી દૂરદર્શનમાં ઉચ્ચ હોદ્દા પર હતા ને ‘પરિક્રમા’ ને ‘પત્રિકા’ જેવા સામજિક ટોકશોના અદ્ભુત સંચાલક હતા. ત્યારે સરકારી ચેનલ દૂરદર્શન હતી. ‘પરિક્રમા’ પ્રોગ્રામ લાઇવ ટેલિકાસ્ટ હોવા છતાંયે એમાં અભણ મજૂરો, કામદારો, વ્યંઢળો, વેશ્યાઓને ચર્ચાઓમાં બિન્દાસ બોલાવતા. ગરીબોની સમસ્યાઓ અને સંઘર્ષને લોકો સુધી કોઇ સેન્સરશિપ વિના દેખાડતા.

એક શોમાં તો કચરા ઉપાડનાર બાળકે સરકારને ટીવી પર ગંદી ગાળ પણ આપેલી! કમલેશ્વરના માટે ટીવી પત્રકારિતાનો અર્થ મનોરંજન કે સરકારી પ્રચાર નહીં, પરંતુ અવાજ વિનાના લોકોનો અવાજ હતો. ચર્ચાસ્પદ ‘પરિક્રમા’ના એક શોમાં એક યુવાન કવિ, કેમેરા સામે ગભરાઈ ગયો ત્યારે કમલેશ્વરે કહ્યું, ‘કવિતા કો સમજાઓ મત. સિર્ફ યહ કહો કિ કવિ કો કહાં દર્દ હુઆ?’

1990ના દાયકામાં મનોરંજક ટી.વી. સરિયલો શરૂ થઇ ત્યારે ‘ચંદ્રકાંતા’, ‘યુગ’, ‘બેતાલ પચીસી’ ને ‘આકાશ ગંગા’ જેવી ખૂબ લોકપ્રિય સિરિયલો લખી. એમાંયે ઇરફાન ખાનની પહેલી હિટ સિરિયલ,‘ચંદ્રકાંતા’ તો આજેય એશિયાભરમાં ખૂબ જોવાય છે. કમલેશ્વરે 1960ના દાયકામાં હિંદી સાહિત્યમાં ‘નઈ કહાની’ નામના આંદોલન દ્વારા હિન્દી સાહિત્યને મોટા મોટા આદર્શોમાંથી બહાર કાઢીને સામાન્ય માનવીના સંઘર્ષ તરફ વાળ્યું.

1950-60ના દાયકામાં, આઝાદી પછીની બેકારી ભૂખમરાને લીધે લોકો આશા ગુમાવી બેઠેલા ત્યારે કમલેશ્વરની વાર્તાઓ, નવલકથાઓમાં એવો માણસ દેખાયો જે બહારથી તો જીવન સંભાળે છે, પરંતુ અંદરથી સતત દુનિયાદારી સાથે સમાધાન કરી લડે રાખે છે. ભાડાનાં ઘરો, નાનાં શહેરો, અટવાયેલા લગ્ન, અધૂરી લાગણીઓ વગેરેથી લથબથ વાર્તાઓ લખી.

‘રાજા નરબંસિયા’, ‘કસ્બે કા આદમી’, ‘એક સડક સત્તાવન ગલીઓ’ અને ‘રેગિસ્તાન’ જેવી નવલકથાઓમાં કોઈ નાટકીય વિસ્ફોટ નથી. એ બધામાં માણસ રોજ થોડું થોડું ગુમાવતો જાય છે, મરતો જાય છે, એની પીડા ઝલકતી હતી.

છેલ્લે કમલેશ્વરે ‘કિતને પાકિસ્તાન’ નવલકથા લખી, જે ખૂબ વંચાઇ ને વેંચાઇ. આ નવલકથા માત્ર દેશના ભાગલા વિશે નથી, પણ માણસને માણસથી અલગ કરવાની હિંસક વૃત્તિ વિશે છે. બે દેશની સરહદો અને વતન ઝુરાપાને લીધે જન્મતા સ્મૃતિઓના સવાલોવાળી આ રચના માટે કમલેશ્વરને ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’ મળ્યો. બાદમાં ‘પદ્મભૂષણ’થી પણ સન્માનિત કરવામાં આવ્યા, છતાં કમલેશ્વર હંમેશાં કહેતા કે પુરસ્કાર લેખનનો અંત નથી.

લેખકની કલમ દ્વારા પ્રશ્ન પૂછવાનું બંધ થવું એ અંત છે. કમલેશ્વરનો અંત આવ્યો, 27 જાન્યુઆરી 2007એ, પણ પાછળ ફિલ્મો અને કિતાબો મૂકતા ગયા. આજે જ્યારે ફિલ્મો ખાલી ભૂતડાંઓવાળું મનોરંજન કે સરકારી પ્રચાર વેંચે છે, ત્યારે કમલેશ્વરની એક વાત યાદ આવે છે:
‘સાચી વાર્તા ક્યારેય ચીસો નથી પાડતી.
એ તો ધીમે ધીમે મનની ભીતર ઉઘડે છે.’

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button