મનોરંજનનું મેઘધનુષઃ ધીમી પણ મક્કમ ગતિએ બોલિવૂડમાં આગળ વધી રહી છે ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા…

ઉમેશ ત્રિવેદી
ઢોલિવૂડની કોઈ અભિનેત્રી બોલિવૂડમાં ‘એન્ટ્રી’ કરે અને સતત ત્રણ વર્ષમાં એની ત્રણ ફિલ્મો હિન્દીમાં રજૂ થાય એવું પહેલી જ વાર થઈ રહ્યું છે. છેલ્લાં ઘણાં સમયથી ઢોલિવૂડ એટલે કે ગુજરાતી ફિલ્મની કોઈ અભિનેત્રી (એકાદ બે અપવાદ સાથે )બોલિવૂડમાં આવી નથી. જાનકીએ ગુજરાતી ફિલ્મોમાં 2015થી અભિનયની કારકિર્દીની શરૂઆત કરી છે અને તેની કારકિર્દી દરમિયાન અનેક ગુજરાતી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
જાનકી બોડીવાલાની પ્રથમ હિન્દી ફિલ્મ ‘શૈતાન’ એ તેની ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિ-મેક હતી. તેમાં જાનકી સિવાયના બધાં જ કલાકારો બદલાઈ ગયા હતા. ‘વશ’માં હિતુ કનોડિયા, હિતેનકુમાર, નીલમ પંચાલ અને જાનકી હતા. જ્યારે તેની રિમેક બનાવવામાં આવી ત્યારે અજય દેવગણ, જ્યોતિકા, આર. માધવન અને જાનકીની મુખ્ય ભૂમિકા હતી.
જાનકીની આ પ્રથમ જ હિન્દી ફિલ્મ હતી, પણ તેની ભૂમિકા ખૂબ જ બોલ્ડ અને બિન્ધાસ્ત હતી. આમ જોવા જોઈએ તો તેણે ‘વશ’માં જે કર્યું હતું. તે જ તેણે ‘શૈતાન’માં કરવાનું હતું. આ ફિલ્મ ‘વશ’ની ‘ફ્રેમ ટુ ફ્રેમ’ કોપી હતી. જોકે, જાનકીનું પાત્ર ‘વશ’માં પણ ખૂબ જ જટિલ હતું, પણ તેમાં તે મેદાન મારી ગઈ હતી તે જ રીતે ‘શૈતાન’માં પણ તેને આગવી સફળતા મળી હતી.
બોલિવૂડની ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરવાની હોય ત્યારે મુખ્ય હીરોની પુત્રીની ભૂમિકાથી કોઈ શરૂઆત કરવાનું પસંદ ન કરે, પણ જાનકીએ એ પસંદ કર્યું અને તેનું કામ ખૂબ જ વખણાયું. ‘વશ’ ફિલ્મનાં અભિનય માટે તેને 2025નો ‘નેશનલ ફિલ્મ ઍવોર્ડસ’ પણ મળ્યો હતો.
ત્યાર પછી જાનકીની બીજી ફિલ્મ હિન્દીમાં આવી ‘વશ લેવલ ટુ’ એ બોલિવૂડની ફિલ્મ નહોતી, પણ ગુજરાતી ફિલ્મને હિન્દીમાં ‘ડબ’ કરીને એ જ કલાકારો સાથે રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં પણ જાનકીનું કામ વખણાયું હતું. ફિલ્મમાં તેણે મેકઅપ સાથે જે અખતરા કર્યા હતા તે બોલિવૂડની કોઈ પણ અભિનેત્રી ન કરે એમ કહી શકાય.
હવે અત્યારે જાનકીની ત્રીજી ફિલ્મ આવી છે અને એ પણ શુદ્ધ બોલિવૂડની ફિલ્મ છે. એ નથી એ કોઈ રિમેક કે નથી ડબ થયેલી ફિલ્મ. ‘મર્દાની-થ્રી’માં મુખ્ય ભૂમિકામાં રાણી મુખર્જી છે, જ્યારે જાનકી બોડીવાલા આખી ફિલ્મમાં તેની સાથે ને સાથે દેખાય છે. જાનકીએ આ ફિલ્મમાં શિવાની શિવાજી રોયની ભૂમિકા ભજવનારી રાણી મુખર્જીની સહાયક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ફાતિમાની ભૂમિકા કરી છે.
જાનકી ખરેખર બોલ્ડ વિચારસરણી ધરાવે છે અને સારી ફિલ્મોમાં સારી ભૂમિકા કરવાનું તેનું ધ્યેય પાર પાડે છે. ફાતિમાના તેના પાત્રમાં ખૂબ જ ટ્વિસ્ટ અને ટર્ન્સ છે. ઘડીકમાં નેગેટિવ તો ઘડીકમાં પૂર્ણપણે પોઝિટિવ ભૂમિકા જાનકીએ બખૂબીથી નિભાવી છે. બોલિવૂડમાં ચીલાચાલુ હીરોઈનની ભૂમિકા ભજવવાને બદલે જાનકી અલગ-અલગ પ્રકારની ભૂમિકા ભજવી બોલિવૂડમાં કાંઈક અલગ જ સ્થાન જમાવે એવું લાગે છે.
અમદાવાદમાં 30 ઓક્ટોબર-2001ના જન્મેલી જાનકીએ શાળાનું શિક્ષણ અમદાવાદમાં લીધું છે અને ત્યાર પછી તેણે ગાંધીનગરમાંથી ‘બેચલર ઑફ ડેન્ટલ સર્જરી’ (બીડીએસ)ની ડિગ્રી મેળવી છે. 2019માં તેણે ‘મિસ ઈન્ડિયા’ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ‘મિસ ઈન્ડિયા’માં ગુજરાતની સ્પર્ધકમાંથી તેણે ‘ટોપ થ્રી’માં સ્થાન મેળવ્યું હતું.
જોકે તે અગાઉ તેણે અભિનય કારકિર્દીમાં માન-સન્માન મેળવી લીધા હતા. તેની અભિનય કારકિર્દીની શરૂઆત 2015માં આવેલી કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી થઈ હતી. ત્યાર પછી 2017માં તેની ત્રણ ફિલ્મો આવી ‘ઓ તારી’, ‘તંબૂરો’ અને ‘દોડ પકડ’. 2018માં ‘છૂટી જશે છક્કા’ – ‘તારી માટે વન્સમોર’, 2019માં ‘બઉ ના વિચાર’, 2022નાં ‘નાડી દોષ’ અને ‘તૂ રાજી રે’ પછી 2023માં આવી તેને ભરપૂર લોકપ્રિયતા અપાવનારી ‘વશ’. આ ફિલ્મે તેને લોકપ્રિયતા અપાવી અને સાથે જ બોલિવૂડ માટે દ્વાર પણ ખોલી આપ્યા.
2024માં ‘શૈતાન’ એ તેની પહેલી હિન્દી ફિલ્મ સાબિત થઈ. જોકે, તેણે ગુજરાતી ફિલ્મો પર પણ એટલું જ ધ્યાન આપ્યું છે. બોલિવૂડની ફિલ્મમાં કામ મળ્યા. પછી તેણે ઢોલિવૂડની ફિલ્મો બંધ નથી કરી. 2024માં તેની ગુજરાતી ફિલ્મ ‘ત્રિશા ઓન ધ રોક્સ’ રજૂ થઈ, ત્યારબાદ 2025માં જ ‘ચણિયા ટોળી’માં તે ‘આઈટમ ગીત’ કરતી દેખાઈ, જે ગુજરાતી ફિલ્મમાં નવીનતા હતી.
અને… હવે આવી ‘મર્દાની-થ્રી’ જેનાં પગલે જાનકી બોલિવૂડમાં સ્થિર થઈ જવાની શક્યતા છે. આજે માત્ર 25 વર્ષની ઉંમરે ‘યશરાજ ફિલ્મ્સ’ જેવું બેનર મેળવવું એ કાંઈ નાની- મોટી સિદ્ધિ નથી. રાણી મુખર્જી સાથેનાં દૃશ્યોમાં જાનકી બોલિવૂડની અભિનેત્રીની જેમ ગ્લેમરસ અવતારમાં નથી, પણ પોતાનું પાત્ર તે અલગ અંદાજથી ભજવી ગઈ છે. આમ, ઢોલિવૂડની આ સફળ અભિનેત્રી હવે બોલિવૂડમાં ધીમા પગલે, પણ કૂચ કરી રહી છે.
OTTનું હોટસ્પોટઃ
ટી-20 વર્લ્ડ કપની મેચની શરૂઆત સાથે પ્રભાસની ‘રાજાસાબ’નું આકર્ષણ
સાત ફેબ્રુઆરીથી આઈસીસી ટી-20 વર્લ્ડકપની મેચોની શરૂઆત થઈ રહી છે. ક્રિકેટ રસિયાઓ માટે તો આ ‘દિવાળી’ની શરૂઆત છે. ચોગ્ગા અને છગ્ગાની રમઝટ સોની લીવ, જિયો હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે, સાથે જ સ્ટાર સ્પોટર્સ પર પણ તેનું જીવંત પ્રસારણ માણવા મળશે.
જિયો હોટસ્ટાર: આ ઓટીટી પ્લેટફોર્મ પર આજે અને આવતા શુક્રવાર 13 ફ્રેબ્રુઆરીના બે નવી ફિલ્મ રજૂ થવાની છે. આજે એટલે કે છઠ્ઠી ફેબ્રુઆરીએ પ્રભાસ, સંજય દત્ત, માલવિકા મોહનન અને નિધિ અગ્રવાલ અભિનીત ફિલ્મ ‘રાજાસા’બ’ જોવા મળશે. તો આવતા શુક્રવાર તા. 13 ફેબ્રુઆરીએ કપિલ શર્મા અભિનીત ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું-ટૂ’ જોવા મળશે.
નેટફિલક્સ: આ ઓટીટી પ્લેટફોર્મ પર આજે (છ ફેબ્રુઆરીએ ‘ક્વિન ઓફ ચેસ’ નામની સિરીઝ જોવા મળશે. 11 ફેબ્રુઆરીએ અહીં મોના સિંહ અને વરુણ સોબતી અભિનીત ક્રાઈમ-મિસ્ટ્રી-થ્રીલર ‘કોહરા’ની બીજી સીઝનનું પ્રસારણ શરૂ થઈ રહ્યું છે, તો 12 ફેબ્રુઆરીએ અંગ્રેજી સિરીઝ ‘હાઉ ટુ ગેટ હેવન ફ્રોમ સાલ્વાડોર’ રજૂ થશે.
ઝી ફાઈવ: અહીં આજે (છ ફેબ્રુઆરીએ) થ્રીલર ‘પારાશક્તિ’નું પ્રસારણ થવાનું છે. તમિળમાં આ ફિલ્મને ખૂબ જ પ્રશંસા મળી હતી. તે જોતાં તેનાં દર્શકોની સંખ્યા ખાસ્સી હશે એમ કહી શકાય.



